ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/સમુદ્રમંથન

Revision as of 16:44, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સમુદ્રમંથન

મેરુ નામનો એક પર્વત, પોતાના તેજથી ઝળહળ ઝળહળ થયા કરે છે. તેજનો અંબાર, એનાં શિખરો તો સુવર્ણમય લાગે અને સૂર્યની શોભા તો કોઈ વિસાતમાં નહીં. દેવો અને ગંધર્વો ત્યાં નિવાસ કરતા, એને માપી ન શકાય. અને અધર્મીઓ તો ત્યાં જરાય ટકી જ ન શકે. વિકરાળ સાપ ત્યાં ફરતા દેખાય, પવિત્રમાં પવિત્ર ઔષધિઓથી વળી આ પર્વત ઝગારા મારે. અને પાછો ઊંચો — ઊંચો તે કેટલો ઊંચો- સ્વર્ગની લગોલગ પહોંચેલો. સામાન્ય માનવી તો મનથી પણ ત્યાં પહોંચી ન શકે. કેટલી બધી નદીઓ અને કેટલાં બધાં વૃક્ષો. વળી જાતભાતનાં પક્ષીઓનાં કૂજનથી પર્વત વધુ સમૃદ્ધ રહેતો.

તેનાં ઊંચાં ઊંચાં શિખર ચમક ચમક થતાં રત્નોથી શોભતાં. આવા શિખર પર બધા દેવતાઓ એક વેળા એકઠા થયા. અમૃતપ્રાપ્તિ કેવી રીતે કરી શકાય તેનો વિચાર તેઓ કરવા લાગ્યા. તે બધા દેવ તપસ્વી હતા, નિયમોનું પાલન કરનારા હતા. તે વેળા ભગવાન નારાયણે બ્રહ્માને કહ્યું, ‘દેવો અને દાનવો ભેગા મળીને સમુદ્રમંથન કરે તો તેમાંથી અમૃત પ્રાપ્ત થશે. શરૂઆતમાં ઔષધિઓ નીકળશે, પછી રત્નો મળશે અને છેવટે અમૃત મળશે.’

પછી દેવતાઓ ભેગા મળીને પર્વતોમાં શ્રેષ્ઠ મેરુને ઉખાડવા માટે ત્યાં ગયા. ઊજળાં ઊજળાં વાદળ જેવાં શિખરોવાળો તે પર્વત હતો. ચારે બાજુ વનરાજિ જ વનરાજિ; ઉપરાંત મધુર કૂજન કરતાં પંખી, વાઘ-સંહિ જેવાં હંસિક પ્રાણી, હતાં; દેવતાઓ, ગંધર્વો, અપ્સરાઓની તે નિવાસભૂમિ હતી. તેની ઊંચાઈ અગિયાર હજાર યોજન, ધરતીની નીચે પણ એટલી જ ઊંડાઈ. દેવતાઓ તેને ઉખાડી ન શક્યા. એટલે બ્રહ્માને અને વિષ્ણુને કહેવા લાગ્યા,

‘હવે તો તમે જ અમને રસ્તો સૂઝાડો. અમારા કલ્યાણ માટે આ પર્વતને ઉખેડો.’

બ્રહ્માએ અને વિષ્ણુએ ‘તથાસ્તુ’ કહ્યું. પછી આ બંને દેવોના કહેવાથી નાગરાજ અનન્ત તૈયાર થયા અને એ કાર્યમાં જોડાઈ ગયા. વન-ઉપવન અને વનવાસીઓ સમેત આખો પર્વત ઉખાડી નાખ્યો. પછી દેવતાઓ એ પર્વતની સાથે જ સમુદ્રકિનારે જઈ પહોંચ્યા અને સમુદ્રને તેમણે કહ્યું, ‘અમે અમૃત માટે તારું મંથન કરીશું.’

સમુદ્રને પણ અમૃત જોઈતું તો હતું એટલે તેણે કહ્યું, ‘જો અમૃતમાં મને પણ ભાગ આપશો તો મંદરાચલ ફેરવવાથી જે પીડા થશે તે હું વેઠી લઈશ.’

સમુદ્રની વાત દેવતાઓએ સ્વીકારી લીધી. અને ત્યાં રહેતા કચ્છપને કહ્યું, ‘આ મન્દર પર્વત ઊંડે ઊતરી ન જાય એટલા માટે તમે એનો આધાર બનો.’

કચ્છપે હા પાડીને મંદરાચલને પોતાની પીઠ પર મૂકી દીધો.

અને આમ દેવોએ-દાનવોએ વાસુકિ નાગનું નેતરું બનાવીને સમુદ્રમંથન શરૂ કર્યું. નાગરાજના મોઢા આગળ દાનવો અને પૂંછડા આગળ દેવતાઓ હતા. નારાયણ ભગવાનની પાસે જ અનન્ત નાગ ઊભા હતા. દેવતાઓ વાસુકિને વારે વારે ખેંચતા હતા એટલે નાગના મોંમાંથી સતત ધુમાડા અને અગ્નિજ્વાળાની સાથે ગરમ ગરમ શ્વાસ નીકળતા હતા. તે ધુમાડા વીજળીઓ સમેત વાદળ બનીને થાકેલા અને દુઃખી દેવતાઓ પર વરસતા હતા. પર્વતશિખર પરથી દેવો અને દાનવો પર પુષ્પવર્ષા થતી હતી. દેવો અને દાનવો સમુદ્રમંથન કરતા હતા ત્યારે વાદળોની ગર્જનાઓ થતી હતી. પર્વતની નીચે કચડાઈને કેટલાય જીવ મરી ગયા અને ખારા પાણીના સમુદ્રમાં ભળી ગયા. આમ મંદરાચલે સમુદ્રમાં અને પાતાળમાં જીવતા અસંખ્ય જીવોનો સંહાર કર્યો. પર્વત જ્યારે ઘૂમી રહ્યો હતો ત્યારે તેના શિખર પરનાં વૃક્ષો એકબીજા સાથે અથડાતાં હતાં અને પક્ષીઓ સાથે તે વૃક્ષો પણ નીચે ટૂટી પડતાં હતાં. વારંવાર મંથન થવાને કારણે અગ્નિજ્વાળાઓ પ્રગટતી હતી અને જેવી રીતે વીજળીથી વાદળો ઘેરાઈ જાય છે તેવી રીતે તે જ્વાળાઓથી પર્વત છવાઈ ગયો. તે અગ્નિજ્વાળાઓએ પર્વતમાં વસતા હાથી, ગુફાવાસી સંહિ તથા ત્યાં વસતા અનેક જીવોનો સંહાર કર્યો. પછી દેવરાજ ઇન્દ્રે વર્ષાની ઝડીઓ વડે અગ્નિજ્વાળાઓ ઓલવી નાખી. વૃક્ષોના અને ઔષધિઓના અમૃતતુલ્ય પ્રભાવક રસોને કારણે તથા સુવર્ણમય મંદરાચલના અનેક દિવ્ય પ્રભાવશાળી રસને કારણે તથા સુવર્ણમય મંદરાચલના અનેક દિવ્ય પ્રભાવશાળી મણિઓના રસને કારણે જ દેવતાઓને જાણે અમૃત મળી ગયું. એ બધા રસ ભેગા થવાથી સમુદ્રનું બધું પાણી દૂધ થઈ ગયું અને પછી દૂધમાંથી ઘી બનવા લાગ્યું.

દેવતાઓએ ત્યાં બેઠેલા બ્રહ્માને કહ્યું, ‘ભગવાન નારાયણ સિવાય અમે દેવો અને દાનવો બહુ થાકી ગયા છીએ પણ હજુ સુધી અમૃત તો ન નીકળ્યું. સમુદ્રમંથન ક્યારનું શરૂ કર્યું છે.’

આ સાંભળીને બ્રહ્માએ વિષ્ણુ ભગવાનને કહ્યું, ‘હે પરમાત્મા, તમે આ લોકોને બળવાન બનાવો.. આ બધા તમારા આશરે છે.’

વિષ્ણુ ભગવાને કહ્યું, ‘જેઓ સમુદ્રમંથન કરી રહ્યા છે તે બધામાં હું બળ સીંચું છું. બધા દેવદાનવ પૂરેપૂરી શક્તિ કામે લગાડીને મંદરાચલને ઘુમાવે અને આ સાગરને બરાબર વલોવી નાખે.’

ભગવાનની વાત સાંભળીને દેવો અને દાનવોનું બળ વધી ગયું. ફરી તેમણે જોરશોરથી સમુદ્રમંથન કરવા માંડ્યું. સમુદ્રનું બધું પાણી વલોવાવા માંડ્યું. પછી તો સમુદ્રમાંથી સૂર્ય જેવો તેજસ્વી, ઊજળો, પ્રસન્ન ચન્દ્ર પ્રગટ્યો. પછી શ્વેત વસ્ત્રધારિણી લક્ષ્મી, વારુણી અને અશ્વ પ્રગટ્યા. અનન્ત કિરણોવાળો કૌસ્તુભ મણિ નીકળ્યો. ભગવાન નારાયણના વક્ષસ્થળે તે શોભે છે. પારિજાત અને સુરભિ પ્રગટ્યા. લક્ષ્મી, વારુણી, ચન્દ્ર, ઉચ્ચૈ:શ્રવા અશ્વ: આ બધા દેવલોકમાં જતા રહ્યા. પછી હાથમાં અમૃત ભરેલો કળશ લઈને ધન્વંતરી પ્રગટ્યા. આ જોઈને દાનવોમાં શોરબકોર થવા માંડ્યો. બધા બોલવા લાગ્યા, ‘આ અમૃત મારું, આ અમૃત મારું.’ પછી શ્વેત રંગના ચાર દાંતવાળો ઐરાવત નીકળ્યો. તે ઇન્દ્રે લઈ લીધો. હવે એમાંથી કાલકૂટ વિષ નીકળ્યું. તે સમગ્ર જગત માટે દાહક બની ગયું. તેને સૂંઘતાવેંત ત્રિલોકનાં પ્રાણીઓ મૂચ્છિર્ત થયાં. બ્રહ્માએ પ્રાર્થના કરી એટલે ત્રિલોકના કલ્યાણ માટે ભગવાન શંકરે એ ઝેર પી લીધું, ત્યારથી ભગવાન શંકરનું નામ પડ્યું નીલકંઠ. આ બધી અદ્ભુત ઘટનાઓ જોઈ દાનવો નિરાશ થઈ ગયા. અમૃત અને લક્ષ્મી માટે દેવતાઓ સાથે તેમને વેર બંધાયું.

હવે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. દાનવો તેનાથી ભારે મોહ પામ્યા. તેમણે તો અમૃતનો કળશ મોહિનીને આપી દીધો. ભગવાન પોતે હવે મોહિની રૂપે બધાને અમૃત પીવડાવવા લાગ્યા. દાનવો પણ પંગત કરીને બેઠા હતા. પણ મોહિનીએ તો દેવતાઓને જ અમૃત પીવડાવવા માંડ્યું. એટલે ભારે ક્લેશ થયો. બધા દાનવો એક થઈને દેવો પર ટૂટી પડ્યા. આ બાજુ મોહિની દાનવોને બાજુ પર રાખીને દેવોને જ અમૃત આપવા માંડી. યુદ્ધ થવાની બધી જ સંભાવનાઓ હતી. તે જ વખતે રાહુ દેવનું રૂપ લઈને અમૃત પીવા માંડ્યો. હજુ તો અમૃત તેના ગળા સુધી જ પહોંચ્યું હતું ત્યાં ચન્દ્રે અને સૂર્યે રાહુનું રહસ્ય કહી દીધું. એટલે ચક્રધારી વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે રાહુનું મસ્તક કાપી નાખ્યું. તેનું મસ્તક પર્વતશિખર જેવું દેખાતું હતું. આકાશમાં ઊછળી ઊછળીને તે ગરજવા લાગ્યું. જ્યારે તેનું ધડ ધરતી પર પડ્યું ત્યારે તે પર્વત, વન અને દ્વીપ સમેત પૃથ્વીને કંપાવવા લાગ્યું. ત્યારથી રાહુને ચન્દ્ર અને સૂર્ય સાથે કાયમી વેર બંધાયું. આજે પણ રાહુ સૂર્ય-ચન્દ્રને ગ્રસી જવા તૈયાર છે.

પછી વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ત્યજી દીધું અને વિવિધ અસ્ત્ર-શસ્ત્ર વડે દાનવોને ધ્રુજાવવા માંડ્યા. સમુદ્ર પાસે જ દેવ-દાનવ વચ્ચે ભયાનક સંહાર શરૂ થયો. બંને પક્ષના દેવદાનવો વચ્ચે શસ્ત્રવર્ષા શરૂ થઈ. વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્ર વડે અને દેવતાઓનાં આયુધોથી ઘવાઈને દાનવો મોંમાંથી લોહી ઓકતા જમીન પર પડવા લાગ્યા. સુવર્ણમાળાઓથી શોભતાં તેમનાં મસ્તક યુદ્ધભૂમિ પર પડવા લાગ્યાં. તે બધા દાનવ ગેરુરંગી પર્વતશિખરો જેવા દેખાતા હતા.

સંધ્યાટાણે સૂર્ય રાતો થઈ રહ્યો હતો ત્યારે એકમેકનાં શસ્ત્રોથી કપાયેલા સેંકડો યોદ્ધાઓનો હાહાકાર ગાજવા લાગ્યો. દેવો અને દાનવો શસ્ત્રો વડે એકબીજા પર પ્રહાર કરતા હતા, અને એનો અવાજ આકાશભરમાં ફેલાઈ ગયો. ચારે બાજુ ભયાનક શબ્દો સંભળાતા હતા: ‘ટુકડેટુકડા કરી નાખો, ચીરી નાખો, પીછો કરો.’

આવું ભયાનક યુદ્ધ ચાલતું હતું ત્યારે નરનારાયણ યુદ્ધભૂમિ પર આવી ચઢ્યા. નરના હાથમાં ધનુષ જોઈને નારાયણે ચક્રનું સ્મરણ કર્યું. એટલે તેમના હાથમાં ચક્ર આવી ગયું. તે સૂર્ય અને અગ્નિ જેવું તેજસ્વી હતું. તેની ગતિ ક્યાંય અટકતી ન હતી. તેનું નામ જ સુદર્શન હતું પણ વાસ્તવમાં હતું તે ભયાનક. પ્રજ્વલિત અગ્નિ જેવું તેજસ્વી. શત્રુઓનાં વિશાળ નગરોનો વિનાશ કરવાની તેનામાં શક્તિ હતી. હાથીની સૂંઢ જેવા દીર્ઘ હાથ ધરાવતા ભગવાને તે ચક્ર દાનવો પર ફેંક્યું. અને તે હજારો દાનવોનો વિનાશ કરતું વારેવારે દાનવોની સેના પર ટૂટી પડ્યું. તે સમયે ઉત્સાહી દાનવો પાણી વગરનાં વાદળ જેવા દેખાતા હતા અને તે હજારો શિલાખંડ દેવો પર ફેંકવા લાગ્યા. પછી આકાશમાંથી રંગબેરંગી વાદળ જેવા પર્વત વૃક્ષો સમેત ધરતી પર પડવા લાગ્યા. એકબીજા સાથે અથડાઈ તે મોટા અવાજ કરતા હતા. એકબીજા પર પ્રહાર કરતા દેવદાનવ વચ્ચે ભારે યુદ્ધ થયું. અને મોટા મોટા પર્વત ધરતી પર પડવાને કારણે ધરતી ધ્રૂજવા લાગી. આ દેવાસુર સંગ્રામમાં નર ભગવાને મોટાં મોટાં બાણ વડે પર્વતશિખરોને તોડી પાડ્યાં. પછી દેવો દ્વારા ઘવાયેલા દાનવો આગ જેવા સુદર્શનને પોતાના ઉપર ઝઝૂમતું જોઈ પાતાળમાં અને સમુદ્રમાં પેસી ગયા.

આ યુદ્ધમાં વિજય મળ્યો એટલે દેવોએ મંદરાચલ પર્વતને તેની મૂળ જગાએ ગોઠવી દીધો. અમૃતપાન કરી ચૂકેલા દેવો ચારે બાજુ વિજયઘોષ કરતા પોતાના નિવાસે જતા રહ્યા. દેવતાઓને આ વિજયથી બહુ આનન્દ થયો. અમૃતને સુરક્ષિત સ્થાને મૂક્યું અને આ અમૃતની રક્ષાની જવાબદારી ઇન્દ્રે ભગવાન નરને સોંપી દીધી.

(આદિ પર્વ, ૧૬-૧૭)