ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/દ્રૌપદીની કથા

Revision as of 02:54, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દ્રૌપદીની કથા}} {{Poem2Open}} પૂર્વે શ્રી ઋષભદેવ સ્વામીને કુરુ નામે એક પુત્ર હતો, જેના નામથી કુરુક્ષેત્ર કહેવાય છે. તે કુરુનો પુત્ર હસ્તી નામે થયો, જેના નામથી હસ્તિનાપુર નગર વસેલુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દ્રૌપદીની કથા

પૂર્વે શ્રી ઋષભદેવ સ્વામીને કુરુ નામે એક પુત્ર હતો, જેના નામથી કુરુક્ષેત્ર કહેવાય છે. તે કુરુનો પુત્ર હસ્તી નામે થયો, જેના નામથી હસ્તિનાપુર નગર વસેલું છે. તે હસ્તી રાજાના સંતાનમાં અનંતવીર્ય નામે રાજા થયો. તેનો પુત્ર કૃતવીર્ય નામે રાજા થયો. તેનો પુત્ર સુભૂમ નામે ચક્રવર્તી થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા. બાદ શાંતનુ નામે એક રાજા થયો. તેને ગંગા અને સત્યવતી નામે બે પત્નીઓ હતી. તેમાં ગંગાને ભીષ્મ પરાક્રમવાળો ભીષ્મ નામે પુત્ર થયો અને સત્યવતીને ચિત્રાંગદ નામે ને ચિત્રવીર્ય નામે બે પુત્રો થયા. ચિત્રવીર્યને અંબિકા, અંબાલિકા અને અંબા નામે ત્રણ સ્ત્રીઓ હતી. તેનાથી ધૃતરાષ્ટ્ર, પાંડુ ને વિદુર નામે અનુક્રમે ત્રણ પુત્રો થયા. તેમાં પાંડુ ધૃતરાષ્ટ્રને રાજ્ય સોંપી મૃગયા કરવામાં તત્પર રહેવા લાગ્યો. ધૃતરાષ્ટ્ર સુબળ રાજાના પુત્ર અને ગાંધાર દેશના રાજા શકુનિની ગાંધારી વિગેરે આઠ બહેનોને પરણ્યો. તેનાથી તેને દુર્યોધન વિગેરે સો પુત્રો થયા. પાંડુરાજાને કુંતી નામની સ્ત્રીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા અને બીજી સ્ત્રી માદ્રી કે જે શલ્ય રાજાની બહેન થતી હતી તેનાથી નકુળ અને સહદેવ નામે બે બળવાન પુત્રો થયા. વિદ્યા અને ભુજબળથી ઉગ્ર એવા એ પાંચે પાંડુકુમારો પંચાનન-સિંહની જેમ ખેચરોને પણ અજેય થયા. પોતાના જ્યેષ્ઠ બંધુ તરફ વિનયવાળા અને દુર્નીતિને નહીં સહન કરનારા તે પાંચે પાંડવો પોતાના લોકોત્તર ગુણ વડે લોકોને આશ્ચર્ય પમાડવા લાગ્યા.

અન્યદા કાંપીલ્યપુરથી દ્રુપદરાજાના દૂતે આવી નમસ્કાર કરી પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું: ‘અમારા સ્વામી દ્રુપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી અને ધૃષ્ટદ્યુમ્નની નાની બહેન દ્રૌપદી નામે કન્યા છે તેના સ્વયંવરમાં દશે દશાર્હો, રામકૃષ્ણ, દમદંત, શિશુપાલ, રુક્મી, કર્ણ, સુયોધન અને બીજા પણ રાજાઓને તથા તેમના પરાક્રમી કુમારોને દ્રુપદ રાજાએ દૂતો મોકલીને બોલાવ્યા છે. તેઓ હાલ ત્યાં જાય છે; તો તમે પણ આ દેવકુમાર જેવા પાંચ કુમારો સાથે ત્યાં આવી સ્વયંવરમંડપને અલંકૃત કરો.’ તે સાંભળી પાંચ જયવંત બાણ વડે કામદેવની જેમ પાંચ પુત્રોયુક્ત પાંડુરાજા કાંપીલ્યપુર ગયા અને બીજા પણ અનેક રાજાઓ ત્યાં આવ્યા. દ્રુપદ રાજાએ પૂજેલા પ્રત્યેક રાજાઓ અંતરીક્ષમાં રહેલા ગ્રહોની જેમ સ્વયંવરમંડપમાં હાજર થયા. તે અવસરે સ્નાન કરી, શુદ્ધ(ઉજ્જ્વળ) વસ્ત્ર પહેરી, માલ્યાલંકાર ધારણ કરી અને અર્હંતપ્રભુને પૂજીને રૂપ વડે દેવકન્યા જેવી દ્રૌપદી સખીઓ સાથે પરવરી સતી સામાનિક દેવતાઓની જેવા કૃષ્ણાદિક રાજાઓથી અલંકૃત સ્વયંવરમંડપમાં આવી. તેની સખીએ તેને પ્રત્યેક રાજાને નામ લઈ લઈને બતાવવા માંડ્યા. તેઓને અનુક્રમે જોતી જોતી દ્રૌપદી જ્યાં પાંચે પાંડવો બેઠા હતા ત્યાં આવી અને તેણે અનુરાગી થઈને પાંચે પાંડવોના કંઠમાં સ્વયંવરમાળા આરોપણ કરી.૧

તે વખતે ‘આ શું?’ એમ સર્વ રાજમંડળ આશ્ચર્ય પામી ગયું. તેવામાં કોઈ ચારણ મુનિ આકાશમાર્ગે ત્યાં આવ્યા, એટલે કૃષ્ણાદિક રાજાઓએ તે મુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક પૂછ્યું કે ‘આ દ્રૌપદીને પાંચ પતિ થશે?’ મુનિ બોલ્યા, ‘આ દ્રૌપદી પૂર્વભવના કર્મથી પાંચ પતિવાળી થશે, પણ તેમાં આશ્ચર્ય શું છે? કેમકે કર્મની ગતિ મહાવિષમ છે. તેનું વૃત્તાંત સાંભળો:

ચંપાનગરીમાં સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામે ત્રણ બ્રાહ્મણો રહેતા હતા. તેઓ સહોદર બંધુ હતા. ધનધાન્યથી પરિપૂર્ણ એવા તેઓને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામે પત્નીઓ હતી. તે ત્રણે ભાઈઓ પરસ્પર સ્નેહ ધરાવતા હતા, તેથી તેઓએ એક વખતે એવો ઠરાવ કર્યો કે ‘આપણે ત્રણ ભાઈઓએ એક એક ભાઈને ઘેર વારા પ્રમાણે સાથે ભોજન કરવું.’ તે પ્રમાણે વર્તતાં એક દિવસ સોમદેવને ઘેર જમવાનો વારો આવ્યો, એટલે ભોજનનો અવસર પ્રાપ્ત થયા અગાઉ નાગશ્રીએ વિવિધ પ્રકારનાં ભોજનની તૈયારી કરવા માંડી. તેમાં તે રમણીએ અજાણ્યે કડવી તુંબડીનું શાક કર્યું. પછી એ શાક કેવું થયું છે એ જાણવાને માટે તેણીએ ચાખી જોયું, ત્યાં તો બહુ કડવું હોવાથી તેને અભોજ્ય જાણી તેણે થૂંકી કાઢ્યું. પછી વિચારવા લાગી કે, ‘મેં ઘણા સ્વાદિષ્ટ વિવિધ પદાર્થોથી આ શાક સુધાર્યું, તથાપિ એ કડવું જ રહ્યું. આમ વિચારી તેણીએ તે શાક ગોપવી દીધું અને તે સિવાયનાં બીજાં ભવ્ય ભોજન વડે તેણે પોતાને ઘેર આવેલા કુટુંબ સહિત પોતાના પતિને તથા દીએરને જમાડ્યા. તે સમયે સૂભુમિભાગ નામના તે નગરના ઉદ્યાનમાં જ્ઞાનવાન્ અને પરિવાર સહિત શ્રીધર્મઘોષ આચાર્ય સમવસર્યા. તેમના ધર્મરુચિ નામે એક શિષ્ય માસક્ષમણને પારણે, સોમદેવાદિક સર્વે જમી ગયા પછી, નાગશ્રીને ઘેર ભિક્ષા લેવા આવ્યા. નાગશ્રીએ વિચાર કર્યો કે ‘આ શાકથી આ મુનિ જ તોષિત થાઓ.’ એમ વિચારી તેણે તે કડવી તુંબડીનું શાક તે મુનિને વહોરાવ્યું. મુનિએ જાણ્યું કે ‘આજે મને આ કોઈ અપૂર્વ પદાર્થ મળ્યો છે.’ તેથી તેમણે ગુરુ પાસે જઈ તેમના હાથમાં તે પાત્ર આપ્યું. ગુરુ તેની ગંધ લઈને બોલ્યા: ‘હે વત્સ! જો આ પદાર્થ તું ખાઈશ તો મૃત્યુ પામીશ, માટે આને પરઠવી દે અને ફરી વાર હવે આવો પિંડ સારી રીતે તપાસીને લેજે.’ ગુરુનાં આવાં વચનથી તે મુનિ ઉપાશ્રયની બહાર શુદ્ધ સ્થંડિલ પાસે તે પરઠવા આવ્યા, તેવામાં પાત્રમાંથી શાકનું એક બિંદુ ભૂમિ પર પડી ગયું તેના રસથી ખેંચાઈને અનેક કીડીઓ આવી તેને લગ્ન થઈ. તે બધી તત્કાળ મૃત્યુ પામી ગઈ. તે જોઈ તે મુનિને વિચાર થયો કે ‘આના એક બિંદુમાત્રથી અનેક જંતુઓ મરે છે, તો તેને પરઠવવાથી કેટલાંય જંતુઓનું મરણ થશે, માટે હું એક મૃત્યુ પામું તે સારું, પણ ઘણાં જંતુઓ મરે તે સારું નહીં.’ આવો નિશ્ચય કરી તેણે તે તુંબડીનું શાક સમાહિતપણે ભક્ષણ કરી લીધું. પછી સમાધિપૂર્વક સમ્યક્ પ્રકારે આરાધના કરીને મૃત્યુ પામેલા તે ધર્મરુચિ મુનિ જ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર દેવ થયા.

અહીં ધર્મઘોષ આચાર્યે ‘ધર્મરુચિ મુનિને આટલો બધો વિલંબ કેમ થયો?’ એ જાણવાને માટે બીજા મુનિઓને તપાસ કરવા મોકલ્યા. તેઓએ બહાર જઈને જોયું તો તેમને મૃત્યુ પામેલા દીઠા, તેથી તેમનું રજોહરણ વગેરે લઈ ગુરુ પાસે આવી મહાખેદપૂર્વક તે વાત ગુરુને જણાવી. ગુરુએ અતિશયવાળા જ્ઞાનના ઉપયોગથી તે હકીકત જાણી લઈને પોતાના સર્વ શિષ્યોને નાગશ્રીનું બધું દુશ્ચચરિત્ર જણાવ્યું. તે સાંભળવાથી બધા મુનિઓને અને સાધ્વીઓને કોપ ઉત્પન્ન થયો, તેથી તેઓએ તે વાર્તા સોમદેવ વિગેરે અનેક લોકોને જણાવી. તે સાંભળી સોમદેવ વિગેરે વિપ્રોએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. લોકોએ પણ તેનો ઘણો તિરસ્કાર કર્યો, તેથી તે સર્વત્ર દુઃખી થઈ ભટકવા લાગી અને કાસ, શ્વાસ, જ્વર અને કુષ્ઠ વિગેરે સોળ ભયંકર રોગોથી પીડા પામતી સતી તે ભવમાં જ નારકીપણાને પ્રાપ્ત થઈ. એ પ્રમાણે ક્ષુધાતૃષાથી આતુર, ફાટાંતુટાં વસ્ત્ર પહેરતી અને નિરાધાર ભટકતી એ સ્ત્રી અનુક્રમે મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને મલેચ્છ જાતિમાં ઉત્પન્ન થઈ અને મૃત્યુ પામીને સાતમી નરકે ગઈ. પછી તે મત્સ્ય જાતિમાં ઉત્પન્ન થઈ, મરીને સાતમી નરકે ગઈ. ત્યાંથી નીકળીને મલેચ્છ થઈ. એવી રીતે તે પાપિણી સર્વ નરકમાં બે બે વાર જઈ આવી. પછી પૃથ્વીકાય વગેરેમાં અનેક વાર ઉત્પન્ન થઈ અને અકામનિર્જરાથી ઘણાં કર્મને ખપાવ્યાં. પછી ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સ્ત્રી સુભદ્રાના ઉદરથી સુકુમારિકા નામે પુત્રી થઈ. એ જ નગરમાં જિનદત્ત નામે એક ધનવાન સાર્થવાહ રહેતો હતો, તેને ભદ્રા નામે ગૃહિણી અને સાગર નામે પુત્ર હતો. એક વખત જિનદત્ત સાગરદત્તને ઘેર ગયો. ત્યાં સુકુમારિકાને યૌવનવતી જોઈ. તે મહેલ ઉપર ચડીને કંદુકક્રીડા કરતી હતી. તેને જોઈ જિનદત્તને વિચાર થયો કે ‘આ કન્યા મારા પુત્રને યોગ્ય છે.’ આવું ચિંતવન કરતો તે પોતાને ઘેર આવ્યો. પછી ફરીને બંધુવર્ગ સહિત સાગરદત્તને ઘેર જઈ પોતાના પુત્રને માટે સુકુમારિકાની માગણી કરી. સાગરદત્ત બોલ્યો: ‘આ પુત્રી મારે પ્રાણથી પણ પ્રિય છે, એના વિના હું ક્ષણ વાર પણ રહી શકતો નથી, માટે જો તમારો પુત્ર સાગર મારે ત્યાં ઘરજમાઈ થઈને રહે તો હું મારી પુત્રી ઘણા દ્રવ્ય સાથે અર્પણ કરું.’ ‘હું વિચારીને કહીશ’ એમ કહીને જિનદત્ત પોતાને ઘેર ગયો અને તે વાત સાગરને કહી. તે સાંભળી સાગર મૌન રહ્યો એટલે ‘જેનો નિષેધ ન કરે તે સંમત છે.’ એવા ન્યાયથી તેના પિતાએ સાગરને ઘરજમાઈપણે રહેવા દેવાનું કબૂલ કર્યું. અનુક્રમે સાગરને તે કુમારી સાથે પરણાવ્યો. રાત્રે તેની સાથે તે વાસગૃહમાં જઈ શય્યામાં સૂતો. તે વખતે પૂર્વકર્મના યોગે તે સુકુમારિકાના સ્પર્શથી સાગરનું અંગ અંગારાની જેમ બળવા લાગ્યું, તેથી તે માંડમાંડ ક્ષણવાર સહન કરીને સૂઈ રહ્યો. પણ જ્યારે સુકુમારિકા ઊંઘી ગઈ, ત્યારે તેને છોડી દઈને તે પોતાને ઘેર નાસી ગયો. નિદ્રા પૂર્ણ થતાં પાસે પતિને ન જોવાથી સુકુમારિકા ઘણું રુદન કરવા લાગી. પ્રાત:કાળે સુભદ્રાએ વધૂવરને દંતધાવન કરાવવાને માટે એક દાસીને મોકલી. ત્યાં જતાં દાસીએ સુકુમારિકાને પતિરહિત અને રુદન કરતી જોઈ, એટલે તેણે સુભદ્રા પાસે આવીને તે વાત કહી. સુભદ્રાએ શેઠને જણાવી, એટલે શેઠે જિનદત્ત પાસે જઈને તેને ઉપાલંભ આપ્યો. જિનદત્તે પોતાના પુત્રને એકાંતમાં બોલાવીને કહ્યું, ‘હે વત્સ! તેં સાગરદત્ત શેઠની પુત્રીનો ત્યાગ કર્યો તે ઠીક કર્યું નહીં, માટે હમણાં તે સુકુમારિકા પાસે પાછો જા; કારણ કે મેં સજ્જનોની સમક્ષ તને ત્યાં રાખવાનું કબૂલ કર્યું છે.’ સાગર બોલ્યો: ‘હે પિતા! અગ્નિમાં પેસવાને તૈયાર થવું તે હું સારું ગણું છું, પણ તે સુકુમારિકા પાસે જવા કદી પણ ઇચ્છતો નથી.’ આ બધી વાર્તા દીવાલની પાછળ ગુપ્તગણે ઊભા રહીને સાગરદત્ત શેઠ સાંભળતા હતા, તેથી તે નિરાશ થઈને પોતાને ઘેર આવ્યા અને સુકુમારિકાને કહ્યું: ‘હે પુત્રી! તારી ઉપર સાગર તો વિરક્ત થયો છે, માટે હું તારે માટે બીજો પતિ શોધી આપીશ, તું ખેદ કરીશ નહીં.’

એક વખતે સાગરદત્ત શેઠ પોતાના મહેલના ગોખમાં બેસીને માર્ગ તરફ જોતા હતા, તેવામાં હાથમાં ખપ્પર ધારણ કરનારો, જીર્ણ વસ્ત્રના ખંડને પહેરનારો અને મક્ષિકાથી વીંટાયેલો કોઈ ભિક્ષુક માર્ગે ચાલ્યો જતો તેમના જોવામાં આવ્યો, એટલે સાગરદત્તે તેને બોલાવી ખપ્પર વગેરે છોડાવી સ્નાન કરાવીને જમાડ્યો અને તેનું શરીર ચંદનથી અચિર્ત કરાવ્યું. પછી તેને કહ્યું કે ‘રે ભદ્ર! આ મારી પુત્રી સુકુમારિકા હું તમને આપું છું, માટે ભોજન વગેરેમાં નિશ્ચંતિ થઈને એની સાથે અહીં સુખે રહો.’ આ પ્રમાણે કહેવાથી તે સુકુમારિકાની સાથે વાસગૃહમાં ગયો; પણ તેની સાથે શયન કરતાં તેણીના અંગના સ્પર્શથી જાણે અગ્નિનો સ્પર્શ થયો હોય તેમ તે દાઝવા લાગ્યો, તેથી તત્કાળ ઊઠીને પોતાનો જે વેશ હતો તે પહેરીને તે પલાયન કરી ગયો. સુકુમારિકા પ્રથમની જેમ જ ખેદ પામી. તેની એવી અવસ્થા જોઈ તેના પિતાએ કહ્યું: ‘વત્સ! ખેદ કર નહીં, તારા પૂર્વ પાપકર્મનો ઉદય થયો છે, બીજું કોઈ કારણ નથી; માટે સંતોષ ધારણ કરી મારે ઘેર રહી નિત્ય દાન પુણ્ય કર્યા કર.’ આ વચનથી સુકુમારિકા શાંત થઈ અને ધર્મતત્પર થઈને ત્યાં રહી સતી નિરંતર દાન આપવા લાગી.

અન્યદા ગોપાલિકા નામે સાધ્વી તેને ઘેર આવી ચઢ્યા. તેમને સુકુમારિકાએ શુદ્ધ અન્નપાનથી પ્રતિલાભિત કર્યા. પછી તેની પાસેથી ધર્મ સાંભળી પ્રતિબોધ પામીને સુકુમારિકાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચતુર્થ, છઠ્ઠ અને અઠ્ઠમ વિગેરે તપને આચરતી એ સુકુમારિકા સાધ્વી ગોપાલિકા આર્યાની સાથે હંમેશાં વિહાર કરવા લાગી. એક વખતે સુકુમારિકા સાધ્વીએ પોતાની ગુરુણીને કહ્યું: ‘પૂજ્ય આર્યા! આપની આજ્ઞા હોય તો હું સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં રવિમંડળની સામે જોતી સતી આતાપના લઉં.’ આર્યા બોલ્યા: ‘પોતાના નિવાસસ્થાનની બહાર રહીને સાધ્વીને આતાપના લેવી કલ્પતી નથી, એમ આગમમાં કહેલું છે.’ ગુરુણીએ આ પ્રમાણે કહ્યાં છતાં તે સાંભળ્યું ન હોય તેમ કરીને સુકુમારિકા સુભૂમિભાગ ઉદ્યાનમાં ગઈ, અને સૂર્ય સામી દૃષ્ટિ સ્થાપન કરીને આતાપના લેવા લાગી.

એક વખતે દેવદત્તા નામની એક વેશ્યા ત્યાં ઉદ્યાનમાં આવેલી તેના જોવામાં આવી. તેના એક કામી યારે તેને ઉત્સંગમાં બેસાડેલી હતી, એકે તેના માથા પર છત્રી ધરી હતી, એક તેને વસ્ત્રના છેડા વડે પવન નાખતો હતો, એક તેના કેશને બાંધતો હતો અને એકે તેના ચરણને ધરી રાખ્યા હતા. આ પ્રમાણે જોઈ સુકુમારિકા સાધ્વી કે જેને ભોગની ઇચ્છા પૂર્ણ થઈ નહોતી, તેણે એવું નિયાણું કર્યું કે ‘આ તપસ્યાના પ્રભાવથી હું આ વેશ્યાની જેમ પાંચ પતિવાળી થાઉં.’ ત્યાર પછીથી તે વારંવાર પોતાના શરીરને સાફ રાખવા લાગી. આર્યાઓ તેને તેમ કરતાં વારતી ત્યારે તે ચિત્તમાં વિચારતી કે ‘હું જ્યારે પૂર્વે ગૃહસ્થ હતી ત્યારે, આ આર્યાઓ મારું સારું માન જાળવતી હતી, પણ હવે તેમની સાથે ભિક્ષુકી થઈ એટલે તેઓ મને જેમ તેમ તિરસ્કાર આપે છે, માટે મારે તેમની સાથે રહેવાની શી જરૂર છે?’ આવું ધારી તે જુદા ઉપાશ્રયમાં રહી, અને એકાકી સ્વતંત્રપણે વિચરતી વ્રતને પાળવા લાગી. એ પ્રમાણે ચિરકાળ વ્રત પાળી પ્રાંતે આઠ માસની સંલેખણા કરી, પૂર્વપાપની આલોચના કર્યા વિના તે મૃત્યુ પામી અને નવ પલ્યોપમના આયુષ્યવાળી સૌધર્મકલ્પમાં દેવી થઈ, ત્યાંથી ચ્યવીને તે આ દ્રૌપદી થઈ છે અને પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી તેને પાંચ પતિઓ થયા છે, તો તેમાં શું આશ્ચર્ય છે?’

આ પ્રમાણે મુનિએ કહ્યું હતું તે વખતે આકાશમાં ‘સાધુ, સાધુ,’ એવી વાણી થઈ. એટલે એને પાંચ પતિ યુક્ત છે એમ કૃષ્ણ વિગેરે કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓએ અને સ્વજનોએ કરેલા મોટા ઉત્સવ સાથે પાંડવો દ્રૌપદીને પરણ્યા. પાંડુ રાજા દશ દશાર્હને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે બોલાવ્યા હોય તેમ માનપૂર્વક પોતાને નગરે લઈ ગયા. ત્યાં તેમને ચિરકાળ રાખી, સારી પેઠે ભક્તિ કરીને જ્યારે દશાર્હે અને રામ કૃષ્ણે રજા માગી ત્યારે તેમને તેમ જ બીજા રાજાઓને વિદાય કર્યા.

પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય સોંપી મૃત્યુ પામ્યા અને માદ્રી પણ પોતાના બે પુત્ર કુંતીને સોંપીને પાંડુરાજાની પછવાડે મરણ પામી. જ્યારે પાંડુરાજા અસ્ત પામ્યા ત્યારે મત્સરવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવોને માનવા ન લાગ્યા અને તેઓ દુષ્ટ આશયથી રાજ્ય લેવાને ઉદ્યુક્ત થયા. દુર્યોધને વિનય વગેરેથી સર્વ વૃદ્ધોને સંતુષ્ટ કર્યા અને પાંડવોને દ્યૂતમાં જીતી લીધા. યુધિષ્ઠિરે લોભથી દ્યૂતમાં રાજ્યની અને છેવટે દ્રૌપદીની પણ હોડ કરી, તે પણ દુર્યોધને જીતીને પોતાને સ્વાધીન કર્યું. પછી ક્રોધથી રાતાં થયેલાં નેત્રોવાળા ભીમથી પામીને દુર્યોધને દ્રૌપદી તેમને પાછી સોંપી. પછી ધૃતરાષ્ટ્રના પુત્રોએ અપમાન કરીને પાંડવોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા, એટલે તેઓએ વનવાસ સ્વીકાર્યો. લાંબા કાળ સુધી વને વન ભટકતાં તે પાંચે પાંડવોને છેવટે દશાર્હની અનુજ બેન કુંતી દ્વારકામાં લઈ ગઈ. દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કરનારા અને વિદ્યા તથા ભુજબળથી ઉગ્ર એવા તેઓ પ્રથમ સમુદ્રવિજય રાજાને ઘેર આવ્યા. રાજા સમુદ્રવિજયે અને અક્ષોભ્ય વિગેરે તેમના ભાઈઓએ પોતાની બહેનનો અને ભાણેજોનો સ્નેહપૂર્વક સારી રીતે સત્કાર કર્યો. દશાર્હ બોલ્યા, ‘હે બહેન! તે તમારા ભાગીદારો-કૌરવો પાસેથી ભાગ્યયોગે સંતાન સહિત તું જીવતી આવી તે જ સારું થયું.’ કુંતી બોલી કે: ‘જ્યારે મેં સાંભળ્યું કે તમે પુત્રાદિક પરિવાર સહિત જીવતા છો ત્યારે જ હું સંતાન સહિત જીવતી રહી છું. વળી રામકૃષ્ણનું લોકોત્તર ચરિત્ર સાંભળી હર્ષ પામેલી તેમને જોવાને ઉત્સુક થઈને હું અહીં આવી છું.’

પછી ભાઈઓએ કહ્યું એટલે કુંતી પુત્ર સહિત સભામાં આવી. તેને જોઈ રામ કૃષ્ણ ઊભા થયા અને ભક્તિથી તેમને નમસ્કાર કર્યા. પછી રામ, કૃષ્ણ અને પાંડવો ક્રમ પ્રમાણે પરસ્પર નમસ્કાર અને આલિંગન કરી યથાયોગ્ય સ્થાને બેઠા. કૃષ્ણ બોલ્યા: ‘તમે અહીં તમારે જ ઘેર આવ્યા તે બહુ સારું કર્યું કારણ કે તમારી અને યાદવોની લક્ષ્મી પરસ્પરને સાધારણ છે.’ એટલે યુધિષ્ઠિર બોલ્યા: ‘હે કૃષ્ણ! જેઓ તમને માને છે તેઓને લક્ષ્મી સદા દાસીરૂપ છે, તો જેઓને તમે માનો તેઓની તો વાત જ શી કરવી? અમારા માતૃકુળ(મોસાળ)ને જ્યારથી તમે અલંકૃત કરો છો ત્યારથી અમે યદુકુળને અને અમને સર્વથી વિશેષ પરાક્રમી માનીએ છીએ.’ એવી રીતે વિવિધ વાર્તાલાપ થયા પછી કુંતી અને તેના પુત્રોનો સત્કાર કરીને કૃષ્ણે તેમને જુદા જુદા મહેલમાં નિવાસ કરાવ્યો. દશાર્હોએ લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા, વિજયા અને રતિ નામની પોતાની પાંચ કન્યાઓ અનુક્રમે પાંચે પાંડવોને આપી. યાદવોએ અને રામ કૃષ્ણે પૂજેલા તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા.

અહીં સંવર વિદ્યાધરને ઘેર પ્રદ્યુમ્ન મોટો થયો. પછી તેણે બધી કળાઓ પ્રાપ્ત કરી. તેને યૌવનવયમાં આવેલો જોઈ સંવર વિદ્યાધરની સ્ત્રી કનકમાળા કામાતુર થઈ. તેણી ચિંતવવા લાગી કે ‘આના જેવો સુંદર પુરુષ કોઈ ખેચરોમાં નથી. દેવ પણ આવો હોય એમ હું માનતી નથી તો મનુષ્યની શી વાત? જેમ પોતે ઉછેરેલા આ પ્રદ્યુમ્નના યૌવનનું ભોગરૂપ ફળ મારે સ્વયમેવ જ ભોગવવું; નહીં તો મારો જન્મ વૃથા છે.’ આવો વિચાર કરી એક વખતે તેણે મધુર વાણીથી પ્રદ્યુમ્નને કહ્યું: ‘અહીં ઉત્તરશ્રેણીમાં નલપુર નામે નગર છે. તેમાં ગૌરી વંશનો નિષધ નામે રાજા છે, તે રાજસિંહની હું પુત્રી છું અને તેને નૈષધી નામે એક પુત્ર છે. મારા પિતાએ મને ગૌરી વિદ્યા આપી છે અને સંવર વિદ્યાધર પ્રજ્ઞપ્તિ વિદ્યા મને આપીને પરણ્યો છે. મારામાં અનુરક્ત થયેલો સંવર બીજી કોઈ યુવતીને ઇચ્છતો નથી. હું કે જેણે પૂર્વોક્ત બંને વિદ્યા સિદ્ધ કરી છે તેના બળથી સંવરને આ જગત્ તૃણ સમાન છે. આવી હું તારા પર અનુરાગી થઈ છું, માટે મને સ્વીકાર. અજ્ઞાનથી પણ મારા પ્રેમનો ભંગ કરીશ નહીં.’ એટલે પ્રદ્યુમ્ન બોલ્યો, ‘અરે, પાપ શાંત થાઓ! આ તમે શું બોલો છો? તમે માતા છો અને હું પુત્ર છું, માટે આ આપણા બંનેના નરકપાતની વાત છોડી દો.’ ત્યારે કનકમાળા બોલી: ‘તું મારો પુત્ર નથી. તને કોઈએ માર્ગમાં ત્યજી દીધેલો તે અગ્નિજ્વાળપુરથી આવતાં સંવર વિદ્યાધર અહીં લાવેલ છે. તેણે મને ઉછેરવાને માટે આપ્યો હતો, માટે તું બીજા કોઈનો પુત્ર છે, તેથી નિ:શંકપણે તારી ઇચ્છા પ્રમાણે મારી સાથે ભોગ ભોગવ.’ આવાં વચન સાંભળીને પ્રદ્યુમ્ને વિચાર્યું કે ‘હું આ સ્ત્રીના પાશમાં ફસી પડ્યો છું, માટે મારે શું કરવું?’ પછી તે વિચાર કરીને બોલ્યો: ‘રે ભદ્રે! જો હું એવું કામ કરું તો પછી સંવર અને તેના પુત્રો પાસેથી શી રીતે જીવવા પામું?’ કનકમાળા બોલી: ‘સુભગ! તેનો ભય રાખીશ નહીં. મારી પાસે જે ગૌરી ને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યા છે તે તું ગ્રહણ કર અને જગતમાં અજેય થા.’ પછી ‘કદી પણ મારે આ અકૃત્ય કરવું નથી.’ એવો અંત:કરણમાં નિશ્ચય કરીને પ્રદ્યુમ્ન બોલ્યો કે ‘પ્રથમ મને તે બે વિદ્યા આપો, પછી હું તમારું વચન સ્વીકારીશ. ’ કામાતુર થયેલી કનકમાળાએ ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યા તત્કાળ તેને આપી, એટલે પ્રદ્યુમ્ને પુણ્યોદયના પ્રભાવથી તેને સત્વર સાધી લીધી. પછી તેણીએ ફરી વાર ક્રીડા કરવાની પ્રાર્થના કરી એટલે પ્રદ્યુમ્ન બોલ્યો: ‘હે અનઘે! તમે મને ઉછેરવાથી પ્રથમ તો માતા જ માત્ર થયાં હતાં, પણ હવે વિદ્યાદાન કરવાથી તો ગુરુ થયાં છો, માટે હવે એ પાપકર્મ સંબંધી મને કાંઈ પણ કહેશો નહિ.’ આ પ્રમાણે તેને કહી ઘર છોડીને પ્રદ્યુમ્ન નગરની બહાર ચાલ્યો ગયો અને ત્યાં કાલાંબુકા નામની વાપિકાને કાંઠે જઈને દુઃખી હૃદયે વિચાર કરતો બેઠો.

અહીં કનકમાળાએ પોતાના શરીર પર નખના ઉઝરડા કરીને પોકાર કર્યો, એટલે ‘આ શું?’ એમ પૂછતા તેના પુત્રો દોડી આવ્યા. ત્યારે તે બોલી કે ‘તમારા પિતાએ જે પેલા પ્રદ્યુમ્નને પુત્ર તરીકે માનેલો છે તે દુષ્ટ યુવાને માર્જાર જેમ પિંડ આપનારને વિદારે તેમ મને વિદારણ કરી નાખી છે.’ આ હકીકત સાંભળીને તત્કાળ તેઓ સર્વ ક્રોધ કરી કાલાંબુકાને તીરે ગયા અને ‘અરે પાપી! અરે પાપી!’ એમ બોલતા પ્રદ્યુમ્નને પ્રહાર કરવા લાગ્યા એટલે તત્કાળ વિદ્યાના પ્રભાવથી પ્રબળ થયેલા પ્રદ્યુમ્ને લીલામાત્રમાં સિંહ જેમ સાબરને મારે તેમ તે સંવરના પુત્રોને મારી નાખ્યા. પુત્રનો વધ સાંભળી સંવર પણ ક્રોધ કરીને પ્રદ્યુમ્નને મારવા આવ્યો; પરંતુ વિદ્યાથી ઉત્પન્ન કરેલી માયા વડે પ્રદ્યુમ્ને સંવરને જીતી લીધો. પછી પ્રદ્યુમ્ને પશ્ચાત્તાપપૂર્વક મૂળથી માંડીને કનકમાળાનો બધો વૃત્તાંત સંવરને કહ્યો. તે સાંભળી પશ્ચાત્તાપ કરતાં સંવરે પ્રદ્યુમ્નની ઊલટી પૂજા કરી. તેવામાં ત્યાં નારદ મુનિ પ્રદ્યુમ્નની પાસે આવ્યા. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી ઓળખેલા નારદની પ્રદ્યુમ્ને પૂજા કરી અને તેમને કનકમાળાની હકીકત જણાવી, એટલે નારદ સીમંધર પ્રભુએ કહેલું પ્રદ્યુમ્ન અને રુક્મિણીનું સર્વ વૃત્તાંત પ્રથમથી જણાવીને આ પ્રમાણે બોલ્યા કે ‘હે પ્રદ્યુમ્ન! જેનો પુત્ર પ્રથમ પરણે તેણીને બીજીએ પોતાના કેશ આપવા.’ આવું પણ (પ્રતિજ્ઞા) તમારી સાપત્ન માતા સત્યભામા સાથે તમારી માતા રુક્મિણીએ કરેલ છે. તે સત્યભામાનો પુત્ર ભાનુક હાલમાં જ પરણવાનો છે તેથી જો તે પહેલો પરણશે તો તમારી માતાને પણમાં હારી જઈ પોતાના કેશ આપવા પડશે, ત્યારે કેશદાનની હાનિથી અને તમારા વિયોગની પીડાથી તમારા જેવો પુત્ર છતાં રુક્મિણી મૃત્યુ પામશે.’ આ પ્રમાણેની ખબર સાંભળી પ્રદ્યુમ્ન નારદની સાથે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ નિર્માણ કરેલા વિમાનમાં બેસીને તત્કાળ દ્વારકાપુરી પાસે આવ્યો.

તે વખતે નારદે કહ્યું;‘ હે વત્સ! આ તારા પિતાની દ્વારકાપુરી આવી, જેને કુબેરે રત્નોથી નિર્મીને પછી ધન વડે પૂરી દીધી છે.’ પ્રદ્યુમ્ન બોલ્યો, ‘મુનિવર્ય! તમે ક્ષણવાર આ વિમાનમાં અહીં જ રહો, હું નગરીમાં જઈ કાંઈક ચમત્કાર કરું.’ નારદે તે સ્વીકાર્યું. પછી પ્રદ્યુમ્ન આગળ ચાલ્યો. ત્યાં તો તેણે સત્યભામાના પુત્રના વિવાહની જાન આવતી જોઈ. એટલે પ્રદ્યુમ્ને તેમાંથી કન્યાને હરી લીધી અને જ્યાં નારદ હતા ત્યાં મૂકી. નારદે કન્યાને કહ્યું, ‘વત્સે! ભય પામીશ નહીં. આ પણ કૃષ્ણનો જ પુત્ર છે.’ પછી પ્રદ્યુમ્ન એક વાનરને લઈને વનમાં ગયો અને વનપાળકોને કહ્યું કે: ‘આ મારો વાનર ક્ષુધાતુર છે, માટે તેને ફળાદિક આપો.’ વનપાળકો બોલ્યા: ‘આ ઉદ્યાન ભાનુકુમારના વિવાહને માટે રાખેલું છે, માટે તારે કાંઈ પણ બોલવું કે માગવું નહીં.’ પછી પ્રદ્યુમ્ન ઘણા દ્રવ્યથી તેમને લોભાવીને તે ઉદ્યાનમાં પેઠો અને પોતાના માયાવી વાનર પાસે બધું ઉદ્યાન ફળાદિક રહિત કરાવી નાખ્યું. પછી એક જાતિવંત અશ્વ લઈ વણિક બનીને તૃણ વેચનારની દુકાને ગયો અને પોતાના અશ્વને માટે તે દુકાનદાર પાસે ઘાસ માગ્યું. તેઓએ પણ વિવાહકાર્યનું કારણ બતાવીને આપવાની ના પાડી, એટલે તેમને દ્રવ્યથી લોભાવી વિદ્યાબળ વડે સર્વ તૃણ વગરનું કરી દીધું. તેવી જ રીતે સ્વાદિષ્ટ જળવાળાં જે સ્થાનો હતાં તે બધાં જળ રહિત કરી દીધાં. પછી પોતે જળક્રીડા કરવાને સ્થાનકે જઈ અશ્વને ખેલાવવા લાગ્યો. તે અશ્વ ભાનુએ જોયો. એટલે તેની પાસે જઈ પૂછ્યું કે ‘આ અશ્વ કોનો છે?’ પ્રદ્યુમ્ને કહ્યું, ‘આ મારો અશ્વ છે.’ ભાનુએ આદરથી કહ્યું: ‘આ અશ્વ મને આપશો? જે તમે માગશો તે મૂલ્ય હું આપીશ.’ પ્રદ્યુમ્ને કહ્યું કે ‘પરીક્ષા કરીને લ્યો, નહિ તો હું રાજાના અપરાધમાં આવું.’ ભાનુએ તે વાત કબૂલ કરી અને પરીક્ષા કરવા માટે તે અશ્વ ઉપર પોતે બેઠો. પછી અશ્વની ચાલ જોવાને માટે તેને ચલાવતાં જ અશ્વે ભાનુને પૃથ્વી પર પાડી નાખ્યો. પછી નગરજનોએ જેનું હાસ્ય કરેલું છે એવો પ્રદ્યુમ્ન મેંઢા ઉપર બેસી કૃષ્ણની સભામાં આવ્યો અને સર્વ સભાસદોને હસાવવા લાગ્યો. વળી ક્ષણવારે બ્રાહ્મણ થઈ મધુર સ્વરે વેદ ભણતો દ્વારિકાના ચૌટામાં અને શેરીએ શેરીએ ભમવા લાગ્યો. માર્ગમાં સત્યભામાની એક કુબ્જા દાસી મળી, એટલે તેને બરૂની લતાની જેમ વિદ્યાથી સરળ અંગવાળી કરી દીધી. તે દાસી પ્રદ્યુમ્નના પગમાં પડીને બોલી કે: ‘તમે ક્યાં જાઓ છો?’ એટલે પ્રદ્યુમ્ન બોલ્યો: ‘જ્યાં ઇચ્છા પ્રમાણે ભોજન મળે ત્યાં જાઉં છું.’ દાસી બોલી ‘ચાલો સત્યભામા દેવીને ઘેર, પુત્રના વિવાહને માટે તૈયાર કરેલા મોદક વિગેરે તમને યથારુચિ આપીશ.’ પછી પ્રદ્યુમ્ન કુબ્જાની સાથે સત્યભામાને ઘેર આવ્યો. તોરણદ્વાર (મૂળદ્વાર) પાસે તેને ઊભો રાખી કુબ્જા સત્યભામાની પાસે ગઈ, એટલે સત્યભામાએ પૂછ્યું કે: ‘તું કોણ છે?’ દાસી બોલી ‘હું કુબ્જા છું.’ સત્યભામાએ કહ્યું કે ‘તને આવી સરળ કોણે કરી?’ એટલે દાસીએ તે બ્રાહ્મણનો બધો વૃત્તાંત કહ્યો. સત્યભામાએ પૂછ્યું કે તે ‘તે બ્રાહ્મણ ક્યાં છે?’ દાસી બોલી કે ‘હું તેને તોરણદ્વાર પાસે ઊભો રાખી તમારી પાસે આવી છું.’ એટલે ‘તે મહાત્માને અહીં લાવ.’ એમ સત્યભામાએ આજ્ઞા આપી, તેથી દાસી વેગથી દોડી જઈને તે કપટી બ્રાહ્મણને તેડી લાવી. તે આશિષ આપીને સત્યભામા પાસે બેઠો, એટલે સત્યભામાએ કહ્યું ‘હે બ્રહ્મન્! મને રુક્મિણીથી અધિક રૂપવાળી કરો.’ કપટી વિપ્રે કહ્યું: ‘તમે તો બહુ સ્વરૂપવાન દેખાઓ છો, તમારા જેવું કોઈ બીજી સ્ત્રીનું રૂપ મેં ક્યાંય પણ જોયું નથી.’ સત્યભામા બોલી: ‘ હે ભદ્ર! તમે કહો છો તે સત્ય છે, તથાપિ મને રૂપમાં વિશેષ અનુપમ કરો.’ બ્રાહ્મણે કહ્યું: ‘જો સર્વથી રૂપમાં અધિક થવું હોય તો પ્રથમ વિરૂપા થઈ જાઓ, કારણ કે મૂળથી વિરૂપતા હોય તો વિશેષ રૂપ થાય છે.’ સત્યભામાએ પૂછ્યું, ‘ત્યારે પ્રથમ હું શું કરું?’ બ્રાહ્મણ બોલ્યો, ‘પ્રથમ મસ્તક મુંડાવો અને પછી મશીવડે બધા દેહ ઉપર વિલેપન કરી સાંધેલાં જીર્ણ વસ્ત્ર પહેરી મારી આગળ આવો; એટલે હું તમારામાં લાવણ્ય અને સૌભાગ્યની શોભાનું આરોપણ કરીશ.’ વિશેષ રૂપને ઇચ્છનારી સત્યભામાએ તરત જ તે પ્રમાણે કર્યું, એટલે કપટી બ્રાહ્મણ બોલ્યો: ‘હું બહુ ક્ષુધાતુર છું, માટે અસ્વસ્થપણે હું શું કરી શકું?’ સત્યભામાએ તેને ભોજન આપવા માટે રસૌયાને આજ્ઞા કરી, એટલે બ્રાહ્મણે સત્યભામાના કાનમાં આ પ્રમાણે ઉપદેશ કર્યો કે ‘હે અનઘે! જ્યાં સુધી હું ભોજન કરું ત્યાં સુધી કુળદેવીની આગળ બેસીને તમારે ‘રૂડુ બુડુ, રૂડુ બુડુ.’ એવો મંત્ર જપવો.’ સત્યભામા તરત જ કુળદેવી પાસે જઈ જાપ કરવા લાગી. અહીં પ્રદ્યુમ્ને વિદ્યાશકિત વડે બધી રસોઈ સમાપ્ત કરી દીધી. પછી હાથમાં જળકળશ લઈ રસોઈ કરનારી સ્ત્રીઓ સત્યભામાથી બીતી બીતી બ્રાહ્મણ પ્રત્યે બોલી કે ‘હવે તો ઊઠો તો ઠીક.’ ‘એટલે હજુ સુધી હું તૃપ્ત થયો નથી, માટે જ્યાં તૃપ્તિ થશે ત્યાં જઈશ.’ એમ બોલતો તે કપટી વિપ્ર ત્યાંથી ચાલ્યો ગયો.

પછી તે બાળસાધુનું રૂપ લઈને રુક્મિણીને ઘેર ગયો. રુક્મિણીએ નેત્રને આનંદરૂપ ચંદ્ર જેવા તેને દૂરથી જોયો. તેને માટે આસન લેવા રુક્મિણી ઘરમાં ગઈ, એટલે ત્યાં પ્રથમથી મૂકી રાખેલા કૃષ્ણના સંહાિસન ઉપર તે બેસી ગયો. જ્યારે રુક્મિણી આસન લઈ બહાર નીકળી ત્યારે કૃષ્ણના સંહાિસન પર તેને બેઠેલો જોઈ તે વિસ્મયથી નેત્ર વિકાસ કરતી બોલી: ‘કૃષ્ણ કે કૃષ્ણના પુત્ર વિના આ સિંહાસન ઉપર બેઠેલા કોઈ પુરુષને દેવતાઓ સહન કરી શકતા નથી.’ તે કપટી સાધુએ કહ્યું કે ‘મારા તપના પ્રભાવથી કોઈ દેવતાનું પરાક્રમ મારી ઉપર ચાલતું નથી.’ પછી રુક્મિણીએ પૂછ્યું કે ‘તમે શા કારણે અહીં પધાર્યા છો?’ એટલે તે બોલ્યો: ‘મેં સોળ વર્ષ સુધી નિરાહાર તપ કરેલું છે, વળી મેં જન્મથી જ માતાના સ્તનનું પાન કર્કહ્યું નથી, હવે હું અહીં તેના પારણાને માટે આવ્યો છું, તેથી જે યોગ્ય લાગે તે મને આપો.’ રૂક્મિણી બોલી: ‘હે મુનિ! મેં ચતુર્થ તપથી આરંભી વર્ષ સુધીનું તપ સાંભળ્યું છે; પણ કોઈ ઠેકાણે સોળ વર્ષનું તપ સાંભળ્યું નથી.’ તે બાળમુનિ બોલ્યો, ‘તમારે તેનું શું કામ છે? જો કાંઈ હોય અને તે મને આપવાની ઇચ્છા હોય, તો આપો, નહીં તો હું સત્યભામાને મંદિરે જઈશ.’ રુક્મિણી બોલી ‘મેં ઉદ્વેગને લીધે આજે કાંઈ રાંધેલું નથી.’ બાળમુનિએ પૂછ્યું, ‘તમારે ઉદ્વેગ થવાનું શું કારણ છે?’ રુક્મિણીએ કહ્યું, ‘મારે પુત્રનો વિયોગ થયો છે, તેના મેળાપની આશાએ મેં આજ સુધી કુળદેવીનું આરાધન કર્યું, આજે છેવટે કુળદેવીને મસ્તકનું બલિદાન આપવાની ઇચ્છાથી મેં મારી ગ્રીવા ઉપર પ્રહાર કર્યો, એટલે દેવીએ કહ્યું, ‘પુત્રી! સાહસ કર નહીં. આ તારા આંગણામાં રહેલું આમ્રવૃક્ષ જ્યારે અકાળે ખીલી નીકળશે ત્યારે તારો પુત્ર આવશે.’ આજે આ આમ્રવૃક્ષ તો વિકસિત થયું, પણ મારો પુત્ર હજુ આવ્યો નહીં, માટે હે મુનિરાય! તમે હોરા જુઓ, મારે પુત્રનો સમાગમ ક્યારે થશે?’ મુનિ બોલ્યો: ‘જે ખાલી હાથે પૂછે તેને હોરાનું ફળ મળતું નથી.’ રુક્મિણી બોલી: ‘કહો ત્યારે તમને શું આપું?’ મુનિ બોલ્યા: ‘તપથી મારું ઉદર દુર્બળ થઈ ગયું છે, તેથી મને ક્ષીરભોજન આપો.’ પછી રુક્મિણી પ્રથમ તૈયાર કરેલા મોદકની ખીર કરવા લાગી, પણ તે મુનિના વિદ્યાપ્રભાવથી અગ્નિ પ્રજ્વલિત થયો નહીં. જ્યારે રુક્મિણીને અતિ ખેદ પામેલી જોઈ ત્યારે તે મુનિએ કહ્યું: ‘જો ખીર રંધાય તેવું ન હોય તો એ મોદકથી જ મારી ક્ષુધાને શાંત કરો.’ રુક્મિણી બોલી‘ભગવન્! આ મોદક કૃષ્ણ વગર બીજા કોઈને જરી શકે તેવા નથી, માટે તે તમને આપીને હું ઋષિહત્યા નહીં કરું.’ મુનિ બોલ્યો, ‘તપસ્યાના પ્રભાવથી મારે કાંઈ પણ દુર્જર (ન જરે તેવું) નથી.’ પછી રુક્મિણી શંકિત ચિત્તે તેને એકેક મોદક આપવા લાગી. જેમ જેમ તે આપવા લાગી તેમ મુનિ ઉતાવળો ઉતાવળો ખાતો ગયો, એટલે તે વિસ્મય પામીને બોલી, ‘મહર્ષિ! તમે તો ઘણા બળવાન લાગો છો.’

આ બાજુ સત્યભામા ‘રૂડુ બુડુ’ મંત્રને જપતી હતી ત્યાં બાગવાન પુરુષોએ આવીને કહ્યું,‘ સ્વામિની! કોઈ પુરુષે આપણા ઉદ્યાનને ફળ વગરનું કરી દીધું છે.’ કોઈએ આવીને જણાવ્યું કે ‘ઘાસની દુકાનોમાંથી ઘાસને ખુટાડી દીધું છે.’ કોઈએ આવીને જાહેર કર્યું કે ‘બધાં ઉત્તમ જળાશયો નિર્જળ કર્યાં છે.’ અને કોઈએ આવીને કહ્યું કે ‘ભાનુકુમારને અશ્વ ઉપરથી કોઈએ પાડી નાખ્યો છે.’ તે સાંભળી સત્યભામાએ દાસીને કહ્યું કે ‘અરે! તે બ્રાહ્મણ ક્યાં છે?’ એટલે દાસીઓએ તેની જે બીના બની હતી તે યથાર્થ કહી બતાવી. પછી ખેદ પામ્યા છતાં અમર્શ ધરતી સત્યભામાએ કેશ લાવવાને માટે હાથમાં પાત્ર આપીને દાસીઓને રુક્મિણી પાસે મોકલી. તેઓએ આવીને રુક્મિણીને કહ્યું, ‘હે માનિની! તમારા કેશ અમને શીઘ્ર આપો; અમારી સ્વામિની સત્યભામા તેમ કરવાને આજ્ઞા કરે છે.’ તે સાંભળી પેલા કપટી સાધુએ તે દાસીઓના જ તથા સત્યભામાના પૂર્વે મૂંડેલા કેશ વડે તે પાત્ર ભરી આપી તેમને સત્યભામા પાસે મોકલી. સત્યભામાએ તે દાસીઓને કેશ વિનાની જોઈને પૂછ્યું કે ‘આ શું?’ એટલે દાસીઓ બોલી કે ‘શું તમે નથી જાણતાં કે જેવાં સ્વામિની હોય તેવો જ પરિવાર હોય છે.’ પછી ભ્રમિત થયેલી સત્યભામાએ કેટલાએક નાપિત લોકોને રુક્મિણીને ઘેર મોકલ્યા, એટલે તે સાધુએ તેઓને શિર પરની ત્વચા પણ છેદાય તેમ વિદ્યા વડે મુંડીને કાઢી મૂક્યા. તે નાપિતોને મુંડેલા જોઈ સત્યભામાએ ક્રોધથી કૃષ્ણની પાસે આવીને કહ્યું ‘સ્વામિન્! તમે રુક્મિણીના કેશ અપાવવાના જામીન થયા છો, માટે તે પ્રમાણે મને આજ તેના કેશ અપાવો અને એ કાર્ય માટે તમે પોતે જઈને રુક્મિણીના મસ્તકને મુંડિત કરાવો.’ એટલે હરિ હસતાં હસતાં બોલ્યા, ‘તમે જ મુંડિત તો થયા છો.’ સત્યભામા બોલી, ‘હમણાં મશ્કરી કરવી છોડી દો અને તેના કેશ મને આજે જ અપાવો.’ પછી કૃષ્ણે તે કાર્ય માટે બળભદ્રને સત્યભામા સાથે રુક્મિણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રદ્યુમ્ને વિદ્યાથી કૃષ્ણનું રૂપ વિકુર્વ્યું એટલે તેમને ત્યાં જોઈ રામ લજ્જા પામી પાછા વળ્યા. પૂર્વ સ્થાનકે આવતાં ત્યાં પણ કૃષ્ણને જોઈને તે બોલ્યા કે ‘તમે મારું ઉપહાસ્ય કેમ કરો છો? તમે મને કેશને માટે ત્યાં મોકલી પાછા તમે પોતે જ ત્યાં આવ્યા, અને પાછા અહીં આવતા રહ્યા. જેથી તમે સત્યભામાને અને મને બન્નેને સમકાળે શરમાવી દીધાં.’ કૃષ્ણે સોગન ખાઈને ક્હ્યું કે ‘હું ત્યાં આવ્યો નહોતો.’ એમ કહ્યા છતાં પણ ‘આ બધી તમારી જ માયા છે.’ એમ બોલતી સત્યભામા રીસ ચડાવીને પોતાના મહેલમાં ચાલી ગઈ. પછી તેને મનાવવા માટે હરિ તેને ઘેર ગયા.

અહીં નારદે રુક્મિણીની પાસે આવીને કહ્યું કે ‘આ તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે.’ એટલે તત્કાળ માતાના ચિરકાળના વિયોગદુઃખરૂપ અંધકારને ટાળવામાં સૂર્યસમાન પ્રદ્યુમ્ન પોતાનું દેવ જેવું રૂપ પ્રગટ કરી માતાના ચરણમાં પડ્યો. રુક્મિણીના સ્તનમાંથી દૂધની ધારા ચાલી. તત્કાળ તેણે પુત્રને આલિંગન કર્યું અને નેત્રમાં અશ્રુ લાવી તે વારંવાર પુત્રના મસ્તક પર ચુંબન કરવા લાગી. પછી પ્રદ્યુમ્ને કહ્યું, ‘માતા! હું મારા પિતાને કાંઈક આશ્ચર્ય બતાવું ત્યાં સુધી તમે મને ઓળખાવશો નહીં.’ હર્ષમાં વ્યગ્ર થયેલી રુક્મિણીએ કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં. પછી પ્રદ્યુમ્ન રુક્મિણીને એક માયારથમાં બેસાડીને ચાલ્યો અને શંખ ફૂંકીને જણાવ્યું કે ‘હું આ રુક્મિણીનું હરણ કરું છું. જો કૃષ્ણ બળવાન્ હોય તો તેની રક્ષા કરે.’ તે સાંભળી ‘આ કોણ દુર્બુદ્ધિ મરવાને ઇચ્છે છે?’ એમ બોલતા કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ સૈન્ય સહિત તેની પાછળ દોડ્યા. પ્રદ્યુમ્ને વિદ્યાના સામર્થ્યથી તે ધનુષ્ય ભાંગી નાખીને હાથીને દાંત રહિત કરે તેમ તત્કાળ કૃષ્ણને આયુધ વગરના કરી દીધા. તે વખતે જેવામાં હરિ ખેદ પામ્યા તેવામાં તેની જમણી ભુજા ફરકી, એટલે તેમણે તે વાત રામને જણાવી. તે વખતે નારદે આવીને કહ્યું, ‘કૃષ્ણ, આ રુક્મિણી સહિત તમારા જ પુત્ર પ્રદ્યુમ્ન છે, તેથી તેને ગ્રહણ કરો અને યુદ્ધની વાર્તા છોડી દો.’ તત્કાળ પ્રદ્યુમ્ન કૃષ્ણને નમી રામના ચરણમાં પડ્યો. તેઓએ ગાઢ આલિંગન કરી વારંવાર તેના મસ્તક પર ચુંબન કર્યું. જાણે યૌવન સહિત જ જન્મ્યો હોય તેવા અને દેવની લીલાને ધારણ કરતા પ્રદ્યુમ્નને પોતાના ખોળામાં બેસાડીને કૃષ્ણે લોકોના મનને કૌતુક ઉત્પન્ન કરતા સતા રુક્મિણી સાથે ઇન્દ્રની જેમ તે વખતે દ્વાર ઉપર રચેલાં નવીન તોરણોથી ભ્રૂકુટીના વિભ્રમને કરાવતી કરાવતી દ્વારિકામાં પ્રવેશ કર્યો.

(પર્વ-૮, સર્ગ-૬)