ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ધમ્મિલ્લના પૂર્વજન્મની કથામાં સુનંદનો ભવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધમ્મિલ્લના પૂર્વજન્મની કથામાં સુનંદનો ભવ

‘આ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં ભરુકચ્છ નામે નગર છે. ત્યાં જિતશત્રુ રાજા હતો, તેની રાણી ધારિણી નામે હતી. એ નગરમાં કુલ અને રૂપને છાજતા વૈભવવાળો અને જિનશાસનના શ્રવણથી રહિત બુદ્ધિવાળો મહાધન નામે ગૃહપતિ હતો અને તેની પત્ની સુનંદા નામે હતી. હે ધમ્મિલ્લ! આ ભવથી ત્રીજા ભવમાં તું સુનંદ નામે તેઓનો પુત્ર હતો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે સુનંદ આઠ વર્ષથી કંઈક મોટો થયો એટલે માતાપિતાએ તેને કલા-આચાર્યને ત્યાં મૂક્યો. ત્યાં તેણે કલાઓનો યથાયોગ્ય અભ્યાસ કર્યો.

કેટલાક સમય પછી તે બાળકનાં માતાપિતાના અગાઉના પરિચિત પ્રિય પરોણા આવ્યા. તેઓ ત્વરાથી એ પરોણાઓને ભેટ્યાં, સ્નિગ્ધ અને મધુર વચનથી તેમને બોલાવ્યા, કુલગૃહ અને સગાસંબંધીઓનું ક્ષેમકુશળ પૂછીને સત્કાર કર્યો. એ પરોણાઓને આસન આપવામાં આવ્યું તે ઉપર તેઓ બેઠા, અને પગ ધોઈને સુખપૂર્વક તેઓ નિશ્ચિન્તપણે ત્યાં રહ્યા. પછી પેલા પુત્રને પિતાએ કહ્યું, ‘બેટા! કસાઈવાડામાં જઈને માંસ લઈ આવ.’ એટલે પરોણાઓના માણસ સાથે પૈસા લઈને તે કસાઈવાડામાં ગયો, પરન્તુ તે દિવસના કંઈક યોગે માંસ મળ્યું નહીં. એટલે પરોણાઓના માણસે છોકરાને કહ્યું, ‘ભાઈ! ચાલો માછીવાડામાં જઈએ.’ છોકરાએ હા પાડી. તેઓને માછીવાડામાંથી પાંચ જીવતાં માછલાં મળ્યાં. છોકરાએ વારવા છતાં પરોણાના માણસે તે લીધાં. માછલાં લઈને જે માર્ગે આવ્યા હતા તે માર્ગે જ તેઓ પાછા વળ્યા. ચાલતાં ચાલતાં તેઓ જળાશય આગળ આવ્યા. પેલા માણસે છોકરાને કહ્યું, ‘આ માછલાં લઈને તું જા. આગળ મારી રાહ જોજે. હું જંગલ જઈને આવું છું.’ પછી જળની પાસે માછલાંને તરફડતાં જોઈને જેને અનુકંપા થઈ છે એવા તે છોકરાએ કર્મોપશમની ભવિતવ્યતાથી માછલાંને પાણીમાં છોડી દીધાં. ક્ષીણ કર્મવાળા આત્માઓ જેમ નિર્વાણમાં જાય તેમ એ માછલાં પણ શીઘ્રતાથી પાણીમાં પેસી ગયાં. પેલો માણસ આવીને છોકરાને પૂછવા લાગ્યો, ‘માછલાં ક્યાં?’ તેણે ઉત્તર આપ્યો, ‘પાણીમાં મૂકી દીધાં.’ એટલે પેલાએ કહ્યું, ‘ભાઈ! આ ઠીક ન કર્યું. તારા પિતા ક્રોધે ભરાશે.’ પછી તે બન્ને જણા ઘેર ગયા. પિતાએ છોકરાને પૂછ્યું, ‘કેમ માંસ આણ્યું?’ એટલે નોકરે કહ્યું, ‘માંસના અભાવે જીવતાં માછલાં આણ્યાં હતાં, તે પણ રસ્તામાં આ છોકરાએ પાણીમાં મૂકી દીધાં.’ પિતાએ છોકરાને પૂછ્યું, ‘તેં કેમ માછલાં છોડી દીધાં?’ એટલે છોકરો બોલ્યો, ‘માછલાંને તરફડતાં જોઈને મને દયા આવી, અને મેં પાણીમાં મૂકી દીધાં. હવે તમારે જે કરવું હોય તે કરો.’ છોકરાએ આમ કહ્યું એટલે મિથ્યાત્વથી ગ્રસ્ત બુદ્ધિવાળો તેનો પિતા અત્યંત કોપે ચઢ્યો, અને કપાળમાં ત્રણ રેખા પાડી, ભ્રમર ઊંચી ચડાવી કોઈ પ્રકારની દયા વગર તે છોકરાને નેતરથી મારવા માંડ્યો. મિત્ર, બાંધવ અને પરિજનોએ વારવા છતાં તે મારતો રહ્યો નહીં. છેવટે પોતાની ઇચ્છાથી જ તેણે મારવાનું બંધ કર્યું. પછી શારીરિક અને માનસિક સંતાપ પામેલો, પિતા વડે અનેક પ્રકારના ત્રાસ, ધમકાવટ અને અપમાનોથી તિરસ્કાર પામતો, શરીર ક્ષીણ થતાં અંતે તે પુત્ર મરણ પામ્યો.