ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/તાટકાની કથા

Revision as of 15:39, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તાટકાની કથા

વિશ્વામિત્ર ઋષિની સાથે રામ લક્ષ્મણ એક પછી એક સ્થળેથી પસાર થઈ રહ્યા છે. રસ્તામાં આવતા નદીસરોવર પર્વતનગર વિશે રામ જિજ્ઞાસાવશ વિશ્વામિત્ર ઋષિને પૂછી રહ્યા છે અને ઋષિ પણ બંને રાજકુમારોને માહિતી આપતા જાય છે. રામની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ છે, ઘોર અવાજ સંભળાય તો પૂછશે કે આ અવાજ શાનો છે, એટલે વિશ્વામિત્ર કહે છે, માનસરોવરમાંથી નીકળેલી સરયૂ નદી ગંગાને મળે ત્યારે ઘોર અવાજ થાય છે તે આ અવાજ છે.

હવે ત્રણે જણ એક ભયાનક વનમાંથી પસાર થાય છે, આ વન તે કેવું ભયાનક? તમરાં, જાતજાતનાં પંખીઓ તો ખરાં જ, આ ઉપરાંત સિંહ, વાઘ, વરાહ, હાથી જોવા મળે અને વન હોય એટલે વૃક્ષો તો હોય જ. ધવ, સાગ, બીલી, પાટલ, અશ્વકર્ણ, બોરડી જેવાં વૃક્ષોનો પાર નહીં. વન વૃક્ષોથી શોભે અને આટલું સુંદર અને છતાં ભયાનક કેમ એવો પ્રશ્ન રામને થયો. કશી પણ શંકા થાય, જિજ્ઞાસા થાય એટલે રામ તરત જ વિશ્વામિત્રને પૂછવા બેસે, અને ઋષિ પણ બધી જ શંકાઓનું નિવારણ કરે. એટલે આ વનની ભયાનકતાનું કારણ વિશ્વામિત્ર કહેવા બેઠા. અને પછી કારણ કહેવું તો પૂરેપૂરું કહેવું અને એમ નિરાંતે ઋષિ આખો ઇતિહાસ કહેવા બેઠા.

મલદ અને કારુષ નામના બે પ્રદેશો દેવોએ સર્જેલા હતા. ભૂતકાળમાં આ બંને પ્રદેશો ઘણી બધી રીતે સમૃદ્ધ, પણ ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો, વૃત્રાસુર હતો બ્રાહ્મણ એટલે ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. સ્વર્ગના દેવરાજ પાપ અને ભૂખથી ગ્રસ્ત થયા. હવે? ઋષિમુનિઓને દયા આવી એટલે પવિત્ર પાણી વડે ઇન્દ્રને નવડાવ્યા. તેમના શરીરમાંથી મલ અને ક્ષુધા નીકળી ગયાં, અને બંને આ સ્થળે ફેલાઈ ગયાં. ઇન્દ્રે આ સ્થળો પર કૃપા કરી, ‘મારાં અનિષ્ટને તમે સ્વીકારી લીધું એટલે હવે તમે મલદ અને કારુષ નામે વિખ્યાત થશો, આ વિસ્તાર ધનધાન્યથી સમૃદ્ધ થશે.’ લાંબા સમય સુધી આ પ્રદેશોની સમૃદ્ધિ તો રહી, પણ પછી એક ભયંકર ઘટના બની. અહીં એક યક્ષિણી જોવા મળી, સુન્દ નામના એક વિદ્વાનની તે પત્ની, નામ તેનું તાટકા. બળવાન તો કેવી? હજાર હજાર હાથીનું બળ તેનામાં. તેને એક પુત્ર મારીચ. ઇન્દ્ર જેવો પરાક્રમી; માતા અને પુત્ર બંને ભેગા મળીને આ પ્રદેશોમાં ત્રાસ ગુજારે છે, એના ત્રાસને કારણે આ વન ભયાનક લાગે છે .

હવે બીજા કોઈ ઋષિ હોત તો રામલક્ષ્મણને જુદા માર્ગે લઈ જાત; પણ વિશ્વામિત્ર પોતે કશાથી બીએ નહીં અને દશરથ પાસેથી આ બંને રાજકુમારોને લાવ્યા હતા શા માટે? રાક્ષસોનો નાશ કરવા. એટલે તાટકા જ્યાં હતી તે જ રસ્તે થઈને ઋષિ રામલક્ષ્મણને લઈ જાય છે. ‘એટલે હવે તમારા બાહુબળથી આ રાક્ષસીનો વધ કરો, રામ, તાટકાનો નાશ કરો, તો જ આ વન પહેલાં જેવું સમૃદ્ધ થશે.’ એમ વિશ્વામિત્રે તેમને કહ્યું,

હવે રામે કોઈના મોઢે સાંભળ્યું હતું કે તાટકાનું બળ પહેલાં કંઈ આટલું ન હતું. તો પછી હજાર હાથીવાળું બળ તેનામાં આવ્યું ક્યાંથી? ફરી શંકા કરી એટલે વિશ્વામિત્ર ઋષિએ તેમની શંકાનું સમાધાન કર્યું. ભૂતકાળમાં સુકેતુ નામનો એક યક્ષ થઈ ગયો, તેને કોઈ સંતાન નહીં, એટલે સંતાન માટે તેણે બ્રહ્માનું તપ કરવા માંડ્યું. બ્રહ્મા પ્રસન્ન થયા અને ‘જા તને એક કન્યાનું વરદાન આપું છું’ તે કન્યા એટલે આ તાટકા. વળી પિતામહ બ્રહ્માએ આ કન્યાને હજાર હાથીનું બળ આપ્યું. સામાન્ય રીતે સ્ત્રીઓ આવી બળવાન ન હોય, રૂપવાન હોય-ગુણવાન હોય. પછી તો દિવસે દિવસે તે મોટી થઈ, યુવાન થઈ. પિતાએ એનું લગ્ન સુન્દ સાથે કરાવી આપ્યું. દિવસો વીત્યા અને તાટકાએ મારીચ નામના પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસ બની ગયો. તાટકાનો પતિ સુન્દ પણ ખૂબ જ ત્રાસ ગુજારતો હતો. અગત્સ્ય ઋષિના શાપથી તે મૃત્યુ પામ્યો. પોતાના પતિના મૃત્યુનું વેર લેવા માટે અગત્સ્ય ઋષિને મારી નાખવા તાટકા ધસી એટલે ઋષિએ માતાને અને પુત્રને શાપ આપ્યો. એ શાપને કારણે તાટકા વિકૃત સ્વરૂપવાળી, દારુણ રૂપવાળી બની ગઈ. પછી તો તાટકાને ક્રોધ આવ્યો, જે ક્રોધ આવ્યો, તેણે આ આખો પ્રદેશ વેરાન કરી નાખ્યો. ગાયોનું, બ્રાહ્મણોનું હિત કરવા માટે આ રાક્ષસીનો વધ કરો એવી આજ્ઞા વિશ્વામિત્રે રામને આપી. પણ તાટકા ભલે રાક્ષસી હોય, હતી તો સ્ત્રી ને! અને સ્ત્રીની હત્યા કેવી રીતે થાય? વિશ્વાંમિત્ર રામની આ દ્વિધા સમજી ગયા અને તે કહેવા લાગ્યા, ‘એ સ્ત્રી છે માટે તેનો વધ ન થાય એવું ન વિચારતા. સમગ્ર પ્રજાનું હિત જો સિદ્ધ થતું હોય તો સ્ત્રીનો પણ વધ કરવો જોઈએ. અને આ તાટકામાં ધર્મ જેવું તો કશું છે જ નહીં. ભૂતકાળમાં વિરોચનની પુત્રી મંથરાની હત્યા ઇન્દ્રે કરી હતી, વિષ્ણુએ પણ શુક્રાચાર્યની માતાનો વધ કર્યો જ હતો. બીજાઓએ પણ અધર્મી સ્ત્રીઓની હત્યા કરી જ હતી.’

આમ જુદાં જુદાં દૃષ્ટાન્ત આપી વિશ્વામિત્રે રામની દ્વિધા દૂર કરી. દશરથ રાજાએ પણ રામને વિશ્વામિત્રની આજ્ઞા માનવાની વાત કરી જ હતી. એટલે રામ તાટકાનો વધ કરવા તૈયાર થયા. અને ધનુષની પણછ ચડાવી ટંકાર કર્યો, એ અવાજ સાંભળી તાટકા રાક્ષસી ધસી આવી. એ રાક્ષસીનું ભયંકર રૂપ જોઈને રામ લક્ષ્મણ કહેવા લાગ્યા, ‘તું જો તો ખરો. આ કેવી ભયાનક છે.’ અને પછી અનેક બાણ મારીને રામે તાટકા રાક્ષસીનો વધ કર્યો.

(બાલકાંડ ૨૩,૨૪)