ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સિંહને સજીવન કરનારા મૂર્ખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિંહને સજીવન કરનારા મૂર્ખો

‘કોઈ એક નગરમાં પરસ્પર ગાઢ મિત્રતાવાળા ચાર બ્રાહ્મણપુત્રો રહેતા હતા. તેમાંના ત્રણ જણ શાસ્ત્રના પારગામી, પણ બુદ્ધિરહિત હતા. એક કેવળ બુદ્ધિમાન, પણ શાસ્ત્રરહિત હતો. પછી એક વાર તે મિત્રોએ વિચાર કર્યો, દેશાન્તરમાં જઈને રાજાઓને સંતોષ પમાડીને ધનોપાર્જન ન કરવામાં આવે તો વિદ્યાથી શો ગુણ? માટે આપણે પૂર્વ દેશમાં જઈએ.’

એ પ્રમાણે કર્યા પછી, માર્ગમાં થોડેક ગયા પછી તેઓમાં જે મોટો હતો તેણે કહ્યું, ‘અહો! આપણામાં આ ચોથો મૂઢ — વિદ્યાહીન હોઈ કેવળ બુદ્ધિમાન છે. વિદ્યા વિના બુદ્ધિથી રાજા પાસેથી દાન લઈ શકાતું નથી. માટે મેં ઉપાર્જિત કરેલું ધન હું તેને નહિ આપું. તે ભલે પોતાને ઘેર જાય.’ પછી બીજાએ કહ્યું ‘હે સુબુદ્ધિ! તું તારે ઘેર જા, કારણ કે તારી પાસે વિદ્યા નથી. પછી ત્રીજાએ કહ્યું, ‘અહો! આમ કરવું યોગ્ય નથી. કારણ કે આપણે બાલ્યાવસ્થાથી એક સાથે રમેલા છીએ. માટે એ મહાનુભાવ ભલે આવે; આપણે મેળવેલા ધનના ભાગનો તે અધિકારી થશે. કહ્યું છે કે

જે લક્ષ્મી કેવળ કુલવધૂ જેવી હોય, અને વેશ્યાની જેમ જેનો ઉપભોગ પથિકો સામાન્યપણે કરી શકે નહિ તે શા કામની?

તેમ જ

‘આ પોતાનો અથવા આ પારકો’ એવી ગણના તો હલકાં ચિત્તવાળા મનુષ્યો કરે છે; ઉદાર ચરિતવાળા મનુષ્યો માટે તો આખી પૃથ્વી જ કુટુંબ છે.

માટે એ પણ ભલે આવે.’ એમ કર્યા પછી, માર્ગમાં જતાં તેઓએ મરેલા સિંહનાં હાડકાં જોયાં. પછી એકે કહ્યું કે, ‘આપણે વિદ્યાની ખાતરી કરીએ. આ કોઈ પ્રાણી મરેલું છે, તેને વિદ્યાના પ્રભાવથી આપણે જીવતું કરીએ. હું હાડકાં ભેગાં કરું છું.’ પછી એકે ઉત્સુકતાથી હાડકાં ભેગાં કર્યા. બીજાએ તેમાં ચામડું, માંસ અને લોહી મૂક્યાં. ત્રીજો જ્યારે એમાં જીવનો સંચાર કરતો હતો ત્યારે સુબુદ્ધિએ તેને અટકાવ્યો, ‘અરે! તું ઊભો રહે. આ તો સિંહ ઉત્પન્ન થાય છે, જો એને તું સજીવન કરીશ તો તે સર્વેનો નાશ કરશે.’ તેણે એમ કહ્યું, એટલે પેલો બોલ્યો, ‘મૂર્ખ! તને ધિક્કાર છે! હું વિદ્યાને નિષ્ફળ નહિ કરું.’ પછી તેણે કહ્યું, ‘તો હું ઝાડ ઉપર ચડી જાઉં ત્યાં સુધી ક્ષણ વાર ઊભો રહે.’ તેણે એમ કર્યા પછી પેલાએ સિંહને સજીવન કર્યો. એટલે સિંહે ઊઠીને તે ત્રણેને મારી નાખ્યા. અને સુબુદ્ધિ પણ વૃક્ષથી ઊતરીને ઘેર ગયો.

તેથી હું કહું છું કે — એવી વિદ્યા નહિ, પણ બુદ્ધિ સારી ગણાય છે; વિદ્યા કરતાં બુદ્ધિ ઉત્તમ છે. બુદ્ધિ વિનાના મનુષ્યો, સિંહને સજીવન કરનારાઓની જેમ, નાશ પામે છે.

વળી બીજું પણ કહ્યું છે કે

શાસ્ત્રોમાં કુશળ હોવા છતાં જેઓ લોકાચારથી રહિત હોય છે તેઓ સર્વે, પેલા મૂર્ખ પંડિતોની જેમ, હાસ્યપાત્ર થાય છે.’

ચક્રધર બોલ્યો, ‘એ કેવી રીતે?’ સુવર્ણસિદ્ધિ કહેવા લાગ્યો —