ભારતીયકથાવિશ્વ−૪/ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા/કોશલ દેશના તોસલની કથા

Revision as of 06:36, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કોશલ દેશના તોસલની કથા


કોશલા નગરીમાં કોશલ નામનો રાજા હતો. તેનો પુત્ર તોસલ વિદ્યાવિજ્ઞાનવાળો, દાનવીર, યુવાન, વિલાસી હતો. નગરીમાં તે જ્યાં ઇચ્છા થાય ફરતો હતો. એક વાર તે મોટા નગરશેઠના ઘર આગળથી પસાર થયો અને ત્યાં ગોખની જાળીમાંથી કોઈ કન્યાનું મુખ દેખાયું, બાલિકાએ પણ તોસલને જોયો અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. હવે તે કન્યાને કેવી રીતે મળવું તેનો વિચાર તે કરવા લાગ્યો. રાત પડી એટલે તે શસ્ત્રસજ્જ થઈને શેઠના મહેલમાં ગયો. કન્યાને મળ્યો અને કન્યાએ પોતાના શીલની વાત કરી. તોસલ ત્યાંથી જતો રહેવા તૈયાર થયો પણ તેણે તેને જવા ન દીધો, તેણે પોતાનો પરિચય આપ્યો. ‘નંદ ગામના શેઠ મારા પિતા, મારી માતા રત્નરેખા. મારું નામ સુવર્ણદેવા. તેમને મારો વિવાહ હરિદત્ત નામના યુવાન સાથે કર્યો હતો, પણ તે લંકા ગયો અને બાર વર્ષથી તે હજુ ત્યાં જ છે. આ વેદનામાં હું આત્મહત્યા કરવા તૈયાર થઈ હતી અને એવામાં મેેેં તમને જોયા. મારા ઉત્તમ કુળમાં હું દુ:શીલ છું એવી અપકીર્તિ ન થાય તે જોજો. અને જો એવા કોઈ અપરાધથી રાજા તમારો ત્યાગ કરે, તમારી નિંદા લોકોમાં થાય તો તમારી પાછળ હું મરણને વધુ વહાલું કરીશ.’

અને તે બંનેનાં તનમન મળ્યાં. રાત પૂરી થવા આવી ચક્રવાક યુગલોનાં હૃદય એક થવા લાગ્યા. રાજપુત્ર જેવો આવ્યો હતો તેવો ગયો. આમ આઠ મહિના તેઓ નિયમિત રીતે મળતા રહ્યા. દૈવયોગે તે કન્યાને ગર્ભ રહ્યો.

સખીઓમાં અને કુટુંબમાં આ વાત પ્રસરી ગઈ. નંદશેઠને પણ આની જાણ થઈ. ક્રોધે ભરાઈને તેણે રાજાને પોતાની પુત્રીને આવી સ્થિતિમાં મૂકનાર અપરાધીને શોધી કાઢવા કહ્યું. રાજાએ મંત્રીને આ કામ સોેંપ્યું અને તોસલનો અપરાધ જાણી રાજાએ તાબડતોબ તેના વધનો હુકમ આવ્યો. મંત્રી તેને સ્મશાનભૂમિમાં લઈ ગયો અને સારાનરસાનો વિચાર કરીને મંત્રીએ કહ્યું, ‘તારા પર રાજા ક્રોધે ભરાયા છે. તારા વધની આજ્ઞા કરી છે. પણ તું એક કામ કર. તારી કોઈને જાણ ન થાય એવી જગાએ તું જતો રહે. તારે કોઈને તારો પરિચય પણ આપવો નહીં.’ રાજપુત્ર પણ મરણની બીકે ત્યાંથી નાસી ગયો અને પાટલીપુત્ર નામના નગરમાં ગયો, ત્યાં જયવર્મ રાજા હતો. તોસલ સામાન્ય માનવીની જેમ જીવન જીવતો થયો.

ચારે બાજુથી તિરસ્કારપાત્ર બનેલી સુવર્ણદેવાને જાણ થઈ કે રાજપુત્રનો વધ થઈ ગયો છે. તે કોઈક રીતે ઘરની, નગરની બહાર નીકળી ગઈ. પાછલી રાતે પાટલીપુત્ર જનારો કાફલો મળ્યો એટલે તેની સાથે તે નીકળી પડી. પણ ગર્ભભારને કારણે ધીમે ધીમે ચાલતી તે એકલી પડી ગઈ અને ગાઢ જંગલમાં જઈ પહોેંચી. કઈ દિશામાં જવું તેની કશી સમજ પડી નહીં, રસ્તો ભૂલી ગઈ. ભૂખેતરસે તે હેરાન થઈ ગઈ. વાઘસિંહની ગર્જનાઓથી તે ગભરાતી હતી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલી રેતી પર ચાલતી હતી. નબળા હૃદયવાળીને જાતજાતની શંકાઓ થતી હતી. કૂંડાને ચોર માનતી, વૃક્ષને હાથી, હરણને વાઘ, સસલાને સિંહ, મોર-કૂકડાને દીપડો માનતી. ઘાસનું તણખલું હાલે તો પણ તે બી મરતી. આ સ્થિતિમાં માતાપિતાને યાદ કરીને તે વિલાપ કરવા લાગી. ‘અરે માતા, અરે પિતા, જીવથી વધુ વહાલી હું હતી. તમે કેમ મારો ત્યાગ કર્યો? અરે પ્રિયતમ, ક્યાં છો તમે?’

એમ કરતાં કરતાં દિવસો વીત્યા. નવમો મહિનો પૂરો થયો. ઉપર આઠ દિવસ થયા અને તેને વેણ ઊપડી. આખરે તેણે જોડિયાં બાળકોને જન્મ આપ્યો, એક પુત્ર અને એક પુત્રી.’

‘અરે પુત્ર, હવે શું કરું? કુમારી હોય ત્યારે પિતા, યુવાનીમાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સ્ત્રીનું રક્ષણ કરે છે. બધાનો વિયોગ- એટલે તું જ મારું સર્વસ્વ.’

આવો વિલાપ કરતી હતી તે વખતે તેણે વિચાર્યુંં, હવે શું કરું? અહીં મરવું નથી, પુત્રનું પાલનપોષણ કરવું પડશે. તોસલ રાજપુત્રના નામની મુદ્રા પુત્રના કંઠમાં પહેરાવી અને પુત્રીના કંઠમાં પોતાના નામવાળી મુદ્રા પહેરાવી. પોતાના વસ્ત્રના અડધા ભાગમાં પુત્રને બાંધ્યો અને અડધામાં પુત્રીને બાંધી. પર્વતના ઝરણામાં શરીરને સ્વચ્છ કરી આગળ ચાલું એમ વિચારી બાળકોને એક જગ્યાએ મૂકી તે ઝરણામાં નહાવા ગઈ.

તે જ વખતે તરત વિયાયેલી, ભૂખી, ભમીભમીને વ્યાકુળ બનેલી એક વાઘણ બાળકોના આ પોટલા પાસે આવી અને પોટલી મેંમાં ભરાવી તે ચાલતી થઈ. હવે ઉજ્જયિની અને પાટલીપુત્રના માર્ગ પરથી જતાં જતાં એક પોટલીની ગાંઠ ઢીલી પડી ગઈ એટલે કન્યા નીચે પડી ગઈ. વાઘણને ખબર ન પડી. તે જ રસ્તેથી જયવર્મ નામનો દૂત આવતો હતો. તેણે રસ્તામાં પડેલી બાલિકાને ઉપાડી લીધી અને પોતાની પત્નીને આપી. તે પોતાના જ બાળકની જેમ તેને ઉછેરવા લાગી. તેનું નામ વનદત્તા પાડ્યું. આ બાજુ વાઘણ તેની ગુફા પાસે પહોેંચાડવામાં જ હતી, ત્યાં જયવર્મ રાજાના પુત્ર સબરસિંહે વાઘણને મારી નાખી. રસ્તામાં પડેલી પોટલી જોઈ તો તેમાં સુંદર બાળક જોયું. કમળ જેવો કોમળ દેહ, રક્તકમળ જેવા હાથપગ અને નીલકમળ જેવી આંખોવાળા એ બાળકને ઘેર જઈ પત્નીને આપ્યો. પછી સમાચાર ફેલાયા કે દેવીને પુત્ર જન્મ્યો છે. બાર દિવસે તેનું નામ વ્યાઘ્રદત્ત પાડ્યું. તેનામાં મોહ વધુ હતો એટલે તેનું બીજું નામ પાડ્યું — મોહદત્ત.

આ બાજુ ઝરણામાં સ્નાન કરીને આવેલી સુવર્ણદેવાએ બાળકોને ન જોયાં. એટલે મૂર્ચ્છા પામીને ધરતી પર ઢળી પડી અને પછી વિલાપ કરવા લાગી. ‘અરે મારાં બાળકો, તમે ક્યાં ગયા? દૈવે પહેલાં મહાનિધિ બતાવ્યો અને પછી આંખો લઈ લીધી. પ્રિયતમ જતો રહ્યો. હવે પુત્ર નથી, પુત્રી નથી.’ ત્યાં તેણે વાઘણના પગલાં જોયાં. એટલે માની લીધું કે વાઘણ લઈ ગઈ હશે. એમ કરતાં કરતાં તેણે કોઈ ભરવાડણના ઘેર આશરો લીધો. ભરવાડણે તેને પુત્રીની જેમ આવકારી. એમ કરતાં કરતાં તે પાટલીપુત્ર નગરમાં જઈ પહોેંચી. એમ દૈવયોગે તે જ્યાં પોતાની પુત્રી હતી ત્યાં જ ગઈ અને પુત્રી યૌવનમાં આવી ત્યાં સુધી તે ત્યાં રહી પડી.

આવી વનદત્તાએ વસંતઋતુમાં મોહદત્તને જોયો. બંને એકબીજાને જોઈને પ્રસન્ન થયાં. એકબીજાને કામબાણ વાગ્યાં. સુવર્ણદેવા અનુભવી હોવાને કારણે બંનેનો પ્રેમ સમજી ગઈ. તેણે કહ્યું, ‘હવે આપણે ઘેર જઈએ. જોવાનું બાકી રહ્યું હોય તો મદનોત્સવ પૂરો થાય, ઉદ્યાન નિર્જન થાય ત્યારે ફરી આવીશું.’

મોહદત્તે વિચાર્યું, ‘આ કન્યાને પણ મારા માટે પ્રેમ છે. એટલે તેની ધાવમાતાએ પણ સંકેત કર્યો છે કે ઉત્સવ પૂરો થાય ત્યારે મળાશે.

વનદત્તા ઘેર તો પહોેેેંચી પણ તે ગાંડીઘેલી થઈ ગઈ. માંડમાંડ મદનોત્સવ વીતાવ્યો. ઉદ્યાને પહોેંચવા તે નીકળી. થોડી વારે તોસલે તેને જોઈ. દેશાંતરને કારણે, રૂપ-લાવણ્ય બદલાઈ જવાને કારણે સુવર્ણદેવાએ તેને ન ઓળખ્યો. તેણે માત્ર વનદત્તાને જ જોયા કરી અને તેને પામવા માટે અનેક વિચારો કરવા લાગ્યો. તે એને વશ કરવા એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે વનદત્તા પણ ઉદ્યાનમાં આવી ગઈ. તે વેળા લાજશરમ બાજુ પર મૂકીને તોસલ તલવાર હાથમાં લઈ દોડ્યો, ‘આ તરવાર તારા કંઠે પડી નથી ત્યાં સુધી તું મારી સાથે ક્રીડા કર અથવા જીવવું હોય તો મારું શરણ સ્વીકાર.’ તેનું આવું વર્તન જોઈ સુવર્ણદેવા અને સખીઓ ત્યાં દોડી આવ્યાં અને બૂમો પાડવા લાગ્યાં, ‘દોડો-દોડો, આ કોઈ મારી પુત્રીને મારી નાખે છે.’

તે જ વખતે વ્યાઘ્રદત્ત કેળના મંડપમાંથી તલવાર ખેંચીને ધસ્યો.

‘અરે ભાગે છે ક્યાં? આ ગભરુ કન્યા પર તું પ્રહાર કરવા તૈયાર થયો છે.’ આ સાંભળી તોસલ પાછો વળ્યો અને બંને વચ્ચે કાપાકાપી ચાલી. વ્યાઘ્રદત્તે ગળા પર પ્રહાર કરી તેને મારી નાખ્યો.

પછી વનદત્તા તરફ જોયું. વનદત્તાએ પણ પોતાના પ્રાણદાતાને પ્રિયતમ માન્યો. સખીઓને શાંતિ થઈ, વ્યાઘ્રદત્ત તેને કેળગૃહમાં લઈ ગયો અને મોહવશ થઈ તેણે તેને આલિંગન આપ્યું. ત્યારે અવાજ સંભળાયો, ‘અરે પિતાને મારી નાખી, જનની સમક્ષ બહેન સાથે ક્રીડા કરવા માગે છે?’ તેણે ચારે બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. એટલે ફરી તે કેલિ કરવા ગયો, અને ફરી અવાજ સંભળાયો, ‘અરે પિતૃહત્યા કરી માતા સામે તારી જ બહેન સાથે આવું ન કર.’ ફરી તેને એ પ્રલાપ અસંબદ્ધ લાગ્યો. ફરી વનદત્તાને વળગ્યો. ત્યાં ફરી સંભળાયો અવાજ, ‘અરે નિર્લજ્જ, પિતાને માર્યા, હવે બહેન સાથે ભોગ ભોગવવા ઇચ્છે છે?’

વ્યાઘ્રદત્ત હાથમાં તલવાર લઈ આજુબાજુ જોવા લાગ્યો. ત્યાં અશોકવૃક્ષ નીચે તેણે એક મુનિ જોયા. આ ઉદ્યાનમાં બીજું કોઈ નથી એટલે આ મુનિ જ બોલ્યા હોવા જોઈએ એમ માની તે મુનિવર પાસે ગયો. ત્યાં સુવર્ણદેવા, વનદત્તા અને સખીઓ પણ આવી પહોેંચ્યા. મોહદત્તે પૂછ્યું, ‘આપે કહ્યું કે પિતાને મારી નાખી, માતાની સમક્ષ બહેન સાથે ક્રીડા ન કર. એટલે શું?’

એટલે મુનિએ તેમનો આખો ઇતિહાસ કહી સંભળાવ્યો. ‘તારી પાસે તોસલના નામવાળી મુદ્રા છે અને સુવર્ણદેવા નામવાળી મુદ્રા વનદત્તા પાસે છે.’

આ સાંભળી તેને વૈરાગ્ય આવ્યો. એટલે છેવટે મુનિએ તેને દીક્ષા માટે ધર્મનંદન નામના મુનિ પાસે જવા કહ્યું.