ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/ચાર મૂર્ખ પંડિત

Revision as of 16:40, 17 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચાર મૂર્ખ પંડિત

‘કોઈ એક નગરમાં પરસ્પર મિત્રતાવાળા ચાર બ્રાહ્મણો રહેતા હતા. બાલ્યાવસ્થામાં જ તેમને વિચાર થયો, ‘અરે! દેશાન્તરમાં જઈને આપણે વિદ્યા સંપાદન કરીએ.’ પછી એક દિવસે તે બ્રાહ્મણો પરસ્પર નિશ્ચય કરીને કાન્યકુબ્જ ગયા, અને ત્યાં વિદ્યામઠમાં ભણવા લાગ્યા. એ પ્રમાણે બાર વર્ષ સુધી એકચિત્તે અભ્યાસ કરીને તેઓ સર્વે વિદ્યાકુશળ થયા. પછી તે ચારે જણાએ મળીને કહ્યું, ‘આપણે સર્વ વિદ્યામાં પારંગત થયા છીએ, માટે ઉપાધ્યાયની વિદાય લઈને સ્વદેશ જઈએ.’ ‘એમ જ કરો’ એમ કહીને તે બ્રાહ્મણો ઉપાધ્યાયની વિદાય માગીને તથા રજા લઈને પુસ્તકો લઈને નીકળ્યા.

તેઓ પંથમાં થોડેક ગયા ત્યાં બે માર્ગ આવ્યા. ત્યાં સર્વે બેઠા. એક બોલ્યો, ‘કયે માર્ગ જઈશું?’ એ સમયે તે નગરમાં કોઈ વણિક મરણ પામ્યો હતો. તેને અગ્નિદાહ દેવા માટે મહાજનો જતા હતા. પછી તે ચારમાંથી એકે પુસ્તકમાં જોઈને કહ્યું કે ‘મહાજનો યેન ગત: સ પંથા:| મહાજનો જે માર્ગે જતા હોય તે માર્ગ છે. માટે આપણે મહાજનના માર્ગે જઈએ.’ પછી તે પંડિતો મહાજનના સમૂહની સાથે જતા હતા ત્યારે એ સ્મશાનમાં તેમણે કોઈ ગધેડો જોયો. પછી બીજાએ પુસ્તક ઉઘાડીને અવલોક્યું કે

‘રોગી અવસ્થામાં, દુઃખ આવી પડ્યું હોય ત્યારે, દુષ્કાળમાં, શત્રુના સંકટમાં, રાજદ્વારમાં અને સ્મશાનમાં જે સાથે ઊભો રહે છે તે બાંંધવ છે.

માટે અહો! આ આપણો બાંધવ છે.’ પછી કોઈ ગધેડાના ગળે વળગ્યો, અને કોઈ તેના પગ પખાળવા લાગ્યો, પછી તે પંડિતોએ દિશાનું અવલોકન કર્યું, તો કોઈ ઊંટ જોયો. તેઓએ કહ્યું, ‘આ શું?’ એટલે ત્રીજાએ પુસ્તક ઉપાડીને કહ્યું કે ‘ધર્મસ્ય ત્વરિતા ગતિ:| ધર્મની ગતિ ત્વરિત હોય છે, માટે આ ધર્મ છે.’ ચોથાએ કહ્યું, ‘ઇષ્ટં ધર્મેણયોજ્યેત્ | વહાલાને ધર્મની સાથે જોડવો જોઈએ.’ પછી તેઓએ ગધેડાને ઊંટના ગળામાં બાંધ્યો.

આ વાત કોઈએ (ગધેડાના માલિક) ધોબીને કહી. પછી ધોબી એ મૂર્ખ પંડિતોને મારવા માટે આવ્યો એટલામાં તેઓ નાસી ગયા. પછી તેઓ માર્ગમાં થોડેક આગળ ગયા, ત્યાં કોઈ નદી આવી, એ નદીના જળમાં એક ખાખરાનું પાંદડું આવતું જોઈને એક પંડિતે કહ્યું, ‘આગમિષ્યતિ યત્પત્રં તદસ્માસ્તારયિસ્યતિ| જે પાંદડું આવે છે તે આપણને તારશે.’ એમ કહીને તે એ પાંદડા ઉપર પડ્યો, અને નદીમાં તણાવા લાગ્યો. એ સમયે તેને તણાતો જોઈને બીજા પંડિતે તેની ચોટલી પકડીને કહ્યું કે

‘સર્વનાશે સમુત્પન્ને અર્ધં ત્યજતિ પણ્ડિત: |

અર્ધેન કુરુતે કાર્યે સર્વનાશો હિ દુ:સહ: ||

સર્વ વસ્તુનો નાશ આવી લાગે ત્યારે પંડિત અર્ધાનો ત્યાગ કરે છે અને અર્ધાથી કામ ચલાવે છે; કેમ કે સર્વ વસ્તુનો નાશ અસહ્ય છે.’

એમ કહીને તેણે એનું માથું કાપી નાખ્યું. પછી તેઓ ત્યાંથી પાછા ફરીને કોઈ ગામમાં આવી પહોંચ્યા. ગ્રામવાસીઓ તેમને નિમંત્રણ કરીને જુદે જુદે ઘેર લઈ ગયા. પછી એક જણને ઘી અને ખાંડવાળી સૂતરફેણી ભોજનમાં આપી. એટલે વિચાર કરીને તે પંડિતે કહ્યું, દીર્ઘસૂત્રી વિનશ્યતિ| ‘દીર્ઘસૂત્રી વિનાશ પામે છે.’ એમ કહીને ભોજનનો ત્યાગ કરીને તે ગયો. પછી બીજાને માંડા આપવામાં આવ્યા. તેણે પણ કહ્યું, ‘અતિવિસ્તરવિસ્તીર્ણં ન તદ્ભવેચ્ચિરાયુષમ્| જે અતિ વિસ્તારવાળું હોય તે ચિરાયુ થતું નથી.’ તે પણ ભોજન છોડીને ગયો. પછી ત્રીજાને વડાંનું ભોજન આપવામાં આવ્યું, ત્યાં પણ પંડિતે કહ્યું, ‘છિદ્રેધ્વનર્થા બહુલીભવન્તિ| છિદ્રમાં ઘણા અનર્થો થાય છે.’

એ પ્રમાણે ભૂખથી મળી ગયેલા કંઠવાળા તે ત્રણે પંડિતો લોકોની હાંસીને પાત્ર થઈ તે સ્થાનમાંથી સ્વદેશમાં ગયા.

પછી સુવર્ણસિદ્ધિએ કહ્યું કે, ‘લોકવ્યવહારને નહિ જાણતો તું મેં વાર્યા છતાં રહ્યો નહિ, તેથી આવી અવસ્થાને પામ્યો છે. તેથી હું કહું છું કે —

શાસ્ત્રોમાં કુશળ હોવા છતાં જેઓ લોકાચારથી રહિત હોય છે તેઓ સર્વે, પેલા મૂર્ખ પંડિતોની જેમ, હાસ્યપાત્ર થાય છે.’

તે સાભળીને ચક્રધરે કહ્યું, ‘અહો! આ તો અકારણ થયું. ઘણી બુદ્ધિવાળા મનુષ્યો પણ દુષ્ટ દૈવથી હારીને નાશ પામે છે, અને અલ્પ બુદ્ધિવાળા પણ એક કુળમાં હંમેશાં આનંદ કરે છે. કહ્યું છે કે

અરક્ષિત પણ દૈવ વડે રક્ષાયેલું હોય તો રહે છે; સુરક્ષિત પણ દૈવથી હણાયેલું પામેલું હોય તો નાશ પામે છે; વનમાં ત્યજી દેવામાં આવેલો અનાથ પણ જીવે છે, અને ઘેર પ્રયત્ન કરવા છતાં પણ જીવતો નથી.

તેમ જ

શતબુદ્ધિને ઊંચે ઉપાડેલો છે અને સહબુદ્ધિ લટકે છે; હે ભદ્રે! એકબુદ્ધિ એવો હું નિર્મળ જળમાં ક્રીડા કરું છું.’

સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એ કેવી રીતે?’ ચક્રધર કહેવા લાગ્યો —-