ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/કાન અને હૃદય વિનાનો ગધેડો

Revision as of 15:56, 17 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાન અને હૃદય વિનાનો ગધેડો

કોઈ એક વનપ્રદેશમાં કરાલકેસર નામે સિંહ રહેતો હતો. ધૂસરક નામે શિયાળ તેનો સદાકાળનો અનુયાયી સેવક હતો. એક વાર હાથી સાથે યુદ્ધ કરતાં સિંહના શરીરે પ્રહારો થયા હતા, જેથી તે એક ડગલું પણ ચાલી શકતો નહોતો. તેની ચાલવાની અશક્તિને કારણે (શિકારનું માંસ નહિ મળવાથી) ભૂખથી જેનો કંઠ મળી ગયો હતો એવો ધૂસરક દુર્બળ બની ગયો. એક વાર તેણે સિંહને કહ્યું, ‘સ્વામી! ભૂખથી પીડાતો એવો હું એક પગલું પણ ચાલી શકતો નથી. માટે તમારી સારવાર શી રીતે કરું?’ સિંહ બોલ્યો, ‘અરે! જા કોઈ પ્રાણીને ખોળી લાવ, જેથી આ અવસ્થાને પામેલો હોવા છતાં હું તેનો વધ કરું.’

એ સાંભળીને પ્રાણીની શોધ કરતો શિયાળ પાસેના કોઈ ગામમાં પહોંચ્યો. ત્યાં તળાવના કિનારે છૂટાછવાયા ઊગેલા ધરોના અંકુરોને મુશ્કેલીએ ચરતો લંબકર્ણ નામે ગધેડો તેણે જોયો. પછી તેની પાસે જઈને તેણે કહ્યું, ‘મામા! મારો આ નમસ્કાર સ્વીકારો! ઘણા સમયે તમને મળ્યો છું. તમે આવા દૂબળા કેમ થઈ ગયા છો?’ ગધેડો બોલ્યો, ‘ભાણેજ! શું કહું? અતિ નિર્દય ધોબી ઘણો ભાર ઉપડાવીને મને દમે છે; અને ઘાસનો એક પૂળો પણ આપતો નથી. ધૂળથી મિશ્રિત થયેલા કેવળ ધરોના અંકુરો જ હું ખાઉં છું. પછી મારા શરીરને પુષ્ટિ ક્યાંથી મળે?’ શિયાળ બોલ્યો, ‘મામા! જો એમ હોય તો, મરકત જેવાં લીલાં ઘાસથી ભરપૂર તથા નદીવાળો એક રમણીય પ્રદેશ છે, ત્યાં મારી સાથે આવો. જેથી આપણે સુભાષિતગોષ્ઠિનું સુખ અનુભવીએ.’ લંબકર્ણ બોલ્યો, ‘હે ભાણેજ! તેં ઠીક કહ્યું છે. પરન્તુ અમે ગામડિયાં પણ છીએ, અને અરણ્યવાસી પ્રાણીઓ અમારો વધ કરી નાખે છે, એટલે અમારે માટે તે ભવ્ય પ્રદેશ શા કામનો?’ શિયાળે કહ્યું, ‘મામા! એમ ન બોલશો. એ પ્રદેશ મારા બાહુ વડે રક્ષાયેલો છે. ત્યાં બીજો કોઈ નથી. વળી આ જ (ભૂખના) દોષથી દુઃખ પામેલી અને ધોબી વડે પીડાયેલી ત્રણ અનાથ ગધેડીઓ પણ ત્યાં છે. (ત્યાં રહેવાથી) પુષ્ટિ પામેલી અને યૌવનોન્મત્ત એવી તેઓએ મને કહ્યું હતું કે, ‘તમે જો અમારા સાચા મામા હો તો કોઈ ગામમાં જઈને અમારે યોગ્ય કોઈ પતિને લાવો; તેઓને માટે હું તમને ત્યાં લઈ જાઉં છું.’ પછી શિયાળનાં વચન સાંભળીને કામથી પીડાયેલાં અંગવાળા તે ગધેડાએ તેને કહ્યું, ‘ભદ્ર! જો એમ હોય તો આગળ થા, એટલે હું આવું.’ અથવા આ ખરું કહ્યું છે કે

આ જગતમાં એક માત્ર નિતમ્બિની સ્ત્રી સિવાય બીજું કંઈ અમૃત નથી અથવા વિષ નથી, કે જેના સંયોગથી જિવાય છે અને જેના વિયોગથી મરણ થાય છે.

તેમ જ

જેમના સંગમ અને દર્શન વિના માત્ર નામ સાંભળવાથી પણ કામ ઉત્પન્ન થાય તે સ્ત્રીઓનાં નેત્રનો સમાગમ પામીને પુરુષ જો ન દ્રવે તો એ કૌતુક જ ગણાય.

એ પ્રમાણે નક્કી ર્ક્યા પછી ગધેડો શિયાળની સાથે સિંહ પાસે આવ્યો. વ્યથાથી વ્યાકુળ થયેલો સિંહ પણ તેને જોઈને જ્યાં કૂદવા ગયો ત્યાં નાસવા લાગ્યો. પછી નાસતા એવા તેના ઉપર સિંહે પંજાનો પ્રહાર કર્યો, પરન્તુ મંદભાગીના પ્રયત્નની જેમ તે વ્યર્થ ગયો.

એ સમયે ક્રોધ પામેલો શિયાળ સિંહને કહેવા લાગ્યો, ‘અરે! તમારો પ્રહાર એવો કયા પ્રકારનો કે ગધેડો પણ તમારી પાસેથી બળાત્કારે નાસી જાય? તમે હાથીની સાથે યુદ્ધ શી રીતે કરવાના હતા? માટે તમારું બળ તો જોઈ લીધું!’ એટલે લજ્જાભર્યું સ્મિત કરતો સિંહ બોલ્યો, ‘અરે! હું શું કરું? હું તરાપ મારવાને તૈયાર થઈને બેઠો નહોતો, નહિ તો મારી તરાપના આક્રમણમાંથી હાથી પણ છટકી શકે નહિ.’ શિયાળે કહ્યું, ‘હજી પણ એક વાર તેને તમારી પાસે લાવીશ; પણ તમારે તરાપ મારવાને તૈયાર થઈને બેસવું.’ સિંહે કહ્યું, ‘પણ જે મને પ્રત્યક્ષ જોઈને ગયો છે તે ફરી શી રીતે આવશે? માટે બીજા કોઈ પ્રાણીની શોધ કર.’ શિયાળ બોલ્યો, ‘તમારે એનું શું કામ છે? તમે માત્ર તરાપ મારવા તૈયાર થઈને બેસો.’ એ પ્રમાણે નક્કી કર્યા પછી શિયાળ ગધેડાના માર્ગે ગયો તો તેને તે જ સ્થાને ચરતો જોયો. પછી શિયાળને જોઈને ગધેડો બોલ્યો, ‘હે ભાણેજ! તું મને બહુ સારા ઠેકાણે લઈ ગયો હતો! જેના અતિ ભયંકર અને વજ્રસમાન કરપ્રહારમાંથી હું છૂટી ગયો તે પ્રાણી કયું હતું, એ મને કહે.’ તે સાંભળીને શિયાળ હસતાં હસતાં બોલ્યો, ‘ભદ્ર! તને આવતો જોઈને ગધેડી તને અનુરાગપૂર્વક આલિંગન કરવા ઊભી થઈ હતી. પણ તું તો કાયરપણાથી નાસી ગયો. એ તો તારા વિના રહી પણ શકતી નથી. નાસતા એવા તને અટકાવવા માટે તેણે પંજો માર્યો હતો. બીજા કોઈ કારણથી નહિ. માટે તું આવ. એ તો તારે માટે પ્રાણાન્તિક અનશન લઈને બેઠી છે, અને કહે છે કે, ‘જો લંબકર્ણ મારો પતિ નહિ થાય તો હું અગ્નિમાં અથવા જળમાં પ્રવેશીશ અથવા ઝેર ખાઈશ. પરન્તુ તેનો વિયોગ હું સહન કરી શકું તેમ નથી.’ વળી ભગવાન કામદેવ પણ તારા ઉપર કોપ કરશે. કહ્યું છે કે

મિથ્યા ફળની શોધ કરવા માટે જે કુબુદ્ધિવાળા મૂઢ જનો સર્વ ઇચ્છાઓ પૂરી કરનારી, કામદેવની સ્ત્રીરૂપી મહામુદ્રાનો ત્યાગ કરીને જાય છે, તેમને કામદેવે નિર્દયપણે પ્રહાર કરીને નગ્ન તથા મુંડિત કરી દીધા છે, તથા કેટલાકને રાતાં વસ્ત્ર પહેરનારા અને જટાધારી તેમ જ બીજા કેટલાકને કાપાલિક બનાવી દીધા છે.’

પછી તે ગધેડો શિયાળનું વચન શ્રદ્ધાપૂર્વક સાંભળીને ફરી વાર પણ તેની સાથે ચાલ્યો. અથવા ખરું કહ્યું છે કે

મનુષ્ય જાણવા છતાં દૈવવશાત્ નિન્દનીય કાર્ય કરે છે; બાકી આ જગતમાં નિન્દનીય કાર્ય શું કોઈને ગમે ખરું?

એ સમયે તરાપ મારવાને તૈયાર થઈ બેઠેલા સિંહે તે લંબકર્ણને મારી નાખ્યો, પછી તેને માર્યા પછી શિયાળને તેના રખેવાળ તરીકે મૂકીને તે પોતે નદીએ સ્નાન કરવાને ગયો. શિયાળ પણ લોલુપતાથી એ અધીરાઈથી ગધેડાના કાન અને હૃદય ખાઈ ગયો. એટલામાં સિંહ સ્નાન કરી, દેવતાનું પૂજન તથા પિતૃઓનું તર્પણ કરીને ત્યાં આવ્યો. તો ગધેડો કાન અને હૃદય વિનાનો પડ્યો હતો. એ જોઈને જેને હાડોહાડ ક્રોધ ચડ્યો હતો એવા સિંહે શિયાળને કહ્યું, ‘અરે પાપી! આ અનુચિત કર્મ તેં શા માટે કર્યું, કે કાન સાથે એનું હૃદય ખાઈ ગયો?’ શિયાળ બોલ્યો, ‘સ્વામી! એમ ન કહો, કારણ કે આ ગધેડો કાન અને હૃદય વિનાનો હતો એથી જ તે અહીં આવીને તમને જોયા છતાં ફરી વાર આવ્યો હતો.’ પછી તેનું આ શ્રદ્ધા રાખવાલાયક વચન સાંભળીને સિંહે તેની સાથે ભાગ પાડીને નિ:શંક મનથી તે ગધેડાનું ભક્ષણ કર્યું.