ભારતીયકથાવિશ્વ−૪/ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા/માયાદિત્યની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માયાદિત્યની કથા


કાશીની આસપાસ નાનાં નાનાં ગામ, વચ્ચે વચ્ચે વનોને કારણે તે પ્રદેશ સુંદર લાગતો હતો. ઉજ્જ્વળ તળાવોવાળાં દેવમંદિરો પણ પુષ્કળ હતા. તે દેશમાં વારાણસી નામની નગરી. ત્યાં લોકો અર્થસંગ્રહ કરીને દાનધર્મ કરતા. વિશ્વાસિની સ્ત્રીઓ શરીરશોભા કરતી, પણ અહંકારનો વિકાર ન થાય તેવાં આભૂષણ-વસ્ત્રો પહેરતી, વડીલોની સેવાભક્તિ પરિવારને શીખવવામાં આવતી. તે મહાનગરીની નૈર્ઋત્ય દિશામાં શાલિગ્રામ નામનું ગામ. તેમાં ગંગાદિત્ય નામનો એક દરિદ્ર રહેતો હતો. બીજા બધા રૂપાળા પણ આ એકલો જ કુરૂપ હતો. બીજા મધુર વચનો બોલે છતાં આ એકલો ઝેરી વચનો બોલે, તેને એકલાને જ જોવાથી ઉદ્વેગ થતો. સાવ ક્ષુદ્ર ઉપકાર કરનારા પર જીવ આપનારા લોકો ત્યાં હોવા છતાં આ એકલો નર્યો કૃતઘ્ન હતો. કપટી સ્વભાવ, ઠગનારી વાણીવાળા આ માણસનું નામ લોકોએ ગંગાદિત્યને બદલે માયાદિત્ય રાખ્યું.

એ જ ગામમાં થાણુ નામનો વણિક હતો. તેનો જૂનો વૈભવ હવે ક્ષીણ થઈ ગયો હતો. કોઈક રીતે માયાદિત્ય સાથે તેને સ્નેહ થયો. તે તો સરળ, નમ્ર, દયાળુ, કૃતજ્ઞ હતો. ઘણા લોકોએ તેને માયાદિત્ય સાથે સંબંધ ન રાખવાની સલાહ આપી છતાં તેણે પોતાના સરળ સ્વભાવને કારણે માયાદિત્ય સાથે મૈત્રી કરી. સજ્જનો દુર્જનોના વિષમ હૈયાને નથી જાણતા, જ્યારે તેની દુર્જનતાની જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

એક વખત બંને મિત્રો વિશ્વાસથી એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે થાણુએ તેને કહ્યું, ‘ધર્મ, અર્થ, કામ પુરુષાર્થો લોકે ઠરાવ્યા પણ આપણી પાસે તો કશુ નથી. તો આપણે અર્થોપાર્જન કરીને બીજા પુરુષાર્થો પણ મેળવીએ.’

માયાદિત્યે તેને વારાણસી જવાની વાત કરી, ‘ત્યાં જઈને જુગાર રમીશું, ચોરી કરીશું, મુસાફરોને લૂંટીશું, લોકોને ઠગીશું.’ પણ થાણુએ એ વાત સાંભળીને ના પાડી, ‘આવો વિચાર પણ ન થાય.’ એટલે માયાદિત્યે પોતાની વાત ફેરવી નાંખી, આ તો મજાક કરતો હતો તેમ કહી થાણુને રીઝવ્યો. થાણુએ તેને ભવિષ્યમાં આવી વાત કદી નહીં કરવા કહ્યું અને અર્થોપાર્જનના ઉપાયો જણાવ્યા. પછી નક્કી કર્યું કે દક્ષિણાપથ જઈએ, ત્યાં જઈને જે કંઈ થઈ શકશે તે કરીશું.’ અને એમ સ્વજનો-સ્નેહીઓની મંજૂરી લઈ, ભાથું લઈ નીકળી પડ્યા અને પેઠાણ નગરમાં જઈ પહોંચ્યા. તે ધનસમૃદ્ધ નગરમાં જાતજાતના વેપાર-મજૂરી કરીને પાંચ પાંચ હજાર સોનામહોરો કમાયા. પછી ‘રસ્તામાં ચોરીચપાટીનો ભય હોય એટલે આપણે આ સોનામહોરો વડે કિંમતી રત્ન ખરીદીએ. દેશમાં જઈને તે વેચીશું.’ એમ વિચારી પાંચપાંચ રત્ન ખરીદ્યાં અને ધૂળવાળાં, મેલાં ચીંથરાંમાં વીંટ્યાં. બંનેએ વેશપરિવર્તન કર્યું. માથું મુંડાવી નાખ્યું, છત્રી લીધી, ગેરુથી ભગવાં વસ્ત્ર રંગીને પહેર્યાં, કાવડ બનાવી અને જાણે તીર્થયાત્રાએ નીકળ્યા હોય તેવો દેખાવ કર્યો. ક્યાંક ખર્ચ કરીને ભોજન કર્યું, ક્યાંક સદાવ્રતમાંથી ભોજન કર્યું, પછી ધર્મશાળાવાળા એક નાના ગામમાં પહોંચ્યા. ત્યાં થાણુએ કહ્યું, ‘મિત્ર, બહુ થાક્યો છું. એટલે રોટલા કરાવીને ભોજન કરીએ.’

માયાદિત્યે આ સાંભળીને કહ્યું, ‘તો તું જ નગરમાં જા. મને માલ લેવાની, ભાવતાલ કરવાની સમજ નહીં પડે. તું તો હોશિયાર છે એટલે જલદી પાછો આવી જજે.’

થાણુએ હા પાડી. ‘ઠીક, પણ રત્નની પોટલીનું શું કરીશું?’

‘પારકા નગરનો તો ખ્યાલ કેવી રીતે આવે? રસ્તામાં જોખમ ન રખાય. એના કરતાં ભલે મારી પાસે રહી.’ એટલે થાણુએ રત્નની પોટલી માયાદિત્યને આપી અને તે નગરમાં ગયો. માયાદિત્યની પાસે બધાં રત્નો આવી ગયાં એટલે તેણે વિચાર્યું, ‘આ દસ રત્નોમાં પાંચ તો મારાં છે. હું જો તેને ઠગી લઉં તો દસે દસ મારા થઈ જાય.’ એ પોટલી લઈને નાસી જવાનો વિચાર પણ કર્યો. પણ એ આવી ચઢે તો! એને ખબર ન પડે એવી રીતે જતો રહું તો! પછી તેણે ધૂળમાં રગદોળાયેલો કપડાનો ટુકડો લીધો, પેલાં રત્નો તેમાં બાંધ્યાં. જૂના કપડામાં તેવડા જ ગોળ દસ પથ્થર બાંધ્યા. તે આ કપટ કરી રહ્યો હતો તેવામાં જ થાણુ આવી પહોેંચ્યો. આ ઉતાવળમાં માયાદિત્યને ખ્યાલ ન રહ્યો કે રત્નોવાળી પોટલી કઈ અને પથરાવાળી પોટલી કઈ? થાણુએ તેને પૂછ્યું પણ ખરું કે ‘મને જોઈને તું આટલો બધો ગભરાયેલો કેમ દેખાય છે?’

‘અરે મિત્ર, તને જોઈને મને થયું કે આ કોઈ ચોર આવે છે એટલે ગભરાઈ ગયો.’

થાણુએ કહ્યું, ‘ગભરાઈશ નહીં.’

‘આ રત્નની પોટલી પકડ. મને તો બીક લાગે છે એટલે હું નહીં રાખું.’ એમ કહી સાચાં રત્નોની પોટલી પથ્થરવાળી છે એમ માનીને તેણે થાણુને આપી. પેલાએ પણ સરળ રીતે તે લઈ લીધી.

‘હે મિત્ર, હું આંબલી માગીને પાછો આવું છું.’ એમ કહીને માયાદિત્ય ત્યાંથી જતો રહ્યો, પાછો ન જ ફર્યો. રાતદિવસ ચાલ ચાલ જ કર્યું. એમ કરીને બાર જોજન વટાવી દીધાં. પછી રત્નપોટલી ખોલીને જોયું તો તેમાં નર્યા પથરા જ હતા. ‘હું ઠગાયો, લૂંટાયો, હણાયો.’ એમ કરીને તે મૂર્ચ્છા પામ્યો. થોડી વારે તે સ્વસ્થ થયો. ‘મેં વિચાર્યું કે હું એને ઠગું, પણ હું જ ઠગાયો.’ એમ વિચારી તેણે ફરી પેલા મિત્રને ઠગવાનો વિચાર કર્યો. પાછો રસ્તામાં ક્યાંક મળી જશે, એમ વિચારી તેને શોધવા લાગ્યો. થાણુ પણ હમણાં આવશે, હમણાં આવશે એમ વિચારતો બધે તેને શોધવા નીકળ્યો. ચારે બાજુ શોધ્યા પછી પણ તે ન મળ્યો એટલે વિલાપ કરવા લાગ્યો. ‘અરે, મારામિત્રને જોયો છે?’ એમ કરતાં કરતાં રાત વીતી, દિવસ વીત્યો. અને તે એક દેવકુલિકામાં જગા મેળવી સૂઈ ગયો. પછી તે જીવતો હશે તો ઘેર આવશે, જો જીવતો નહીં હોય તો એનાં સ્વજનોને તેનાં રત્ન આપી દઈશ એમ વિચારતાં વિચારતાં તે નર્મદાકાંઠે આવી ચઢ્યો. એવામાં માયાદિત્ય આવી ચઢ્યો. તેને ભેટીને થાણુ રડવે ચઢ્યો, ‘અરે મિત્ર, તું મને મૂકીને ક્યાં જતો રહ્યો હતો? તું ક્યાં હતો તે મને કહે જોઈએ.’

‘અરે મિત્ર, મારી વાત સાંભળ. ઘેર ઘેર ભટકતો હું એક મોટા મહેલમાં પેઠો. ત્યાંથી મને કંઈ ન મળ્યું. એટલે બહાર નીકળવા ગયો. એટલામાં યમદૂતો જેવા લાગતા લોકોએ મારા પર ભારે પ્રહારો કરવા માંડ્યા. હું બોલ્યે ગયો, ‘શું છે? મેં તમારો શો અપરાધ કર્યો છે? અરે મિત્ર, તું ક્યાં ગયો અને મારી આવી સ્થિતિ થઈ.’ એ લોકો મને ચોર ધારી તેમના શેઠ પાસે લઈ ગયા. ‘સારું કર્યું, આણે જ આપણું કુંડળ ચોર્યું છે. હું રાજાને ફરિયાદ ન કરું ત્યાં સુધી તેને ઉપલા માળે પૂરી રાખો.’

આમ ચોરનું કલંક લાગ્યું તેનાથી મારું હૃદય જેટલું દાઝયું તેનાથી વધારે તો તારા વિરહથી દાઝયું.- ‘હું ચોર નથી, ચોર નથી.’ એમ કકળતો હોવા છતાં તેમણે મને એક ઓરડામાં પૂરી દીધો. મને એમ જ લાગ્યું કે મારું મરણ નજીક છે તો યમ આટલું મોડું કેમ કરે છે? મિત્રવિયોગ થયો તો પછી મૃત્યુ પણ મને વહાલું લાગશે.

એમ વિચારતાં રાત પડી, તે પણ વીતી ગઈ. બીજા દિવસે બપોરે ભોજન લઈને એક વેશ્યા આવી. મારું રૂપ જોઈને તેને દયા આવી. મેં તેને પૂછ્યું, ‘સુંદરી, સાચો ઉત્તર આપે તો એક વાત પૂછું.’

તેણે કહ્યું, ‘વિશ્વાસ રાખી પૂછો.’

‘હું નિરપરાધી છું તો પછી મને પકડ્યો શા માટે?’

‘આ નવમી તિથિએ દેવતા આરાધના થશે. તેમાં તમારો બલિ અપાશે. ચોરીનો ખોટો આરોપ મૂકીને પકડાયા છો.’

પછી મેં ભયભીત થઈને પૂછ્યું,‘હવે મારા જીવવાનો કોઈ ઉપાય?’

‘હવે જીવવાની આશા ન રાખવી. હું સ્વામીનો દ્રોહ નહીં કરું. તો પણ તારા ઉપર મને સ્નેહ છે. એટલે એક વાત સાંભળ. જો તું એ ઉપાય કરે તો, આવતી નોમના દિવસે બધો પરિવાર સ્નાન કરી સ્વામી સાથે જશે. તે વખતે એકલો રખેવાળ હશે. તું જો બારણાં તોડીને નીકળી જાય તો બચે. જો તે દિવસ ચૂકી ગયો તો પછી કોઈ રીતે બચી નહીં શકાય.’ એટલે હું તે દિવસે એવી રીતે નીકળી ગયો, પછી હું તને ખોળવા લાગ્યો. કોઈએ મને કહ્યું કે તારા દેશનો એક માણસ આ રસ્તે ગયો છે એટલે હું તારી પાછળ પાછળ નીકળ્યો, અને તને આ નર્મદાકાંઠે જોયો. હવે તને જોઈને મને ટાઢક વળી.’

થાણુએ અશ્રુભીની આંખે કહ્યું, ‘નવજીવન મળ્કહ્યું. રત્નો મળી ગયાં. બધા સુખનું મૂળ તો તું જીવતો મળ્યો તે છે.’

એમ કહી તેમણે ભોજનવિધિ પૂરો કર્યો. અને નર્મદા ઓળંગી અટવીમાં અટવાઈ ગયાં. ભ્રમર, હરણ, વાઘ, હાથી, જંગલી ભેંસો, સિંહો, જંગલી પ્રાણીઓ, કાગડા, વાનરોવાળા એ વનમાં તેઓ ગ્રીષ્મ કાળે ભમી રહ્યા હતા. અંગારા વરસાવતો સૂરજ, લૂવાળો પવન ત્યાં અનુભવવા મળ્યા.

આવા વિષમ વાતાવરણમાં રેતીથી દાઝતા, ભૂખેતરસે રીબાતા, થાકેલા, દૂબળા મિત્રોને રસ્તાની કશી સમજ પડતી ન હતી. લૂંટારાનો ભય, જંગલી પ્રાણીઓનો ભય, ઝાંઝવા પાછળ દોટ મૂકતા, પાણીનો ભાસ થતાં દોડતા આ મિત્રોને સમજ પડતી ન હતી કે તેઓ ક્યાં ચાલી રહ્યા છે.

થાણુએ તેને કહ્યું, ‘મિત્ર, ભૂખથી પેટમાં ખાડો પડ્યો છે, કેડેથી સખત બાંધેલું વસ્ત્ર સરી જાય છે, એટલે આ રત્નપોટલી તું સાચવ. મારાથી રસ્તે પડી પણ જાય. તો હું નિરાંતે ચાલી શકું.’ માયાદિત્યને તો એ જ જોઈતું હતું. ‘સામે ચાલીને જ તેણે મને આ આપ્યું. હવે શું કરવું તે વિચારું.’ એમ વિચારી ચારે બાજુ નજર કરી, એક મોટો વડ જોયો, ત્યાં પાણી હોવું જોઈએ એમ માનીને પાસે જઈને જોયું તો એક કૂવો જણાયો. પણ પાણી કાઢવા માટે કશું મળ્યું નહીં. એટલે દુષ્ટ માયાદિત્યે વિચાર્યું, ‘આ સારો મોકો છે. અત્યારે એનો ઘડોલાડવો કરી નાખું. એને કૂવામાં ધકેલી દઉં તો? બધા રત્નો મારા થઈ જાય.’ એટલે તેણે થાણુને કહ્યું, ‘હે મિત્ર, જરા નજર કર, આ કૂવામાં પાણી કેટલું છે? પછી હું એક દોરડું બનાવું.’

એટલે સરળ મનનો થાણુ જીર્ણ કૂવામાં ડોકિયું કરવા તૈયાર થયો. પછી પાપી હૃદયવાળા માયાદિત્યે લાજશરમ મૂકીને, પ્રેમને ભૂલી જઈને, કૃતજ્ઞતાને ઓળખ્યા વિના, સજ્જનતાના માર્ગનો લોપ કરીને થાણુને કૂવામાં ધક્કો માર્યો. જૂનાં પાંદડાં, ડાળીઓ, કાદવવાળા એ કૂવામાં પાણી ઓછું હતું પણ તેને કશી ઈજા ન થઈ.

થાણુ વિચારે ચઢ્યો, ‘દરિદ્રતા, પરદેશભ્રમણ, અટવી અને પ્રિય મિત્રનો વિયોગ-આટલું ઓછું હતું તેમાં આ ઘટના બની. કોઈ નિર્દય માનવીએ મને ધક્કો માર્યો. તો કોણે માર્યો હશે? માયાદિત્ય તો પાસે જ હતો. બીજું તો કોઈ હતું નહીં; તો શું માયાદિત્યે આ કામ કર્યું હશે? ના,ના, મારા પાપી હૃદયે આવો વિચાર જ કેમ કર્યો? મેરુ હાલે, સમુદ્ર નિર્જળ થાય, સૂર્ય પશ્ચિમમાં ઊગે તો પણ મારો મિત્ર આવું તો ન જ કર. મારા પાપી હૃદયને ધિક્કાર હજો કે તેણે આવો વિચાર કર્યો. કોઈ રાક્ષસે, ભૂતપલીતે કે દૈવે જ મને અહીં ફેંક્યો હશે.’…અરેમિત્ર, તું આપત્તિમાં મુકાઈ ગયો. તારું શું થશે? હું મિત્રવિયોગથી મૃત્યુ જ પામ્યો છું.’

માયાદિત્ય તો હવે ધાર્યું હતું એટલે આનંદમાં આવી ગયો. હવે આ રત્નોનો માલિક હું જ એકલો.’ આમ વિચારતો હતો એવામાં જ ત્યાં ભીલ લૂંટારાઓ ત્યાં આવી ચઢ્યા. તેમને જોઈને તે નાસી જવા ગયો પણ તેને બાણ મારીને ઘાયલ કર્યો અને પકડ્યો. શરીર, કપડાં તપાસ્યાં તો તેમને રત્નની પોટલી મળી, તે સેનાપતિ પાસે ગઈ. તેણે જોયું તો તેમાં દસ રત્ન હતાં. ‘અરે આણે તો આપણને ન્યાલ કરી દીધાં. એને મારતા નહીં પણ એક વાંસની જાળીમાં પૂરી રાખો.’ એટલે લૂંટારાઓએ તેને કેદ કર્યો.

ચોર સેનાપતિએ પોતાની પલ્લીમાં જતાં જતાં તરસ લાગી. એટલે પાણીની તપાસ કરવા કહ્યું, એક લૂંટારાએ કહ્યું,‘અહીં એક જૂનો કૂવો છે. કેટલું પાણી છે તેની ખબર નથી.’ એટલે બધા સેનાપતિના કહેવાથી એ દિશામાં ચાલ્યા. વડ નીચે બેસીને સેનાપતિએ પાણી કાઢવા કહ્યું. એટલે તેમણે ખાખરાનાં પાંદડાં સીવી મોટો પડિયો બનાવ્યો. લાંબી મજબૂત લતા એકઠી કરીને દોરડું તૈયાર કર્યું. પડિયામાં પથ્થર મૂકી કૂવામાં ઉતાર્યો એટલે થાણુએ તે જોઈને કહ્યું, ‘આ કોણે ઉતાર્યું? હું અહીં પડી ગયો છું, મને બહાર કાઢો.’ એટલે સેનાપતિએ એની જાણ કરી. એટલે તેણે પાણી કાઢવાને બદલે કૂવામાં પડી ગયેલાને કાઢવા કહ્યું. ભીલોએ થાણુને બહાર કાઢ્યો.

‘અરે તું ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો છે?’ એટલે થાણુએ માંડીને બધી વાત કરી. ‘પૂર્વ દેશથી અમે બે મિત્રો દક્ષિણ દેશમાં ગયા. ત્યાં સામે પાંચ પાંચ રત્ન કમાયાં. આવતાં આવતાં આ અટવીમાં ભૂલા પડ્યા. ભૂખતરસ બહુ વેઠ્યાં. અને આ કૂવો જોયો. અંદર કેટલું પાણી છે તે જોવા હું ગયો ત્યાં મને કોઈ ભૂતપલીતે, રાક્ષસે ધક્કો માર્યો અને અત્યારે તમે મને બહાર કાઢ્યો.’

સેનાપતિએ કહ્યું, ‘સાથેવાળાએ જ એને કૂવામાં ફેંક્યો હશે.’

આ સાંભળી થાણુ બોલ્યો, ‘શાન્તં પાપં, શાન્તં પાપં. જીવથીયે વહાલો મિત્ર આવું કરે ખરો?

સેનાપતિએ પૂછ્યું, ‘અત્યારે એ મિત્ર ક્યાં હશે?’

થાણુ બોલ્યો, ‘ખબર નથી. તે પણ ક્યાંક ભૂલો પડ્યો હશે.’

આ સાંભળી ચોરપરિવાર હસવા લાગ્યો, ‘આ બિચારો ગરીબ, ભોળો બ્રાહ્મણ, દુર્જનની દુષ્ટતાને ઓળખતો જ નથી. તે પોતાના જેવા જ બીજાને સરળ માને છે.’

સેનાપતિએ કહ્યું, ‘આપણે જેનાં રત્નો પડાવી લીધાં છે તે જ આનો મિત્ર હોવો જોઈએ.’ બીજાઓએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો. પછી થાણુને પૂછ્યું, ‘તારોમિત્ર કેવો છે?’

‘શ્યામ વર્ણ, માંજરી આંખો, રૂપવાન, ઠીંગણો, દાઢીમૂછ વિનાનો…’

બધા તેની વાત સાંભળીને હસવા લાગ્યા. સેનાપતિએ કહ્યું, ‘ભાઈ, તેં બહુ સારોમિત્ર મેળવ્યો. આવો જ મિત્ર હોવો જોઈએ. અરે ભાઈ, તેણે જ તને કૂવામાં ફેંક્યો છે. તારાં રત્નોને જુએ તો ઓળખી શકે ખરો?’

‘હા, હા. બરાબર ઓળખી શકું.’

સેનાપતિએ તે બતાવ્યાં, એને ઓળખીને થાણુએ કહ્યું, ‘આ પાંચ રત્ન મારાં છે. તમને ક્યાંથી મળ્યાં? કોની પાસેથી મળ્યાં?’

‘અમે એની પાસેથી ઝૂંટવી લીધાં છે. તેને એક જાળીમાં પૂરી દીધો છે. હવે તું આ તારાં રત્ન લઈ લે. પેલા દુષ્ટનાં પાંચ રત્ન તને નહીં આપીએ. એક વાત ધ્યાનમાં રાખજે. આના જેવો જો કોઈ મિત્ર થવા આવે તો તેનાથી દૂર જ રહેજે.’

પછી થાણુ મિત્રને ઝૂંપડે ઝૂંપડે શોધવા લાગ્યો. વાંસની જાળીમાં હાથ બંધાયેલી હાલતમાં જોયો. બંને પગ પણ બાંધેલા હતા.‘અરે મિત્ર, તારી આવી હાલત?’ પછી તેના બંધન ઢીલાં કર્યાં. શરીરે હાથ ફેરવ્યો. ઉઝરડા અને ઘા પર જૂનાં ચીંથરાં બાંધ્યાં, પોતાની હકીકત જણાવી.

‘મિત્ર, મને મારાં પાંચ રત્ન મળી ગયાં. હવે અઢી તારાં અને અઢી મારાં. તેટલાંય મને તો બસ છે.’ પછી તેને કોઈ ગામમાં લઈ જઈ તેની સારવાર કરાવી, ઘા રુઝાઈ ગયા.

માયાદિત્ય મનમાં વિચારવા લાગ્યો, ‘સજ્જન પુરુષ ગમે તે હાલતમાં પોતાનો સ્નેહતંતુ તોડતો નથી. આવા સજ્જન સાથે મેં કેવો ખરાબ વર્તાવ કર્યો. મારે જીવીને પણ શું કામ છે? અગ્નિમાં પ્રવેશું?’ પછી ગામના મુખીઓને એકઠા કર્યા અને પહેલેથી છેલ્લે સુધીની વારતા કહી.

પછી ગામલોકોને કહ્યું, ‘અરે આગેવાનો, મિત્રદ્રોહનું મોટું પાપ મેં કર્યું છે. તો હું સળગતા અગ્નિમાં પ્રવેશીશ.’

લોકોએ એક ઉપાય કહ્યો, બીજો કહ્યો. છેવટે ગંગાસ્નાનનો માર્ગ બતાવ્યો. તેણે આખરે જૈન ગુરુ પાસે દીક્ષા લીધી.