ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/શ્રીકૃષ્ણની અન્ય પત્નીઓ
એક વાર શ્રીકૃષ્ણ પાંડવોને મળવા ગયા, ત્યાં અર્જુન સાથે ભમતાં ભમતાં એક તપસ્યારત કન્યા જોઈ. અર્જુને તેની પાસે જઈને પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે? કોની પુત્રી? ક્યાંથી આવી છે? શું કરવા ઇચ્છે છે? મને એવું લાગે છે કે તું યોગ્ય પતિની શોધમાં છે. તારી વાત કહે જોઈએ.’
‘હું સૂર્યભગવાનની પુત્રી છું. હું વિષ્ણુને પતિ રૂપે ઇચ્છું છું અને એટલા માટે આ ઘોર તપ કરી રહી છું. હું લક્ષ્મીપતિ સિવાય કોઈને પરણવા માગતી નથી. મારું નામ કાલિન્દી છે. યમુનાજળમાં સૂર્યે મારા માટે બનાવેલા એક ભવનમાં હું રહું છું. જ્યાં સુધી ભગવાનનું દર્શન નહીં થાય ત્યાં સુધી હું અહીં જ રહીશ.’
અર્જુને શ્રીકૃષ્ણ પાસે જઈને બધી વાત જણાવી. તેઓ તો પહેલેથી બધું જાણતા જ હતા… કૃષ્ણ સાત્યકિ વગેરેની સાથે દ્વારકા પાછા ફર્યા, ત્યાં વિવાહયોગ્ય સમય જોઈને કાલિન્દી સાથે લગ્ન કર્યું.
અવન્તીના રાજા હતા વિન્દ અને અનુવિન્દ, તેઓ દુર્યોધનના આશ્રિત અને અનુયાયી હતા. તેમની બહેન મિત્રવિન્દાએ સ્વયંવરમાં શ્રીકૃષ્ણ સાથે પરણવાની ઇચ્છા કરી પણ આ બંનેએ પોતાની બહેનને રોકી રાખી. મિત્રવિન્દા શ્રીકૃષ્ણના ફુઆ રાજાધિદેવની કન્યા હતી. શ્રીકૃષ્ણ રાજાઓની ભરી સભામાં તેનું અપહરણ કરી ગયા અને બધા રાજાઓ જોતા જ રહી ગયા.
કોસલદેશના રાજા નગ્નજિત. તે ખૂબ જ ધાર્મિક હતા. તેમની કન્યા હતી સત્યા. તેનું બીજું નામ નગ્નજિતી પણ હતું. રાજાની પ્રતિજ્ઞા પ્રમાણે સાત દુર્દાન્ત વૃષભને જે નાથે તેને જ પોતાની કન્યા પરણે. કોઈ રાજા આ કરી ન શક્યા, વૃષભોનાં શિંગડાં બહુ અણિયાળાં હતાં, અને તે વૃષભ કોઈ વીર પુરુષની ગન્ધ વેઠી શકતા ન હતા. શ્રીકૃષ્ણે આ સમાચાર સાંભળ્યા કે જે વૃષભોને નાથી શકે તેને જ સત્યા વરી શકે. તેઓ બહુ મોટી સેના લઈને કોસલદેશ પહોંચ્યા. રાજાએ આનંદિત થઈને તેમનો સત્કાર કર્યો. શ્રીકૃષ્ણે પણ અભિવાદન સારી રીતે કર્યું.
સત્યાએ જોયું કે મેં ઇચ્છેલા શ્રીકૃષ્ણ અહીં આવ્યા છે. ત્યારે તે મનોમન બોલી, ‘જો મેં વ્રતનિયમ પાળીને શ્રીકૃષ્ણનું જ ધ્યાન ધર્યું હોય તો તેઓ જ મારા પતિ બને.’
રાજાએ કહ્યું, ‘તમે તો જગતના સ્વામી છો, બોલો, તમારી શી સેવા કરું?’
શ્રીકૃષ્ણ રાજાના સત્કારથી સંતુષ્ટ થઈને હસતાં હસતાં બોલ્યા, ‘જે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિર હોય તેની પાસે કશું માગવું ન જોઈએ. છતાં તમારી સાથે પ્રેમપૂર્વક સંબંધ બાંધવા માટે હું તમારી કન્યા ઇચ્છું છું. અમારે ત્યાં આનું કોઈ શુલ્ક આપવાની રૂઢિ નથી.’
ત્યારે રાજાએ પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. ‘આ અમારા વૃષભને કોઈ નાથી શકતું નથી. તેમણે ઘણા રાજકુમારોને ઘાયલ કર્યા છે, જો તમે જ એમને નાથી લો તો મારી કન્યા તમને આપી શકું.’
શ્રીકૃષ્ણે રાજાની પ્રતિજ્ઞા સાંભળીને કમર કસી, પોતાનાં સાત રૂપ સર્જીને રમતાં રમતાં વૃષભોને નાથી લીધા. જેવી રીતે નાનું બાળક રમકડાને ખેંચે તેવી રીતે વૃષભોને દોરડે બાંધીને ખેંચ્યા. આ વૃષભોનો ઘમંડ ઓસરી ગયો.રાજાને બહુ અચરજ થયું, તેણે પ્રસન્ન થઈને પોતાની કન્યા સત્યા શ્રીકૃષ્ણને આપી. પછી રાણીઓએ જાણ્યું કે અમારી કન્યા શ્રીકૃષ્ણ સાથે પરણી છે ત્યારે તેમને બહુ આનંદ થયો અને ચારે બાજુ મોટો ઉત્સવ થયો. રાજાએ દસ હજાર ગાયો, સુંદર વસ્ત્રાભૂષણવાળી ત્રણ હજાર દાસીઓ પહેરામણીમાં આપી. તેની સાથે જ નવહજાર હાથી, નવ લાખ રથ, નવ કરોડ ઘોડા, અને લાખો સેવક પણ આપ્યા. રાજાએ વરકન્યાને એક રથમાં બેસાડી સેના સાથે વિદાય કર્યા.
જે રાજાઓ આ વૃષભોને નાથી શક્યા ન હતા તેમણે આની જાણ થઈ ત્યારે તેઓ શ્રીકૃષ્ણનો વિજય સાંખી ન શક્યા. શ્રીકૃષ્ણ અને સત્યાને ઘેરીને તેઓ તેમના પર બાણવર્ષા કરવા લાગ્યા. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણનું પ્રિય કાર્ય કરવા પોતાના ગાંડીવ ધનુષ વડે એ બધા રાજાઓને ભગાડી મૂક્યા. પછી શ્રીકૃષ્ણ અને સત્યા દ્વારકા આવ્યા.
આ ઉપરાંત શ્રીકૃષ્ણનાં ફેઈ કેકય દેશમાં પરણ્યાં હતાં. તે રાજાની કન્યાનું નામ હતું ભદ્રા. તેના ભાઈએ ભદ્રાનો વિવાહ શ્રીકૃષ્ણ સાથે કર્યો. મદ્ર પ્રદેશની રાજકન્યા લક્ષ્મણા હતી. જેવી રીતે ગરુડ સ્વર્ગમાંથી અમૃત લઈ આવ્યા હતા તેવી રીતે શ્રીકૃષ્ણે સ્વયંવરમાં એકલે હાથે તેનું અપહરણ કર્યું.