ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/સ્યમન્તક મણિની કથા

Revision as of 01:53, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ્યમન્તક મણિની કથા

સત્રાજિત સૂર્યભગવાનનો બહુ મોટો ભક્ત હતો. બંને ગાઢ મિત્રો બની ગયા હતા. સૂર્યે પ્રસન્ન થઈને પ્રેમથી તેને સ્યમન્તક મણિ ભેટ આપ્યો હતો. એ મણિ ધારણ કરે એટલે પોતે સૂર્ય જ લાગવા માંડે. જ્યારે સત્રાજિત દ્વારકામાં આવ્યો ત્યારે લોકો તેના તેજને કારણે ઓળખી ન શક્યા. દૂરથી જ લોકોની આંખો તેજથી વીંધાઈ ગઈ. તેમણે એમ જ માની લીધું કે સૂર્યભગવાન જ આવી રહ્યા છે. તેમણે શ્રીકૃષ્ણને આ વાત કરી. તે વખતે શ્રીકૃષ્ણ ચોપાટ રમી રહ્યા હતા, ‘ભગવાન, પ્રચંડ તેજવાળા સૂર્ય તમારું દર્શન કરવા આવી રહ્યા છે. બધા જ શ્રેષ્ઠ દેવતા તમને મેળવવા માગે છે, પણ તમને પ્રાપ્ત કરી શકતા નથી. આજે તમને યાદવોમાં સંતાયેલા જોઈ તમારું દર્શન કરવા માગે છે.’

અજ્ઞાની લોકોની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા, બોલ્યા, ‘અરે એ સૂર્ય નહીં, આ તો સત્રાજિત છે, તે મણિને કારણે તેજસ્વી દેખાય છે.’ પછી સત્રાજિત પોતાને ઘેર આવી ચઢ્યો. તેના આગમન નિમિત્તે ઘરના ઉત્સવ મનાવતા હતા. તેણે બ્રાહ્મણો પાસે સ્યમન્તક મણિ એક દેવમંદિરમાં સ્થપાવી દીધો. તે મણિ દરરોજ આઠ ભાર સોનું આપતો હતો. જ્યાં તેની પૂજા થાય ત્યાં દુકાળ, મહામારી, ગ્રહપીડા, સર્પભય,માનસિક — શારીરિક વ્યથાઓ નડતાં નહીં, એક વેળા શ્રીકૃષ્ણે કહ્યું, ‘સત્રાજિત, તું તારો મણિ ઉગ્રસેન રાજાને આપી દે.’ પરંતુ સત્રાજિત એટલો બધો લોભી હતો કે શ્રીકૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તેણે એ વાત માની નહીં.

એક દિવસ સત્રાજિતનો ભાઈ પ્રસેન એ મણિ ગળે લટકાવીને શિકાર કરવા નીકળી પડ્યો. ત્યાં એક સિંહે પ્રસેનને તથા તેના ઘોડાને મારી નાખ્યા અને મણિ છિનવી લીધો. તે એક ગુફામાં પેસી જ રહ્યો હતો ત્યાં મણિ માટે ઋક્ષરાજ જાંબવાને તેને મારી નાખ્યો. તેણે એ મણિ બાળકોને રમવા આપી દીધો. પોતાનો ભાઈ પ્રસેન પાછો ન આવ્યો એટલે સત્રાજિતને દુઃખ થયું. તેણે કહ્યું, ‘કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો હશે. તે તો મણિ પહેરીને વનમાં ગયો હતો.’ સત્રાજિતની વાત સાંભળીને લોકો આમતેમ બબડવા લાગ્યા. શ્રીકૃષ્ણે પોતાના માથે આવેલું આ કલંક જાણ્યું, એટલે તે કલંકને દૂર કરવા કેટલાક લોકોને લઈને તેઓ વનમાં ગયા. ત્યાં શોધતાં શોધતાં ખબર પડી કે પ્રસેનને અને તેના ઘોડાને સિંહે મારી નાખ્યા છે. પછી સિંહનાં પગલાંને આધારે આગળ વધી જોયું તો કોઈ રીંછે સિંહને પણ મારી નાખ્યો છે.

શ્રીકૃષ્ણે બધાને બહાર બેસાડ્યા અને પોતે રીંછની ઘોર અંધારી ગુફામાં પેઠા. ત્યાં જઈને જોયું કે સ્યમન્તક મણિથી તો બાળકો રમી રહ્યા છે. તે ગુફામાં કોઈ અજાણ્યાને જોઈને બાળકોની ધાવ ચીસ પાડી ઊઠી. તે સાંભળીને જાંબવાન દોડી આવ્યો. ત્યારે તે ક્રોધે ભરાયો હતો. તેને શ્રીકૃષ્ણનાં શક્તિ- પ્રભાવની કશી ખબર નહીં, એટલે તે તો શ્રીકૃષ્ણની સાથે લડવા લાગ્યો. તેને મન તો શ્રીકૃષ્ણ એક સામાન્ય મનુષ્ય હતા. જેવી રીતે માંસને માટે બે બાજ લડે તેવી રીતે બંને ભયાનક યુદ્ધ કરવા લાગ્યા. પહેલાં તો અસ્ત્રશસ્ત્ર વાપર્યાં. પછી શિલાઓ ફેંકવા માંડી,

ત્યાર પછી વૃક્ષો ઉખાડીને ફેંકવા લાગ્યા. પછી બાહુયુદ્ધ શરૂ થયું, વજ્રપ્રહાર જેવી મુક્કાબાજીથી અઠ્ઠાવીસ દિવસ આ યુદ્ધ ચાલ્યું. છેવટે શ્રીકૃષ્ણના મારને કારણે જાંબવાન ઢીલો થઈ ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો, ત્યારે તે બોલ્યો, ‘ભગવાન, હું જાણી ગયો. તમે તો બધાં પ્રાણીઓના રક્ષક વિષ્ણુ છો. મને યાદ છે. જ્યારે તમે તિરછી નજરે સમુદ્ર સામે જોયું હતું ત્યારે બધાં જળચરો ક્ષુબ્ધ થઈ ગયાં હતાં, અને સમુદ્રે તમને માર્ગ આપ્યો હતો. પછી તમે સેતુ બાંધીને લંકા ગયા અને લંકાનો વિનાશ કર્યો હતો.’

જ્યારે જાંબવાને ભગવાનને ઓળખી લીધા ત્યારે ભગવાને તેના શરીરે પોતાનો શીતળ હાથ ફેરવ્યો. પછી બોલ્યા, ‘ઋક્ષરાજ, હું મણિ લેવા આ ગુફામાં આવ્યો છું. આ મણિને કારણે મારા પર કલંક લાગ્યું છે.’ ભગવાને આમ કહ્યું એટલે તેમણે પોતાની કન્યા જાંબવતી અને મણિ બંને આપી દીધાં.

શ્રીકૃષ્ણે જે લોકોને ગુફાની બહાર બેસાડ્યા હતા તેમણે બાર દિવસ તો રાહ જોઈ પછી તેઓ દુઃખી થઈને દ્વારકા જતા રહ્યા. શ્રીકૃષ્ણ ગુફામાંથી બહાર નીકળ્યા જ નથી એ જાણીને વસુદેવ, દેવકી, રુક્મિણીને દુઃખ થયું અને બધા સત્રાજિતની નિંદા કરવા લાગ્યા. શ્રીકૃષ્ણને પાછા આણવા માટે તેઓ દુર્ગામાતા પાસે ગયા અને તેમની પૂજા કરી. દુર્ગાએ પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા. તે જ વખતે શ્રીકૃષ્ણ મણિ અને નવોઢા જાંબવતીને લઈને આવી ચઢ્યા. બધાએ શ્રીકૃષ્ણને પત્ની સાથે જોયા, તેમના ગળામાં મણિ લટકતો હતો. જાણે મૃત્યુલોકમાંથી તેઓ પાછા આવ્યા એવું બધાને લાગ્યું.

પછી શ્રીકૃષ્ણે સત્રાજિતને ઉગ્રસેન રાજા પાસે બેસાડ્યો અને મણિ કેવી રીતે મળ્યો તે બધી વાત કરી, પછી મણિ સત્રાજિતને આપી દીધો. સત્રાજિત શરમાઈ ગયો, મણિ તો લીધો પણ તેનું માથું શરમથી ઝૂકી ગયું. પોતાના અપરાધ બદલ પસ્તાવો કરતો તે ઘેર ગયો. સતત તેની આંખો આગળ પોતાનો અપરાધ સાલવા લાગ્યો, બળવાનની સાથે આવો વિરોધ કરવાથી તે ડરી ગયો. ‘હવે હું શું કરું? શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય તે માટે શું કરવું? મારું કલ્યાણ કેવી રીતે થાય? ધનના લોભે મેં બહુ ખોટું કામ કર્યું, હવે હું સ્ત્રીરત્ન સત્યભામા અને મણિ બંને શ્રીકૃષ્ણને આપી દઉં. આ ઉપાય બહુ સારો છે. એનાથી મારો અપરાધ શમી જશે. બીજો કોઈ ઉપાય નથી.’

સત્રાજિતે આવે નિર્ધાર કરીને મણિ અને સત્યભામા— બંને શ્રીકૃષ્ણને આપી દીધાં. સત્યભામા તો રૂપે,ગુણે, ઉદારતાએ સમૃદ્ધ હતી, ઘણાની ઇચ્છા સત્યભામા મેળવવાની હતી, એટલે તેનું માગું પણ કર્યું હતું. શ્રીકૃષ્ણે વિધિપૂર્વક લગ્ન કર્યું પણ પછી સત્રાજિતને કહ્યું, ‘હું મણિ નહીં લઉં. તમે સૂર્યભક્ત છો, તો મણિ તમારી પાસે જ રાખો. તમે માત્ર એમાંથી જે સુવર્ણ મળે તે જ અમને આપતા રહેજો.’

શ્રીકૃષ્ણ જાણતા હતા કે લાક્ષાગૃહમાં લાગેલી આગમાંથી પાંડવો હેમખેમ બચી ગયા છે, તો પણ જ્યારે પાંડવો-કુંતી બળી મર્યાની વાત આવી ત્યારે વ્યવહાર કરવા તેઓ બલરામ સાથે હસ્તિનાપુર ગયા. ત્યાં જઈને ભીષ્મ, ગાંધારી, કૃપાચાર્ય, વિદુર, દ્રોણાચાર્યને મળીને ખરખરો કર્યો — ‘બહુ ખોટું થયું.’

હવે શ્રીકૃષ્ણ હસ્તિનાપુર જઈ ચઢ્યા ત્યારે દ્વારકામાં કૃતવર્મા અને અક્રૂૂરને મોકો મળ્યો. તેમણે શતધન્વાને કહ્યું, ‘તમે સત્રાજિત પાસેથી મણિ છિનવી કેમ લેતા નથી! સત્રાજિતે પોતાની કન્યાનું લગ્ન તમારી સાથે કરવાનું વચન આપ્યું હતું પણ પાછળથી તેણે પોતાની કન્યા શ્રીકૃષ્ણને આપી દીધી. હવે સત્રાજિત પણ પોતાના ભાઈ પ્રસેનની પાછળ મૃત્યુ કેમ ન પામે?’

શતધત્વા તો પાપી હતો, હવે તેના માથા પર મૃત્યુ સવાર થયું હતું, અક્રૂર અને કૃતવર્માની વાતોમાં તે આવી ગયો અને સૂઈ રહેલા સત્રાજિતને લોભી બનીને મારી નાખ્યો. સ્ત્રીઓ ભારે રુદન કરવા લાગી, પણ શતધન્વાએ તે તરફ જરાય ધ્યાન ન આપ્યું. જેવી રીતે કસાઈ પશુઓની હત્યા કરે તેમ સત્રાજિતને મારી નાખીને મણિ લઈને ત્યાંથી ભાગી ગયો.

સત્યભામાને આની જાણ થઈ, ત્યારે તે પિતાને યાદ કરીને ભારે કલ્પાંત કરવા લાગી. વચ્ચે વચ્ચે તે બેહોશ થઈ જતી, અને પછી રડવા લાગતી. પછી તેણે પોતાના પિતાના શબને તેલની કઢાઈમાં મૂકાવી દીધું, અને તે પોતે હસ્તિનાપુર જઈ પહોંચી. બહુ દુઃખી થઈને શ્રીકૃષ્ણને પોતાના પિતાની હત્યાવાળી વાત કહી. શ્રીકૃષ્ણ તો આ જાણતા જ હતા. તેમણે અને બલરામે આ બધી વાત સાંભળીને સામાન્ય માનવીઓની જેમ આંસુ સાર્યાં અને તેઓ આકંદ કરવા લાગ્યા, ‘આપણા પર કેવાં દુઃખ આવી પડ્યાં.’ પછી શ્રીકૃષ્ણ બલરામ અને સત્યભામા સાથે દ્વારકા આવી ગયા, શતધન્વાને મારીને મણિ છિનવી લેવાના પ્રયત્ન કરવા લાગ્યા.

જ્યારે શતધન્વાને શ્રીકૃષ્ણની આ યોજનાની જાણ થઈ ત્યારે તે ગભરાઈ ગયો અને જીવ બચાવવા કૃતવર્મા પાસે તેણે મદદ માગી. કૃતવર્માએ કહ્યું, ‘શ્રીકૃષ્ણ અને બલરામ તો સર્વશક્તિશાળી પરમાત્મા છે. હું તેમનો મુકાબલો કરી નહીં શકું. એમની સાથે વેર બાંધીને આ લોકમાં અને પરલોકમાં કોણ સુખી થઈ શકે? તું તો જાણે છે કે કંસ તેમની સાથે વેર બાંધીને બધું ખોઈ બેઠો હતો. જરાસન્ધ પણ યુદ્ધમાં હારી જઈને પોતાની રાજધાનીમાં જતો રહ્યો હતો.’ એટલે પછી શતધન્વાએ અક્રૂર પાસે મદદ માગી, તેમણે કહ્યું, ‘શ્રીકૃષ્ણની શક્તિ પારખીને તેમની સાથે વેર બાંધનાર કોણ છે? સાત વર્ષની ઉમરે તો તેમણે ગિરિરાજ ગોવર્ધનને ઊંચકી લીધો હતો. હું તો એમને વંદન કરું છું, તેમનાં કર્મ અદ્ભુત છે.’ જ્યારે અક્રૂરે પણ આવું કહ્યું ત્યારે શતધન્વા સ્યમન્તક મણિ તેમને સોંપીને પોતે ઘોડા પર સવાર થઈને ભાગ્યો.

શ્રીકૃષ્ણે અને બલરામે રથમાં બેસીને શતધન્વાનો પીછો કર્યો, મિથિલા નગરી પાસે શતધન્વાનો ઘોડો પડી ગયો એટલે તે પગે ચાલીને નીકળ્યો. શ્રીકૃષ્ણે પણ પગે ચાલીને પોતાના ચક્રથી તેનું મસ્તક્ કાપી નાખ્યું, તેનાં વસ્ત્રો તપાસી જોયાં, મણિ ત્યાં ન હતો. એટલે શ્રીકૃષ્ણે બલરામને કહ્યું, ‘આપણે તેને ખોટો માર્યો. મણિ તો તેની પાસે નથી.’

બલરામે કહ્યું, ‘શતધન્વાએ મણિ કોઈને સોંપ્યો જ હશે. હવે તમે દ્વારકા જઈને તપાસ કરો. હું વિદેહરાજ મારા મિત્ર છે એટલે તેમને મળવા માગું છું.’ એટલે બલરામ મિથિલા નગરી જતા રહ્યા, મિથિલાનરેશ બલરામને આવેલા જોઈ આનંદિત થઈ ગયા અને ઘણી બધી રીતે તેમનું સ્વાગત કર્યું, પછી તો વર્ષો સુધી બલરામ મિથિલાનગરીમાં રહી પડ્યા. જનક રાજાએ તેમને ખૂબ જ સન્માનથી રાખ્યા. પછી ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને તેમની પાસેથી ગદાયુદ્ધની તાલીમ લીધી.

શ્રીકૃષ્ણ સત્યભામાનું કાર્ય કરીને દ્વારકા આવ્યા, શતધન્વાને મારી નાખવા છતાં તેની પાસેથી મણિ ન મળ્યો, પછી શ્રીકૃષ્ણે સત્રાજિતની મરણોત્તર વિધિ કરાવી.

અક્રૂરે અને કૃતવર્માએ શતધન્વાને સત્રાજિતની હત્યા કરવા સમજાવ્યો હતો, હવે જ્યારે તેમને જાણ થઈ કે શતધન્વાને શ્રીકૃષ્ણે મારી નાખ્યો છે ત્યારે તેઓ ગભરાઈને દ્વારકાથી ભાગ્યા, કેટલાક એવું માને છે કે અક્રૂરના ગયા પછી દ્વારકાવાસીઓને ઘણાં બધાં અનિષ્ટ ભોગવવા પડ્યાં. પરંતુ આ લોકો ભૂતકાળ ભૂલી જાય છે. શ્રીકૃષ્ણની હાજરીમાં કોઈ ઉપદ્રવ સંભવે ખરો? તે વેળા નગરના વૃદ્ધ લોકોએ કહ્યું,‘એક વખત કાશીનરેશના રાજ્યમાં વર્ષા ન થઈ, ત્યારે તેમણે પોતાના રાજ્યમાં આવેલા અક્રૂરના પિતા સાથે પોતાની દીકરી ગાન્દિનીનો વિવાહ કર્યો. પછી ત્યાં વરસાદ પડ્યો. અક્રૂરનો પ્રભાવ પણ એવો જ છે, જ્યાં અક્રૂર હોય ત્યાં વરસાદ પડે જ.’

તેમની વાત સાંભળીને શ્રીકૃષ્ણે વિચાર્યું, ‘ઉપદ્રવનું આ કારણ તો નથી.’ પછી તેમણે અક્રૂરની શોધ ચલાવી, અને તેમને બોલાવીને હસતાં હસતાં કહ્યું, ‘તમે તો દાનધર્મના પાલક છો. અમને જાણ છે કે શતધન્વા તમને મણિ આપીને ગયો હતો, એ પ્રકાશિત મણિ ધન આપે છે. તમે તો જાણો છો કે સત્રાજિતને કોઈ પુત્ર નથી. એટલે તેમની દીકરીનાં સંતાનો જ પિંડદાન કરશે, જે કંઈ બચશે તેના તેઓ ઉત્તરાધિકારી હશે. સ્યમન્તક મણિ અમારા પુત્રોને જ મળવો જોઈએ, છતાં મણિ ભલે તમારી પાસે રહે. તમે તો વ્રતનિષ્ઠ છો, બીજાઓને માટે એ મણિ રાખી મૂકવો એ તમને ન શોભે. મારી સામે એક મુશ્કેલી છે. બલરામ મણિના સંબંધે મારી વાત પર વિશ્વાસ નથી મૂકતા. એટલે બલરામ, સત્યભામા અને જાંબવતીની શંકા દૂર કરો. તમે એ મણિના પ્રતાપે યજ્ઞ કરો છો, સુવર્ણવેદી રચો છો.’

શ્રીકૃષ્ણે જ્યારે તેમને આવી રીતે સમજાવ્યા ત્યારે અક્રૂરે વસ્ત્રમાં વીંટાળેલ મણિ શ્રીકૃષ્ણને આપી દીધો. શ્રીકૃષ્ણે એ મણિ સ્વજનોને દેખાડી પોતાના માથા પરનું કલંક દૂર કર્યું અને અક્રૂરને મણિ સોંપી દીધો.