ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/મહાવીર સ્વામી

Revision as of 02:46, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહાવીર સ્વામી

મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં એક ગામમાં આવ્યા, ત્યાં વસવાની ઇચ્છા કરી પણ ત્યાં એક યક્ષને કારણે કોઈ રહી શકતું નથી. એમ કહી કોઈએ તે કથા વિગતે કહી.

એક જમાનામાં અહીં વર્ધમાન નગર હતું. કાદવવાળી વેગવતી નામે નદી. ધનદેવ નામનો એક વણિક કરિયાણાનાં પાંચસો ગાડાં ભરીને આવ્યો હતો, તેની પાસે એક મોટો વૃષભ હતો, તેની મદદથી બધાં ગાડાં એ નદીની પાર ઉતાર્યાં. બહુ ભાર ખેંચવાને કારણે એ વૃષભ લોહી ઓકતો ત્યાં પડી ગયો. પછી તે વણિકે ગામલોકોને એકઠા કરીને કહ્યું કે હું આ વૃષભને અહીં મૂકીને જઉં છું, તમારે એનું સારી રીતે પોષણ કરવું. ઉપરાંત તેના ઘાસચારા માટે પુષ્કળ ધન પણ આપ્યું. પછી આંખોમાં આંસુ સાથે તે વણિક ચાલ્યો ગયો. ગામલોકોના મનમાં પાપ જાગ્યું, તેમણે ઘાસચારા માટે ધન લીધું હોવા છતાં તે વૃષભની જરાય સંભાળ ન લીધી. ભૂખેતરસે એ વૃષભના શરીરમાં માત્ર હાડકાં અને ચામડું જ રહ્યાં. એટલે તે વૃષભ વિચારવા લાગ્યો, ‘આ ગામ પાપી, નિષ્ઠુર છે. મારા સ્વામીએ ઘાસચારા માટે ધન આપ્યું હોવા છતાં મને ઘાસચારો ન મળ્યો.’ આમ ગામલોકો પર ક્રોધે ભરાયેલો તે વૃષભ શૂલપાણિ નામનો વ્યંતર થયો. પોતાના પૂર્વજન્મની કથા જાણીને ગામમાં તેણે મહામારીનો રોગ ફેલાવ્યો. ગામના લોકો મરવા માંડ્યા. લોકોએ જ્યોતિષીઓને પૂછીને શાંતિ માટે ઘણા ઉપાયો કર્યા પણ કશો અર્થ ન સર્યો. ગામલોકો બીજે ગામ ગયા તો ત્યાં પણ તે વ્યંતર તેમને મારવા લાગ્યો. છેવટે તેમને સમજાયું કે કોઈક દેવ કોપ્યા છે એટલે હાથ જોડીને તેમણે ક્ષમા માગી. પોતાના અપરાધ માફ કરી દેવાની વાત કરી. ત્યારે તે વ્યંતરે આકાશમાં રહીને કહ્યું, ‘તમે પેલા ભૂખેતરસે મરતા બળદને ઘાસ-પાણી નીર્યાં નહીં, તમને વણિકે એ માટે ધન આપ્યું હતું તે છતાં. તે વૃષભ હું શૂલપાણિ નામનો યક્ષ. હું તમને મારી નાખીશ.’ આ સાંભળી ફરી ગામલોકોએ નાકલીટી તાણી. વારેવારે ક્ષમા માગી. ત્યારે તે વ્યંતરે કહ્યું, ‘વૃષભ રૂપે મારી મૂર્તિ સ્થાપો.’ પછી ગામલોકોએ એ પ્રમાણે કર્યું. ઇન્દ્ર શર્મા નામના બ્રાહ્મણને સારું એવું વેતન આપી પૂજારી બનાવ્યો. અહીં જે કોઈ રાત્રિનિવાસ કરે છે તેને આ શૂલપાણિ યક્ષ મારી નાખે છે. એટલે બધા દિવસે રહી સાંજે પોતપોતાને ઘેર ચાલ્યા જાય છે.’ એટલે મહાવીર સ્વામીને પણ ત્યાં રાત રોકાવાની ના પાડી.

પણ ભગવાને તો ત્યાં જ રહેવાનો આગ્રહ રાખ્યો. ઇન્દ્ર શર્મા પૂજારીએ પણ તેમને રાતવાસાની ના પાડી પણ તેઓ પોતાની વાતમાં અડગ જ રહ્યા.

શૂલપાણિએ ભગવાનને અહંકારી માન્યા અને રાતે તેણે ભયાનક અટ્ટહાસ્ય કર્યું. ગામલોકોને પણ ભારે ચિંતા થઈ. અચાનક ત્યાં આવી ચઢેલા એક પરિવ્રાજકને વ્યંતરે વિકરાળ હાથીનું રૂપ પ્રગટાવ્યું. ભગવાન તો પણ સ્થિર રહ્યા. પછી પિશાચનું રૂપ પ્રગટાવ્યું. કશી અસર ન થઈ એટલે ભયાનક સર્પ બનીને ભગવાનના શરીરે વીંટળાઈ વળ્યો. એ પણ નિષ્ફળ ગયો એટલે તેણે શિર, નેત્ર, મૂત્રાશય, નાક, દાંત, પૃષ્ઠ, નખ — એમ સાત સ્થાને ભારે પીડા પહોંચાડી. આમાંની એક પણ પીડા મૃત્યુ નોંતરે પણ ભગવાન સ્થિર રહ્યા. ત્યારે ત્યાં દેવદૂતોએ આવીને બહુ જ ઠપકો આપ્યો. ‘આ ત્રણે લોક માટે વંદનીય એવા ભગવાનને તું જાણતો નથી. જો ઇન્દ્રને જાણ થશે તો વજ્રનો ભોગ બનીશ.’

છેવટે ભગવાને તેને અહિંસાનો મર્મ સમજાવ્યો. શૂલપાણિને ભારે પસ્તાવો થયો; અને સંગીત રજૂ કર્યું. ગામના લોકોને લાગ્યું કે મુનિનો વધ કરીને યક્ષ આનંદ કરી રહ્યો છે.

તે શ્રમને કારણે થોડી વાર સૂતા અને દસ સ્વપ્ન જોયાં. ગામલોકોએ અક્ષત રહેલા ભગવાનને જોયા. ત્યાં આવેલા ઉત્પલે દસ સ્વપ્નના અર્થ કહી બતાવ્યા.