ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/વેન રાજાની કથા

Revision as of 06:43, 21 January 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વેન રાજાની કથા

એક વેળા રાજર્ષિ અંગે અશ્વમેધ યજ્ઞ કર્યો. તેમાં વેદપાઠી બ્રાહ્મણોએ આમંત્ર્યા છતાં દેવતાઓ પોતાનો ભાગ લેવા આવ્યા નહીં. બ્રાહ્મણોએ આશ્ચર્ય પામીને રાજાને કહ્યું, ‘રાજન્, આહુતિરૂપે જે કંઈ હવિ ધરીએ છીએ તે દેવતાઓ સ્વીકારતા નથી. તમારી હોમસામગ્રી પવિત્ર છે તે અમે જાણીએ છીએ. તમે બહુ શ્રદ્ધાથી આ આખું આયોજન કર્યું છે. વેદમંત્રો પણ યથાયોગ્ય છે. ઋત્વિજોએ પણ બધા નિયમોનું પાલન કર્યું છે. દેવતાઓનો તિરસ્કાર થાય એવું કશું અહીં નથી. તો પછી દેવતાઓ પોતાનો હવિભાગ લેવા આવતા કેમ નથી?’

ઋષિઓની વાત સાંભળીને અંગ રાજા બહુ ઉદાસ થઈ ગયા. યાજકોની અનુમતિ લઈને સદસ્યોને પૂછ્યું, ‘દેવતાઓનું આવાહન કરવા છતાં તેઓ આવતા નથી, સોમપાત્ર પણ લેતા નથી, હવે તમે જ કહો, મારો કયો અપરાધ થયો છે?

સદસ્યોએ કહ્યું, ‘રાજન્, આ જન્મમાં તો તમારો કોઈ અપરાધ થયો નથી. હા, પૂર્વજન્મનો એક અપરાધ છે અને એને કારણે તમે આ જન્મે પુત્રહીન છો. એટલે પહેલાં તો પુત્રપ્રાપ્તિનો ઉપાય કરો. જ્યારે સંતાન માટે યજ્ઞપુરુષ શ્રીહરિનું આવાહન કરીશું ત્યારે દેવતાઓ જાતે પોતાનો યજ્ઞભાગ લેશે. ભક્તને તેની ઇચ્છાનુસાર ભગવાન તેને આપે છે, જે રીતે તેમની આરાધના કરો તે રીતે ભક્તને ફળપ્રાપ્તિ થાય છે.

આમ રાજાને પુત્રપ્રાપ્તિ થાય એવો નિશ્ચય કરીને ઋત્વિજોએ શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા માટે પુરોડાશ નામનો ચરુ આપ્યો. અગ્નિમાં આહુતિ નાખતાંની સાથે જ અગ્નિકુંડમાંથી સુવર્ણહાર અને શુભ્ર વસ્ત્રો ધારણ કરેલા એક પુરુષ પ્રગટ્યા. તેઓ એક સુવર્ણપાત્રમાં સિદ્ધ કરેલી ખીર લઈને આવ્યા હતા. ઉદાર રાજાએ યાજકોની સંમતિથી પોતાની અંજલિમાં ખીર લીધી અને પોતે સૂંઘીને ખીર પત્નીને આપી. અપુત્ર રાણીને રાજાએ તે ખીર પત્નીને આપી. એ પુત્રપ્રદાયિની ખીર ખાઈને રાણીને દિવસો રહ્યા. યોગ્ય સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર નાનપણથી જ અધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા પોતાના માતામહ મૃત્યુનો અનુગામી હતો, એટલે પુત્ર પણ ‘અધર્મી’ થયો.

તે દુષ્ટ પુત્ર ધનુષબાણ લઈને વનમાં જઈ નિર્દોષ હરણોનો વધ કરતો. તેને જોતાંવેંત નગરજનો ‘આ વેન આવ્યો, વેન આવ્યો.’ એવી બૂમો પાડતા. મેદાનમાં રમતાં સમવયસ્ક બાળકોને પશુઓની જેમ મારી નાખતો. વેનની આવી દુષ્ટ પ્રકૃતિ સુધારવાનો બહુ પ્રયત્ન થયો પણ વેન ન સુધર્યો તે ન જ સુધર્યો. રાજા બહુ દુઃખી થયા. જેમને પુત્ર નથી તેમણે પૂર્વજન્મમાં ભગવાનની ભક્તિ કરી હશે, એટલે કુપુત્રને કારણે થતા શોકમાંથી, ક્લેશમાંથી તો ઊગરી ગયા. જેના પુત્રનાં કાર્યોથી માતાપિતાની બધી કીર્તિ ધૂળમાં મળી જાય છે, તેમને અધર્મના ભાગીદાર થવું પડે છે, બધા વિરુદ્ધ થઈ જાય છે, કાયમી (ચંતાિના) ભોગ બનવું પડે છે, ઘર કંકાસિયું થઈ જાય છે. આવા કહેવા પૂરતા પુત્રથી શો લાભ? તેવો પુત્ર તો આત્મા માટે બંધનરૂપ છે. તે આત્મા માટે બંધન બને છે. કુપુત્ર ઘરને નરક બનાવી દે છે. એટલે તેનાથી જલદી છુટકારો થઈ જાય છે. પછી આમ વિચારતાં વિચારતાં રાજાને રાતે ઊંઘ ન આવી. તેમનું મન ગૃહસ્થજીવન પરથી ઊઠી ગયું. મધરાતે તેઓ પથારીમાં બેઠા થઈ ગયા. વેનની મા તો નિદ્રાધીન હતી. રાજા એ બધો મોહ ત્યજી દઈને, કોઈનેય જાણ ન થાય એ રીતે વનમાં જતા રહ્યા. મહારાજ અનાસક્ત થઈને ગૃહત્યાગ કરી ગયા છે એ જાણીને પ્રજાજનો, પુરોહિત, મંત્રી, સ્વજનો શોકગ્રસ્ત થઈને તેમની શોધ કરવા લાગ્યા; જેવી રીતે યોગનું સાચું રહસ્ય ન જાણનાર પોતાના હૃદયમાં રહેલા ભગવાનને બહાર શોધે છે તેવી રીતે. જ્યારે રાજાના સમાચાર ન મળ્યા ત્યારે નિરાશ થઈને નગરમાં આવ્યા, એકત્રિત થયેલા બધાને અશ્રુપૂર્ણ નેત્રે જાણ કરી.

જ્યારે ઋષિમુનિઓએ જોયું કે અંગ રાજા ન હોવાથી પૃથ્વીની રક્ષા કરનાર હવે કોઈ રહ્યું નથી, બધા લોકો ઉચ્છંખલ થઈ ગયા છે, ત્યારે સુનીથા રાજમાતાની સંમતિથી મંત્રીઓની નામરજી હોવા છતાં વેનનો રાજ્યાભિષેક કર્યો. જ્યારે ચોરડાકુઓને જાણ થઈ કે વેન રાજા છે ત્યારે તેઓ સાપથી ડરેલા ઉંદરોની જેમ આમતેમ સંતાઈ ગયા. રાજા થયો એટલે વેનને આઠે લોકપાલોની ઐશ્વર્યકળા પ્રાપ્ત થઈ એટલે અભિમાની થઈને પોતાને સૌથી મહાન માનવા લાગ્યો અને મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યો. ઐશ્વર્યના અભિમાનમાં આંધળો થઈને નિરંકુશ ગજરાજની જેમ આકાશ-પૃથ્વીને ધ્રુજાવતો બધે ભમવા લાગ્યો. ‘કોઈ પણ બ્રાહ્મણ કોઈ પણ પ્રકારના યજ્ઞ, દાન, હવન ન કરે’ એવો ઢંઢેરો પીટાવી બધાં ધર્મકાર્ય તેણે બંધ કરાવી દીધાં.

દુષ્ટ વેનના આવા અત્યાચાર જાણીને બધા ઋષિમુનિઓ એકઠા થયા અને સંસારમાં આપત્તિ આવી એમ માનીને એકબીજાને કહેવા લાગ્યા, ‘જેવી રીતે બંને છેડેથી સળગતી લાકડીની વચ્ચે રહેતા કીડી જેવા જંતુ મોટી આફતમાં મુકાઈ જાય છે એવી રીતે અત્યારે બધા લોકો એક બાજુ રાજાથી અને બીજી બાજુ ચોરડાકુઓથી ત્રાસ્યા છે. અંધાધૂંધી ન થાય એટલે આપણે વેનને રાજા બનાવ્યો હતો પણ હવે પ્રજા તેનાથી ત્રાસી ગઈ છે. આ હાલતમાં પ્રજાને સુખશાંતિ મળે કેવી રીતે? સુનીથાના પેટે જન્મેલો વેન સ્વભાવથી જ દુષ્ટ હતો. સાપને દૂધ પાઈને ઉછેરવા જેવું થયું. આપણે પ્રજાની રક્ષા માટે તેને રાજા બનાવ્યો અને આજે તે પ્રજાનો નાશ કરવા બેઠો છે. આમ છતાં આપણે તેને સમજાવવો તો જોઈએ, પછી આપણે પાપના ભાગીદાર નહીં બનીએ. આપણે જાણી કરીને દુરાચારી વેનને રાજા બનાવ્યો હતો, હવે જો સમજાવવા છતાં આપણી વાત નહીં માને તો તેને આપણા તેજ વડે ભસ્મ કરી દઈશું.’ આવું વિચારીને ઋષિઓ વેન પાસે ગયા અને ક્રોધ છુપાવી કહેવા લાગ્યા,

‘રાજન્, અમે જે કહીએ છીએ તેના પર ધ્યાન આપો. એથી તમારા આયુષ્ય, શ્રી, બળ અને કીર્તિમાં વૃદ્ધિ થશે. જો માનવી મન, વચન, કર્મ, બુદ્ધિથી ધર્મપાલન કરે તો તેને સ્વર્ગ જેવા દુઃખમુક્ત લોક પ્રાપ્ત થાય. જો તેનો ભાવ નિષ્કામ હશે તો ધર્મ તેને અનન્ત મોક્ષપદે લઈ જશે. એટલે પ્રજાનું કલ્યાણ કરનાર ધર્મ તમારા કારણે નાશ પામવો ન જોઈએ. ધર્મનાશ થવાથી રાજા પોતાનું ઐશ્વર્ય ગુમાવે છે. જે રાજા દુષ્ટ મંત્રીઓથી અને ચોરલોકોથી પોતાની પ્રજાનું રક્ષણ કરે છે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. જેના રાજ્યમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા સ્વધર્મપાલન વડે યજ્ઞપુરુષની આરાધના કરે છે તેનાથી ભગવાન પ્રસન્ન રહે છે. કારણ કે ભગવાન (બધા જ લોકોથી પોતાની પ્રજાનું રક્ષણ કરે છે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. જેના રાજ્યમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા સ્વધર્મપાલન વડે યજ્ઞપુરુષની આરાધના કરે છે તેનાથી ભગવાન પ્રસન્ન રહે છે. કારણ કે ભગવાન બધા જ લોકોના આત્માના અને જીવમાત્રના રક્ષક છે. ભગવાન બ્રહ્મા જગદીશ્વરોના પણ ઈશ્વર છે, તે પ્રસન્ન હોય તો કશું દુર્લભ નથી. એટલે તો ઇન્દ્ર વગેરે લોકપાલો સમેત તેમની પૂજા આદરથી કરે છે. ભગવાન હરિ બધા લોક, લોકપાલ અને યજ્ઞોના નિયંતા છે. તેઓ વેદત્રયી રૂપ, દ્રવ્યરૂપ અને તપરૂપ છે. એટલે તમારા પ્રજાજનો તમારી ઉન્નતિ માટે અનેકવિધ યજ્ઞો કરી ભગવાનની પૂજા કરે છે, તેમને અનુકૂળ થઈને તમારે વર્તવું જોઈએ. જ્યારે રાજ્યમાં બ્રાહ્મણો યજ્ઞોનું અનુષ્ઠાન કરશે ત્યારે તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશરૂપ દેવતા તમને મનવાંછિત ફળ આપશે. ધર્મક્રિયાઓ બંધ કરી દેવતાઓનો તિરસ્કાર તમારે નહીં કરવો જોઈએ.’

આ બધું સાંભળી વેને કહ્યું, ‘તમે બહુ મૂરખ છો. દુઃખ એ વાતનું છે કે તમે અધર્મમાં ધર્મ જોઈ રહ્યા છો. એટલે તો આજીવિકા આપનાર પતિને ત્યજી બીજા જારપતિની ઉપાસના કરતી સ્ત્રીની જેમ ઈશ્વરની ઉપાસના કરો છો. જેઓ અજ્ઞાની બનીને રાજા રૂપી પરમેશ્વરનો દ્રોહ કરે છે તેઓ નથી તો આ લોકમાં સુખી થતા કે નથી પરલોકમાં સુખી થતા. તમે જેની આટલી બધી ભક્તિ કરો છો તે યજ્ઞપુરુષ છે કોણ? જેવી રીતે કુલટા સ્ત્રીઓ પતિને ત્યજીને બીજા પુરુષમાં મોહ પામે એના જેવી વાત આ તો થઈ. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, મેઘ, કુબેર, ચન્દ્રમા, પૃથ્વી, અગ્નિ, વરુણ — અને આ સિવાય વરદાન અને શાપ આપનારા બધા દેવ રાજાના શરીરમાં વસે છે. એટલે રાજા સર્વદેવમય છે. દેવતાઓ તેના અંશ છે. એટલે તમે બધા બ્રાહ્મણો અભિમાન મૂકીને બધાં જ કર્મ દ્વારા માત્ર મારી પૂજા કરો, બધાં બલિ મને ચઢાવો. મારા સિવાય અગ્રપૂજાનો અધિકારી કોણ થઈ શકે?’

આમ વિપરીત બુદ્ધિને કારણે વેન પાપી અને કુમાર્ગગામી થઈ ગયો હતો. તેનું પુણ્ય પરવારી ગયું હતું એટલે ઋષિમુનિઓની વિવેકપૂર્ણ વાત તેણે કાને ધરી જ નહીં, જ્યારે વેન રાજાએ ઋષિમુનિઓનું આવું અપમાન કર્યું ત્યારે ઋષિઓ વધુ ક્રોધે ભરાયા. ‘મારી નાખો, સ્વભાવથી જ દુષ્ટ થયેલાને મારી નાખો. જો વધુ જીવશે તો થોડા જ દિવસોમાં આખી પૃથ્વીનો નાશ કરશે. આ દુરાચારી સિંહાસનને પાત્ર જ નથી. તે નિર્લજ્જ યજ્ઞપતિ વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે જેની કૃપાથી તેને આવી સમૃદ્ધિ મળી છે તે શ્રીહરિની નિંદા આ દુર્ભાગી વેન સિવાય બીજું તો કોણ કરે?’

આમ પોતાનામાં સંતાઈ બેઠેલા ક્રોધને પ્રગટ કરીને તેમણે વેનને મારી નાખવાનો નિર્ધાર કર્યો. એક રીતે તો ભગવાનની નિન્દા કરીને પહેલેથી જ તે મૃત્યુ પામ્યો હતો એટલે માત્ર હુંકાર કરતાવેંત તે મૃત્યુ પામ્યો. બધા મુનિઓ પછી પોતપોતાના આશ્રમે ગયા. આ બાજુ વેનની શોકવિહ્વળ માતા સુનીથા મંત્રાદિ વડે તથા બીજી યુક્તિ વડે પુત્રના શબની રક્ષા કરવા લાગી.

એક દિવસ ઋષિઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરી, અગ્નિહોત્રમાંથી પરવારી નદીકાંઠે હરિચર્ચા કરી રહ્યા હતા. તે દિવસોમાં લોકોમાં ભય ફેલાવનારા ઘણા બધા ઉપદ્રવ થઈ રહ્યા હતા, ત્યારે તેઓ બોલ્યા, ‘અત્યારે પૃથ્વીનો કોઈ રક્ષક નથી. ચોર ડાકુઓનો ઉપદ્રવ વધી ગયો છે.’ તેઓ આમ વિચારતા હતા ત્યાં તેમણે બધી દિશાઓમાં છાપો મારનારા ચોર ડાકુને કારણે ઊડતી ધૂળ જોઈ. એ જોતાંવેંત સમજી ગયા કે વેન રાજાના મૃત્યુને કારણે રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ છે, રાજ્ય નબળું પડી ગયું છે, ચોરડાકુની સંખ્યા વધી પડી છે, આ આખી આપત્તિ ધન લૂંટનારા અને એકબીજાના લોહીતરસ્યા લોકોને કારણે સરજાઈ છે. પોતાના તેજ અને તપોબળથી લોકોનો ત્રાસ રોકવાને સમર્થ હોવા છતાં એનું કશું નિવારણ કર્યું નહીં, પછી વિચાર્યું, ‘બ્રાહ્મણો સમદર્શી, શાંત હોય તો પણ ગરીબોની ઉપેક્ષા કરવાથી તેમનું તપ કાણા ઘડામાંથી જેમ પાણી વહી જાય તેમ નષ્ટ થાય. રાજર્ષિ અંગનો વંશ નાબૂદ થવો ન જોઈએ, કારણ કે એ વંશમાં ભગવત્પરાયણ અને શક્તિશાળી કેટલા બધા રાજા થઈ ગયા છે.’ આવો નિશ્ચય કરીને તેમણે મૃત રાજાની સાથળનું મંથન કર્યું તો એમાંથી એક પુરુષ જન્મ્યો. તે કાગડાના જેવો કાળો હતો, બધાં અંગ, હાથ સાવ ટૂંકાં હતાં, જડબાં બહુ મોટાં, પગ ટચુકડા, નાક ચપટું, આંખો રાતી અને કેશ તામ્રવર્ણા હતા. તેણે નમ્ર બનીને પૂછ્યું, ‘હું શું કરું?’ ત્યારે ઋષિઓએ તેને ‘નિષીદ્’(બેસી જા) કહ્યું એટલે તે નિષાદ કહેવાયો. તેણે જન્મીને તરત જ વેન રાજાનાં બધાં પાપ પોતાના માથે લઈ લીધાં, તેમનાં વારસ નિષાદ તરીકે ઓળખાયા અને તેઓ નગરમાં ન રહેતાં વન, પર્વતના વિસ્તારમાં રહી હિંસા, લૂંટફાટમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. પછી બ્રાહ્મણોએ વેનના હાથનું મંથન કર્યું, એમાંથી સ્ત્રીપુરુષનું યુગલ પ્રગટ્યું, તેને ભગવાનનો અંશ જાણી બધા પ્રસન્ન થયા.

ઋષિઓએ કહ્યું, ‘આ ભગવાન વિષ્ણુની અને લક્ષ્મીની કળાઓમાંથી પ્રગટ્યાં છે. એમાંનો પુરુષ પોતાના સુયશને વિસ્તારશે એટલે તેનું નામ પૃથુ. સુંદર દાંત ધરાવતી ગુણવાન, અલંકારોને અલંકૃત કરનારી આ સ્ત્રી પૃથુને પતિ બનાવશે અને તેનું નામ અર્ચિ. પૃથુના રૂપમાં વિષ્ણુ ભગવાને જગતની રક્ષા માટે અવતાર લીધો છે અને અચિર્ના રૂપમાં નિત્ય ભગવાનની સેવા કરનારી લક્ષ્મી છે.’

બ્રાહ્મણો પૃથુની સ્તુતિ કરવા લાગ્યા, શ્રેષ્ઠ ગંધર્વોએ ગુણકીર્તન કર્યું, આકાશમાં વિવિધ વાજિંત્રો વાગ્યાં. બધા દેવ, પિતૃઓ, ઋષિઓ પોતપોતાનાં થાનકેથી આવ્યા. બ્રહ્મા પણ આવ્યા. પૃથુના જમણા હાથમાં વિષ્ણુ ભગવાનની રેખાઓ અને પગમાં કમળનું ચિહ્ન હતું એટલે બધાએ પૃથુને વિષ્ણુનો અંશ જ માની લીધો.

વેદપાઠી બ્રાહ્મણોએ મહારાજ પૃથુના રાજ્યાભિષેકનું આયોજન કર્યું. બધાએ તેમાં સામગ્રી આપી. નદી, સમુદ્ર, પર્વત, સાપ, ગાય, પક્ષી, મૃગ, સ્વર્ગ, પૃથ્વી વગેરેએ પણ જાતજાતની ભેટ આપી. સુંદર વસ્ત્ર અને આભૂષણોથી શોભતા મહારાજ પૃથુનો રાજ્યાભિષેક વિધિવત્ થયો. તે સમયે અનેકવિધ અલંકારોથી સુશોભિત મહારાણી અચિર્ની સાથે તેઓ બીજા અગ્નિદેવ જેવા લાગતા હતા. કુબેરે તેમને સુવર્ણ સિંહાસન આપ્યું, વરુણે ચન્દ્રસદૃશ પ્રકાશિત છત્ર આપ્યું, એમાંથી સતત જલધારા પડ્યા કરતી હતી. વાયુએ બે ચામર, ધર્મે કીર્તિમયી માલા, ઇન્દ્રે સુંદર મુકુટ, યમે દંડ, બ્રહ્માએ વેદમય કવચ, સરસ્વતીએ સુંદર હાર, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર, લક્ષ્મીએ ચંદ્રાકાર ચિહ્નોવાળી તલવાર, અંબિકાએ સો ચંદ્રાકાર ચિહ્નોવાળી ઢાલ, ચંદ્રે અમૃતમય અશ્વ, વિશ્વકર્માએ સુંદર રથ, અગ્નિએ બકરા અને ગાયના શિંગડામાંથી બનાવેલું ધનુષ, સૂર્યે તેજસ્વી બાણ, પૃથ્વીએ ઇચ્છિત સ્થાને પહોેંચાડે એવી પાદુકા, આકાશના અભિમાની દ્યૌ દેવે નિત્યનૂતન પુષ્પોની માળા, આકાશચારી સિદ્ધ-ગાંધર્વોએ નૃત્યગાયનની સામગ્રી, અંતર્ધાન થવાની શક્તિ, ઋષિઓએ આશીર્વાદ, સમુદ્રે શંખ, સાતે સમુદ્રે, પર્વતે, નદીઓએ રથ માટેના માર્ગ આપ્યા. પછી સૂત, બન્દીજનોએ સ્તુતિ કરી. મેઘ જેવા ગંભીર અવાજે પૃથુએ કહ્યું, ‘અત્યારે તો પ્રજામાં મારો કોઈ ગુણ પ્રગટ્યો જ નથી, તો તમે સ્તુતિ કેવી રીતે કરશો? તમારી વાણી એળે જવી ન જોઈએ, એટલે તમે કોઈ બીજાની સ્તુતિ કરો. સમય આવે જ્યારે મારા ગુણ પ્રગટ થાય ત્યારે નિરાંતે મારી સ્તુતિ કરજો. શ્રીહરિના હોવા છતાં તુચ્છ માનવીઓની સ્તુતિ ન થઈ શકે…’

આ સાંભળીને ગાયકો પ્રસન્ન થયા, પછી થોડી જુદી રીતે દીર્ઘ સ્તુતિ કરી. રાજાએ તે બધાને ઉપહાર આપ્યા. બ્રાહ્મણો સમેત ચારે વર્ણના લોકોનો, સેવકોનો, મંત્રીઓનો, પુરોહિતોનો, નગરજનોનો, પ્રજાનો, જુદા જુદા વ્યવસાય કરનારાઓનો સત્કાર કર્યો.

બ્રાહ્મણોએ પૃથુનો રાજ્યાભિષેક કરી તેમને પ્રજાના રક્ષક બનાવ્યા. તે દિવસોમાં પૃથ્વી અન્નહીન થઈ ગઈ હતી. ભૂખને કારણે લોકોનાં શરીર સાવ કંતાઈ ગયાં હતાં. તેમણે રાજાને કહ્યું, ‘જેવી રીતે કોટરમાં સળગતી આગને કારણે વૃક્ષ સળગી જાય છે તેવી રીતે અમે ભૂખની આગથી મરી રહ્યા છીએ. તમે શરણાગતોની રક્ષા કરનારા છો, અમે તમારા શરણે આવ્યા છીએ. તમે બધી પ્રજાના રક્ષણહાર છો. તો તમે ભૂખે મરનારાઓને અન્ન આપો. અન્ન મળે એ પહેલાં જ અમારું મૃત્યુ થઈ ન જાય.’

આ સાંભળીને પૃથુએ ઘણો સમય વિચાર કર્યો. પછી તેમને અનાજની અછતનું કારણ સમજાયું. ‘પૃથ્વીએ જ અન્ન અને ઔષધિઓને પોતાની અંદર સંતાડી દીધાં છે.’ પોતાની બુદ્ધિ વડે આ વાત જાણીને ત્રિપુરનાશક શંકર ભગવાનની જેમ ક્રોધે ભરાઈને પૃથ્વીને તાકીને બાણ ચઢાયું. ધનુષ ઉઠાવેલું જોઈ પૃથ્વી ધૂ્રજી ઊઠી અને જેવી રીતે પાછળ પડેલા શિકારીથી બચવા હરણી દોટ મૂકે તેવી રીતે પૃથ્વી ગાયનું રૂપ લઈ ભાગી.

આ જોઈ પૃથુની આંખો રાતીચોળ થઈ, પૃથ્વી જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં પાછળ ધનુષબાણ લઈને રાજા ગયા. દિશા, વિદિશા, સ્વર્ગ, પૃથ્વી, અંતરીક્ષ જ્યાં જ્યાં પૃથ્વી ગઈ ત્યાં ત્યાં પૃથુ પાછળ હતા. જેમ મનુષ્યને મૃત્યુમાંથી કોઈ બચાવી ન શકે તેમ પૃથુથી પૃથ્વીને બચાવનાર કોઈ ન હતું. પછી ભયભીત થઈને પાછી ફરી અને પૃથુને કહેવા લાગી, ‘ધર્મજ્ઞ રાજવી, તમે તો બધાં પ્રાણીઓની રક્ષા કરનારા છો, મારી પણ રક્ષા કરો. હું દીન અને નિરપરાધ — તમે મને શા માટે મારવા માગો છો? જગતમાં તમે ધર્મજ્ઞની ખ્યાતિ ધરાવો છો, વળી હું સ્ત્રી, મારો વધ કેવી રીતે કરશો? સ્ત્રીઓનો અપરાધ હોય તો પણ સાધારણ જીવ તેમના ઉપર હાથ નથી ઉપાડતો, તમે તો કરુણામય, દીનવત્સલ છો, તો તમે આમ કરી શકો કેવી રીતે? હું સુદૃઢ નૌકા જેવી છું, આખું જગત મારા આધારે છે, તો મારો નાશ કરીને તમે તમારી જાતને અને તમારી પ્રજાને પાણી ઉપર કેવી રીતે રાખી શકશો?’

મહારાજ પૃથુએ કહ્યું, ‘તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી છે. તું યજ્ઞમાં દેવતારૂપે ભાગ તો લે છે પણ તેના બદલામાં અમને અન્ન નથી આપતી. એટલે આજે હું તારો વધ કરીશ. તું દરરોજ લીલુંછમ ઘાસ ખાય છે પણ દૂધ નથી આપતી. આવી દુષ્ટતા બદલ દંડ કરવો એ અયોગ્ય તો નથી. તારામાં સમજણ નથી, તેં ભૂતકાળમાં બ્રહ્માએ ઉત્પન્ન કરેલાં બીજને સંતાડી દીધાં છે અને હવે મારી પરવા કર્યા વિના તારા ઉદરમાંથી બહાર કાઢતી જ નથી. હવે બાણવર્ષા કરીને તને છેદી નાખીશ, ભૂખ્યા-તરસ્યા લોકોની આપત્તિઓ દૂર કરીશ. જે દુષ્ટ પોતાનું જ પોષણ કરે અને બીજાં પ્રાણીઓ પ્રત્યે નિર્દય બને તે પુરુષ હોય, સ્ત્રી હોય કે નપુસંક હોય તેને મારવાનું કોઈ પાપ રાજાને લાગતું નથી. તું અભિમાની અને મદોન્મત્ત છે, એટલે જ માયા વડે ગાયનું રૂપ લીધું છે. હું તારા ટુકડે ટુકડા કરી નાખીને યોગબળથી પ્રજાને ધારણ કરીશ.’

આ બોલતી વખતે પૃથુરાજા ક્રોધથી તમતમી ઊઠ્યા. તેમની વાણી સાંભળીને પૃથ્વી કાંપવા લાગી અને નમ્રતાથી બે હાથ જોડીને, તેમની સ્તુતિ કરવા લાગી. પછી બીતાં બીતાં બોલી, ‘ભૂતકાળમાં બ્રહ્માએ જે ધાન્ય સર્જ્યાં હતાં તે બધાં યમનિયમ ન પાળનારા દુરાચારી લોકો જ ખાઈ જતા હતા. તમે રાજાઓએ ભેગા થઈને મારો આદર કરવાનું બંધ કર્યું, એટલે બધા લોકો ચોર થઈ ગયા. પરિણામે યજ્ઞ માટેની ઔષધિઓ મેં સંતાડી દીધી. હવે ઘણો બધો સમય મારા પેટમાં રહેવાને કારણે એ ધાન્ય જૂનાં થઈ ગયાં છે. પૂર્વાચાર્યોએ બતાવેલા ઉપાયોથી તમે એ બધાં કાઢી લો — જો બધાં પ્રાણીઓની શક્તિ માટે અન્નની જરૂર છે તો મારા માટે યોગ્ય વાછરડો, દોહવાનું પાત્ર અને દોહનારીની વ્યવસ્થા કરો. હું એ વાછરડાને વાત્સલ્યથી રાખીશ અને દૂધના રૂપે તમને જે જોઈએ છે તે આપીશ. બીજી એક વાત. તમારે મને સમતલ કરવી પડશે, વર્ષા ઋતુ વીતી જાય તો પણ ઇન્દ્રે વરસાવેલું જળ બધે સચવાય- મારો આંતરિક ભેજ સુકાઈ ન જાય.’

પૃથ્વીની હિતકારી અને પ્રિય વાતો પૃથુએ સ્વીકારી લીધી, મનુને વાછરડો બનાવ્યો અને પોતાના હાથે બધાં ધાન્ય મેળવી લીધાં. પૃથુની જેમ બીજાઓએ પણ સારગ્રહણ કરી લીધો. ઋષિઓએ બૃહસ્પતિને વાછરડો બનાવી ઇન્દ્રિયરૂપી પાત્રમાં વેદરૂપી દૂધ મેળવી લીધું. દેવતાઓએ ઇન્દ્રને વાછરડો બનાવી સુવર્ણપાત્રમાં અમૃત, વીર્ય, ઓજ, શરીરબળ મેળવી લીધાં. દાનવો અને દેવોએ અસુરવર્ય પ્રહ્લાદને વાછરડો બનાવી લોખંડના વાસણમાં મદિરા અને આસવ ઝીલી લીધાં. ગંધર્વ અને અપ્સરાઓએ, પિતૃગણોએ અર્યમાને વાછરડો બનાવ્યો અને માટીના કાચા વાસણમાં કવ્ય રૂપી દૂધ મેળવ્યું. પછી કપિલદેવને વાછરડો બનાવી આકાશ રૂપી પાત્રમાં સિદ્ધોએ અણિમાદિ અષ્ટસિદ્ધિ અને વિદ્યાધરોએ આકાશગમન જેવી વિદ્યાઓ દોહી. કિંપુરુષોએ મયદાનવને વાછરડો બનાવી અંતર્ધાન થવું, વિચિત્ર રૂપ ધારણ કરવું — વગેરે માયાઓ મેળવી.

આમ યક્ષ-રાક્ષસ, ભૂતપિશાચ જેવા માંસાહારીઓએ રુદ્રને વાછરડો બનાવી કપાલરૂપ પાત્રમાં રુુધિર-આસવ મેળવ્યાં. ફેણવાળા, ફેણ વગરના સાપ, નાગ, વીંછી વગેરે ઝેરી જંતુઓએ તક્ષકને વાછરડો બનાવી મુખરૂપી પાત્રમાં વિશ્વ રૂપી દૂધ મેળવ્યું. પશુઓએ ભગવાન રુદ્રના વાહન નંદીને વાછરડો બનાવી વન રૂપી પાત્રમાં તૃણ રૂપી દૂધ મેળવ્યું. મોટી મોટી દાઢોવાળા માંસાહારીઓએ સિંહ રૂપી વાછરડા દ્વારા પોતાના શરીરરૂપી પાત્રમાં કાચા માંસ રૂપી દૂધ મેળવ્યું, ગરુડને વાછરડો બનાવી પક્ષીઓએ કીટ પતંગિયાને વાછરડા રૂપે બનાવી ચર, ફળ વગેરે મેળવ્યાં. વૃક્ષોએ વડને વાછરડો બનાવી વિવિધ પ્રકારનાં દૂધ મેળવ્યાં; પર્વતોએ હિમાલયને વાછરડો બનાવી શિખરરૂપી પાત્રોમાં અનેક ધાતુઓ મેળવી. પૃથ્વી તો બધી ઇચ્છિત વસ્તુઓ આપનારી હતી. એટલે તેણે પોતપોતાની જાતિઓના અગ્રણીઓને વાછરડા બનાવી ભિન્ન ભિન્ન પાત્રોમાં જુદા જુદા પદાર્થોને દૂધ રૂપી દોહી લીધાં.

આમ પૃથુ જેવાઓએ વિવિધ પાત્રોમાં પોતપોતાના અન્ન રૂપી દૂધ મેળવી લીધાં. આનાથી મહારાજ પૃથુ એટલા બધા પ્રસન્ન થયા કે પૃથ્વીને પુત્રી માનીને સ્નેહ કરવા લાગ્યા. પછી પૃથુરાજાએ ધનુષની અણી વડે પર્વતોને તોડી ફોડી ધરતીને સમથળ કરી મૂકી. તેઓ પિતાની જેમ પ્રજાના પાલનપોષણની ચંતાિમાં ડૂબી ગયા. પછી પ્રજા માટે ત્યાં નિવાસસ્થાનો ઊભાં કરી આપ્યાં. અનેક ગામ, કસબા, નગર, દુર્ગ, આહીરોની વસતી, પશુઓના વાડા, છાવણીઓ, કૃષિગ્રામો, પર્વતીય તળેટીનાં ગામ — વસાવ્યાં. મહારાજ પૃથુના સમય પૂર્વે પૃથ્વી તલ પર નગર ગામનું કોઈ આયોજન ન હતું. બધા લોકો પોતપોતાની સુુવિધા જોઈને જ્યાં ત્યાં વસતા હતા.

મહારાજ મનુના બ્રહ્માવર્ત સ્થળે સરસ્વતી નદી પૂર્વાભિમુખ થઈ વહે છે, રાજા પૃથુએ ત્યાં સો અશ્વમેધ યજ્ઞની દીક્ષા લીધી. આ જાણીને ઇન્દ્રને વિચાર આવ્યો, આમ તો મહારાજ પૃથુનાં કર્મ મારાં કરતાં વધી જશે. એટલે તેઓ આ યજ્ઞમહોત્સવ સાંખી ન શક્યા. પૃથુરાજાના યજ્ઞમાં બધાના અંતરાત્મા જગદીશ્વર એવા વિષ્ણુ ભગવાન પધાર્યા હતા. તેમની સાથે બ્રહ્મા, રુદ્ર તથા સેવકો સાથે લોકપાલો આવ્યા હતા. ગંધર્વ, મુનિ, અપ્સરાઓ ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા હતા. સિદ્ધ, વિદ્યાધર, દૈત્ય, દાનવ, યક્ષ, સુનન્દ, નંદ જેવા ભગવાનના પાર્ષદો તથા ભગવાનની સેવા માટે ઉત્સુક રહેતા કપિલ, નારદ, દત્તાત્રેય, સનક વગેરે પણ આવ્યા હતા. આ યજ્ઞમાં યજ્ઞસામગ્રી આપનારી ભૂમિએ કામધેનુ રૂપે યજમાનોની બધી ઇચ્છાઓ પૂરી કરી હતી. નદીઓ દ્રાક્ષ, શેરડીના જેવા રસ વહી લાવતી હતી. જેમાંથી મધનો સ્ત્રાવ થતો હોય એવાં મોટાં મોટાં વૃક્ષ દૂધ, દહીં અન્ન, ઘી વગેરે અનેક પ્રકારની સામગ્રી પૂરી પાડતાં હતાં. સમુદ્ર બહુ રત્નો; પર્વત ભક્ષ્ય-ભોજ્ય-ઓષ્ય-લેહ્ય એમ ચાર પ્રકારનાં અન્ન અને લોકપાલો સમેત બધા અનેક પ્રકારના ઉપહાર અર્પણ કરી રહ્યા હતા.

મહારાજ પૃથુ તો એક માત્ર શ્રીહરિને જ પોતાના ઈશ્વર માનતા હતા. તેમની કૃપાથી યજ્ઞકાર્યમાં તેમનો મોટો ઉત્કર્ષ થયો. પરંતુ આ ઘટના દેવરાજ ઇન્દ્ર જિરવી ન શક્યા, યજ્ઞમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પૃથુ યજ્ઞના અંતે યજ્ઞપતિની આરાધના કરી રહ્યા હતા ત્યારે ઈર્ષ્યાગ્નિને કારણે છાની રીતે યજ્ઞનો અશ્વ ચોરી ગયા. ઇન્દ્રે પોતાની રક્ષા માટે કવચરૂપથી પાખંડી વેશ ધારણ કર્યો હતો, તેનો આધાર લઈને પાપી પણ ધર્માત્માનો ભાસ ઊભો કરી શકે. એવા વેશે અશ્વને આકાશમાર્ગે લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર ભગવાન અત્રિની દૃષ્ટિ પડી. તેમના કહેવાથી મહારાજ પૃથુનો પુત્ર તેમની પાછળ પાછળ ગયો અને બોલ્યો, ‘અરે ઊભો રહે, ઊભો રહે.’ઇન્દ્રે માથે જટા ધારણ કરી હતી, શરીરે ભસ્મ ચોળી હતી. તેનો આવો વેશ જોઈને પૃથુપુત્રે તેમને ખરેખર ધર્મ માની લીધા અને તેમના પર બાણવર્ષા ન કરી. ઇન્દ્ર પર કશો પ્રહાર કર્યા વિના જ તે પાછો આવ્યો, ત્યારે મહર્ષિ અત્રિએ તેને ફરી ઇન્દ્રને મારવાની આજ્ઞા આપી.

‘આ દેવતાઅધમ ઇન્દ્રે તમારા યજ્ઞમાં વિઘ્ન ઊભું કર્યું છે, તો તું એનો વધ કર.’

અત્રિ ઋષિએ આવી રીતે કહ્યું એટલે પૃથુપુત્ર ક્રોધે ભરાયો. ઇન્દ્ર ખૂબ વેગથી આકાશમાં જઈ રહ્યા હતા, રાવણ પાછળ જટાયુ દોડે તેવી રીતે તે ઇન્દ્ર પાછળ દોડ્યો. સ્વર્ગાધિપતિ તેને પાછળ આવતો જોઈ વેશભૂષા અને અશ્વને ત્યાં રહેવા દઈ અંતર્ધાન થઈ ગયા એટલે પૃથુપુત્ર યજ્ઞપશુ લઈને પાછો આવ્યો. તેનું આવું અદ્ભુત પરાક્રમ જોઈ મહર્ષિઓએ તેનું નામ વિજિતાશ્વ પાડ્યું.

યજ્ઞપશુને ચષાલ (યૂપની આગળ રાખેલું વલયાકાર કાષ્ઠ) અને યૂપ સાથે બાંધી દીધો. બળવાન ઇન્દ્રે ઘોર અંધારું ફેલાવ્યું અને એની આડ લઈને તે અશ્વને સુવર્ણસાંકળ સાથે લઈ ગયા. અત્રિ મુનિએ ફરી તેમને આકાશમાર્ગે વેગથી ધસતા જોયા. પણ ઇન્દ્ર પાસે કપાલ અને ખટવાંગ હતા એટલે પૃથુપુત્રે તેમના માર્ગમાં કશો અંતરાય ઊભો ન કર્યો. અત્રિએ રાજકુમારને ફરી કહ્યું અને ક્રોધે ભરાઈને તેણે બાણ ચઢાવ્યું. આ જોઈ વેશભૂષા અને અશ્વને ત્યાં જ મૂકીને ઇન્દ્ર અંતર્ધાન થઈ ગયા. વિજિતાશ્વ અશ્વને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવ્યો. ઇન્દ્રની એ નિંદાજનક વેશભૂષા મંદબુદ્ધિવાળાઓએ લઈ લીધી. ઇન્દ્રે અશ્વનું અપહરણ કરવા જે જે રૂપ સર્જ્યાં હતાં તે પાપના ખંડ હોવાથી પાખંડ નામે જાણીતા થયા. અહીં ખંડ શબ્દ ચિહ્નવાચક છે. પૃથુના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે યજ્ઞપશુનું હરણ કરતી વેળા ઇન્દ્રે અવારનવાર જેનો ત્યાગ કર્યો હતો તે નગ્ન, રકતાંબર, કાપાલિક જેવા પાખંડી આચારોમાં મનુષ્યબુદ્ધિ ઘણું કરીને મોહ પામે છે. કારણ કે તે નાસ્તિક મત દર્શનીય હોય છે અને યુક્તિપૂર્વક પોતાના પક્ષનું સમર્થન કરે છે. ખરેખર તે ઉપધર્મ છે, લોકો, ભ્રમમાં પડીને તેને ધર્મ માનીને તેમાં આસક્ત થઈ જાય છે.

ઇન્દ્રની આવી પાપબુદ્ધિ જોઈને પરાક્રમી પૃથુને ભારે ક્રોધ આવ્યો. તેમણે ધનુષ ઉઠાવી બાણ ચઢાવ્યું. ક્રોધે ભરાયેલા પૃથુને જોઈ શકાતા ન હતા. જ્યારે ઋત્વિજોએ જોયું કે પરાક્રમી પૃથુ ઇન્દ્રવધ કરવા તત્પર છે ત્યારે તેમને અટકાવ્યા, ‘રાજન્, તમે તો બુદ્ધિમાન છો, યજ્ઞદીક્ષા લીધી હોય પછી યજ્ઞપશુ સિવાય કોઈનો વધ કરવો યોગ્ય નથી. યજ્ઞકાર્યમાં વિઘ્ન ઊભું કરનાર ઇન્દ્રને તો વિઘ્ન ઊભાં કરવાં અહીં જ બોલાવીએ છીએ, એમને બળજબરીથી અગ્નિમાં હોમી દઈશું.’

યજમાનને આમ કહીને ઋત્વિજોએ ક્રોધે ભરાઈને ઇન્દ્રનું આવાહન કરવા માંડ્યું. તેઓ સુવા વડે આહુતિ નાખવા જતા હતા ત્યાં જ બ્રહ્માએ ત્યાં આવીને તેમને રોક્યા. ‘યાજકો, તમારે ઇન્દ્રનો વધ નહીં કરવો જોઈએ. આ ઇન્દ્ર ભગવાનની જ મૂર્તિ છે. તમે યજ્ઞ વડે જે દેવતાઓની પૂજા કરો છો તે ઇન્દ્રનાં જ અંગ છે અને તમે યજ્ઞ વડે તેમને મારી નાખવા માગો છો. પૃથુના આ યજ્ઞકાર્યમાં ઇન્દ્રે જે પાખંડ પસાર્યું છે તે ધર્મનો ઉચ્છેદ કરશે એના પર વિચાર કરો. તેનો વિરોધ ન કરો. નહીં તો તે હજુ વધુ પાખંડમાર્ગનો પ્રસાર કરશે. ભલે પૃથુના નવ્વાણુ જ યજ્ઞ થાય.

’ પછી પૃથુને કહ્યું, ‘રાજન્ તમે તો મોક્ષધર્મ જાણો છો. તમારે યજ્ઞકાર્યની જરૂર નથી. તમારું કલ્યાણ થાય. તમે અને ઇન્દ્ર બંને શ્રીહરિના શરીર છો, એટલે તમારા જ સ્વરૂપ એવા ઇન્દ્ર પ્રત્યે ક્રોધ નહીં કરવો જોઈએ. તમારો આ યજ્ઞ નિવિર્ઘ્ને સમાપ્ત નથી થયો તેની ચિંતા ન કરતા. અમારી વાત માની લો. જે માનવી વિધાતાના વિકૃત બનેલા કામને ફરી સુધારવા જાય છે તેનું મન અત્યંત ક્રોધે ભરાઈ મોહવશ થઈ જાય છે. એટલે આ યજ્ઞ અટકાવો. આના જ કારણે ઇન્દ્રે ચલાવેલા પાખંડથી ધર્મનાશ થાય છે. જે ઇન્દ્ર અશ્વનું અપહરણ કરી ગયો તેના જ બનાવેલા પાખંડો તરફ જગત ખેંચાઈ રહ્યું છે. તમે તો વિષ્ણુના અંશ છો. વેનના દુરાચારથી ધર્મલોપ થઈ રહ્યો હતો ત્યારે ધર્મરક્ષા માટે તેના જ શરીરમાંથી તમે પ્રગટ્યા છો. આ અવતારનો ઉદ્દેશ સમજી બધા ઋષિમુનિઓનો સંકલ્પ પૂરો કરો. ઇન્દ્રે પાખંડની જનેતા જેવી ઇન્દ્રની આ માયાનો નાશ કરો.’

બ્રહ્માની વિનંતીને માન આપીને પૃથુરાજાએ યજ્ઞનો આગ્રહ ત્યજી દીધો. ઇન્દ્ર સાથે મનમેળ કરી લીધો. પછી દેવતાઓએ તેમને વરદાન આપ્યાં. રાજાએ બ્રાહ્મણોને દક્ષિણા આપી, બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા.


(પદ્મપુરાણમાં વેનને જન્મ આપનાર સુનીથાની કથા આગળ જોઈ ગયા. મૂળમાં આ કથા અહીં જેવી છે તેવી ભાગવતમાં આવી હતી, પછી હરિવંશપર્વના પાંચમા અધ્યાયમાં આવી.)