ભારતીય કથાવિશ્વ૧/સંરચના

Revision as of 03:20, 6 February 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એક વિશિષ્ટ ભારતીય કથાની સંરચના

સામાન્ય રીતે મોટા ભાગના ભાવકો એમ માને છે કે અર્વાચીન-આધુનિક કાળમાં જ રચનારીતિ પરત્વે સભાનતા પ્રગટી. પ્રાચીન-મધ્યકાલીન સર્જકો એવી સભાનતા ધરાવતા ન હતા — પણ જ્યારે આપણે પ્રાચીન કૃતિઓમાંથી પસાર થઈએ ત્યારે આવો ભ્રમ દૂર થઈ જાય. પ્રાચીન કૃતિઓ પણ ઘણી સંકુલ સંરચનાઓ ધરાવતી હતી. ભારતીય કથાઓ સંરચનાની દૃષ્ટિએ પણ મહત્ત્વની છે. આવી એક કથાની સંરચના જોઈએ. ભારતીય કથનપરમ્પરાના ઇતિહાસમાં મહાભારતનું એક વિશિષ્ટ સ્થાન છે. રામાયણમાં જે સળંગ કડીબદ્ધતા જોવા મળે છે તેવું કશું મહાભારતમાં જોવા મળતું નથી. વ્યાસે જય નામનું મહાભારત રચ્યું. વૈશંપાયને એ કથા પાંડવોના અનુગામી જનમેજયને અને દાયકાના દાયકાઓ પછી સૌતિએ એ કથા નૈમિષારણ્યમાં શૌનક ઋષિને કહી સંભળાવી. અત્યારે આપણી પાસે મહાભારતની જે વાચના જોવા મળે છે તે સૌતિ આધારિત છે. પરન્તુ એ કથામાં વ્યાસના સમયથી અનેક કથાઓ ઉમેરાતી ગઈ. મૂળ મહાભારતમાં ન હોય અને પાછળથી પ્રક્ષેપ પામ્યા હોય એવાં બે ઉદાહરણ છે. સહદેવનું અતિજ્ઞાન અને દ્યૂતસભામાં કૃષ્ણ દ્વારા દ્રૌપદીને વસ્ત્ર પુરાયાં તે. આરમ્ભે કદાચ કૃષ્ણભક્તિ આટલી વ્યાપક નહીં હોય માટે દ્રૌપદીની વહારે કૃષ્ણ દોડીને આવતા નથી. મહાભારતની સંશોધિત આવૃત્તિમાં માત્ર કોઈ અદૃષ્ટ સત્તા દ્વારા વસ્ત્ર પુરાયાની વાત છે તે આગળ પણ આપણે જોઈ ગયા. મહાભારતની વસ્તુસંરચના ઘણી બધી પ્રાચીન સંરચનાઓની જેમ રેખાયિત છે પણ કૃતિના આરમ્ભે તો એ પરમ્પરાને તોડવામાં આવી છે. આ મહાકાવ્યનો આરમ્ભ પાંડવોના પૂર્વજોનાં વર્ણનોથી નથી થતો, તેનો આરમ્ભ જનમેજયના સર્પયજ્ઞથી થાય છે. એટલું જ નહીં આરમ્ભે જ પરશુરામે સમંતપંચકમાં ક્ષત્રિયોના લોહીથી ભરેલા કુંડ તૈયાર કરાવ્યા હતા તે વિગત આવે છે. કવિએ આપણને મહાભારતમાં આવનારા ભયાનક પ્રસંગોની આગાહી આ રીતે કરાવી આપી. મહાભારતના આરમ્ભે જ આવતું આ ચિત્ર ભયાનક છે, એમાં બ્રાહ્મણ જાતિ દ્વારા ક્ષત્રિય જાતિની કરવામાં આવેલી સામૂહિક હિંસાની કથા છે. એ હિંસા પરશુરામને કરવામાં આવેલા અન્યાયને કારણે જન્મેલી સહજ પ્રક્રિયાનું પરિણામ ભલે હોય તેમ છતાં હિંસા આખરે તો હિંસા જ છે. પરશુરામના મોઢે આ હિંસા વિશે શું કહેવડાવવામાં આવ્યું છે તે પણ જોવા જેવું છે : ‘જો તમે સૌ પિતૃઓ મારા પર પ્રસન્ન થયા હો અને મને અનુગ્રહપાત્ર ગણતા હો તો મેં ક્રોધવશ ક્ષત્રિયવંશનું નિકંદન કાઢ્યું છે એ પાપમાંથી હું મુક્ત થઇ જઉં.’ જો કે પરશુરામનો આ પશ્ચાત્તાપ સંશોધિત વાચનામાં નહીં પણ ગીતાપ્રેસની આવૃત્તિમાં છે. આ ભૃગુવંશી બ્રાહ્મણ ક્ષત્રિય જાતિની હિંસાને ‘પાપ’ તરીકે ઓળખાવે છે એ સૂચક છે. અને તરત જ (વચ્ચે મહાભારતના પર્વોના સારસંક્ષેપ મૂક્યા છે) જનમેજયની કથા આરમ્ભાય છે. આમ બે ચરિત્ર આપણી સામે આવ્યાં. સામૂહિક ધોરણે ક્ષત્રિયોની હિંસા કરનાર પરશુરામ અને એવી જ રીતે સર્પોની હિંસાની યોજના કરનાર જનમેજય. પરશુરામના જ અનુજ રૂપે જાણે જનમેજયનો સન્દર્ભ અહીં જોવા મળે છે, ભલે ને પછી જનમેજય ક્ષત્રિય કેમ ન હોય. અહીં પરશુરામની કથા વિગતે આવતી નથી, માત્ર કુરુવંશના રાજાની કથા માટે અનિવાર્ય એટલી જ કથા આવે છે. મહાભારતમાં હજુ બીજી કોઈ કથા આરમ્ભાય તે પહેલાં જનમેજયના સર્પયજ્ઞની દારુણ ઘટના જોવા મળે છે અને એ કથા માંડતાં પર્વ છે પૌષ્ય, પૌલોમ અને આસ્તીક. છેલ્લું આસ્તીક પર્વ બહુ મોટું છે. આ બધા જ પર્વોના કેન્દ્રમાં નાનામોટા શાપપ્રસંગો છે અને તે પ્રસંગો ત્રણે પર્વોને સાંકળતા સૂત્રરૂપ છે. સર્પયજ્ઞની દારુણ ઘટનાને કોઈ એક જાતિના કે કોઈ બીજા દેવને પૂજતા લોકોના સમ્પૂર્ણ વિનાશની કથા તરીકે પણ ઘટાવી શકાય. તત્કાલીન સામાજિક પરિબળો, ઐતિહાસિક પરિબળોનો ઇતિહાસ એની પાછળ છુપાયેલો હોઈ શકે. આરમ્ભે જ દેવોની કૂતરી સરમાએ જનમેજયને આપેલા શાપનો પ્રસંગ આવે છે. તેના પુત્રોએ જનમેજયના યજ્ઞમાં કોઈ વિઘ્ન ઊભું કર્યું ન હતું છતાં જનમેજયના ભાઈઓએ એમને માર્યા એટલે સરમા ન્યાય મેળવવા રાજા પાસે આવે છે. કારણ કે રાજા અન્યાય કરે તો પ્રજાને ન્યાય માગવાનો અધિકાર છે અને દેવોની કૂતરી હોવાના નાતે સરમા તો વિશેષાધિકાર ધરાવતી વ્યક્તિ છે. છતાં સત્તાના મદમાં આવીને જનમેજય તેને ધુત્કારી કાઢે છે ત્યારે તે એેને ‘કોઈ અદૃષ્ટ ભય તને ઘેરી વળશે’ એવો શાપ આપે છે. શાપોની શૃંખલાની આ પહેલી કડી. આ યોજનાને વધારે પ્રભાવક બનાવવા બીજી કેટલીક કથાઓ ઉમેરવામાં આવી છે. દા.ત. ધૌમ્ય ઋષિના ત્રણ શિષ્યો ઉપમન્યુ, આરુણિ અને વેદની કથાઓ. આ ત્રણ શિષ્યોની કથાઓ પ્રક્ષેપ હોય કે ના હોય, સર્પયજ્ઞની ભૂમિકા માટે પ્રથમ દૃષ્ટિએ અનિવાર્ય નહીં લાગે. પણ આસ્તીક પર્વ સુધીની સંરચનાનો વિચાર કરીશું તો અનિવાર્ય લાગશે. સાથે સાથે આ કથાઓ જીવનના બહુ મોટા ફલકને આવરી લે છે. સરમાના શાપથી ગભરાઈ ગયેલો જનમેજય કોઈ યજ્ઞ કરવા માગે છે, મૃગયા રમતાં રમતાં એ શ્રુતશ્રવા નામના ઋષિના પરિચયમાં આવે છે અને એના પુત્રની માગણી કરે છે ત્યારે ઋષિ એને કહે છે :‘હે જનમેજય, આ મારો પુત્ર સપિર્ણીના પેટે જન્મ્યો છે... તેણે એક ગૂઢ વ્રત લીધું છે. કોઈ પણ બ્રાહ્મણ મારી પાસે જે કંઈ માગશે તે હું આપીશ. જો તમે આ સાહસ કરી શકતા હો તો લઈ જાઓ.’ રાજા આ વાત કબૂલ રાખે છે. અહીં પણ ઋષિપુત્ર સાપણના પેટે જન્મેલો છે એ વિગત સૂચક છે. નગરમાં પાછા ફરી રાજા બધી વાત ભાઈઓને સમજાવે છે અને તક્ષશિલા જીતવા જાય છે. અહીં જનમેજયને સર્પયજ્ઞ માટે પ્રોત્સાહિત કરનારા ઉત્તંકનું પાત્ર કવિને લાવવું તો છે પણ એની ઉતાવળ નથી. એટલે નિરાંતે ધૌમ્ય ઋષિની અને તેમના ત્રણ શિષ્યો — ઉપમન્યુ, આરુણિ અને વેદની કથા આવે છે (એક જમાનામાં ઉપમન્યુ, આરુણિની કથાઓ ચોથાપાંચમા ધોરણોમાં ભણાવવામાં આવતી હતી). છેલ્લા શિષ્ય વેદને શિષ્યો હતા પણ ગુરુકુલનાં દુ:ખોના અનુભવ પછી તે પોતાના શિષ્યો પાસે કશી કામગીરી કરાવતા ન હતા. તેમનો એક શિષ્ય ઉત્તંક. તે સામે ચાલીને ગુરુદક્ષિણા આપવા ચાહે છે ત્યારે ગુરુપત્ની તેને પૌષ્ય રાજાની પટરાણી પાસે જે કુંડળ છે તે લાવી આપવા કહે છે. પૌષ્યની રાણી એ કુંડળ આપે છે પણ નાગરાજ તક્ષકથી એને સાવધાન કરે છે, કેમ કે તેને પણ એ કુંડળ જોઈતા હતા. રસ્તામાં તક્ષક એ કુંડળ ઉપાડી જાય છે અને ઉત્તંક નાગલોકમાં જઈ કુંડળ પાછા મેળવે છે. આમ તક્ષક સાથે એને વેર બંધાય છે. આ વેર પણ અંગત ઘટનામાંથી પ્રગટ્યું છે. સર્પયજ્ઞના નિમિત્ત રૂપ આ ઘટના અને આ પાત્ર. એક રીતે જોઈએ તો કથાના અંકોડા સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. મૂળ કથાને લક્ષ્ય તરફ સીધી ગતિએ આલેખવામાં આવી નથી. જનમેજયના યજ્ઞને સર્પયજ્ઞમાં રૂપાન્તરિત કરવા પ્રેરે છે આ ઉત્તંક, તેની વાત તો કરવી છે પણ એની કથા અચાનક આરમ્ભી ન દેવાય. એટલે વચ્ચે વચ્ચે બીજી બધી કડીઓ ગોઠવાતી જાય છે. આમ એક બાજુ જનમેજયને સર્પયજ્ઞ માટે તૈયાર કરવાનો અને બીજી બાજુ એ સર્પયજ્ઞ પ્રસંગે થનારા મહાવિનાશમાંથી બચાવવા પ્રયત્ન કરવાનો. આપણે જોઈ ગયા કે મહાભારતના આરમ્ભે જ પરશુરામના ક્રોધનો અને ઋષિઓની પ્રાર્થનાઓને કારણે તેમના શમી ગયેલા ક્રોધનો સંકેત જોવા મળે છે, છેવટે બીજા ક્ષત્રિયો બચી જાય છે. રામાયણમાં પણ પરશુરામ ક્રોધે ભરાઈને રામને પડકારે છે પણ રામ તેમને નમાવે છે. જનમેજયકથામાં આ સન્દર્ભ ઘુંટાય છે. પરમ્પરાગત દૃષ્ટિએ તો કવિ પ્રજાપતિ છે, તેણે રચેલી સૃષ્ટિમાં ન્યાયના સૌ અધિકારી. આમ બે પરસ્પરવિરુદ્ધ ધ્રુવો વચ્ચે એક વિશિષ્ટ પ્રકારની સમતુલા રચાય છે. હસ્તિનાપુર જઈને ઉત્તંક જનમેજયને તેના પિતા પરીક્ષિત જે સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા તેની વિગતો જણાવે છે. રાજાને કશી જાણ ન હતી. મહાભારતના શ્રોતાઓને પણ જાણ નથી. બંનેને એ બધી વિગતો જાણવાનું કુતૂહલ જાગે પણ કથાકાર એ કુતૂહલને તે જ વેળાએ શમાવતા નથી. અપેક્ષા જગવીને એની તૃપ્તિ કરવામાં આવતી નથી, પાછળથી એનો સમ્બન્ધ બંધાય છે. હવે એક નવા પૌલોમ પર્વનો આરમ્ભ થાય છે. દેખીતી રીતે તેને આગલા પર્વ સાથે કોઈ સમ્બન્ધ નથી. પણ પાછળથી આવનારા કવિઓએ શક્ય તેટલી સુસંગતતા જાળવવાનો પ્રયત્ન કર્યો હોય એમ લાગે છે. અહીં ભૃગુ ઋષિની પત્ની પુલોમાનું અપહરણ કરી જતા રાક્ષસ પુલોમાની કથા આવે છે. ભૃગુ અને પુલોમાના પુત્ર ચ્યવનનું લગ્ન સુકન્યા સાથે થાય છે. આગળ જોઈ ગયા તે પ્રમાણે ચ્યવનની કથાનાં બીજ ઋગ્વેદમાં પડ્યાં છે. અશ્વિનીકુમારોએ વૃદ્ધ બની ગયેલા ચ્યવન ઋષિની કુરૂપતાને દૂર કરી યુવાન બનાવી દીધા અથવા તો બીજે કહેવાયું છે તે પ્રમાણે હવ્ય આપનારા અને જીર્ણ થયેલા ચ્યવનને રૂપ પ્રદાન કર્યું. સુકન્યાનો અહીં પ્રવેશ નથી.(૫.૭૪.૫; ૫.૭૫.૫; ૭.૬૮.૬; ૧૦.૩૯.૪) પ્રશ્ન એ પણ થાય કે વેદમાં આ ઋષિની કથા આવી કેવી રીતે. મોટે ભાગે તો ઋગ્વેદ રચાતાં પહેલાં આવી બધી કથાઓ પ્રચલિત હોવી જોઈએ. ચ્યવન-સુકન્યાના પુત્ર પ્રમતિ દ્વારા ઘૃતાચી નામની અપ્સરાને રુરુ નામનો પુત્ર જન્મે છે. રુરુ પ્રમદ્વરા સાથે વિવાહ કરે છે. આ પ્રમદ્વરા સ્વર્ગની અપ્સરા મેનકાની પુત્રી, તેને જન્મ આપીને સ્થૂલકેશ નામના ઋષિને ત્યાં મૂકીને મા તો જતી રહી. અહીં આ કથાનો સમ્બન્ધ વાચક મહાભારતમાં આવતા શાકુન્તલાખ્યાન સાથે બાંધી શકે. આ પ્રમદ્વરાનું મૃત્યુ સર્પદંશથી થાય છે અને રુરુ પોતાની વિવાહિતાને અડધું જીવન આપીને પુનર્જીવિત કરે છે. પોતાની પત્નીને સાપ ડસી ગયો એટલે રુરુ સર્પદ્વેષી બને છે. જ્યાં જ્યાં તેને સાપ દેખાય છે ત્યાં ને ત્યાં એને મારી નાખે છે. આમ અહીં પણ સર્પજાતિનું નિકન્દન કાઢી નાખવા તત્પર થયેલા રુુરુનું કથાનક યોજીને સર્પદ્વેષને ઘૂંટવામાં આવ્યો છે. એક વખત રુરુને ડુંડુભ નામનો સાપ ઉપદેશ આપે છે અને ભારતભરમાં જાણીતું થયેલું સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે : અહિંસા પરમો ધર્મ.(આદિ પર્વ ૧૧.૧૨) આ ઉપદેશ દરમિયાન ડુંડુભ તેને ભૂતકાળમાં થયેલા સર્પયજ્ઞની કથા સંભળાવે છે. પાછળથી રુરુના પિતા આ કથા પુત્રને કહી સંભળાવે છે. આ કથા છે આસ્તીક પર્વની. આ પ્રકારની સંરચનાઓ શિથિલ પ્રકૃતિની હોઈ અનુગામી કથાકારોને ઉમેરણો કરવાની ગણી મોકળાશ રહે છે. જનમેજયના સર્પયજ્ઞની ઘટના તો રુરુ અને પ્રમદ્વરાના લગ્ન પૂર્વેની છે. એ સર્પયજ્ઞની ઘટનાને અને રુરુની કથાને કોઈ સમ્બન્ધ નથી, માત્ર સર્પદ્વેષનું ઘટક જ બંનેને સાંકળશે. આસ્તીક પર્વની કથા આરમ્ભાય તે પૂર્વે મહાભારતના કવિઓ નાનાંમોટાં બધાં ઉપાખ્યાનો ધરી દે છે. ઉત્તંકથી સાવ અવળી ભૂમિકા આસ્તીક પર્વના નાયકની છે. મહાભારતના કવિઓ આ બે પરસ્પરવિરોધી પાત્રોને સામસામે મૂકે છે અને બંનેની વચ્ચે જનમેજય છે. આસ્તીકની કથા આલેખતાં પહેલાં તેના પિતા જરત્કારુની કથા કહેવામાં આવે છે. પૌલોમ પર્વમાં પણ પુલોમા નામ સ્ત્રી અને પુરુષ બંનેનું છે. આ પર્વમાં જરત્કારુ નામ સ્ત્રી અને પુરુષ બંનેનું છે. આવાં સ્થૂળ સાદૃશ્ય પણ કથાને દૃઢાવવામાં સહાયરૂપ થાય છે. આમ જરત્કારુપુત્ર આસ્તીકનાં મોસાળિયાં તરીકે નાગલોકોને આલેખવામાં આવ્યા છે અને સ્વાભાવિક રીતે આસ્તીક નાગલોકોના રક્ષક તરીકેનો પાઠ ભજવશે. ત્યાર પછી અરણ્યમાં જઈને ‘મને કોઈ પત્ની આપો’ની બૂમો પાડતા જરત્કારુને બતાવવામાં આવ્યો છે અને પ્રત્યુત્તર રૂપે વાસુકિ ત્યાં ઉપસ્થિત થઈને બહેન જરત્કારુની સોંપણી કરે છે. આ અસ્વાભાવિક લાગે એવી ઘટનાના છેડા પાછળથી સાંધવામાં આવ્યા છે. કોઈ કવિએ આસ્તીક દ્વારા રક્ષાયેલા સાપોની કથા સંક્ષેપમાં કહી સંભળાવી પણ અનુગામી કવિને આવો સંક્ષેપ રુચે નહીં એટલે સ્વાભાવિક લાગે એવી રીતે આરમ્ભાય છે હવે સાહસ અને શૌર્યની એક અદ્ભુત કથા. અહીં કાશ્યપની પત્નીઓ કદ્રૂ અને વિનતાની કથા આવે છે. આ બંને બહેનોની કથા મહાભારત પૂર્વે શતપથ બ્રાહ્મણ(૩.૬.૨)માં જોવા મળે છે. એનો આરમ્ભ આ રીતે થાય છે : સોમ દ્યુલોકમાં હતા અને દેવતાઓ આ લોકમાં. દેવોએ ઇચ્છા કરી કે સોમ અમારી પાસે આવે અને આપણે તેમની સાથે યજ્ઞ કરીએ. તેમણે બે માયા સર્જી : સુપર્ણી અને કદ્રૂ. સુપર્ણી એટલે વાણી અને કદ્રૂ એટલે પૃથ્વી. તેમણે આ બંને વચ્ચે ઝઘડો કરાવ્યો. આ કથા અહીં તો નરી રૂપકાત્મક છે. તેઓ વિહાર કરતાં કરતાં સમુદ્રકાંઠે ઉચ્ચૈ:શ્રવા નામના અશ્વને જુએ છે. આ અશ્વ કોણ, આ ઉચ્ચૈ:શ્રવા કોણ, એ સમુદ્રમાંથી કેવી રીતે પ્રગટ્યો, સમુદ્રમન્થન શા માટે કરવામાં આવ્યું — આવા પ્રશ્નોના ઉત્તર માટે ફરી બીજી કથા યોજવામાં આવી. આ ઉપાખ્યાનની સાથે કદ્રૂ અને વિનતાની કથા અને તેને નિમિત્તે વિનતાપુત્ર ગરુડની કથા અને તે સ્વર્ગમાંથી કેવી રીતે અમૃત લઈ આવે છે તેની અદ્ભુત કથા ગૂંથવામાં આવી. વળી ગરુડ સ્વર્ગમાંથી જે અમૃત લઈ આવે છે તે કથાનાં મૂળ પણ ઋગ્વેદમાં જોવા મળે છે. આરમ્ભે તો શ્યેન દ્વારા ઇન્દ્ર માટે સોમ લાવવામાં આવ્યો એની જ વાત છે.(૧.૮૦.૨) પછી ધીમે ધીમે એમાં વિગતો ઉમેરાય છે. બીજાં બધાં શ્યેનોમાં શ્રેષ્ઠ, સુપર્ણ એવા શ્યેને સ્વર્ગમાંથી સોમ આણ્યો, કીતિર્ મેળવી; સોમરસના રક્ષકોને હરાવીને તેણે એ સોમરસ આણ્યો હતો, એમ કરવા જતાં એક પાંખ પણ ગુમાવી હતી (૪.૨૭.૨-૩-૪). અહીં પણ કદ્રૂએ પોતાની આજ્ઞા ન માનનારા પુત્રોને શાપ આપ્યો હતો કે તમે જનમેજયના સર્પયજ્ઞમાં બળીને ભસ્મ થશો. અહીં મા અને સન્તાનો વચ્ચેના સમ્બન્ધોની એક ક્રૂર કથાનો સન્દર્ભ જોવા મળે છે. આ કોઈ આદર્શપ્રધાન, ભાવનાપરાયણ કથાવાર્તા નથી. મા સન્તાનને મૃત્યુનો અભિશાપ આપે એ ઘટનાના જેવી ક્રૂર કથાઓ અનેક જોવા મળશે. આમ ફરી એક વાર શાપનું કથાઘટક પ્રવેશ્યું અને અહીં તો જનમેજય દ્વારા થનારા સર્પયજ્ઞનો પ્રત્યક્ષ નિર્દેશ પણ કરવામાં આવ્યો. સર્પોની વધતી જતી સંખ્યાને નિયન્ત્રિત કરવા (પ્રાકૃતિક સમતુલાનો સંકેત?) આ શાપ અનિવાર્ય છે એવો બચાવ બ્રહ્મા કરે છે. આ ઘટના એટલે કે સર્પયજ્ઞની ઘટનાને સમગ્રતાના સન્દર્ભમાં જોવી પડે. બ્રહ્માના કહેવાથી હાલકડોલક થતી પૃથ્વીને માથે રાખવા શેષનાગ તત્પર થાય છે. ધીમે ધીમે અધ્ધર લટકતા છેડા ફરી સંધાઈ જાય છે. પરન્તુ પરીક્ષિતના મૃત્યુમાં નાગરાજ તક્ષક નિમિત્ત કેવી રીતે બને? એટલે એની પણ એક કથા ગૂંથવામાં આવી. ભૂખ્યાતરસ્યા થાક્યાપાક્યા પરીક્ષિત રાજાને શમીક ઋષિ મૌનવ્રત હોવાથી ઉત્તર આપતા નથી એટલે એમને ગળે મરેલો સાપ નાખીને ચાલ્યા ગયેલા રાજાને શમીકપુત્ર શૃંગી શાપે છે કે સાત દિવસ પછી એને તક્ષક ડસી જશે. આમ ફરી એક બીજો શાપ આ કથાનકમાં ગૂંથવામાં આવ્યો. અનેક શાપોની યોજનાથી આખું કથાનક ઊભરાય છે. જેવી રીતે આસ્તીક જનમેજયના યજ્ઞમાં થતી હિંસા રોકવા જાય છે તેવી રીતે પરીક્ષિતને બચાવવા કાશ્યપ નામના ઋષિ પણ જાય છે. તેની પાસે મન્ત્રવિદ્યા છે, તક્ષક રાજાને ડસી લે પછી એ મન્ત્ર વડે રાજાને સજીવન કરી શકે. એ બ્રાહ્મણ પરીક્ષિત પાસે જતો હોય છે એ દરમિયાન રસ્તામાં જ એને તક્ષક મળે છે. પોતાના ઝેરથી કોઈ જ ન બચી શકે એની ખાત્રી કરાવવા સામેના એક ઝાડને ડસીને ભસ્મ કરી નાખે છે. સામે પક્ષે કાશ્યપ પોતાના મન્ત્રબળે એ ઝાડને સજીવન કરી દે છે. એટલે રાજા તરફથી જે ધન મળે એનાથી વધારે ધન આપીને તક્ષક એને પાછો મોકલી દે છે. આ ઘટનાના માત્ર બે જ સાક્ષી, એક તક્ષક અને બીજો કાશ્યપ. અને છતાં પરીક્ષિતના મન્ત્રીઓને આની જાણ થાય છે. કેવી રીતે? મહાભારતકારે આયોજનની કુશળતા યોજીને પેલા ઝાડ પર પહેલેથી એક બ્રાહ્મણને બેસાડી રાખેલો. વૃક્ષની સાથે એ મૃત્યુ પામ્યો અને કાશ્યપે વૃક્ષને સજીવન કર્યું એની સાથે એ પણ સજીવન થયો અને તેણે હસ્તિનાપુર જઈને બધી કથા કહી સંભળાવી. પણ છેવટે પરીક્ષિતને તક્ષક ડસે છે. ફળમાં કીડા રૂપે છુપાઈ રહેલા તક્ષકના ડંસથી રાજાનું મૃત્યુ થાય છે. આમ નિયતિને પરાજિત કરી શકાતી નથી. અહીં માત્ર પ્રશિષ્ટ પરમ્પરા જ નહીં પરન્તુ લોકકથાઓમાં જોવા મળતાં કથાઘટકો પણ સામેલ કરવામાં આવ્યા છે. પાછળથી આવનારા કવિઓ પ્રધાનગૌણ વચ્ચેનો વિવેક જાળવતાં જાળવતાં આગળ વધે છે. જો કે દર વખતે એ સમતુલા જળવાય જ એવો નિયમ નથી, એ સમયના શ્રોતાઓને એવા કોઈ વાંધા ન હતા, સંકલના શિથિલ થઈ જાય તો પણ ચાલે. અહીં ગરુડની કથાનો એક સંકેત જોઈ લઈએ. ગરુડ જ્યારે અમૃત લઈને આવે છે ત્યારે રસ્તામાં ભગવાન નારાયણનો ભેટો થાય છે. અહીં ભગવાન ગરુડને વરદાન આપે કે તું અમૃતપાન વિના જ અજર, અમર થઈ જઈશ એ તો સમજાય પરન્તુ સામે નારાયણ પણ વરદાન માગે છે કે તું મારું વાહન થા. એ અનુસાર ગરુડ ભગવાનનું વાહન થાય છે. ભવિષ્યમાં કૃષ્ણ એક વેળા અઘાસુર નામના અજગરને અને બીજી વેળા કાલિય નાગને પરાજિત કરે છે. ગરુડના દ્વેષી એવા નાગલોકોના પ્રતિનિધિઓ કૃષ્ણના હાથે પરાજિત થાય છે એવી કથા સાથે આસ્તીક પર્વનો સમ્બન્ધ પરોક્ષ તો પરોક્ષ વાંચી શકાય. એક બાજુ સર્પ જાતિ માથે તોળાઈ રહેલો સર્વનાશનો ભય અને બીજી બાજુ સર્પ જાતિના ઉદ્ધાર માટે નાગલોકો દ્વારા થતા પ્રયત્નો આલેખાતા જાય છે. આમાં નાગરાજ શેષનાગ તપશ્ચર્યા કરીને દુષ્ટ નાગલોકો સાથેનો સમ્બન્ધ તોડી નાખે છે. આમ ભાઈઓ ભાઈઓ વચ્ચેના વેરનો બીજનિક્ષેપ થાય છે. હવે પોતાના કુળની રક્ષા માટે વાસુકિ નાગના પ્રયત્નો આરમ્ભાય છે. ભવિષ્યમાં પોતાના કુળની રક્ષા માટે પ્રયત્ન ન કરતા કુરુવંશના ધૃતરાષ્ટ્રની કથાના પરિચયમાં આપણે આવવાના છીએ એની સાથે આ પ્રયત્નોને વિરોધી શકીશું. વાસુકિ નાગ પોતાની બહેન જરત્કારુના લગ્ન જરત્કારુ મુનિ સાથે કરવાનો નિશ્ચય કરે છે. મહાભારતની સંરચના જ એવી છે કે એક શ્લોકમાં જરત્કારુ મુનિની તપશ્ચર્યાની વિગત આવશે અને બીજા જ શ્લોકમાં વ્યાસ કહેશે : ‘એક બીજા જ સમયમાં(અર્થાત્ ભૂતકાળમાં) કૌરવ વંશમાં પરીક્ષિત નામનો રાજા થઈ ગયો.’ એ રીતે શૃંગી ઋષિ પરીક્ષિત રાજાને શાપે છે તે ઘટના આલેખાય છે. (ઓગણીસમી સદીના નવલકથાકારો આવી જ રીતે લખતા હતા કે ચાલો હવે જરત્કારુ ઋષિની કથાને બાજુ પર રાખીને પરીક્ષિત રાજાની ખબર કાઢીએ. જેવી રીતે મહાકાવ્યના શ્રોતાને કશું અજૂગતું લાગતું ન હતું તેવી જ રીતે ઓગણીસમી સદીના વાચકને પણ કશું અજૂગતું લાગતું ન હતું.) સર્પદંશથી રાજાનું મૃત્યુ થાય છે એટલે હવે એ કથાને પડતી મૂકીને ફરી જરત્કારુનો ગૃહત્યાગ, પુત્રજન્મ. એ કથાનું સાતત્ય તોડીને ફરી જનમેજય કેન્દ્રમાં આવે છે. આમ જનમેજય અને આસ્તીક કથા સમાન્તરે વિકસતી જાય છે. હવે જનમેજય પુરાણપ્રસિદ્ધ સર્પયજ્ઞની તૈયારી કરે છે. પ્રાચીન કથાપરમ્પરા પ્રમાણે આ યજ્ઞ સમ્પૂર્ણ નહીં થાય એવું ભવિષ્યકથન પણ થાય છે. વળી સરમાએ જનમેજયને આપેલો શાપ તો છે જ. જનમેજય યજ્ઞસ્થળે કોઈ અનધિકૃત વ્યક્તિ ન પ્રવેશે તેની સૂચના આપે છે. આમ પરીક્ષિત અને જનમેજય બંનેના પ્રસંગોમાં આવી ભવિષ્યવાણીઓ છે અને બંને એમાંથી ઊગરવા મથે છે પણ બંને નિષ્ફળ જાય છે. તક્ષક તો આ સર્પયજ્ઞમાંથી બચવા ઇન્દ્રનું શરણ સ્વીકારે છે. આ યજ્ઞ આરમ્ભાય છે અને ઘોર હિંસા આચરવામાં આવે છે. બીજી બાજુ આસ્તીક સર્પયજ્ઞ અટકાવવા નીકળી પડે છે. આ ઋષિ પણ અતિચતુર છે. યજમાનની, યજ્ઞપુરુષની, ઋત્વિજની, સદસ્યોની અને અગ્નિદેવની સ્તુતિ કરતાં કરતાં દરેક શ્લોકમાં અન્તે ‘સ્વસ્તિ નો સ્તુ પ્રિયેભ્ય:’ બોલે છે. સાત શ્લોકમાં આ ચરણ પુનરાવતિર્ત થાય છે. એનો પ્રતિધ્વનિ ગાજે છે. જે લક્ષ્ય સિદ્ધ કરવું છે તે જ વારંવાર ઉચ્ચારાયા કરે છે :‘અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ.’ જનમેજય આસ્તીકનાં સ્તુતિવચનોથી પ્રસન્ન થઈને, સદસ્યોથી પણ પ્રેરિત થઈને તેને વરદાન આપવા માગે છે, એટલામાં જ અપ્રસન્ન મનવાળો હોતા ‘તક્ષક હજુ આવ્યો નથી’ એમ કહીને વાત બીજે વાળે છે. જનમેજયના વરદાનને વિલંબિત કરીને સંઘર્ષને ઘેરો કરવામાં આવે છે અને શ્રોતાઓની કુતૂહલવૃત્તિ વધુ પ્રદીપ્ત થાય એવી રીતે કથા આગળ ચાલે છે. હોતાઓ તો ઇન્દ્ર સમેત તક્ષકનું આવાહન કરે છે એટલે ઇન્દ્રને આવવું જ પડે છે અને એની સાથે અપ્સરાઓ, મેઘ, વિદ્યાધરો પણ છે. છેવટે ઇન્દ્ર તક્ષકને અનાથ અવસ્થામાં મૂકીને ચાલ્યા જાય છે. શરણાગતની રક્ષા કરવી એવો આદર્શ મનુષ્યલોકમાં તો છે, દૃષ્ટાન્તો પાર વિનાનાં છે: દિલીપ, શિબિ... પણ દેવતાઓ એટલે કે મનુષ્યથી ઊંચેરા શાસકોને એવો કોઈ ધર્મ જાણે લાગુ પડતો જ નથી. મહાભારતકાર આ રીતે પણ જાણે કે દેવ કરતાં મનુષ્યની ખ્યાતિને વિસ્તારે છે. તક્ષક યજ્ઞકુંડની બરાબર નજીક છે અને ત્યાં જનમેજય આસ્તીકને વર આપવા ઇચ્છે છે, ‘એ અદેય હશે તો પણ તને આપીશ.’ હજુ વર માગવામાં આવતો નથી. વચ્ચે તક્ષકનું વર્ણન છે. જોઈ શકાય છે કે મહાભારતકાર કથાને પૂરેપૂરી પરાકાષ્ઠાએ પહોંચાડવા માગે છે, બસ જાણે એ ક્ષણ સાવ ઢૂંકડી છે, ‘થોડી જ વારમાં તક્ષક અગ્નિજ્વાળાઓમાં હોમાઈ જવાનો છે’ અને ત્યાં આસ્તીક વર માગે છે : ‘તમારો આ યજ્ઞ હવે બંધ થાય અને તેમાં સર્પ ન હોમાય.’ જનમેજય તેને બીજું કંઈ માગવા કહે છે પણ આસ્તીક દૃઢ મનોબળથી ના પાડે છે. ‘મારી માતાના કુલનું એમાં જ કલ્યાણ છે.’ બીજો કોઈ કથાકાર આ વાર્તાને આગળ ધપાવે, મહાભારતકાર નહીં ધપાવે. આ ઇતિહાસ પણ છે. જો આપણા સમયની કૃતિઓમાં વચ્ચે વચ્ચે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન આવ્યા કરતા હોય તો એ સમયે કવિ એને ઇતિહાસ ઉપરાન્ત માહિતીકોશ પણ બનાવે. એટલે અહીં શ્રોતા શૌનક કથાવાર્તા સાંભળવાને બદલે યજ્ઞમાં હોમાયેલા સર્પોની માહિતી માગે છે અને એ માહિતી કવિ આપે છે. યજ્ઞસ્થળે ભેગા થયેલા સૌ આસ્તીકને વરદાન મળે એવું ઇચ્છે છે એટલે રાજા યજ્ઞ અટકાવી દે છે. હવે અહીં વ્યાસે તો પ્રશ્ન નથી મૂક્યો પણ મહાભારતના વર્તમાન શ્રોતાઓ તરીકે આપણે પૂછી શકીએ. કવિન્યાય કેમ જોવા મળતો નથી? આટલો મોટો સર્પસંહાર શા માટે? માતાની આજ્ઞા ન પાળનારા સાપોએ ન્યાયઅન્યાયની દૃષ્ટિએ કયો અપરાધ કર્યો હતો? મહાભારતમાં આ કથા વિગતે આલેખાઈ છે. સમુદ્રકાંઠે ગયેલી આ બંને બહેનો દૂર દૂર એક અતિ શ્વેતરંગી ઘોડાને જુએ છે. વિનતા તેના સમ્પૂર્ણ શ્વેત રંગની વાત કરે છે, જ્યારે કદ્રૂ કહે છે કે માત્ર તેનું પૂંછડું જ કાળું છે. બંને વચ્ચે શરત લાગે છે, જે હારે તે દાસી થાય. બીજે દિવસે સવારે વધુ ખાત્રી કરવાની વાત આગળ બંને છૂટી પડે છે. વિનતા સાચી છે એ કદ્રૂ જાણે છે. તે પોતાના નાગપુત્રોને ઘોડાના પૂંછડે વીંટળાઈ વળવાની આજ્ઞા આપે છે, જેથી પૂંછડે કાળા રંગનો આભાસ થાય. નાગપરિવાર પૂંછડે જઈને વીંટળાય છે. પરિણામે વિનતાને દાસી થવું પડે છે. આ પ્રસંગે કેટલાક નાગ માતાની અસત્ય પ્રેરતી વાત માનવાની ના પાડે છે એટલે કદ્રૂ તેમને શાપે છે : તમે બધા જનમેજયના સર્પયજ્ઞમાં ભસ્મ થઈ જશો. આમ તેમણે માતાની આજ્ઞા ન પાળી એ કબૂલ, પણ એ આજ્ઞા કેવી હતી? અવિચારી, અનૃતભરી, સ્વાર્થી ન હતી? એક જૂઠી વ્યક્તિને એના અસત્યમાં સાથ ન આપ્યો તેની આટલી મોટી સજા? અને ઉપરથી પ્રજાપિતા બ્રહ્મા પ્રાકૃતિક સમતુલાને નામે એનો બચાવ કરે? અને હજુ બીજી એક મોટી ફરિયાદ તો એ કરવાની કે વાંક તક્ષકનો હતો, એમાં સર્પસત્ર શા માટે? વળી, તક્ષક તો બચી ગયો! ગ્રીક કહેવત યાદ આવી ગઈ. કરોળિયાના જાળામાં નાનાં નાનાં જીવડાં ફસાય, મોટા જીવ તો ફસાય જ શાના? કોઈ એમ કહી શકે કે આમાં વ્યાસ જ જવાબદાર છે એમ શી રીતે?વ્યાસે તો જય નામનું કૌરવપાંડવયુદ્ધ નિરૂપતું કાવ્ય જ રચ્યું હતું. ભારતથી મહાભારત તો ત્યાર પછીના કવિઓનું અર્પણ છે. પ્રક્ષેપોના મુદ્દાને બાજુ પર રાખીને જોઈએ તો વ્યાસ અને આ બધા કવિઓ આપણને સમ્પૂર્ણ નિર્ભ્રાન્ત કરવા માગે છે. એટલે તો વ્યાસ પણ કહે છે કે હાથ ઊંચા કરી કરીને કહુું છું કે ધર્મ શું છે પણ કોઈ સાંભળતું જ નથી. ત્યારેય કોઈ સાંભળતું ન હતું અને આજેય કોણ સાંભળે છે?