ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વસિષ્ઠ-વિશ્વામિત્ર-સરસ્વતીકથા

Revision as of 09:43, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વસિષ્ઠ-વિશ્વામિત્ર-સરસ્વતીકથા

વસિષ્ઠ અને વિશ્વામિત્ર બંને તપ કરે, આ તપ કરતાં કરતાં બંને વચ્ચે સ્પર્ધા થઈ અને વેર બંધાયું. વસિષ્ઠનો આશ્રમ પૂર્વકાંઠે સ્થાણુ તીર્થમાં હતો અને પશ્ચિમ કાંઠે વિશ્વામિત્રનો આશ્રમ હતો... વિશ્વામિત્ર વધુ ચિંતા કર્યા કરતા હતા, વસિષ્ઠનું વધારે તેજ જોઈને તે દુઃખી થયા. હમેશાં ધર્મમગ્ન રહેતા વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો, ‘જો આ સરસ્વતી નદી ધર્મજ્ઞ, મહાન તપસ્વી વસિષ્ઠ ઋષિને, પોતાના વેગીલા જળપ્રવાહમાં અહીં તાણી લાવે તો હું વસિષ્ઠનો વધ કરી નાખું.’

આમ વિચારીને ઋષિ વિશ્વામિત્ર ક્રોધે ભરાયા અને રાતી આંખો કરીને બધી નદીઓમાં શ્રેષ્ઠ સરસ્વતીનું ધ્યાન ધર્યું. એટલે સરસ્વતી આકુળવ્યાકુળ થઈ ગઈ. વિશ્વામિત્ર બહુ ક્રોધે ભરાયા છે એ વાતની તેમને જાણ થઈ ગઈ. એટલે ઝાંખી, કાંપતી થઈને હાથ જોડીને વિશ્વામિત્ર પાસે આવી, સદ્યવિધવા સ્ત્રીની જેમ તે બહુ દુઃખી થઈ ગઈ અને મુનિને કહેવા લાગી, ‘બોલો, તમારી શી સેવા કરું?’

‘તું વસિષ્ઠને જલદી પાણીમાં વહેવડાવી લઈ આવ, આજે હું તેમને મારી નાખીશ.’

આ સાંભળી સરસ્વતી ખૂબ જ વ્યથિત થઈ ગઈ. કમલ જેવી આંખો ધરાવતી સરસ્વતી પવનમાં ધૂજતી લતાની જેમ કાંપવા લાગી. તેને આમ પ્રણામ કરતી અને કાંપતી જોઈને ક્રોધે ભરાયેલા વિશ્વામિત્રે કહ્યું, ‘વસિષ્ઠને લઈ આવ.’

નદીઓમાં શ્રેષ્ઠ એવી સરસ્વતી બંને ઋષિઓના સંભવિત શાપથી ભયભીત થઈ ગઈ. હવે શું થશે તેની ચિંતા કરવા લાગી. વસિષ્ઠ પાસે જઈને સરસ્વતીએ વિશ્વાંમિત્રે જે કંઈ કહ્યું હતું તે કહ્યું. બંને ઋષિઓ શાપ આપશે એના ડરથી તે વારેવારે કાંપતી હતી. વિશ્વામિત્ર ઋષિના ભયથી બહુ ડરી ગઈ હતી. નદીને કંતાયેલી, ઝાંખી અને ચિંતિત જોઈને વસિષ્ઠ બોલ્યા, ‘તું તારી રક્ષા કર. ઝડપી ગતિવાળી બનીને મને વિશ્વામિત્ર પાસે લઈ જા, બીજો કશો વિચાર તું કરતી નહીં. નહીંતર વિશ્વામિત્ર તને શાપ આપશે.’

દયાળુ વસિષ્ઠ ઋષિની આ વાત સાંભળીને સરસ્વતી વિચારવા લાગી, ‘હવે શું કરવાથી કલ્યાણ થાય?’ પછી તેને વિચાર આવ્યો, વસિષ્ઠે મારા ઉપર બહુ ઉપકાર કર્યા છે, એટલે એમનું કલ્યાણ થાય એવું કામ મારે કરવું જોઈએ.’

એક દિવસ વિશ્વામિત્ર ઋષિ તટ પર હોમ-જપ કરી રહ્યા હતા ત્યારે સરસ્વતીએ વિચાર્યું, ‘આ સમય બહુ સારો છે.’ એમ કહી કાંઠા ભાંગી નાખ્યા અને પોતાના વેગીલા પ્રવાહમાં વસિષ્ઠને તાણી ગઈ. વહેતા કિનારાઓની સાથે વસિષ્ઠ પણ વહેવા લાગ્યા, અને એવી અવસ્થામાં સરસ્વતીની સ્તુતિ કરવા લાગ્યા.

‘હે દેવી, પિતામહ બ્રહ્માના સરોવરમાંથી તું પ્રગટી છે, આ સમગ્ર જગત તારા ઉત્તમ જલથી પરિપૂર્ણ છે. તું આકાશમાં જઈને વાદળોને જળભર બનાવે છે, તારા કારણે જ અમે ઋષિઓ વેદનો અભ્યાસ કરીએ છીએ. તું પુષ્ટિ, દ્યુતિ, કીતિર્, સિદ્ધિ, બુદ્ધિ, ઉમા, વાણી અને સ્વાહા છે. આ સમગ્ર જગત તારે આધીન છે. તું પ્રાણીમાત્રમાં ચાર પ્રકારના રૂપે વસે છે.’

મહર્ષિ વસિષ્ઠની આવી સ્તુતિ સાંભળીને સરસ્વતીનો પ્રવાહ વધુ વેગીલો થયો, તે બ્રહષિર્ને વિશ્વામિત્રના આશ્રમે પહોંચાડીને વિશ્વામિત્રને વારેવારે કહેવા લાગી, ‘હું વસિષ્ઠને લઈ આવી છું.’

સરસ્વતીએ વસિષ્ઠને પોતાની પાસે આણ્યા એટલે ક્રોધે ભરાઈને વસિષ્ઠને મારવાનાં અસ્ત્ર શોધવા લાગ્યા. નદીએ વિશ્વામિત્રને પૂર્વ દિશામાં વધુ વેગથી વહેવડાવ્યા. વસિષ્ઠને દૂર વહેતા જોઈને વિશ્વામિત્ર ક્રોધે ભરાઈ બોલ્યા, ‘અરે સરિતાઓમાં શ્રેષ્ઠ એવી સરસ્વતી, તું મને છેતરીને જતી રહી એટલે હવે તારું પાણી રાક્ષસોને બહુ પ્રિય એવું લોહી થઈ જાય.’

વિશ્વામિત્રના શાપથી સરસ્વતીનું જળ લોહી થઈ ગયું અને એક વર્ષ સુધી રુધિરવાળું પાણી જ વહેવડાવતી રહી. સરસ્વતીની આવી દશા જોઈને ઋષિ, દેવતા, ગંધર્વ, અપ્સરા — બધા જ દુઃખી થયા. ત્યારથી આ તીર્થનું નામ જગતમાં વસિષ્ઠાપવાહ તરીકે જાણીતું થયું, વસિષ્ઠ ઋષિને વહેડાવ્યા પછી સરસ્વતી ફરી પોતાના જૂના માર્ગે વહેતી થઈ.

પણ પછી તો ઘણા બધા રાક્ષસો એ તીર્થ પર આવ્યા અને લોહી પીપીને બહુ આનંદથી ત્યાં રહેતા થયા. લોહી પીને તૃપ્ત થયેલા રાક્ષસો સુખી અને નિશ્ચંતિ બનીને નાચતા કૂદતા-જાણે તેમણે સ્વર્ગ જીતી જ લીધું ન હોય! એક દિવસ અનેક તપસ્વીઓ સરસ્વતીના કાંઠે તીર્થયાત્રા કરતા કરતા આવ્યા. બધાં તીર્થોમાં સ્નાન કરવા કરતા પ્રસન્ન થયેલા એ ઋષિઓ લોહી વહેવડાવતા તીર્થમાં જઈ પહોંચ્યા. તે તીર્થની આવી ભૂંડી દશા તેમણે જોઈ, નદીનું પાણી લોહીવાળું છે અને કેટલાય રાક્ષસો એ લોહી પી રહ્યા છે એ જોઈને કઠોર તપસ્યા કરનારા મુનિઓએ એ તીર્થના ઉદ્ધારનો પ્રયત્ન કર્યો. પછી તેમણે સરસ્વતીને બોલાવીને પૂછ્યું, ‘તારું પાણી લોહીથી કેવી રીતે રંગાઈ ગયું છે, તે એનું કારણ કહે, પછી એનો ઉપાય કરીએ.’

ઋષિઓની વાત સાંભળીને સરસ્વતીએ આખી વાત વિગતે કરી. તેને દુઃખી જોઈને ઋષિઓએ કહ્યું, ‘હવે આ બધા ઋષિઓ કોઈ ઉપાય કરશે.’ તેમણે પરસ્પર ચર્ચા કરીને સરસ્વતીને આ શાપમાંથી મુક્ત કરવી જોઈએ. બ્રાહ્મણોની એ વાણીથી સરસ્વતી પહેલાની જેમ નિર્મળ થઈને વહેવા લાગી.

ઋષિઓને સરસ્વતીને નિર્મળ કરી નાખી એટલે ભૂખેતરસે પિડાતા રાક્ષસો હાથ જોડીને એ મુનિઓ પાસે ગયા અને કહેવા લાગ્યા,

‘અમે સનાતન ધર્મથી ભ્રષ્ટ થયેલા રાક્ષસો છીએ, અત્યારે ભૂખે આકળવિકળ થયા છીએ. અમે જે પાપ કરીએ છીએ તે સ્વેચ્છાએ નથી કરતા. તમારા જેવા ધર્માત્માઓની અમારા પર કૃપા નથી થઈ એટલે અમે દુષ્કર્મ કર્યા કરીએ છીએ. એટલે અમારાં પાપ વધ્યા જ કરે છે અને અમે બ્રહ્મરાક્ષસો થઈ ગયા છીએ. જે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બ્રાહ્મણોનો દ્વેષ કરે છે તે જગતમાં અમારા જેવા જ રાક્ષસો છે. જે માનવીઓ આચાર્ય, ઋત્વિજ, ગુરુ, વૃદ્ધ જનોનું અપમાન કરે છે તે પણ અહીં રાક્ષસ થાય છે. પાપી સ્ત્રીઓના યોનિદોષ પણ પાપને કારણે વધે છે. એટલે હે ઋષિમુનિઓ તમે બધાના ઉદ્ધારક બની શકો છો, તો અમારો પણ ઉદ્ધાર કરો.’

રાક્ષસોની એ વાત સાંભળીને એ બધા ઋષિઓએ રાક્ષસોની મુક્તિ માટે મહા નદીની સ્તુતિ કરીને કહ્યું,

‘જે અન્ન સડેલું હોય, જંતુઓએ કોરી ખાધું હોય, એંઠું હોય, રોગી મનુષ્યોએ આપેલું હોય, કૂતરાઓએ દૂષિત કર્યું હોય તે અન્નમાં રાક્ષસોનો ભાગ રહેશે. એટલે વિદ્વાનો આ જાણીકરીને આવું અન્ન ત્યજી દે, જે આવું અન્ન ખાશે તેણે રાક્ષસોનું અન્ન ખાધું એમ મનાશે. પછી ઋષિઓએ એ રાક્ષસોની મુક્તિ માટે સરસ્વતી પાસેથી વરદાન માગ્યું. ઋષિઓની આવી ઇચ્છા જાણીને સરસ્વતી અરુણા નામની પોતાની બીજી ધારા લઈ આવી. રાક્ષસોએ એમાં સ્નાન કર્યું અને પોતાનાં શરીર ત્યજીને સ્વર્ગમાં ગયા, અરુણામાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યામાંથી મુક્ત થવાય છે.

(શલ્ય પર્વ, ૪૧-૪૨) (આરણ્યક પર્વ, ૨૦૭થી ૨૧૦)