ભારતીયકથાવિશ્વ-૫/બુંદેલખંડની લોકકથાઓ/ચાર બેકાર યુવાનો

Revision as of 05:01, 22 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચાર બેકાર યુવાનો

એક હતો રાજા રતનસિંહ. વેશપલટો કરીને તે રાજ્યમાં શું ચાલે છે તેની તપાસ કરવા નીકળ્યો. ગામડે ગામડે ફરીને તે થાકી ગયો એટલે પોતાનો ઘોડો ઝાડના થડે બાંધીને પોતે ઝાડની છાયામાં સૂઈ ગયો. નિરાંતે ઊંઘ ખેંચી કાઢી એટલે બધો થાક ઊતરી ગયો. પરંતુ જાગીને જોયું તો ઘોડો ગાયબ. કોઈ ચોર છાનોમાનો ઘોડો ચોરી ગયો હતો.

રતનસિંહને બહુ ગુસ્સો આવ્યો. તેને થયું કે ચાલ હું રાજધાની જતો રહું અને ઢંઢેરો પીટાવું કે જે કોઈ ઘોડાના ચોરને પકડી આપશે તેને હજાર સોનામહોર આપીશ. બીજી જ પળે તેને વિચાર આવ્યો કે ધારો કે હું રાજા ન હોત અને વેપારી હોત તો શું કરત? તેેને થયું કે અત્યારે હું વેપારીના વેશમાં છું, તો આ જ વેશમાં રહીને જોઉં તો ખરો કે વેપારીની મદદ લોકો કરે છે કે નહીં?

વેપારીનો વેશ હતો એટલે તે રાજા છે એવો ખ્યાલ કોઈને આવ્યો નહીં. તે વેપારીના વેશે જ નજીક આવેલા એક ગામમાં ગયા. ગામલોકો પોતપોતાના કામકાજમાં રોકાયેલા હતા. ત્યાં ચોરા પર ચાર યુવાનો બેઠા બેઠા નાહકનાં ગપ્પાં મારી રહ્યા હતા.

રતનસિંહે એ યુવાનોને કહ્યું, ‘ભાઈઓ, આ ગામના લોકો કોઈને કોઈ કામમાં પરોવાયેલા છે, પરંતુ તમે એકલા જ બેકાર છો. આવું કેમ?’

‘અમે બેકાર જ છીએ. આ ગામમાં અમારે કરવા લાયક કશું કામ જ નથી. અમે કરીએ પણ શું?’ એકે કહ્યું.

‘તો તો તમે મારી મદદ કરી શકશો.’ રતનસિહે ગરીબડા થઈને પૂછ્યું.

‘હા…હા…કહો, તમારે કેવી મદદ જોઈએ છે? અમારે લાયક કામ હશે તો ચોક્કસ કરીશું.’ બીજા યુવકે કહ્યું.

‘હું એક વેપારી છું. હું થાક્યોપાક્યો એક ઝાડ નીચે સૂતો હતો. ઝાડ સાથે મેં ઘોડો બાંધ્યો હતો. ઊંઘમાંથી ઊઠીને જોયું તો ઘોડો ન મળે. કોઈ મારો ચોર લઈ ગયો લાગે છે. તમે લોકો મારો ઘોડો શોધી આપો.’ રતનસિંહે વિનંતી કરી.

‘અમે તમારો ઘોડો શોધી કાઢીશું. આ કામ અમારે લાયક છે.’ ત્રીજા યુવાને ઉત્સાહમાં આવી જઈને કહ્યું.

ચોથા યુવાને પૂછ્યું, ‘પણ આ કામના બદલામાં તમે અમને શું આપશો?’

‘જો તમે મને મારો ઘોડો શોધી આપશો તો મોંમાંગ્યું ઇનામ આપીશ. આ રાજ્યના રાજા રતનસિંહ મારા મિત્ર છે. તમે કહેશો તો તેમની પાસેથી ઇનામ અપાવીશ.’ રતનસિંહે તે યુવાનોને કહ્યું.

‘તો તો પછી અમારે જે માગવું હશે તે રાજા પાસેથી જ માગીશું. મારી આ વાત યાદ રાખજો.’ ચોથો યુવાન બોલ્યો.

‘હા, હા. યાદ રાખીશ.’

‘ભલે. હવે જ્યાં ઘોડો ચોરાઈ ગયો હતો ત્યાં આપણે જઈએ.’ પહેલા યુવાને કહ્યું અને ચારેય જણ ઊભા થઈ ગયા.

‘તમે લોકો મને મદદ કરવા માગો છો પણ મને તમારાં નામ સુધ્ધાં ખબર નથી. જો તમને યોગ્ય લાગે તો તમારાં નામ કહો.’ રસ્તામાં રતનસિંહે ચારેયને કહ્યું.

‘ગામલોકો અમને ચાર બેકાર કહીને બોલાવે છે. તમે પણ આ જ નામે અમને બોલાવજો. જ્યાં સુધી અમારે લાયક કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમારી આ જ ઓળખ.’

રતનસિંહ એ ચારેને લઈને જે ઝાડ સાથે ઘોડો બાંધ્યો હતો ત્યાં લઈ ગયો. ચારેય જણ ઝાડ નીચે આમ તેમ ફરી ફરીને ધ્યાનપૂર્વક જોવા લાગ્યા. રતનસિંહ એક બાજુએ ઊભા રહીને તેમની કામગીરી જોતો રહ્યો. એકે જમીન ફંફોસી, સૂંઘી. બીજાએ પવનની દિશા તપાસી. ત્રીજાએ અને ચોથાએ એ જ રીતે ઘાસ, પાંદડાં અને ઝાડની ડાળીઓ તપાસ્યાં.

‘તમારા ઘોડાના આગલા જમણા પગમાં ઘા હતો?’ પહેલા બેકારે પૂછ્યું.

‘હા-આજે સવારે જ તેને ઇજા થઈ હતી.’ રતનસિંહે હા પાડી. આ યુવાનને કેવી રીતે ખબર પડી કે ઘોડાનો આગલો જમણો પગ ઘવાયો છે. પરંતુ તેણે કશું પૂછ્યું નહીં.

બીજાએ પૂછ્યું, ‘તમારા ઘોડાના પૂંછડામાં કાળા અને ભૂરા એમ બે રંગના વાળ છે?’

‘હા, મારા ઘોડાના પૂંછડામાં બે રંગના વાળ છે.’ રતનસિંહને ફરી નવાઈ લાગી. ઘોડો જેણે જોયો હોય તે જ આ વાત તો કહી શકે.

‘તમારા ઘોડાએ આજે સવારે કોઈના ખેતરમાં ચણા સાથેના છોડ ખાધા હતા?’

‘હા-હા, મેં એને વાર્યો તો પણ કોઈ ખેતરમાં ઘૂસીને એણે ચણા ખાઈ લીધા હતા.’ આ યુવાનો બધી વાતો કેવી રીતે જાણી લે છે તેની રાજાને નવાઈ લાગતી હતી.

‘ભલે ત્યારે, હવે તમે અમારી સાથે ચાલો. અમે તમારો ઘોડો શોધી આપીએ છીએ.’ ચોથો બેકાર બોલ્યો.

રતનસિંહ ચારે બેકારની સાથે ચાલી નીકળ્યો.

થોડે દૂર ગયા પછી પાણીથી ભરેલો એક ખાડો જોયો. તેના કિનારે ઊગેલા ઘાસને ચોથો યુવાન ધ્યાનથી જોવા લાગ્યો.

પછી તેણે એક પગદંડી પર ચાલવા ઇશારો કર્યો. એ કેડીએ ચાલતાં ચાલતાં તે પાંચે એક ઘરે જઈ પહોંચ્યા. ઘરની પાસે જ એક તબેલો જોયો, તેનો દરવાજો બંધ હતો.

તે સમયે પોતાના માલિકનો અવાજ સાંભળીને ઘોડો હણહણવા લાગ્યો. રતનસિંહે પોતાના ઘોડાનો અવાજ ઓળખી કાઢ્યો.

પછી તલવાર હાથમાં પકડીને તે ઘરમાં ઘૂસ્યો અને ઘોડાના ચોરનારને તેણે પકડ્યો, પોતાનો ઘોડો છોડાવ્યો.

‘હું આ ચોરને પકડીને ક્યાં લઈ જઉં, તમે આવતી કાલે રાજસભામાં એને લઈ આવજો. ત્યાં આ ચોરને દંડ મળશે અને તમને ઇનામ.’ રતનસિંહે ચારે બેકારોને કહ્યું.

‘ભલે. અમે આવતી કાલે આને લઈને રાજસભામાં આવી જઈશું.’ પહેલો બેકાર બોલ્યો.

બીજે દિવસે ચાર બેકાર ઘોડાના ચોરને લઈને મહેલ આગળ જઈ પહોંચ્યા. રતનસિંહની રાજસભાના દરવાજે જ વેપારીના વેશે રતનસિંહ મળ્યા.

‘તમે બધા સભામાં જાઓ, હું થોડું જરૂરી કામ પતાવીને આવું છું. મેં રાજાને તમારા વિશે બધી વાત કરી છે.’ આમ કહી રતનસિંહ ત્યાંથી ચાલ્યો ગયો.

ચારે બેકાર ચોરને લઈને રાજસભામાં જઈ પહોંચ્યા. તે જ વખતે રાજા રતનસિંહ પોતાના વાસ્તવિક વેશમાં રાજસભામાં પધાર્યા અને પોતાના સિંહાસન પર બેઠા અને થોડી વારમાં સભાનું કામકાજ શરૂ થયું.

રતનસિંહે પૂછ્યું, ‘તો, તમે જ લોકો ચાર બેકાર છો!’

‘જી મહારાજ!’ ચારેય એક સાથે બોલ્યા.

‘હંઅ… તમારા વિશે મને પેલા વેપારીએ વાત કરી હતી. પરંતુ તમે લોકોએ ઘોડા વિશે જાણકારી કેવી રીતે મેળવી તે જણાવ્યું ન હતું. તમને કેવી રીતે ખબર પડી કે ઘોડાના આગલા પગમાં ઇજા થઈ હતી?’

‘મહારાજ, આ તો બહુ સાદીસીધી વાત છે. ઝાડ નીચે પડેલી માટી ધ્યાનથી જોઈ. ઘોડાના ત્રણ પગના નિશાન તો બરાબર હતાં પણ આગલા જમણા પગનો દાબ થોડો ઓછો હતો. એટલે મને ખ્યાલ આવી ગયો કે ઘોડાનો આગલો પગ ઘવાયેલો હશે. એના જ આધારે ઘોડાનાં પગલાંનાં નિશાનની પાછળ પાછળ પેલા ખાડા સુધી જઈ પહોંચ્યા.’ પહેલા બેકારે નમ્ર બનીને ઉત્તર આપ્યો.

‘હંઅ… હવે મને કહો કે ઘોડાના પૂંછડાના વાળ કાળા અને ભૂરા છે તે કેવી રીતે જાણ્યું?

‘મહારાજ, વેપારીએ ઘોડાને જ્યાં બાંધ્યો હતો ત્યાં ઘાસમાં નાની નાની માખીઓ પુષ્કળ હતી. ઘોડો માખીઓને ઉડાડવા માટે જોરજોરથી પૂંછડું ઉછાળતો હશે; એેટલે થોડા વાળ તૂટીને ત્યાં પડ્યા હતા. મને ખ્યાલ આવી ગયો કે આ ઘોડાની પૂંછડીના વાળ છે. જો વેપારી ઘોડો શોધવા અમારી સાથે ન આવત તો પણ અમે પૂંછડાના વાળને આધારે ઘોડાને ઓળખી કાઢત.’ બીજો બેકાર બોલ્યો.

‘બહુ સરસ. હવે તમે એ કહો કે ઘોડાએ ચણાવાળા છોડ ખાધા હતા તેની ખબર કઈ રીતે પડી?’ રતનસિંહે પૂછ્યું.

‘મહારાજ, ઝાડ નીચે ઘોડાની લાદ પડી હતી. તેના પર ઝાડનાં પાંદડાં પડ્યાં હતાં એટલે વેપારીનું ધ્યાન તો ન ગયું. પણ મેં એ જોયું. લાદને ધ્યાનથી જોતાં જણાયું કે જે ચણા પચ્યા ન હતા તે લાદની સાથે બહાર પડ્યા હતા. આ ઘોડો ચણા સમેત છોડ ખાવાને ટેવાયેલો ન હતો. એટલે તે છોડ પચાવી શક્યો ન હતો. આપણે જાણીએ છીએ કે જો ઘોડાને અપચો થાય તો તેને કોઈ ખાબોચિયાને કિનારે ઊગેલું ઘાસ ચરવાનું વધારે ગમે. ગામલોકો પણ આ વાત સારી રીતે જાણે છે. એેટલે અમે ઘોડાના પગલાંનાં નિશાન પારખીને ખાબોચિયા પાસે ગયા. પછી એ નિશાન ખાબોચિયાથી એક ઘર તરફ જતાં હતાં. અમે સમજી ગયા કે ઘોડો આ જ ઘરમાલિકે ચોર્યો હશે.’ ત્રીજા બેકારે કહ્યું.

‘તમે ત્રણે બહુ બુદ્ધિશાળી છો. હવે એક વાત કહો. તમે વેપારી પાસેથી અને મારી પાસેથી — એટલે કે બંને પાસેથી ઇનામ લઈ શકતા હતા, તો પછી વેપારીને બદલે મારી પાસેથી જ ઇનામ લેવાનું નક્કી કેમ કર્યું?’ રતનસિંહે પૂછ્યું.

‘મહારાજ! મેં વેપારીને બદલે તમારી પાસેથી ઇનામ લેવાનું નક્કી એટલા માટે કર્યું કે હું પહેલી જ નજરે તમને ઓળખી ગયો હતો.’ ચોથા બેકારે કહ્યું.

‘અરે, એ કેવી રીતે? હું તો વેશપલટો કરીને આવ્યો હતો.’ રતનસિંહે અચરજ પામીને કહ્યું.

‘મહારાજ, પહેલાં તો મને તમારી ચાલ જોઈને શંકા થઈ કે તમે વેપારી નહીં પણ કોઈ રાજા છો. પછી જ્યારે તમે એવું કહ્યું કે હું ઊંઘતો હતો અને ઘોડો ચોરાઈ ગયો ત્યારે મારી શંકા સાચી લાગી. કોઈ વેપારી પોતાની માલમિલકત પ્રત્યે આવો નફિકરો ન હોઈ શકે. કોઈ ઘોડો ચોરી જાય અને માલિકને ખબર જ ન પડે! વેપારી ભાગ્યે જ ગાઢ નિદ્રામાં હોય. વળી કોઈ વેપારી તલવાર પાસે ન રાખે, તમે તો તલવાર લઈને આવ્યા હતા. એટલે મને વિચાર આવ્યો, અમને પૈસા ટકાની લાલચ નથી, પરંતુ અમને મનગમતું કામકાજ કરવાની ઇચ્છા છે અને એવું કામ તો તમે રાજા તરીકે તમે જ અમને સોંપી શકો, વેપારી રૂપે નહીં.’ ચોથા બેકારે માથું નમાવી કહ્યું.

‘હું તમારી બુદ્ધિથી બહુ પ્રસન્ન છું. મારા રાજ્યમાં તમારા જેવા બુદ્ધિમાનો હોય તો ગુનાઓ ફૂલેફાલે નહીં. તમે લોકોએ તમારી પાત્રતા પુરવાર કરી બતાવી છે. મારે વચનપાલન પણ કરવાનું છે. તમને મનગમતું કામ હવે સોંપું છું. તમે ચારે રાજ્યની ગુપ્તચર સેવામાં અધિકારીઓ તરીકે કામ કરો.’ રતનસિંહે ચારે બેકારોને કહ્યું.

ચારેય બેકારોએ રાજી રાજી થઈને રતનસિંહનો જયજયકાર કર્યો, હવે તેમને મનગમતું કામકાજ મળી ગયું. હવે તેમને કોઈ બેકાર નહિ કહે.