ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વિમલસેનાને પુત્રજન્મ

Revision as of 17:17, 13 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિમલસેનાને પુત્રજન્મ

જેનો તૃષ્ણાપૂર્વક ત્યાગ કરી શકાય એવો તે ધમ્મિલ્લ સર્વે પ્રિયાઓની સાથે આમ સમય ગાળતો હતો. આ પ્રમાણે ઘણો કાળ જતાં રાજપુત્રી વિમલસેનાને પુત્ર થયો, અને તેનું પદ્મનાભ એવું નામ પાડવામાં આવ્યું. અનુક્રમે તે મોટો થયો અને વિદ્યાઓ ગ્રહણ કરીને પિતાના પૂર્વકર્મના પુણ્યોદયના પરિણામને તથા પોતાનાં સત્કર્મોના વિશિષ્ટ ઉદયને અનુભવતો રહેવા લાગ્યો. એ પ્રમાણે મિત્ર, બંધુ, પુત્ર અને પ્રિયાઓની સાથે સુખથી ધમ્મિલ્લનો સમય વીતતો હતો.

હવે, અનેક જનપદોમાં જિન ભગવાને ઉપદેશેલ વિધિ પ્રમાણે વિહાર કરતા, જગતના સર્વ જીવો વડે સ્મરણીય, શ્રુતમાં બતાવેલી રીતે ધર્મનો ઉપદેશ કરતા, અને શિષ્યોના પરિવારવાળા અને શ્રમણોના સમૂહમાં મુખ્ય એવા ધર્મરુચિ નામે અણગાર એક વાર કુશાગ્રપુર નગરમાં આવ્યા, અને વૈભારગિરિના શિખર ઉપર સમોસર્યા. સાધુને યોગ્ય પ્રાસુક પ્રદેશમાં યોગ્ય સ્થાન ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાને ભાવતા તેઓ વિચરતા હતા. રાજા અમિત્રદમને સાંભળ્યું કે, ‘મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ પ્રમાણે ચાર જ્ઞાન ધારણ કરનાર, મેઘનાદ જેવા ગંભીર સ્વરવાળા અને ધર્મરુચિ મનવાળા ભગવાન ધર્મરુચિ નામે અણગાર અહીં સમોસર્યા છે.’ એટલે હર્ષથી રોમાંચિત શરીરવાળો ધર્મપ્રેમી રાજા અને નગરજનો કુતૂહલથી ત્યાં ગયા. ધમ્મિલ્લને પણ એ ભગવાનનું આગમન કૌટુમ્બિક પુરુષોએ જણાવ્યું. આથી હર્ષ પામેલો ધમ્મિલ્લ પોતાના પરિવાર સહિત સમભ્રમપૂર્વક વૈભારગિરિ પહોંચ્યો. ત્યાં તપ, ચારિત્ર્ય અને ક્રિયા વડે શોષાયેલ શરીરવાળા શ્રમણો વડે શોભાયમાન ગિરિશિખર નીચેની ગુફા તેણે જોઈ. એ સાધુઓને પ્રણામ કરતો તે આગળ ચાલ્યો. આગળ જતાં તેણે શ્રમણોમાં ગંધહસ્તી સમાન, મૃદુ, વિશદ, મધુર અને મનોહર વચનોથી ધર્મ કહેતા ભગવાન ધર્મરુચિને જોયા. જઈને તેણે તેમને પ્રણામ કર્યાં. સર્વ સ્વર્ગોના સોપાન સમાન એ ભગવાને ધમ્મિલ્લને ‘ધર્મલાભ’ કહીને આવકાર આપ્યો, અને સર્વ જગતને સુખકારક ધર્મ તેને કહ્યો. ઉપદેશ પૂરો થતાં ધમ્મિલ્લે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણનાર તે સાધુને વંદન કરીને પોતાની તપશ્ચર્યા સંબંધમાં પ્રશ્ન કર્યો કે, ‘મેં પૂર્વજન્મમાં એવું શું કર્યું છે, જેથી આ સુખદુઃખની પરંપરાને હું પામ્યો?’ એટલે સાધુએ કહ્યું -