ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ/વજ્રનાભ અસુરની કથા

Revision as of 06:48, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વજ્રનાભ અસુરની કથા

વજ્રનાભ નામનો અસુર યુદ્ધમાં વિજયી નીવડતો હતો. એક વેળા તેણે મેરુ પર્વતના શિખર પર ભારે તપ કર્યું, એના તપથી પ્રસન્ન થઈને લોકપિતામહ બ્રહ્માએ દર્શન આપી ઇચ્છાનુસાર વરદાન માગવા કહ્યું, તેણે વરદાન માગ્યું, ‘દેવતાઓ મારો વધ કરી ન શકે. સંપૂર્ણ રત્નો વડે નિર્મિત વજ્રપુર નામનું નગર માગ્યું. તે નગરમાં વાયુનો પ્રવેશ પણ ન થાય અને કશો વિચાર કર્યા વિના મનોવાંછિત ભોગ પ્રાપ્ત થતા રહે.’ તે નગરની ચારે બાજુએ સેંકડો ઉદ્યાન હતાં, એ નગર વરદાનથી પ્રાપ્ત થયું. વજ્રનાભ દાનવ તેમાં રહેતો હતો. વરદાન પામેલા વજ્રનાભથી વીંટળાઈને અસંખ્ય દેવદ્રોહી અસુરો આનંદિત થઈ વજ્રનગરમાં અને તેનાં શાખાનગરોના મુખ્ય ઉદ્યાનોમાં રહેતા હતા. પોતાને મળેલા વરદાનના અભિમાનથી અખિલ વિશ્વને કષ્ટ આપવા તે તત્પર થયો. તેણે દેવલોકમાં ઇન્દ્રને કહ્યું, ‘પાકશાસન, હું ત્રણે લોક પર શાસન કરવા માગું છું. મારી સાથે યુદ્ધ કરો કાં તો દેવલોક ત્યજી દો. આ સમગ્ર જગત ઉપર બધા જ મહામનસ્વી કશ્યપપુત્રોનો અધિકાર છે.’ પછી સુરેશ્વરે બૃહસ્પતિ સાથે વિચારવિમર્શ કરીને વજ્રનાભને કહ્યું, ‘આપણા બધાના પિતા કશ્યપમુનિ યજ્ઞની દીક્ષા લઈ બેઠા છે. તેમનો યજ્ઞ પૂરો થાય પછી તેમને જે યોગ્ય લાગશે તે પ્રમાણે કરીશું.’ પછી તે દાનવ પિતા કશ્યપ પાસે ગયો અને તેણે ઇન્દ્ર સાથેની વાતચીત કહી સંભળાવી. એ સાંભળીને કશ્યપ મુનિ બોલ્યા, ‘યજ્ઞ પૂરો થાય પછી જે ઉચિત હશે તે કરીશ. ત્યાં સુધી તું વજ્રપુરમાં સાવધાન થઈને રહેજે.’ પિતાની વાત સાંભળીને વજ્રનાભ પોતાના નગરમાં ગયો. પછી ઇન્દ્ર સુંદર દ્વારોથી સુશોભિત દ્વારકા નગરી ગયા. ત્યાં અદૃશ્ય રહીને શ્રીકૃષ્ણને વજ્રનાભની વાત કહી. ત્યારે ભગવાને કહ્યું, ‘વાસવ, મારા પિતા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. એ પૂર્ણ થાય એટલે હું વજ્રનાભને મારી નાખીશ. તે નગરમાં પ્રવેશવાનો ઉપાય આપણે બંને વિચારીશું, કારણ કે વજ્રનાભની ઇચ્છા વિના ત્યાં પવન પણ પ્રવેશી શકતો નથી.’

શ્રીકૃષ્ણનો સત્કાર પામ્યા પછી ઇન્દ્ર સ્વર્ગમાં ગયા. વસુદેવના અશ્વમેધ યજ્ઞમાં ઇન્દ્ર પણ પધાર્યા હતા. જ્યારે યજ્ઞ શરૂ થયો ત્યારે ઇન્દ્ર અને શ્રીકૃષ્ણ વજ્રપુરમાં પ્રવેશવાની યુક્તિ વિચારતા બેઠા. તે યજ્ઞમાં ભદ્રનામા નામના નટે ઉત્તમ અભિવ્યક્તિ કરીને મહર્ષિઓને સંતુષ્ટ કર્યા. ત્યારે મુનિઓએ તેને વર માગવા કહ્યું. ત્યારે દેવેન્દ્ર અને શ્રીકૃષ્ણની ઇચ્છાનુસાર સરસ્વતીથી પ્રેરિત થઈને અશ્વમેધ યજ્ઞમાં પધારેલા મુનિઓને પ્રણામ કરીને ભદ્ર નામના નટે કહ્યું,

‘બધા દ્વિજો મને ભોજન આપે અથવા બધા બ્રાહ્મણો મારે ત્યાં જમે. સાતેય દ્વીપવાળી આખી પૃથ્વી પર હું હરીફરી શકું. આકાશમાં હરવાફરવાની શક્તિ આપો. વિશેષ શક્તિશાળી થઈ સ્થાવરજંગમ બધાં પ્રાણીઓ માટે હું અવધ્ય રહું. જે મૃત છે, જે જીવે છે, જે મારા દ્વારા ભવિષ્યમાં ઉત્પન્ન થશે એ બધામાં જેના જેના રૂપે હું ક્યાંય પ્રવેશવા જઉં ત્યાં વાદ્યો સહિત, એવો જ થઈ જઉં. વૃદ્ધાવસ્થા કે રોગ મને સ્પર્શી ન શકે. મારા પર ઋષિમુનિઓ અને બીજાઓ પણ પ્રસન્ન રહે.’

બ્રાહ્મણોએ ‘તથાસ્તુ’ કહીને તેને માગ્યા પ્રમાણેનું વરદાન આપ્યું. ત્યારથી આ શક્તિશાળી નટ સાત દ્વીપવાળી પૃથ્વી પર વિહાર કરતો રહે છે. દાનવરાજોના નગરમાં, ઉત્તર કુરુ, ભદ્રાશ્વ, કેતુમાલ, કાલામ્ દ્વીપોમાં વિહરે છે. વરદાન પામેલો મહાનટ બધા તહેવારે સુશોભિત દ્વારકા નગરીમાં પણ આવતો હતો પછી દેવલોકમાં નિવાસ કરનારા હંસોને ઇન્દ્રે બોલાવ્યા અને તેમને ધીરજ બંધાવીને કહ્યું, ‘હંસ, તમે લોકપિતા કશ્યપની સંતતિ હોવાને કારણે અમારા ભાઈ થાઓ, દેવપક્ષી બનો અને દેવતાઓ — પુણ્યાત્માઓના વાહન બનો. અત્યારે દેવતાઓ સમક્ષ શત્રુવધ સંબંધી એક કાર્ય છે. જે આપણા બધા માટે આવશ્યક કર્તવ્ય છે. આ કાર્ય તમારે સંપન્ન કરવાનું છે અને ગુપ્ત મંત્ર બીજા કોઈને કાને પડવો ન જોઈએ. દેવતાઓની આજ્ઞા ન માનો તો ભયાનક દંડ પણ વેઠવો પડે. તમારી સર્વત્ર ગતિ છે. વજ્રનાભના શ્રેષ્ઠ નગરમાં પ્રવેશ બીજાઓ માટે અશક્ય છે. તમે ત્યાં જઈને અંત:પુરની વાવોમાં ભમજો. એ તમારા માટે યોગ્ય છે. વજ્રનાભની એક રત્નસ્વરૂપા કન્યા પ્રભાવતી ત્રિલોકસુંદરી છે. જાણે ચન્દ્રની આભા જ તેની પ્રભા બનીને પ્રગટી ન હોય! ગિરિરાજ હિમવાનની પુત્રી ઉમા પાસેથી મળેલા વરદાનથી તેની માતાને તે પ્રાપ્ત થઈ છે એવું સાંભળ્યું છે. પોતાના ભાઈઓથી સુરક્ષિત આ પ્રભાવતી સ્વયંવરા છે. તે પોતાની ઇચ્છા પ્રમાણેના પતિની પસંદગી કરશે. તમે પ્રભાવતી આગળ મહાત્મા પ્રદ્યુમ્નના ઉત્તમ કુળ, સુંદર રૂપ, શીલ, શાંત સ્વભાવ, શ્રેષ્ઠ ગુણોની પ્રશંસા કરજો. વજ્રનાભની આ સતીસાધ્વી પુત્રી જ્યારે પ્રદ્યુમ્નમાં તન્મય થઈ જાય ત્યારે એકાગ્રચિત્તે તમે તેનો સંદેશ પ્રદ્યુમ્નને પહોંચાડજો. પછી તમે સંદેશની આપલે કરજો. તમારી બુદ્ધિ અનુસાર પ્રસંગોચિત જે લાગે તે કરી મારું હિત સાધજો. તમારે નેત્ર અને મુખ દ્વારા બધી રીતે પ્રસન્નતા વ્યક્ત કરવાની. પ્રભાવતીનું મન પ્રદ્યુમ્નમાં પરોવાઈ જાય એવી રીતે તેના ગુણો તમારે કહેતા રહેવાનું. આ બધા સમાચાર તમારે પ્રતિ દિન મને અને દ્વારકામાં મારા નાના ભાઈ શ્રીકૃષ્ણને જણાવતા રહેવાના. જ્યાં સુધી આત્મજ્ઞાની વૈભવપૂર્ણ પ્રદ્યુમ્ન વજ્રનાભની સુંદર પુત્રીને પોતાની ન બનાવે ત્યાં સુધી તમારા પ્રયત્ન ચાલુ રાખવાના. બ્રહ્માના વરદાનથી વજ્રનાભ જેવા બધા અસુરો દેવતાઓ માટે અવધ્ય છે, એટલે પ્રદ્યુમ્ન જેવા દેવકુમારો જ તેનો વધ કરી શકે.

મુનિઓનું વરદાન પામેલો આ ભદ્રનામા નટનો વેશ ધારણ કરીને પ્રદ્યુમ્ન અને બીજા યાદવ વજ્રનાભનો વધ કરવા તેના નગરમાં જશે. આ તથા બીજાં જે કંઈ પ્રસંગોચિત કાર્ય હોય તે બધાં અમારા સૌનું પ્રિય કરવાની ઇચ્છાથી તમારે સંપન્ન કરવાના. વજ્રનાભના આ પ્રદેશમાં દેવતાઓ કોઈ રીતે પ્રવેશી નહીં શકે એ નિશ્ચિત છે.’

ઇન્દ્રની વાત સાંભળીને હંસ વજ્રપુર ગયા. ત્યાંના માર્ગથી તે પરિચિત હતા. તે પક્ષી ત્યાંના રમણીય સરોવરમાં બેઠા. ત્યાં સ્પર્શયોગ્ય સુવર્ણમય કમળ હતાં. તે હંસ મધુર સંસ્કૃત વાણી બોલતા હતા અને મધુર કૂજન કરતા હતા. તે નગરમાં તેઓ ભૂતકાળમાં આવી ચૂક્યા હતા. તો પણ નવા આવેલાની જેમ ત્યાંના પ્રજાજનોને આશ્ચર્ય પમાડતા હતા. અંત:પુરના ઉપયોગ માટેની વાવોમાં ફરવા લાગ્યા. તે સ્વર્ગીય હંસો ઉપર વજ્રનાભની દૃષ્ટિ પડી. તે હંસો મધુર વાણી બોલતા હતા. તેમને જોઈને અસુર બોલ્યો, ‘તમે નિત્ય સ્વર્ગલોકમાં વિહરો છો અને સુંદર વાણી બોલો છો. જ્યારે અમારે ત્યાં કોઈ ઉત્સવ આવે અને તમને તેની જાણ થાય તો તમારે અવશ્ય અહીં આવવાનું. આ તમારું જ ઘર છે. સ્વર્ગનિવાસી હંસોએ અહીં નિર્ભય થઈને આવવું જોઈએ.’ વજ્રનાભની વાત સાંભળીને તે પક્ષીઓએ ‘તથાસ્તુ’ કહીને તેની વાત માની લીધી અને દાનવરાજના મહેલમાં પ્રવેશ કર્યો. દેવતાઓની ઇચ્છા પાર પાડવા ત્યાં બધાનો પરિચય મેળવ્યો. તેઓ માનવબોલીમાં જાતજાતની કથાઓ કહેતા હતા. બધા જ કલ્યાણમય પદાર્થોનો ઉપભોગ કરનારી કશ્યપવંશી સ્ત્રીઓ પોતાના વંશ સંબંધિત કથાઓ સાંભળતી તેમાં વિશેષ રૂપે ખોવાઈ જતી હતી. ત્યાં હરતાફરતા મનોહર સ્મિત ધરાવતી વજ્રનાભની પુત્રી પ્રભાવતીને હંસોએ જોઈ. પછી બધા હંસોએ ચારુહાસિની રાજકુમારીનો પરિચય કર્યો. રાજકુમારી પ્રભાવતીએ તે વેળા શુચિમુખી નામની હંસીને પોતાની સખી બનાવી. એક દિવસ શુચિમુખીએ સેંકડો કથાઓ કહીને અનેકવિધ સુંદર ઉક્તિઓ કહીને પ્રભાવતીના મનમાં પૂર્ણ વિશ્વાસ મેળવી લીધો. પછી તે હંસી બોલી, ‘પ્રભાવતી, મારી દૃષ્ટિએ તું ત્રિલોકની અદ્ભુત સુંદરી છે. રૂપ, શીલ,અને ગુણમાં તું શ્રેષ્ઠ છે. એટલે હું તને કશુંક કહેવા માગું છું. ભીરુ ચારુહાસિની, તારું યૌવન વેડફાઈ રહ્યું છે. જેવી રીતે વહેતું પાણી ઊંધી દિશામાં વહેતું નથી એવી રીતે જે અવસ્થા વીતી જાય તે પાછી આવતી નથી. દેવી, સંસારમાં સ્ત્રીઓ માટે કામોપભોગ જેવું કોઈ સુખ નથી. આ હું તને સાવ સાચું કહું છું. તારા પિતાએ તારો સ્વયંવર તો રચ્યો પણ દેવતાઓ અને દાનવોના કુળમાં ઉત્પન્ન થયેલા કોઈ યોગ્ય પુરુષની પસંદગી તેં ન કરી. તું ના પાડે છે. એટલે લગ્નોત્સુક બધા પુરુષ લજ્જિત થઈ પાછા જાય છે. જે રૂપ અને શૌર્યવાળા છે, તારા કુળને શોભાવે તેવા છે, એવા પુરુષો આવે તો પણ તું એમને પસંદ કરતી નથી. રુક્મિણીનંદન પ્રદ્યુમ્ન અહીં શા માટે આવે? તેના રૂપ અને કુળની બરોબરી કરી શકે એવું ત્રિલોકમાં કોઈ છે જ નહીં. તે ગુણો અને વીરતામાં બધાથી ચઢિયાતા છે. તે પ્રદ્યુમ્ન દેવતાઓમાં દેવતા, દાનવોમાં દાનવ, મનુષ્યોમાં ધર્માત્મા મનુષ્ય છે.

જેવી રીતે દૂધ આપનારી ગાયોના આંચળમાંથી અને સરિતાઓનાત ટપકે છે તેવી રીતે પ્રદ્યુમ્નને જોઈને સ્ત્રીઓની સાથળો આર્દ્ર થઈ જાય છે. તેમના મુખને પૂર્ણિમાના ચન્દ્રની, નેત્રોને નીલકમલની, તેમની ગતિને સિંહની ઉપમા હું આપી શકતી નથી. પ્રભાવશાળી વિષ્ણુએ બધા જગતનો અર્ક લઈને અનંગને સ-અંગ બનાવીને એ પુત્રનું નિર્માણ કર્યું છે. નાની વયમાં જ શંબરાસુરે તેમનું અપહરણ કર્યું હતું. પણ મોટા થઈને તેમણે તે અસુરનો વધ કર્યો હતો. પછી તેની બધી માયાનું હરણ કર્યું અને છતાં કોઈના શીલનો નાશ કર્યો નથી. તું મનમાં જે જે ઉત્તમ ગુણોની કલ્પના કરીશ, ત્રણે લોકમાં જે જે શ્રેષ્ઠ ગુણ ઇચ્છનીય છે તે બધા પ્રદ્યુમ્નમાં છે. તે કાન્તિમાં અગ્નિ જેવા, ક્ષમામાં પૃથ્વી જેવા, તેજમાં સૂર્ય જેવા, ગંભીરતામાં સાગર જેવા છે.’

આ સાંભળીને પ્રભાવતીએ શુચિમુખીને કહ્યું, ‘મેં બુદ્ધિમાન નારદ અને મારા પિતાના મોઢે કેટલીય વાર સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુએ ધરતી પર જન્મ લીધો છે. શાખાનગરોમાં જે અસુરો રહે છે તેમને મારા પિતા સંદેશ આપ્યા કરે છે, ‘વિષ્ણુ તો દૈત્યોના શત્રુ તરીકે જાણીતા છે, એટલે તેમનો કાયમ માટે ત્યાગ કરવો જોઈએ. તેમણે પોતાના તેજસ્વી ચક્ર, શાર્ઙ્ગ ધનુષ અને કૌમોદકી ગદા વડે દૈત્યોના ઘણા બધા કુળનો ધ્વંસ કર્યો છે.’ તો હે સ્મિતવદની, સ્ત્રીઓની સામાન્ય રીતે એવી ઇચ્છા હોય કે મારો પતિપક્ષ પિતાપક્ષ કરતાં ચઢિયાતો હોવો જોઈએ. અહીં પ્રદ્યુમ્નને લાવવાનો કોઈ ઉપાય હોય તો તું વિચાર, તારો મારા પર મોટો ઉપકાર થશે, મારું કુલ પવિત્ર થઈ જશે. મેં તને કાર્યસિદ્ધિનો ઉપાય પૂછ્યો છે. તું મને તે ઉપાય બતાવ. મેં યુવાન અને વૃદ્ધ અસુર સ્ત્રીઓના મોઢે સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુ દૈત્યોના દુશ્મન છે અને તેમને ઉદ્વેગમાં નાખનારા છે, પ્રદ્યુમ્નના જન્મની કથા મેં પહેલાં સાંભળી છે. જે રીતે કાલશંબરનો વધ કર્યો હતો તે પણ મારા જાણવામાં આવ્યો છે. મારા હૃદયમાં કાયમ પ્રદ્યુમ્નનો વાસ છે, મારું અને તેમનું મિલન થાય એવો કોઈ માર્ગ દેખાતો નથી. સખી, હું તારી દાસી અને તને દૂતી તરીકે મોકલીશ. હું અને પ્રદ્યુમ્ન મળીએ એવો કોઈ ઉપાય શોધી કાઢ.’

એટલે શુચિમુખીએ સ્મિતપૂર્વક ઉત્તર આપ્યો, ‘હે શુચિસ્મિતા, હું તારી દૂતી બનીને જઈશ, પ્રદ્યુમ્નને માટે તારા હૃદયની લાગણી જણાવીશ, તે અહીં આવે એવો પ્રયત્ન પણ કરીશ, તું સાક્ષાત કામદેવને મળીને તારી અભિલાષા પૂરી કરીશ. મારી એક વાતનો ખ્યાલ રાખજે, મારા કથાકૌશલની ચર્ચા તારા પિતા આગળ કરજે અને કહેજે કે શુચિમુખીને કથા કહેતાં બહુ સારી આવડે છે. તારા પિતા પાસે મારા વિશે હિતકારક જ બોલતી રહેજે.’

શુચિમુખીએ કહ્યું હતું એ પ્રમાણે જ પ્રભાવતીએ કર્યું. દાનવરાજ વજ્રનાભે અંત:પુરમાં તે હંસીને પૂછ્યું, ‘પ્રભાવતીએ તારી કથા કહેવાની રીતની બહુ પ્રશંસા કરી છે. તો ચાલ, તું કોઈ કથા કહે. આ સંસારમાં એવી કઈ અદ્ભુત ઘટના જોઈ છે. બીજાઓએ કદી જોઈ જાણી ન હોય, એવી આશ્ચર્યની કથા મને કહી સંભળાવ.’

એટલે શુચિમુખીએ મહાતેજસ્વી દાનવરાજ વજ્રનાભને કહ્યું, ‘સાંભળો ત્યારે. મેરુપર્વતની પાછળ સાધ્વી શાંડિલી રહે છે, તેનાં કાર્ય અદ્ભુત છે. બધાં પ્રાણીઓની હિતેચ્છુ કૌશલ્યા સુમનાને પણ એવી જ રીતે જોઈ છે. મુનિઓ દ્વારા વરદાન પામનારા એક નટને મેં જોયો છે. તે ઇચ્છાનુસારી રૂપ બદલી શકે છે.

ત્રણે લોકમાં બધાનો માનીતો છે. તે ઉત્તર કુરુમાં જાય છે, કાલાદ્વીપમાં પણ જઈ ચઢે છે. તે ભદ્રાશ્વ, કેતુમાલ અને બીજા દ્વીપોમાં પણ આવનજાવન કરે છે. દેવતા અને ગંધર્વ જે ગીતો ગાય છે તે ગીતો આ નટ પણ ગાય છે. તે જાતજાતનાં નૃત્યો જાણે છે. પોતાનાં નૃત્યોથી દેવતાઓને પણ પૂરેપૂરા મંત્રમુગ્ધ કરી નાખે છે.’

વજ્રનાભે હંસીને કહ્યું, ‘થોડા દિવસ પહેલાં મેં મહાત્માઓ, સિદ્ધો, ચારણોના મોઢે આ નટની વાત વિગતવાર સાંભળી છે. મને પણ એ નટ જોવાની ઉત્કંઠા છે. મારી ખ્યાતિ તેના કાન સુધી પહોંચી લાગતી નથી.’

હંસીએ કહ્યું, ‘દૈત્યરાજ, આ નટ સાતે દ્વીપોમાં ફરે છે, ગુણગાન સાંભળીને તે જ્યાં ત્યાં જાય છે. જો તે તમારા વિશે સાંભળી લે તો તમારા નગરમાં આવી જ પહોંચ્યો સમજો.’

વજ્રનાભે કહ્યું, ‘તું એવો કોઈ ઉપાય શોધી કાઢ જેથી તે નટ મારા રાજ્યમાં આવે.’

હંસોએ બધા સમાચાર ઇન્દ્રને અને શ્રીકૃષ્ણને પહોંચાડ્યા. પછી આ કામમાં ભગવાને પ્રદ્યુમ્નને જોતર્યો. તેનું કામ હતું પદ્માવતી સાથે સંબંધ વધારવાનું અને વજ્રનાભનો વધ કરવાનું. એટલે ભગવાને પ્રદ્યુમ્નને દૈવી માયાનો આશ્રય લઈ નટ બનાવીને મોકલ્યો. નટના વેશમાં બીજા યાદવોને પણ મોકલ્યા. પ્રદ્યુમ્નને નાયક, સાંબને વિદૂષક અને ગદને પારિપાશ્વિર્ક રૂપે મોકલ્યા. બીજા યાદવોને પણ એ રીતે મોકલ્યા. મુખ્ય વારાંગનાઓને નટી બનાવીને મોકલી. પ્રદ્યુમ્ને નિર્મેલા વિમાનમાં બેસીને તેઓ ત્યાં ગયા. તે બધા પુરુષો રૂપમાં બધા પુરુષોને અનુરૂપ હતા અને રૂપસૌંદર્ય દ્વારા સ્ત્રીઓ સમાન હતા. તેઓ બધા વજ્રપુરના ઉત્તમ શાખાનગર સુપુરમાં ગયા.

વજ્રનાભે સુપુરવાસી અસુરોને એ નટો માટે ઉત્તમ આવાસની વ્યવસ્થા કરવા, આતિથ્યસત્કાર કરવા, તેમને ઉત્તમ વસ્ત્ર, રત્ન આપવા પણ કહ્યું. બધાને પ્રસન્ન કરે એવી સામગ્રી આપવા પણ કહ્યું. અસુરોએ તેની આજ્ઞા પાળી. પહેલાં જેની વાતો સાંભળી છે એ જ નટ આવ્યો છે એ સમાચાર જાણી તેઓ તેને જોવા આતુર થયા. દૈત્યોએ ભદ્ર નટનો સત્કાર કરી તેને ઘણાં રત્ન આપ્યાં. પછી તે નટે સુપુરમાં નૃત્ય કરી બધાંને પ્રસન્ન કરી મૂક્યા. રામાયણ આધારિત એક નાટક કર્યું. વિષ્ણુએ રાવણનો વધ કરવા પૃથ્વી પર અવતાર લીધો. ઋષ્યશ્રુંગને પોતાની નગરીમાં લોમપાદે બોલાવ્યા, પછી દશરથ રાજાએ પોતાને ત્યાં પણ બોલાવ્યા.

આ સાંંભળી દાનવે નટોને બોલાવ્યા. રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત, ઋષ્યશૃંગ અને શાન્તાનો વેશ તેમના જેવા રૂપાળ નટોએ ધારણ કર્યો હતો. રામના સમયમાં જીવતા વૃદ્ધ દાનવો પણ આ પાત્રોને જોઈ દંગ રહી ગયા, તેઓ બોલ્યા, આમનું રૂપ તો બરાબર પણ તે બધા મૂળ વ્યક્તિ જેવા જ લાગે છે. તેમના વેશભૂષા, અભિનય, પ્રસ્તાવ (ક્રિયાપ્રસંગો) તથા જે તે પાત્રોનો પ્રવેશ, આ બધું જોઈને અસુરો આશ્ચર્ય પામ્યા. નાટક જોવામાં ખોવાઈ ગયેલા દાનવો વારંવાર ઊભા થઈને જબરો કોલાહલ કરતા હતા. સંતોષ પામીને નટોને વસ્ત્ર, અલંકાર, માળા, હેમવૈડૂર્યમય હાર આપતા હતા. લોકો આમ જુદી જુદી વસ્તુઓની ભેટ આપતા હતા તે જોઈ નટ લોકો ખુશખુશ થઈ ગયા, તેમણે અસુરોના ગોત્ર અને પૂર્વજોનો ઉલ્લેખ કરીને તે અસુરોની તથા ઋષિમુનિઓની બહુ પ્રશંસા કરી, તે નગરના અસુરોએ એ બધા નટોના આગમનના સમાચાર વજ્રનાભને મોકલ્યા.

તેના કાને આ સમાચાર ક્યારના પહોંચી ગયા હતા. એટલે આનંદિત થઈને તેણે એ બધા નટોને વજ્રપુરમાં લાવવાની સૂચના આપી. દાનવરાજની આજ્ઞાને માન આપીને શાખાનગરના અસુરો યાદવોને રમણીય વજ્રપુરમાં લઈ ગયા. દાનવરાજે તેમના નિવાસ માટે વિશ્વકર્માએ બનાવી આપેલું સુંદર ભવન ફાળવ્યું. અને જે જે વસ્તુઓ જોઈએ તે બધી વસ્તુઓ સો સો ગણી કરીને આપી. પછી વજ્રનાભે મહાકાલ નામના રુદ્રનો ઉત્સવ આરંભ કરાવ્યો. તેમાં તેણે આનંદમાં આવીને સુંદર ચમૂવાટ(ભવન) તૈયાર કરાવ્યું. જ્યારે નટોએ પૂરતો આરામ કરી લીધો ત્યારે મહા બળવાન વજ્રનાભે તેમને ઘણાં બધાં રત્ન આપી નાટક રજૂ કરવા આજ્ઞા આપી. અંત:પુરની સ્ત્રીઓ સારી રીતે જોઈ શકે એવી રીતે પડદામાં બેસાડીને વજ્રનાભ પોતે સ્વજનોની સાથે નટોનો અભિનય જોવા બેઠો. ભયંકર કર્મ કરનારા યાદવોએ અનુરૂપ શૃંગાર કરીને, નટવેશ ધારણ કરીને નૃત્યનો આરંભ કર્યો, પછી તો ઝાંઝ, કરતાલ, મોરલી, મૃદંગ, ઢોલ, વીણા જેવાં વાદ્ય યાદવો વગાડવા લાગ્યા. પછી યાદવકુમારો સાથે આવેલી વારાંગનાઓ દેવગાંધાર નામના છાલિક્ય ગાંધર્વનું ગાન કરવા લાગી, તે શ્રુતિમધુર હતું. શ્રોતાઓના મનને અને કાનને બહુ સુખ આપનારું હતું. પછી ગાંધાર વગેરે સાતે સ્વરોવાળા થઈને પ્રગટ થનારા ત્રિવિધ ગ્રામ, વસંત આદિ રાગ અને ગંગાવતરણ જેવા વિવિધ રાગવાળું ગીત મધુર સ્વરસંપત્તિ વડે ગાવા લાગી. લય, તાલ ને અનુરૂપ સુંદર ગંગાવતરણને સાંભળીને કેટલાક યાદવો ઊભા થઈ થઈને અસુરોને આનંદ આપવા લાગ્યા. કાર્યવશ નટ બનેલા પ્રદ્યુમ્ન, ગદ, સાંબ નાંદી રજૂ કરવા લાગ્યા, નાંદીના અન્તે રુક્મિણીપુત્ર પ્રદ્યુમ્ને ગંગાવતરણ સંબંધી શ્લોક ઉત્તમ અભિનય સાથે રજૂ કર્યો. ત્યાર પછી કુબેરલોક વિષયક રંભાભિસાર નામનું નાટક તેમણે ભજવ્યું. શૂર નામના યાદવે રાવણનો અભિનય કર્યો. મનોવતી નામની વારાંગનાએ રંભાનું પાત્ર ભજવ્કહ્યું. પ્રદ્યુમ્ન નલકુબેર બન્યા, સાંબ વિદૂષક બન્યો યાદવકુમારોએ માયા વડે ત્યાં કૈલાસ પ્રત્યક્ષ કરી બતાવ્યો. ક્રોધે ભરાયેલા નલકુબેરે રાવણને શાપ આપ્યો, રંભાને સાંત્વન આપ્યું, મહામુનિ નારદની કીર્તિગાથા રજૂ થઈ. આમ આ બધી ઘટનાઓને નાટ્યરૂપ અપાયું. સુંદર નૃત્ય અને અભિનયથી સંતોષ પામીને દાનવીર તે બધાની પ્રશંસા કરવા લાગ્યા. તે બધા નટોને સુંદર વસ્ત્ર, રત્નજડિત આભૂષણ અને વર્તુળાકાર મણિ આપ્યાં. વિચિત્ર વિમાન, આકાશગામી રથ અને ઉત્તમ જાતિના હાથી પણ આપ્યા. તે દાનવોએ યાદવકુમારોને દિવ્ય શીતલ ચંદન, અગરુ જેવાં સુગંધિત દ્રવ્યો આપ્યાં. ત્યાં અનેક વાર નાટક જોવાના અવસર મળ્યા. તે બધા અવસરે દાનવ સ્ત્રીઓ પોતે નિર્ધન અને રત્નહીન થઈ જાય એટલા બધા ઉપહાર તેમણે આપ્યા. પ્રભાવતીની સખી હંસીએ કહ્યું ‘હું યાદવો વડે રક્ષિત સુંદર દ્વારકા નગરીમાં ગઈ હતી. ત્યાં હું એકાંતમાં પ્રદ્યુમ્નને મળી. તારા હૃદયમાં પ્રદ્યુમ્ન માટે જે લાગણી છે તેની વાત મેં કરી. મારી વાત સાંભળીને તેમને પ્રસન્નતા થઈ અને આજે સાંજે તે તને મળવા આવશે. એટલે આજે તારી સાથે તેમનું મિલન થશે. યદુકુળમાં જન્મેલા પુરુષો પ્રેમીજનોને મિથ્યા સંદેશ આપતા નથી.’

આ સાંભળીને પ્રભાવતી આનંદ પામી. તેણે હંસીને કહ્યું, ‘તું પહેલાં પણ મારા ઘરમાં રહી ચૂકી છે. તો આજે પણ તું અહીં જ સૂઈ જજે. હું તારી સાથે રહીને પ્રદ્યુમ્નને જોવા માગું છું. તું સાથે હોઈશ તો મને કોઈ ભય નહીં લાગે.’

એટલે આકાશમાં વિહરનારી હંસીએ કહ્યું, ‘બહુ સારું. હું અહીં સૂઈ જઈશ.’ પ્રભાવતીની અગાશી પર તે બેઠી. વિશ્વકર્માએ બનાવેલા ભવનમાં પ્રભાવતીએ પ્રદ્યુમ્નના આગમન માટે સજાવટ કરવા માંડી. એ સુશોભન પૂરું થયું એટલે હંસી પ્રભાવતીને પૂછીને પ્રદ્યુમ્નને તેડી લાવવા ગઈ. પછી તે સુસ્મિતા હંસી પ્રદ્યુમ્ન પાસે જઈને બોલી, ‘તમે જે સમય ઠરાવ્યો છે તે સમય આવી ગયો છે. આજે રાતે જ તમારે મળવાનું છે.’

પ્રદ્યુમ્ને હા પાડી એટલે હંસી પાછી ફરી અને પ્રભાવતી પાસે જઈને બોલી, ‘ધીરજ રાખ, રુક્મિણીપુત્ર રાતે આવશે.’

શત્રુજિત વીર પ્રદ્યુમ્ને જોયું કે પ્રભાવતી માટે સુવાસિત પુષ્પહાર મોકલાઈ રહ્યો છે, તેના પર ઘણા બધા ભમરા બેઠા છે. ત્યારે પ્રદ્યુમ્ન પ્રભાવતી પાસે મોકલાઈ રહેલી પુષ્પમાલામાં ભમરો બનીને સંતાઈ ગયા. સ્ત્રીઓ ભમરાવાળી પુષ્પમાલા લઈ પ્રભાવતીના મહેલમાં જઈ પહોંચી અને તેમણે પ્રભાવતીના હાથમાં એ પુષ્પમાલા મૂકી દીધી. પ્રભાવતીએ માલા પોતાની પાસે રાખી. સંધ્યાકાળે બધા ભમરા ઊડી ગયા. પછી પોતાના સહાયકોથી વિખૂટા પડેલા પ્રદ્યુમ્ન પ્રભાવતીના કાનમાં પહેરેલા કમળમાં સંતાઈ ગયા. પછી વાક્ચતુર પ્રભાવતીએ પૂર્ણિમાના ચંદ્રને ઊગતો જોઈ હંસીને કહ્યું, ‘સખી, મારાં બધાં અંગ તપી રહ્યાં છે. હૃદયમાં પુષ્કળ દાહ, આ તે કેવો રોગ જેનું કોઈ ઔષધ નથી. આ શીતળ કિરણોવાળો ચંદ્ર બમણી ઉત્સુકતા વધારી રહ્યો છે. તે આંખોને સુંદર લાગે છે પણ અત્યારે અપ્રિય વર્તાવ કરે છે. મેં તો માત્ર તેમનું નામ જ સાંભળ્યું છે, જોયા પણ નથી, અને તો પણ મારાં બધાં અંગોમાં આગ આગ લગાડી રહ્યા છે. જો તે નહીં આવે તો મારે જીવતાં જીવત આ યૌવનકાળમાં જ પ્રાણત્યાગ કરવો પડશે. આ કેટલા દુઃખની વાત છે. મારા જેવી મનસ્વિનીને કામદેવ રૂપી સાપે ડસી લીધી છે, બાકી તો સ્વભાવથી જગતને આનંદ અને સુખ આપનારા ચંદ્રનાં કિરણો મને બાળે કેમ? સ્વભાવથી શીતળ અને વિવિધ પુષ્પોથી સુવાસિત રજ લઈને વહેતા વાયુ દાવાનળની જેમ મારા શરીરને બાળે છે. વારે વારે મારા મનને સ્વસ્થ રહેવા સમજાવું છું પણ મારું મન કામદેવે મથી કાઢ્યું છે એટલે તે નિર્બળ થઈ ગયું છે. હું ઉન્મની થઈ રહી છું, હું મોહ પામું છું, હૃદયમાં ભારે કંપન થાય છે, મારી દૃષ્ટિ ભમી રહી છે, આજે નિશ્ચિત હું નાશ પામીશ.’

શ્રીકૃષ્ણકુમાર પ્રદ્યુમ્ન સમજી ગયા કે અસુરપુત્રી પ્રભાવતીના મનમાં હું છવાઈ ગયો છું, ત્યારે પ્રસન્ન ચિત્તે તેમણે હંસીને કહ્યું, ‘તને તો જાણ થશે કે હું ભમરાઓની સાથે ભમરો બનીને હું પ્રભાવતી પાસે આવી ગયો છું, હું હવે પ્રભાવતીનો આજ્ઞાંકિત થઈ ગયો છું. તે મારી સાથે તેને ગમે તેવો વર્તાવ કરી શકે છે.’

આમ કહીને પ્રદ્યુમ્ને પ્રગટ થઈ પોતાનું રૂપ દેખાડ્યું. તેમની પ્રભાથી ત્યાં બધે પ્રકાશ થયો. તેમની કાંતિ આગળ ચંદ્રની કાંતિ પણ ઝાંખી પડી. પ્રદ્યુમ્નને જોતાવેંત પ્રભાવતીના કામસમુદ્રમાં જુવાળ આવ્યો, જેવી રીતે પૂર્ણિમાના ચંદ્રને જોઈને સમુદ્રમાં જુવાળ આવે છે તેવી રીતે. લજ્જાને કારણે પ્રભાવતીનું મોં નીચે નમ્યું, પણ ત્રાંસી આંખે તે પ્રિયતમને જોઈ લેતી હતી. તે રાજીવલોચના સ્થિર થઈને ઊભી રહી ગઈ. સુંદર અલંકારોથી શોભતી પ્રભાવતીની ચિબુકનો સ્પર્શ કરીને પ્રદ્યુમ્નની કાયા રોમાંચિત થઈ ગઈ. તે બોલ્યા, ‘પૂર્ણચંદ્ર જેવું આ મુખ સેંકડો મનોરથો વડે આજે પ્રાપ્ત થયું છે. તું મોં નીચું કરીને ઊભી છે, મારી સાથે બોલતી કેમ નથી? મુખચંદ્રની પ્રભાનો તિરસ્કાર ન કર, તેનો લોભ ન કર, ભય મૂકીને આ દાસ પર કૃપા કર. તારું આ સલજ્જ મોં મને આ પ્રસંગે યોગ્ય નથી લાગતું. હું હાથ જોડીને તને વિનંતી કરું છું. સમયોચિત કર્તવ્ય શું છે તે સાંભળ. સંસારમાં તારા રૂપની કોઈ તુલના નથી. તું દેશકાળને અનુરૂપ ગાંધર્વવિવાહ કરીને મારા પર કૃપા કર.’ પછી પ્રદ્યુમ્ને આચમન કરીને સૂર્યકાન્ત મણિમાં રહેલા અગ્નિને પ્રગટાવ્યા. મંત્રોચ્ચારણ કરી પુષ્પોની આહુતિ આપી. અલંકાર- યુક્ત પ્રભાવતીનો હાથ પોતાના હાથમાં લઈ અગ્નિની પ્રદક્ષિણા કરી. ત્યાં જગતના શુભાશુભના સાક્ષી અગ્નિ પ્રગટ્યા, પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવાનો સંકલ્પ કરી બારણે ઊભેલી હંસીને કહ્યું, ‘હવે તું આ ભવનના બહારના દ્વાર આગળ ઊભી રહે અને કોઈની દૃષ્ટિ અમારા પર ન પડે તે જોજે.’

એટલે હંસી તેમને પ્રણામ કરીને જતી રહી. પ્રદ્યુમ્ન સુંદર નેત્રોવાળી પ્રભાવતીનો જમણો હાથ પકડીને સુંદર શય્યા પર લઈ ગયા. પોતાની સાથળ પર બેસાડીને વારે વારે ધીરજ બંધાવી અને પોતાના મુખના સુવાસિત વાયુ વડે તેના કપોલને ચુંબન કર્યું. પછી જેવી રીતે વિકસિત કમલના મકરંદનુંપાન કરે છે તેમ તે તેના અધરરસનું પાન કરવા લાગ્યા. પછી રતિકલાકુશળ પ્રદ્યુમ્ને મનોહર નિતંબો ધરાવતી પ્રભાવતીને આલિંગન આપ્યું, અને તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. તેઓ તેને ઉદ્વિગ્ન કરતા ન હતા, કોઈ ક્ષુદ્ર વર્તાવ કરતા ન હતા. આખી રાત તેઓ ત્યાં રહ્યા અને સવારે નટોના નિવાસસ્થાને જતા રહ્યા. પ્રભાવતી તો એક ક્ષણ માટે પણ વિરહ વેઠી શકે તેમ ન હતી. છતાં તેણે પ્રિયને સમય થયો એટલે જવા દીધા. પ્રદ્યુમ્ન પણ મનોમન પ્રિયાનો જ વિચાર કરતા રહ્યા. દેવરાજ ઇન્દ્ર અને શ્રીકૃષ્ણની આજ્ઞાની પ્રતીક્ષા કરતા નટવેશે જ રહ્યા. પોતાના ગૂઢ લક્ષ્યને બધી રીતે છુપાવીને વજ્રનાભના ત્રિલોકવિજય સંબંધી કાર્યની પ્રતીક્ષા કરતા રહ્યા. જ્યાં સુધી કશ્યપ મુનિનો યજ્ઞ ચાલતો રહ્યો ત્યાં સુધી ત્રિલોકવિજયની પ્રતીક્ષામાં લીન દેવદાનવ વચ્ચે કોઈ વિરોધ ન હતો. એવામાં ત્યાં વર્ષાઋતુનું આગમન થયું, બધાં પ્રાણીઓ માટેની સુંદર ઋતુ આવી. મનોવેગી હંસ યાદવકુમારોને ઇન્દ્રના તથા શ્રીકૃષ્ણના સમાચાર પહોંચાડતા હતા. પ્રત્યેક રાતે હંસોથી સુરક્ષિત રહીને પ્રદ્યુમ્ન ભાર્યા પ્રભાવતી સાથે ક્રીડા કરતા રહેતા હતા. ઇન્દ્રની આજ્ઞાથી વજ્રપુરમાં નિવાસ કરતા હંસ ચોતરફ હતા પણ બળથી મોહ પામેલા દાનવોને હંસ કોણ છે — નટ કોણ છે તેની જાણ થતી ન હતી. પ્રદ્યુમ્ન તો દિવસે પણ પ્રભાવતીની પાસે જ રહેતા હતા. માયાથી તેમની છાયા જ નટોના સ્થાને જોવા મળતી હતી. તેઓ પોતાના અડધા શરીરે પ્રભાવતી સાથે રમણ કરતા હતા. નટોના વિનય, શીલ, લીલા, ચાતુરી, સરલતા, વિદ્વત્તાને કારણે અસુરો નિત્ય તેમને ચાહતા રહેતા હતા. અસુર સ્ત્રીઓ પણ યાદવકુમારોની સાથે આવેલી સુંદરીઓનાં રૂપ, વિલાસ, સુવાસ, મનોહર વાણી, શ્રેષ્ઠ સ્વભાવની ઘેલી બની હતી. વજ્રનાભના સુનાભ નામના ભાઈને ચંદ્રવતી અને ગુણવતી નામની બે સુંદર અને ગુણવાન પુત્રીઓ હતી. તેઓ નિત્ય પ્રભાવતીના મહેલમાં આવજા કરતી હતી. તેમણે પ્રભાવતીને વિલાસિની રૂપે જોઈ.

પ્રભાવતી આ બંને બહેનો પર અત્યંત વિશ્વાસ કરતી હતી. તે બંનેએ એક વેળા પૂછ્યું, એટલે પ્રભાવતીએ કહ્યું, ‘મારી પાસે એક વિદ્યા એવી છે જેનાથી હું જે પતિને ઇચ્છું તેને મારી પાસે લાવી દે. એ પુરુષ દેવ હોય કે દાનવ — આ વિદ્યા તેને વિવશ બનાવી લઈ આવે છે. એ વિદ્યા વડે હું દેવકુમાર સાથે ક્રીડા કરું છું. જુઓ, મારી વિદ્યાના કે મારા પ્રભાવથી પ્રદ્યુમ્ન પ્રિયતમ બની ગયા છે.’ પ્રદ્યુમ્નના રૂપ અને યૌવનની સમૃદ્ધિ જોઈને બંને બહેનોને બહુ અચરજ થયું. એટલે સુંદર પ્રભાવતી બોલી, ‘દેવતાઓ નિત્ય ધર્મપરાયણ હોય છે અને મહાન અસુર દંભી હોય છે. દેવતાઓ તપ કરે છે, અસુરો સુખમાં લીન રહે છે. દેવતાઓ સત્યમય, અસુરો અસત્યમય, જ્યાં તપ, ધર્મ, સત્ય, હોય ત્યાં યુદ્ધમાં તે પક્ષનો વિજય થાય છે. તમે બંને પણ યોગ્ય દેવકુમારો પસંદ કરી લો. પતિ પામવાની આ વિદ્યા હું તમને આપું છું. તમે મનવાંછિત પતિ મેળવી શકશો.’ ત્યારે બંને બહેનો આનંદિત થઈ ગઈ. પતિનો આદર કરનારી પ્રભાવતીએ એ વિશે પૂછ્યું તો પ્રદ્યુમ્ને તેને સાંબ અને ગદનાં નામ કહ્યાં, ‘તે બંને સુંદર, સુશીલ અને શૂરવીર છે.’

પછી પ્રભાવતીએ બહેનોને કહ્યું, ‘ભૂતકાળમાં મારી સેવાથી પ્રસન્ન થઈને દુર્વાસા મુનિએ આ મંત્ર આપ્યો હતો. અને સાથે સાથે અખંડ સૌભાગ્ય અને અખંડ કૌમાર્યવ્રતનું વરદાન પણ આપ્યું હતું. તેમણે મને કહ્યું, ‘તું દેવ — દાનવ- યક્ષ — આ બધામાંથી જેનો વિચાર કરીશ તે તારો પતિ થશે. એમના વરદાનથી જ મેં પ્રદ્યુમ્નને પતિ બનાવવાની ઇચ્છા કરી. તમે બંને બહેનો આ વિદ્યા ગ્રહણ કરો અને એનાથી શીઘ્ર પ્રિયતમનો સાથ મળશે.’

આ સાંભળી બંને બહેનોએ પ્રભાવતી પાસેથી આ વિદ્યા ગ્રહણ કરી લીધી. તે શુભ લક્ષણા કન્યાઓએ વિદ્યાભ્યાસ કરીને ગદ અને સાંબનું ધ્યાન ધર્યું. પછી તો એ બંને કુમારો પ્રદ્યુમ્નની સાથે જ મહેલમાં પ્રવેશ્યા. માયાવી પ્રદ્યુમ્ને પોતાની માયા વડે તે બંને વીરને સંતાડીને રાખ્યા હતા. શત્રુજિત તે કુમારોએ પણ ગાંધર્વવિવાહ કરીને મંત્રોચ્ચારથી તે કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તે બંને સત્પુરુષોના પ્રિય હતા. ચંદ્રવતી સાથે ગદ અને ગુણવતી સાથે સાંબ પરણ્યા. આમ તે ત્રણે તે દિવસોમાં ઇન્દ્ર અને શ્રીકૃષ્ણની આજ્ઞાની પ્રતીક્ષા કરતા કરતા તે અસુરકન્યાઓ સાથે ક્રીડા કરતા રહ્યા.

પૂર્ણ ચંદ્ર જેવું મુખ ધરાવતા પ્રદ્યુમ્ને ભાદરવા મહિનામાં આકાશને વાદળોથી છવાયેલું જોયું, ત્યારે વિશાલાક્ષી પ્રભાવતીને કહ્યું, ‘તારા મુખ જેવો દેખાતો ચંદ્ર અત્યારે આંખો સામે નથી, તારા કેશપાશ જેવાં વાદળોએ એને ઢાંકી દીધો છે. વાદળોમાં ચમકતી જે વીજળી દેખાય છે તે સુવર્ણાલંકારોથી શોભતી તારા જેવી લાગે છે, આ ગરજતાં વાદળ તારી મોતીમાળાની જેમ સ્વચ્છ જળ વરસાવી રહ્યાં છે. આકાશમાં ઘેરાયેલાં વાદળ વચ્ચે દેખાતી બકપંક્તિ તારા દાંત જેવી છે. નદીઓનાં પાણીમાં કમળ ડૂબી ગયાં છે, ધસમસતાં પાણી વહી રહ્યાં છે. વાદળોને વાયુ હંકારે છે. અરે પ્રાણવલ્લભા, તારા મુખ પર નેત્રોનો જે તિરંગો દેખાય છે તેના જેવું આ ઇન્દ્રધનુષ જો. આકાશ અને વાદળોની શોભામાં વૃદ્ધિ કરતું તે ઇન્દ્રધનુષ કામીજનોને આનંદ આપે છે. વાદળોને ગરજતાં જોઈ આનંદિત હૈયે મોર કળા કરી રહ્યા છે, તે બહુ સુંદર દેખાય છે, તું ત્યાં જો…

ચંદ્ર જેવી ઊજળી અગાશીઓ પર બીજા મોર બે ઘડી માટે બેસી પછી ઊડવા માંડે છે ત્યારે બહુ સુંદર દેખાય છે. સુંદર દેખાતાં મોર વૃક્ષોની સૌથી ઉપરની ડાળી પર બેઠા છે, તેમની પાંખો ભીંજાયેલી છે, બે ઘડી વૃક્ષોની ટોચ પર ચૂડામણિની જેમ શોભીને તે નવા ઊગેલા ઘાસ પર બેસશે. તેમના મનમાં શંકા છે કે આ ઘાસ ધરતીથી ભિન્ન છે કે અભિન્ન? જલધારાઓની વચ્ચેથી વહેતો આ સુખદ પવન ચંદન લેપ જેવો શીતળ છે. કદંબ, અર્જુનનાં ફૂલોની સુવાસ લઈને પવન વાય છે. તે કામોદ્દીપક છે. રતિશ્રમથી થતા પ્રસ્વેદનો નાશ કરનાર અને નવાં પાણીને ખેંચી લાવનાર આ પવન ન હોત તો આ વર્ષાઋતુ મને ન ગમત. પ્રિયજનોના સમાગમ વખતે, રતિક્રીડાના અંતે પ્રસ્વેદને દૂર કરનારો પવન જ્યારે સ્પર્શે ત્યારે એનાથી વધુ સુખ બીજું શું? મોટી મોટી નદીઓના કિનારા જળમાં ડૂબેલા જોઈ સારસ, ક્રૌંચ, હંસ માનસરોવરમાં જવા લુબ્ધ થઈ ત્યાં જવાનો પરિશ્રમ સ્વીકારે છે. હંસ, સારસ અને ચક્રવાક જતા રહે પછી નદી, સરોવર શ્રીહીન લાગે છે. તેમના વિના નથી નદીઓ શોભી ઊઠતી કે નથી સરોવર. શ્રેષ્ઠ વર્ષાકાલ અને તે વેળા શયન કરનારા ભગવાન વિષ્ણુને જાણનારી યોગનિદ્રા અતિ લોકોત્તર મનોહર રૂપ ધારણ કરનારી શ્રીદેવીને પ્રણામ કરી શેષનારાયણ પર એક પડખે સૂતેલા ઈશ્વર — ઉપેન્દ્ર પાસે આવી છે.

પ્રફુલ્લ કમળ જેવાં વિશાળ નેત્રોવાળી પ્રિયા, ભગવાન ઉપેન્દ્રની યોગનિદ્રા સ્વીકારી શ્વેત કાન્તિવાળા કમળ જેવા ચંદ્ર મેઘ રૂપી વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રીકૃષ્ણના મુખનું અનુકરણ કરે છે. બધી ઋતુઓ શ્રીકૃષ્ણ પાસેથી કૃપા મેળવવા તેમની સેવામાં કદમ્બ, નીપ, અર્જુન, કેવડો જેવાં બીજાં પુષ્પો લઈને આવે છે. આ પુષ્પોનો રસ ભમરા વારંવાર પીએ છે. જ્યારે ઝેરીલા સાપ તેમને સ્પર્શે છે ત્યારે તે કરમાઈ જાય છે. લોકોને તે અચરજ પમાડે છે. નાનકડા જલકુંડ જેવા આકાશના જળથી ભરેલા મેઘઘટા દ્વારા પડે છે ત્યારે તારા મુખ, સ્તન, સાથળ કામોદ્રેકે વશ થઈ પ્રસ્વેદથી ભીનાં થઈ ગયાં છે. આ વાદળોની ઘટા બકપંક્તિના પુષ્પહારથી અલંકૃત થઈ છે, તે જો, આ વાદળ જગતના હિતાર્થે ધરતી પર પાણી વરસાવે છે. પાણી ભરેલાં મેઘસમૂહને પોતાની સાથે ખેંચી લાવનાર પવન વાદળ સાથે વાદળને ટકરાવે છે, જાણે કોઈ ચક્રવર્તી રાજા શક્તિમદથી ઉન્મત્ત થયેલા વનહસ્તીઓને પોતાના હસ્તીઓ સાથે લડાવે છે. આ મેઘ શુદ્ધ, પવિત્ર, સુવાસિત વાયુથી સંલગ્ન થઈ દિવ્ય જળની જે વર્ષા કરે છે તે ચાતક, મોર જેવા શ્રેષ્ઠ પક્ષીઓને આનંદ આપે છે. વર્ષાના આઠ મહિના પહેલાં ક્યાંક દરમાં સંતાઈ રહેલા દેડકા વર્ષાના ચાર મહિનામાં પોતાની માદાઓ સાથે નાદ કરે છે, જાણે સત્ય અને ધર્મ પર પ્રેમ રાખનાર કોઈ વિદ્વાન બ્રાહ્મણ પોતાના શિષ્યોની મંડળીમાં વેદની ઋચાઓનો પાઠ કરી રહ્યો છે.

વર્ષા ઋતુનો એક બીજો ગુણ પણ છે. અચાનક મેઘગર્જના સાંભળીને ભયભીત થયેલી પ્રિયાઓને પ્રણયી શયનકાળ સિવાય પણ આલિંગનથી તેમની કામવાસનાની વૃદ્ધિ કરે છે. ઉત્તમ વંશ, સુંદર વર્ણ અને સુંદર સ્વભાવવાળી પ્રિયા, વર્ષાકાળનો એક જ અવગુણ છે. તારા મુખ જેવો ચંદ્ર મેઘથી ઢંકાઈ જાય છે. જ્યારે વિશ્વને પ્રકાશિત કરનાર ચંદ્ર વાદળો પાછળથી જોવા મળે છે ત્યારે વિદેશથી પાછા ફરેલા પ્રેમીઓની જેમ લોકો ચંદ્રને વારંવાર જોયા કરે છે. પ્રોષિતભર્તૃકાઓના વિલાપનો સાક્ષી ચંદ્રમા જ્યારે દેખાય છે ત્યારે જેમના પતિ પરદેશથી પાછા ફરી રહ્યા હોય છે, તે સ્ત્રીઓનાં નેત્રમાં પ્રિયતમને જોઈને જ આનંદોત્સવ ઉજવાય છે. જેમને પ્રિયતમનો સાથ મળ્યો છે તેમને જ માટે આ નેત્રોત્સવ છે, પ્રિયતમનો વિરહ ભોગવતી યુવતીઓ માટે તો આ ચંદ્ર દાવાગ્નિ જેવો જ છે. આમ આ ચંદ્ર આહ્લાદક હોવા છતાં સંયોગ—વિયોગના અવસ્થાભેદને લીધે કેટલાકને પ્રિય તો કેટલાકને અપ્રિય લાગે છે. તારા પિતાના આ નગરમાં ચંદ્રમા વિના પણ ચંદ્રકિરણો જેવો ગૌર પ્રકાશ જોવા મળે છે. એટલે અહીં મને ચંદ્રમા હોય — ન હોય તેના ગુણઅવગુણની જાણ થતી નથી. આ ચંદ્ર, આ બુધ, આ પુરૂરવા, આ નહુષ, ઉપરિચર જેવા થઈ ગયા…યદુકુળમાં કપટ કરનાર કોઈ રાજા નથી. તું એ જ ચંદ્રવંશ અને યદુવંશની પુત્રવધૂ છે. તું જગદીશ્વર શ્રીહરિને વંદન કર. ભગવાન નારાયણ તારા સસરા થયા…’

કશ્યપ ઋષિનો યજ્ઞ સમાપ્ત થયો એટલે દેવદાનવ પોતપોતાના સ્થાને ગયા. વજ્રનાભ ત્રિભુવન વિજયની અભિલાષા લઈને કશ્યપ ઋષિ પાસે ગયો. તેમણે કહ્યું, ‘પુત્ર વજ્રનાભ, મારી વાત સાંભળવા યોગ્ય, ધ્યાન આપવા યોગ્ય હોય તો સાંભળ. તું તારા સ્વજનો સાથે વજ્રપુરમાં જ રહે. ઇન્દ્ર તપમાં તારાથી ચઢિયાતા છે. સ્વભાવથી જ શક્તિશાળી છે. બ્રાહ્મણભક્ત, કૃતજ્ઞ, ભાઈઓમાં જ્યેષ્ઠ, ઉત્તમ ગુણવાન છે. તે સંપૂર્ણ જગતના રાજા છે, સુપાત્ર છે, સત્પુરુષોના આશ્રય છે, બધાં પ્રાણીઓના હિતચિંતક છે. વજ્રનાભ, તું એમને જીતી નહીં શકે. એમ કરવા જતાં તું પોતે જ મૃત્યુ પામીશ. સાપને પગની લાત મારનારાની જેમ તું નાશ પામીશ.’

વજ્રનાભનું આખું શરીર કાળના પાશથી બંધાયેલું હતું, જેવી રીતે મૃત:પ્રાય રોગીને ઔષધ નથી ભાવતું તેવી રીતે તેને કશ્યપ ઋષિની વાત ન ગમી. ભ્રષ્ટ બુદ્ધિ ધરાવતો તે અસુર કશ્યપ ઋષિને પ્રણામ કરીને જતો રહ્યો. તેણે ત્રિભુવનવિજયનો માર્ગ નક્કી કરી લીધો. પોતાના બંધુઓ અને મિત્રોની સાથે વિજય પામવા સ્વર્ગલોકમાં ગયો. આ ગાળામાં મહાબલી કૃષ્ણ અને ઇન્દ્ર બંનેએ વજ્રનાભના વધ માટે હંસો દ્વારા સંદેશો મોકલ્યો. વજ્રપુરમાં એકઠા થયેલા મુખ્ય મુખ્ય યાદવવીરો હંસોના મોઢે આ સંદેશો સાંભળીને અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા.

આજે પ્રદ્યુમ્ને વજ્રનાભનો વધ કરવો જોઈએ એમાં તો કશી શંકા નથી પણ વજ્રનાભ અને તેના ભાઈ — આ બંનેની કન્યાઓ યાદવોની પત્ની થઈ ગઈ છે. અત્યારે તે ત્રણે સગર્ભા છે તો આપણે શું કરીએ? તેમની પ્રસૂતિનો સમય પણ હાથવેંતમાં છે. એટલે તે બધાએ સારી રીતે વિચારીને હંસોને કહ્યું, ‘તમે ભગવાન શ્રીકૃષ્ણ અને ઇન્દ્રની પાસે જઈને અહીંની વાસ્તવિકતા જણાવો.’ પછી હંસોએ ત્યાં જઈને બંને દેવતાઓને બધી વાત કરી. એટલે તે બંનેએ હંસો દ્વારા સંદેશ મોકલ્યા, ‘યાદવો, તમારે બીવાની જરૂર નથી. એ સ્ત્રીઓના પેટે ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનારા ગુણવાન પુત્ર જન્મશે. ગર્ભાવસ્થામાં જ વેદ-વેદાંગનું સંપૂર્ણ જ્ઞાન પામશે. જન્મતાંની સાથે જ તેઓ યુવાન અને વિદ્વાન થઈ જશે.’ એટલે હંસોએે વજ્રપુર જઈને બંને દેવતાનો સંદેશો સંભળાવ્યો. તે સમયે પ્રભાવતીએ પ્રદ્યુમ્ન જેવાં જ સર્વગુણ સંપન્ન પુત્રને જન્મ આપ્યો. તે તત્કાલ યુવાન થઈ ગયો. એક મહિના પછી ચંદ્રાવતીએ પણ એક પુત્રને — ચન્દ્રપ્રભને જન્મ આપ્યો. તે પણ યુવાન થઈ ગયો. ગુણવતીએ પણ એક પુત્રને જન્મ આપ્યો. બંને બાળકો તત્કાલ યુવાન થઈ ગયા. યુદ્ધમાં શૂરવીર હતા. ઇન્દ્ર અને ઉપેન્દ્રની કૃપાથી તે બાળકોમાં બધા સદ્ગુણ આવ્યા હતા. એક દિવસ અગાશી પર હરતાફરતા તે યાદવકુમારોને અસુરોએ જોઈ લીધા. ઇન્દ્ર અને ઉપેન્દ્રની ઇચ્છાથી જ આમ બન્યું હતું.

તે સમયે આકાશની દિશાએથી નગરરક્ષા કરનારા અસુરોએ ગભરાઈ જઈને સ્વર્ગવિજયની ઇચ્છા ધરાવનારા વજ્રનાભને એ કુમારો વિશે કહ્યું. આ સાંભળી વજ્રનાભે કહ્યું, ‘આ બાળકો મારા ઘરને કલંકિત કરનારાં છે. તેમને વધ કરવા પકડી લો.’ પછી અસુરરાજની આજ્ઞાથી અસુરસેનાએ બધી દિશાએથી નગરને ઘેરી લીધું. બધી દિશાઓમાં સંભળાતું હતું — પકડો અને મારી નાખો. શત્રુઓને દંડ આપનારા અસુરરાજની આજ્ઞાથી બધા યોદ્ધાઓ આમ બોલતા હતા. આ સાંભળીને માતાઓ શોકથી કલ્પાંત કરવા લાગી. તેમને રુદન કરતી જોઈ પ્રદ્યુમ્ને હસતાં હસતાં કહ્યું, ‘દાનવકન્યાઓ, તમે ગભરાઓ નહીં. જ્યારે અમે અહીં જીવતાજાગતા ઊભા છીએ ત્યારે આ અસુરો શું કરી લેશે? તારા પિતા અને કાકા હાથમાં ગદા લઈને ઊભા છે. તારા ભાઈઓ અને બીજા કુટુંબીજનો પણ યુદ્ધમાં ઊભા છે. આ બધા તારા સ્વજનો મારા માટે પૂજનીય છે, આદરપાત્ર છે. તું તારી બહેનોને પણ પૂછી જો. આ સમય બહુ ભયંકર છે. જેઓ મરણનું કષ્ટ વેઠીને યુદ્ધ કરે છે તેમનો નિશ્ચિત વિજય થાય છે. દાનવરાજ વજ્રનાભ અને બીજાઓ અમારો વધ કરવા યુદ્ધ કરશે. હવે આ પરિસ્થિતિમાં અમારે શું કરવું? તું કહે તેમ કરીશું.’

પ્રભાવતી રડતાં રડતાં ભૂમિ પર પડી ગઈ અને બોલી, ‘શત્રુસંહારક, શસ્ત્ર હાથમાં લઈ તમારી રક્ષા કરો. જીવતા રહેશો તો પુત્રો-પત્નીઓને જોજો. રુક્મિની અને પુત્ર અનિરુદ્ધને પણ મળી શકશો. આ બધો વિચાર કરીને તમે શંકામુક્ત થાઓ. બુદ્ધિમાન દુર્વાસાએ મને વરદાન આપ્યું હતું, તું અવિધવા રહીશ, પ્રસન્ન અને જીવિત પુત્રોની માતા બનીશ. ઇન્દ્રાનુજકુમાર, આ વરદાન મારા હૃદયને માટે આશ્વાસન રૂપ છે. સૂર્ય અને અગ્નિ જેવા દુર્વાસાનું વચન સત્ય થશે, મિથ્યા નહીં થાય.’ આમ કહી મનસ્વિની નારી પ્રભાવતીએ એક તલવાર સારી રીતે સ્વચ્છ કરીને આપી, સાથે સાથે શુભેચ્છા આપી, ‘તમે વિજયી થશો.’ પછી પાસે ઊભા રહેલા સારથિ હંસકેતુને કહ્યું, ‘તું અહીં રહી યાદવ અને સાંબની સાથે અસુરો સામે યુદ્ધ કર.’ તેણે કહ્યું, ‘હું આકાશ અને બધી દિશાઓમાં યુદ્ધ કરીશ.’ પછી પ્રદ્યુમ્ને માયા વડે એક રથ સર્જ્યો. અનન્ત શરીરવાળા, સહ મસ્તકવાળા એક ઉત્તમોત્તમ નાગને સારથિ બનાવ્યો. પછી અસુરસેનામાં વિહરવા લાગ્યા, પછી અર્ધચન્દ્રાકાર અને બીજા બાણ વડે અસુરોને પીડવા લાગ્યા. અસુરોએ પણ આમથી તેમ શસ્ત્રો વડે પ્રદ્યુમ્ન ઉપર બાણવર્ષા કરવા માંડી. કેયૂર અને કંકણની કાન્તિથી શોભતી અસુરભુજાઓને છેદી નાખી. અસુરોનાં અંગઉપાંગોથી ધરતી છવાઈ ગઈ. ઇન્દ્ર બીજા દેવતાઓની સાથે આકાશમાં ઊભા રહીને યુદ્ધ જોઈ રહ્યા હતા. જે અસુરોએ ગદ અને સાંબ પર આક્રમણ કર્યું તે બધા મૃત્યુ પામ્યા, જાણે અસંખ્ય જલજન્તુઓ મહાસાગરમાં વિલીન થઈ ગયા. યુદ્ધની વિષમ પરિસ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્રે ગદ માટે પોતાનો રથ મોકલી આપ્યો, સાથે જ માતલિના પુત્ર સુવર્ચાને સારથિ તરીકે આપ્યો. આ ઉપરાંત તેમણે સાંબના વાહન તરીકે ઐરાવત મોકલી આપ્યો. આટલું ઓછું હોય તેમ ઇન્દ્રે પ્રદ્યુમ્નના સહાયક તરીકે જયન્તને મોકલ્યો અને ઐરાવતની દેખભાળ કરવા પ્રવર નામના બ્રાહ્મણને કામ સોંપ્યું. જયંત અને પ્રવર બંને ભારે પરાક્રમી હતા. તેઓની કાર્યવાહી ઉત્તમ હતી એની જાણ ધરાવતા દેવરાજે બ્રહ્માની આજ્ઞા લઈને જયંત, પ્રવર, સુવર્ચા અને ઐરાવતને મોકલી આપ્યા હતા. બધાં પ્રાણીઓ પોતાના અંતરની વાત કહેતાં હતાં, ‘આ વજ્રનાભની તપસ્યા આછી થઈ રહી છે. આ મૂર્ખ દૈત્ય યાદવોના હાથે મૃત્યુ પામશે.’

પ્રદ્યુમ્ન અને જયંત — બંને વીર મહેલની છત પર જઈ બાણવર્ષા કરી અસુરોનો વધ કરવા લાગ્યા. કોઈનાથી ગાંજ્યા ન જાય એવા પ્રદ્યુમ્ને ગદને કહ્યું, ‘દેવરાજ ઇન્દ્રે તમારા માટે આ રથ મોકલ્યો છે, તેમાં લીલા રંગના ઘોડા જોડેલા છે. અને માતલિના મહાબળવાન પુત્ર સુવર્ચા આ રથના સારથિ છે. આ ઐરાવત હાથીને પ્રવર સંભાળશે અને તે સાંબ માટે છે. આજે દ્વારકામાં મહાદેવની મહાપૂજા છે, એ પૂરી થાય એટલે મારા પિતા શ્રીકૃષ્ણ અહીં કાલે આવશે. તેમની આજ્ઞાથી સ્વર્ગલોક જીતવાની ઇચ્છા ધરાવતા વજ્રનાભને તેના બાંધવોની સાથે મારી નાખીશું. આ દૈત્ય તેના પુત્રો સમેત દેવરાજ ઇન્દ્રનો પરાભવ ન કરી શકે એવો ઉપાય હું કરીશ. પરંતુ આપણે જરાય ઢીલ બતાવવાની નથી, સાવધાન રહીશું. વિદ્વાનોએ બધા ઉપાય કરીને પોતાની પત્નીઓની રક્ષા કરવી જોઈએ. જો પત્નીનો તિરસ્કાર કોઈ પરપુરુષ કરે તો એ ઘટના મૃત્યુથીય વધારે ભયંકર ગણાય.’

ગદ અને સાંબને આમ કહી મહાબળવાન પ્રદ્યુમ્ને પોતાની દિવ્ય માયા વડે કરોડો પ્રદ્યુમ્નો સર્જ્યા.

દૈત્યોએ સર્જેલો ભયાનક અંધકાર દૂર કર્યો. શત્રુજિત પ્રદ્યુમ્નનું આવું પરાક્રમ જોઈ ઇન્દ્રને બહુ આનંદ થયો. બધાએ શત્રુઓની વચ્ચોવચ્ચ શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્નને જોયો. દરેકના અંતરમાં તેમનો વાસ છે એમ માન્યું આમ યુદ્ધ કરતાં કરતાં રુક્મિનીપુત્ર પ્રદ્યુમ્ને આખી રાત વીતાવી. પોતાના અદ્ભુત તેજ વડે અસુરોના ત્રીજા ભાગનો વિનાશ કર્યો. એક બાજુ શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન યુદ્ધભૂમિ પર અસુરો સાથે લડતા રહ્યા અને બીજી બાજુ જયંતે ગંગાજળમાં સંધ્યા કરી લીધી. એવી રીતે જયંત યુદ્ધ કરતા રહ્યા ત્યારે પ્રદ્યુમ્ને આકાશગંગાના જળ વડે સંધ્યાપૂજા કરી લીધી.

હવે વિશ્વના નેત્ર રૂપી સૂર્યના ઉદયને બે ઘડી વીતી ત્યારે સર્પશત્રુ ગરુડ પર બેસીને ભગવાન હરિ ત્યાં પધાર્યા. હંસ, વાયુ, અને મન કરતાંય વિશેષ ગતિ કરનારા ગરુડ આકાશમાં ઇન્દ્ર પાસે આવી પહોંચ્યા. શ્રીકૃષ્ણે ઇન્દ્ર સાથે ઔપચારિક વાતો કરી શત્રુઓને ભયભીત કરનારો પાંચજન્ય શંખ વગાડ્યો. શત્રુઓનો સંહાર કરી રહેલા પ્રદ્યુમ્ન એ શંખધ્વનિ સાંભળીને તરત જ ત્યાં આવ્યા. શ્રીકૃષ્ણે તેમને કહ્યું, ‘પુત્ર, હવે વજ્રનાભનો વધ કર. શીઘ્રતાથી કર અને ગરુડ પર બેસીને જા.’ પછી પ્રદ્યુમ્ને બંને દેવોને વંદન કરીને એમ જ કર્યું. મનોવેગી ગરુડ પર બેસીને તરત મહા દ્વન્દ્વયુદ્ધ કરનારા વજ્રનાભ પાસે પહોંચી ગયા.

બધાં જ અસ્ત્રશસ્ત્રના જાણકાર, અનિંદિત પ્રદ્યુમ્ન ગરુડ પર સ્થિરતાથી બેસીને વજ્રનાભને પીડવા લાગ્યા. ગરુડ પર બેઠા બેઠા જ તેમણે તે અસુરની છાતીમાં ગદા મારી. એનાથી ઘવાઈને તે વીર અસુર મૂચ્છિર્ત થઈ ગયો. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું, અને તે મૃત:પ્રાય થઈ ગયો. ત્યારે રણરાજવી શ્રીકૃષ્ણપુત્રે તેને કહ્યું, ‘તમે સ્વસ્થ થાઓ.’ પછી સ્વસ્થ થઈને તેણે પ્રદ્યુમ્નને કહ્યું, ‘તું શત્રુ હોવા છતાં મને તારા માટે માન છે. હવે તારા પ્રહારનો ઉત્તર આપવાનો મારો વારો આવ્યો છે. તો સ્વસ્થ થઈ જા.’

આમ કહીને ઘણા બધા કાંટા અને ઘંટવાળી ગદા વડે મેઘગર્જના જેવી ગર્જના કરીને તેણે પ્રદ્યુમ્ન પર પ્રહાર કર્યો. તેને કારણે પ્રદ્યુમ્નના કપાળ પર ભારે ઘા થયો. તે પણ મોંમાંથી લોહી વહેવડાવતા મૂર્ચ્છિત થઈ ગયા.પુત્રને આશ્વાસન આપવા શ્રીકૃષ્ણે સમુદ્રમાંથી પ્રગટેલા પાંચજન્ય શંખનો ઘોષ કર્યો. એના ધ્વનિથી પ્રદ્યુમ્નને કળ વળી, તે જોઈને બધાને પ્રસન્નતા થઈ, વિશેષ કરીને ઇન્દ્રને તથા શ્રીકૃષ્ણને. શ્રીકૃષ્ણની પ્રેરણાથી તેમનું સુદર્શન ચક્ર પ્રદ્યુમ્ન પાસે ગયું. તે ચક્રમાં સહ આરા હતા, અનેક ધાર હતી. તે ચક્ર દૈત્યોના સમૂહનો નાશ કરનારું હતું. બંને દેવને પ્રણામ કરીને પ્રદ્યુમ્ને તે ચક્ર દૈત્યરાજ વજ્રનાભનો વધ કરવા માટે ચલાવ્યું. બધા જ દૈત્યો જોતા રહી ગયા અને તે ચક્રે વજ્રનાભના મસ્તકનો છેદ ઉડાવી દીધો. મહેલની છત પર ઊભા રહેલા ગદે પોતાને મારી નાખવાની ઇચ્છા ધરાવતા સુનાભનો વધ કર્યો. સાંબે પણ યુદ્ધભૂમિની વચ્ચે ઊભા રહેલા અસુરોને મારી નાખ્યા.

અસુરવીર વજ્રનાભના મૃત્યુથી, શ્રીકૃષ્ણના ભયથી ડરી જઈને બીજા ષટપુર જતા રહ્યા. વજ્રનાભનો સંહાર થયો એટલે શ્રીકૃષ્ણ અને ઇન્દ્ર વજ્રપુરમાં ઊતર્યા અને બંનેએ શોક — દુઃખને શાંત કર્યા. ત્યાં આબાલવૃદ્ધ ભયભીત હતા, તે બધાને ધીરજ બંધાવી. ઇન્દ્રે અને શ્રીકૃષ્ણે ભવિષ્ય અને વર્તમાનનો વિચાર કરીને બૃહસ્પતિના મતને અનુસરી વજ્રનાભના રાજ્યને ચાર ભાગમાં વહેંચ્યું. ચોથો ભાગ જયંતપુત્ર વિજયને, બીજો ચોથો ભાગ પ્રદ્યુમ્નપુત્રને, ત્રીજો ચોથો ભાગ સાંબના પુત્રને અને છેલ્લો ચોથો ભાગ ગદના પુત્ર ચંદ્રપ્રભને આપ્યો. વજ્રનાભના અંકુશમાં ચાર કરોડથી વધુ ગામ હતાં. એક સહ શાખાનગર હતાં, તે સર્વ વજ્રપુર જેવા જ સમૃદ્ધ હતાં. ત્યાંની બધી જ વસ્તુઓના ઇન્દ્રે અને શ્રીકૃષ્ણે ચાર ભાગ કર્યા. ત્યાંથી મળેલા કંબલ, મૃગચર્મ, વસ્ત્ર અને વિવિધ રત્ન પણ ચાર ભાગમાં વહેંચ્યા. ઇન્દ્રના કહેવાથી તે ચારેય વીર દેવદુંદુભિના ધ્વનિ સાથે ગંગાજળથી અભિસિક્ત થઈ સિંહાસન પર બેઠા. ચારેય રાજકુમારોનો રાજ્યાભિષેક ઋષિઓના સાન્નિધ્યમાં કર્યો, વિજયની સાથે સાથે.

બધા જ રાજકુમાર આકાશગામી હતા. તે બધાનો અભિષેક કરીને ઇન્દ્રે જયંતને કહ્યું, ‘તારે આ બધા રાજાઓની રક્ષા કરવી જોઈએ. એમાં એક તો મારા વંશનો પ્રવર્તક છે અને ત્રણ શ્રીકૃષ્ણના વંશને વિસ્તારનારા છે. આ બધાને કોઈ પ્રાણી મારી નહીં શકે. તેઓ આકાશમાં આવજા કરતા રહેશે, સ્વર્ગમાં અને દ્વારકામાં આવતાજતા રહેશે. દિગ્ગજોની, ઉચ્ચૈ:શ્રવાની સંતતિ, વિશ્વકર્માનિર્મિત રથ તેમને આપો. ઐરાવતના પુત્ર શત્રુંજય અને રિપુંજય સાંબને અને ગદને આપો. એમની સહાયથી તેઓ દ્વારકા જઈ શકશે અને પોતાના પુત્રોને જોવા માટે ઇચ્છા થાય ત્યારે જઈ શકશે.

આમ કહીને ઇન્દ્ર સ્વર્ગમાં અને શ્રીકૃષ્ણ દ્વારકા ગયા. ગદ, પ્રદ્યુમ્ન અને સાંબ ત્યાં છ મહિના વધુ રોકાયા અને જ્યારે રાજ્ય વધુ વ્યવસ્થિત થયું ત્યારે પછી તેઓ દ્વારકા ગયા.

(વિષ્ણુપર્વ ૯૧-૯૭)