નીરખ ને/મિલાન કુન્દેરા અને પ્રતિબદ્ધતા

Revision as of 02:20, 10 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

પ્રજાની કે સભ્યતા(civilisation)ની અસ્મિતા (identity) મનથી જે સર્જાયું છે, જેને આપણે સંસ્કૃતિ (culture) તરીકે જાણીએ છીએ, એમાં પ્રતિબિંબિત કે કેન્દ્રિત થાય છે. અસ્મિતા માથે વિનાશનો ભય તોળાય છે ત્યારે સાંસ્કૃતિક જીવન એટલા પ્રમાણમાં વધુ ઉત્કટ, વધુ મહત્ત્વપૂર્ણ બનતું જાય છે – તે એટલે સુધી કે સ્વયં સંસ્કૃતિ લોકો માટે જીવંત મૂલ્ય બની જાય છે. અને એટલે મધ્ય યુરોપમાં જેટલા વિદ્રોહો થયા તે દરેકમાં – જેમાં એક પ્રજાની હસ્તીના વિનાશની ભયજનક સંભવિતતા ઊભી થઈ – સામુદાયિક સાંસ્કૃતિક સ્મૃતિ અને સમકાલીન સર્જનાત્મક કાલની ભૂમિકા કોઈ પણ બીજા સામૂહિક યુરોપી વિદ્રોહ કરતાં અનેકગણી મોટી અને નિર્ણાયક બની ગઈ. બહારના નિરીક્ષકને આ વિરોધાભાસ સમજવો મુશ્કેલ પડે. ૧૯૪૫ પછીનો સમયગાળો મધ્ય યુરોપ માટે એકદમ કરુણ અને એટલો જ એના સાંસ્કૃતિક ઇતિહાસમાં મહાન રહ્યો છે. દેશવટામાં (ગોમ્બ્રોવિઝ, મિલોઝ) અથવા તો ગુપ્ત સર્જનાત્મક પ્રવૃત્તિના રૂપમાં (૧૯૬૮ પછી ચેકોસ્લોવેકિયામાં) કે એ પ્રવૃત્તિમાં જ્યાં જનતાના મતના દબાણને કારણે સત્તાધીશોએ આંખ આડા કાન કર્યા હોય – ગમે તે સંજોગો કેમ ન હોય – તે કાળના મધ્ય યુરોપના ચલચિત્રોએ, નવલકથાઓએ, નાટકોએ, તત્ત્વજ્ઞાનના ગ્રંથોએ કેટલીય વાર યુરોપી સંસ્કૃતિના સર્વોચ્ચ શિખરને સર કર્યું છે. પેટોફિ (રંગદર્શી કવિ પેટોફિના સ્મરણમાં જૂથને અપાયેલું નામ) જૂથનાં ઘણાં હંગેરિયન લેખકોએ મહાકાય મીમાંસા લખી જે હંગેરીના ૧૯૫૬ના ધડાકા માટે માર્ગદર્શક બની; ૧૯૬૮ના થોડાં વર્ષો પહેલાં ચેકોસ્લોવેકિયામાં પ્રચલિત રંગભૂમિએ, ચિત્રપટોએ, કિતાબોએ, તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોએ પ્રાગ-વસંત, મુક્તિ માટે માર્ગ મોકળો કર્યો; મહાન પોલિશ રંગદર્શી કવિ મિકીયિઝના નાટક ઉપરના પ્રતિબંધે ૧૯૬૮માં પોલૅન્ડના વિદ્યાર્થીઓમાં પ્રખ્યાત વિદ્રોહેની આગ ચાંપી. સંસ્કૃતિ અને જીવનના, સર્જનાત્મક સિદ્ધિ અને લોકોના સુભગ સંગમની મધ્ય યુરોપના વિદ્રોહો ઉપર એવી તો અનનુકરણીય સોહામણી છાપ પડી કે એ સમયગાળાના લોકોને હંમેશાં મંત્રમુગ્ધ કરતા રહેશે.

મિલાન કુન્દેરા



મિલાન કુન્દેરા અને પ્રતિબદ્ધતા

ફ્રાન્સનિવાસી ચેક સર્જક-નવલકથાકાર મિલાન કુન્દેરા એવા દેશમાંથી આવે છે જ્યાં હજી સામ્યવાદી સરમુખત્યારશાહીનો મધ્યાહ્ન તપે છે. ૧૯૬૮નાં થોડાં વર્ષો પહેલાં એ દેશમાં – ચેકોસ્લોવેકિયામાં આખી પ્રજાએ ત્યારની સામ્યવાદી સરકાર સામે વિદ્રોહ કર્યો, લોકપ્રિય દુબચેકની સરકારે સત્તાનો દોર સંભાળ્યો. આ કાળ પ્રાગ-વસંત તરીકે જાણીતો છે. ત્યારે સ્વતંત્રતા અને સમાનતાના સમન્વયના સુંદર પ્રયોગનો આરંભ થયો; આખા વિશ્વની આંખ ચેકોસ્લોવેકિયા ઉપર મંડાઈ, પણ એ વસંત ટૂંક-જીવી નીવડી. ૧૯૬૮ના વર્ષમાં રશિયાએ ચેકોસ્લોવેકિયા ઉપર આક્રમણ કર્યું અને ફરી સામ્યવાદી સરમુખત્યારશાહી જડબેસલાક બેસાડી દીધી, મિલાન કુન્દેરા ૧૯૪૭માં ચેક સામ્યવાદી પક્ષમાં જોડાયા; ૧૯૫૦માં એમને એમાંથી કાઢી મૂકવામાં આવ્યા; ૧૯૫૬માં પક્ષે એમને ફરી સ્વીકાર્યા અને ૧૯૭૦માં એમને ફરી જાકારો મળ્યો. કુન્દેરા પ્રાગ-નેશનલ ફિલ્મ સ્કૂલમાં ૧૯૬૯ સુધી પ્રાધ્યાપક હતા. ત્યારપછી એમણે નોકરી ગુમાવી. જીવન એમને માટે કપરું બનતું ગયું. ૧૯૭૫માં ફ્રાન્સની રેનેસ યુનિવર્સિટીએ એમને પ્રાધ્યાપક તરીકે બોલાવ્યા અને ત્યારથી એ અને એમનાં પત્ની – વેરા ફ્રાન્સનિવાસી છે. બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ યુરોપ, પૂર્વ યુરોપ અને મધ્ય યુરોપ એવી ત્રણ પરિસ્થિતિઓ સર્જાઈ; મધ્ય યુરોપના દેશો જેવા કે ચેકોસ્લોવેકિયા, હંગેરી, પોલૅન્ડ પશ્ચિમમાં એક બાજુ જર્મનીથી અને પૂર્વમાં બીજી બાજુ રશિયાથી જકડાયેલા રહ્યા. મધ્ય યુરોપ સાંસ્કૃતિક રીતે પશ્ચિમ યુરોપ સાથે જોડાયેલું રહ્યું અને રાજકીય રીતે પૂર્વ યુરોપમાં રહ્યું. આ વિસંગતિ, કુન્દેરા કહે છે, મધ્ય યુરોપના તખ્તા ઉપર છેલ્લાં પાંત્રીસ વર્ષ દરમ્યાન જે નાટ્યાત્મક પરિસ્થિતિ સર્જાઈ તેને સમજવામાં ઘણે અંશે મદદરૂપ થાય. ૧૯૫૬નો મહાન હંગેરી-વિદ્રોહ, અને તે પછીની લોહિયાળ કત્લેઆમ, પ્રાગ-વસંત અને ૧૯૬૮માં રશિયાનો કબજો; પોલૅન્ડના ૧૯૫૬, ૧૯૬૮, ૧૯૭૦ અને હમણાંના વિદ્રોહો – મધ્ય યુરોપ ઉગ્ર વિરોધનું રંગમંચ બની ગયું. પશ્ચિમ યુરોપના અને મધ્ય યુરોપના માનસમાં એક મોટો તફાવત છે. ઇંગ્લૅન્ડ કે ફ્રાન્સ સમક્ષ ગમે તે પ્રશ્નો કેમ ન હોય, પણ એક રાષ્ટ્ર તરીકેની તેમની હસ્તી મટી જશે એવો વિચાર એમને ક્યારેય ન આવે. પણ મધ્ય યુરોપનાં રાષ્ટ્રો તો એવી સતત ભીતિથી પિડાય છે કે એમના રાષ્ટ્રનું નામનિશાન નહીં રહે, નેસ્તનાબૂદ થઈ જશે. અને કુન્દેરા કહે છે કે આ સંવેદના એમનાં જુદા જુદાં રાષ્ટ્રગીતોમાં તાદ્દશ રીતે વ્યક્ત થાય છે. પોલિશ રાષ્ટ્રગીત શરૂ થાય છે, ‘Poland has not yet perished...’ જ્યારે પશ્ચિમી યુરોપનાં રાષ્ટ્રગીતો પોતાના રાષ્ટ્રની ભવ્યતાની અને શાશ્વતીની વાતો કરે છે. મિલાન કુન્દેરાના વિતેલા જીવનનો આ પરિવેશ છે. અને આ પરિવેશ ધબકે છે એમની કૃતિઓમાં – છતાં એ પહેલેથી છેલ્લે સુધી સર્જક છે. નખશિખ સર્જક. એક પ્રશ્નના ઉત્તરમાં એ કહે છે કે કૃતિનું માત્ર રાજકીય અર્થઘટન કરવું is a bad reading. આવો અભિગમ માત્ર એક પાસાને જુએ છે – સામ્યવાદી હકૂમતનું ખંડન. આનો અર્થ એવો નથી કે મને સામ્યવાદી હકૂમત ગમે છે; હું એને ધિક્કારું છું. પણ એક નાગરિક તરીકે હું એને ધિક્કારું છું. એક લેખક તરીકે હું જે કહું છું એ હકૂમતની બદનામી કરવા માટે નહીં. ફ્લોબેરને બુર્ઝવા સમાજ પ્રત્યે નફરત હતી પણ તમે જો ‘મેડમ બોવરી’ને મુખ્યત્વે બુર્ઝવાઝીની બદનામી તરીકે વાંચો તો એ પુસ્તકની ભયંકર ગેરસમજ ગણાય. બીજા એક પ્રશ્નના ઉત્તરમાં કુન્દેરા કહે છે કે શરૂઆતમાં હું ફ્રાન્સ આવ્યો ત્યારે લોકો મારી કૃતિઓને એક રાજકીય મુસદ્દા તરીકે વાંચતા – પછી એ ડાબેરી હોય કે જમણેરી. મને ગુસ્સો આવતો અને હું દુભાતો. જોકે હું નથી માનતો કે એમનો ઉદ્દેશ મારો કે મારી કૃતિઓનો ઉપયોગ કરવાનો હોય કે મને ઠંડા યુદ્ધમાં ઘસડવાનો હોય. પણ હું જરૂર માનું છું કે આ આધુનિક સમાજ છાપાળવી વિચારણા – Journalistic thinking – ને પ્રોત્સાહન આપે છે. છાપાળવી વિચારણા ઝડપી વિચારણા છે. એમાં સાચા વિચારને સ્થાન નથી; એનું વિશ્વદર્શન સાદું છે. તમે પ્રાગ કે વૉરસોથી આવતા હો તો છાપાળવો અવિચાર તમારું રાજકીય લેખક તરીકે વર્ગીકરણ કરી નાખશે. સાહિત્યિક આલોચકો નહીં, પણ પત્રકારો તમારી કૃતિઓનું અર્થઘટન કરશે. એમનાં આ વૃત્તિ-વલણે પણ મને દુભવ્યો હતો અને મારે મારો બચાવ કરવો પડ્યો હતો. હું ધારું છું કે હું એમાં સફળ થયો છું. કુન્દેરાના આ ઉત્તરો ઠીક ઠીક રીતે સર્જક તરીકેના એના પરિપ્રેક્ષ્યને રજૂ કરે છે. કાફકા કદાચ કુન્દેરાનો સૌથી પ્રિય લેખક છે. કાફકા વિશેનાં એમનાં થોડાં મંતવ્યો તપાસીએ તો સ્વયં કુન્દેરાની સૂઝ, વિશિષ્ટ દૃષ્ટિ અને એમનું દર્શન તાદૃશ થતું આવે એમ બને. કાફકાની કૃતિઓમાંના પ્રસંગો અને વર્તમાન ઘટનાઓની સમાન્તરતા દર્શાવવા એક સાચી બની ગયેલી વાતને દૃષ્ટાંતરૂપે કુન્દેરા ટાંકે છે. પ્રાગના એક ઇજનેરને લંડનના એક સંમેલનમાં જવાનું નિમંત્રણ મળ્યું. એ સંમેલનમાં ભાગ લેવા માટે લંડન ગયો. એ પ્રાગ પાછો ફર્યો ત્યારે ચેક સામ્યવાદી મુખપત્રના એક સમાચાર ઉપર એની અચાનક નજર પડી. એક ઇજનેરે એ લંડનના સંમેલનમાં ભાગ લેતો હતો ત્યારે પશ્ચિમી પ્રેસને પોતાના દેશની બદબોઈ કરનારું નિવેદન કર્યું હતું અને પશ્ચિમમાં રહી જવાનું પોતે નક્કી કર્યું છે એમ જણાવ્યું હતું. ગેરકાયદેસર emigration અને આવું નિવેદન કંઈ નજીવી વાત નહોતી, ખાસ્સી ગંભીર હતી; વીસ વર્ષની કેદ થાય એમ હતું. ઇજનેર માની ન શક્યો. છતાં શંકાને કોઈ કારણ નહોતું. લેખ એને લગતો જ હતો. એ દોડી ગયો મુખપત્રની ઑફિસમાં, અને જે પત્રકારે લખ્યું હતું એને શોધી કાઢ્યો. પત્રકારે કબૂલ્યું કે ખરાબ જ થયું કહેવાય. પણ એ જવાબદાર નહોતો. આખી માહિતી interior પ્રધાનખાતામાંથી આવી હતી. ઇજનેર interior પ્રધાનખાતામાં ગયો. ત્યાં પણ એ લોકોએ કબૂલ કર્યું કે ભૂલ થઈ ગઈ છે. પણ એમને આ અહેવાલ લંડનના ચેક દૂતાલયની ગુપ્ત સેવામાંથી મળ્યો હતો. પાછું ખેંચી લેવાની વિનંતી થતાં એમણે જણાવ્યું કે આવું બધું પાછું ક્યારેય ખેંચી લેવામાં આવતું નથી. પણ એણે ચિંતા કરવી નહીં. એની સામે કોઈ પણ પગલાં નહીં લેવાય. છતાં ઇજનેરને ચિંતા કોરી ખાવા લાગી. ગુપ્તચરોએ એના ઉપર પહેરો ભરવા માંડ્યો હતો; એનો ટેલિફોન ટેપ થતો હતો; એની ઊંઘ હરામ થઈ ગઈ. આખરે આ બધું દબાણ એ સહન ન કરી શક્યો. ખૂબ જોખમો ખેડી ગેરકાયદેસર રીતે એ દેશ છોડી ગયો અને સાચા અર્થમાં એ નિર્વાસિત – emigre – બન્યો. કુન્દેરા કહે છે કે આ વાતને આપણે Kafkaeske – કાફકાએસ્ક કહીશું. આ કાફકાએસ્ક શું છે? આપણા ઇજનેરને એવી ઑથોરિટીનો સામનો કરવો પડ્યો જેની ભુલભુલામણીનો અંત નહોતો. એ એવી ભુલભુલામણીમાં દાખલ થયો હતો કે આ જીવલેણ સજા કોણે ફટકારી હતી એ જાણી શકવાનો નહોતો. કાફકામાં આપણા ઇજનેર જેવી જ જોસેફ Kની કોર્ટ સમક્ષ દશા હતી કે મોજણીદાર Kની દુર્ગ સમક્ષ દશા હતી. આ ત્રણેય એવા વિશ્વમાં છે જે એક વિશાળકાય ભુલભુલામણીભરી સંસ્થા સિવાય બીજું કંઈ નથી – જેનાથી એ નાસી જઈ શકતા નથી અને જેને એ સમજી શકતા નથી. કાફકાની અગાઉના નવલકથાકારોએ અનેક વાર સંસ્થાઓને વ્યક્તિગત અને જાહેર હિતોના સંઘર્ષોના અખાડાઓ તરીકે ખુલ્લા પાડ્યા છે. પણ કાફકામાં સંસ્થા એવું mechanism છે જે પોતાના કાનૂનોને જ અનુસરે છે. કોઈને ખબર નથી કે આ કાયદાઓ કોણે ઘડ્યા છે કે ક્યારે અમલમાં આવ્યા છે; એમને માનવહિત સાથે કંઈ લાગતુંવળગતું નથી એટલે એ સમજાતા નથી. ‘દુર્ગ’ના પાંચમા પ્રકરણમાં નગરપતિ Kને ખુલાસાવાર એની ફાઇલોનો ઇતિહાસ સમજાવે છે. લગભગ દસ વર્ષ પહેલાં એક ગામડાના પ્રતિનિધિએ દરખાસ્ત મૂકી કે મોજણીદાર બોલાવવો જોઈએ. થોડા વખતમાં જ આ વિનંતીમાં વજૂદ ન લાગ્યું અને ગામમાંથી દુર્ગ ઉપર બીજી અરજી ગઈ કે પહેલાંની દરખાસ્ત રદ કરવી. કમનસીબે આ બીજી ફાઇલ ઑફિસોમાં અટવાઈ ગઈ, અને ઘણાં વર્ષો પછી જ્યારે Kને નિમંત્રણ મળ્યું ત્યારે એ હાથમાં આવી. એટલે K એ ગામમાં ભૂલથી જ આવ્યો. વધુ તો નવલકથાનું જે તર્ક છે એમાં દુર્ગ અને ગામ બે જ મહત્ત્વનું વિશ્વ બને છે; Kની સારી હસ્તી ભૂલ છે. કાફકાએસ્કની દુનિયામાં ફાઇલની ભૂમિકા પ્લેટોનિક આદર્શની છે. એ સાચી રિયાલિટી છે. જ્યારે માણસનું પાર્થિવ અસ્તિત્વ ભ્રમણાઓના પડદા ઉપર નખાયેલો પડછાયો છે. એટલે હકીકતમાં મોજણીદાર K અને પ્રાગનો ઇજનેર એમની ફાઇલોના પડછાયાઓ છે. દોસ્તોએવ્સ્કીનો રાસ્કોલિનિકોવ પોતાના અપરાધનો બોજો સહન ન કરી શક્યો એટલે શાંતિ મેળવવા માટે જાતે સજા મેળવી લે છે. આ બહુ જાણીતી પરિસ્થિતિ છે જ્યાં અપરાધ સજાને શોધે છે. કાફકામાં તર્ક વિપરીત છે. સજા પામેલાને પોતાની સજાના કારણની ખબર નથી. સજાનું બેહૂદાપણું એટલું તો અસહ્ય છે કે શાંતિ પ્રાપ્ત કરવા માટે છેવટે આરોપીને પોતાની સજાનું સમર્થન જોઈએ છે; અહીં સજા અપરાધને શોધે છે. પ્રાગના ઇજનેર ઉપર આરોપ હતો enigrationનો, જે અપરાધ એણે કર્યો નહોતો; પણ છેવટે એ emigrant થઈને રહે છે. સજા આખરે અપરાધને શોધે છે. પ્રાગના ઇજનેરની વાત એક રમૂજ જેવી છે, હાસ્ય પેદા કરે છે. કાફકાએસ્કના વિશ્વમાં સુખાન્ત (કૉમેડી) કરુણાન્તિકા(tragedy)નું સહાય કરનારું counterpoint નથી. કૉમેડી ત્યાં કરુણને વધુ સહ્ય બનાવવા માટે નથી. ત્યાં એ કરુણને કરુણ રહેવા દેતું નથી, બીજમાંથી જ મારી નાખે છે. એના બિલને ટ્રેજેડીની ભવ્યતાનું પણ આશ્વાસન નથી. ઇજનેર એનો દેશ ગુમાવે છે, બધા હસે છે. કુન્દેરા બીજા પણ સમાન્તર પ્રાગ-જીવનના કિસ્સાઓ દૃષ્ટાંતરૂપે આપે છે, પણ અહીં એમાં જવાનો અવકાશ નથી. આ બધા ઉપરથી કુન્દેરા કહે છે કે કોઈ એમ કહેવા લલચાય કે કાફકાનાં કલ્પનો પ્રાગમાં જીવંત છે કારણ કે એ સરમુખત્યારશાહી સમાજની પૂર્વ આગાહીરૂપ છે. પણ કાફકાએસ્કની સંકલ્પના સમાજશાસ્ત્રીય કે રાજકીય નથી. ઊલટું કાફકાએસ્ક માણસની અને એના વિશ્વની પ્રાથમિક potentialityનું પ્રતિનિધિત્વ કરે છે જે ઇતિહાસથી નિયત નથી, પણ જે લગભગ શાશ્વત છે. પણ કાફકા જ કેમ એવો પ્રથમ નવલકથાકાર થયો જે આ વલણોને ઝીલી શક્યો? કાફકાને રાજકારણમાં કોઈ ખાસ રસ હોય એમ દેખાયું નથી. હકીકતમાં મેક્સ બ્રૉડ જેવા એના સમકાલીન પ્રાગમિત્રો ઇતિહાસનો અર્થ જાણવાનો દાવો કરતા, અને ભવિષ્યનો ચહેરો ખડો કરવા મથતા. તો શા માટે એમની રચનાઓ નહીં અને એમના આ એકાકી, અંતર્મુખ, પોતાના જીવનમાં અને પોતાની કળામાં ઓતપ્રોત સાથીની કૃતિઓ સમાજશાસ્ત્રીય-રાજકીય આગાહીની સ્વીકૃતિ પામી, અને આ જ કારણે વિશ્વની ઘણી જગ્યાએ એ કૃતિઓ ઉપર પ્રતિબંધ મુકાયો? કુન્દેરા કહે છે કે મારા એક મિત્રના કુટુંબમાં હું એક દિવસ જે કૌટુંબિક દેખાવનો સાક્ષી બન્યો ત્યારે મને કાફકાના આ રહસ્યનો વિચાર આવ્યો. આ સ્ત્રીમિત્ર ૧૯૫૧માં સ્તાલિનવાદી મુકદ્દમાઓ ચાલતા હતા તે દરમ્યાન પોતે જે ગુનાઓ નહોતા કર્યા એ માટે પકડાઈ હતી. એ વખતે સેંકડો પકડાયેલા સામ્યવાદીઓએ ન કરેલા ગુનાઓની કબૂલાત કરી હતી. પણ આ સ્ત્રી અડગ રહી હતી, અને કબૂલાત આપી નહોતી. સત્તાને એ ખાસ ઉપયોગમાં આવે એમ નહોતી એટલે ફાંસીને બદલે એને આજીવન કેદ મળી. ૧૫ વર્ષ પછી એ છૂટી અને પૂર્ણ રીતે ફરી ગૃહજીવનમાં સ્થિર થઈ. જ્યારે હું એને મળવા ગયો ત્યારે એનો ૨૬ વર્ષનો દીકરો એની સાથે રહેતો હતો. મા ખૂબ ગુસ્સામાં હતી અને રડતી હતી. કારણ તો એકદમ નાખી દેવા જેવું હતું. દીકરો ઊંઘવું જોઈએ એના કરતા વધારે સૂતો રહેતો હતો કે એવું કંઈક. મેં માને કહ્યું કે આવી અર્થહીન બાબત શું રડવા જેવી છે? આ વધારે પડતું નથી? આનો જવાબ માએ નહીં, પણ દીકરાએ આપ્યો કે ‘ના, આ વધારે પડતું નથી. મારી મા અદ્ભુત, બહાદુર સ્ત્રી છે. જ્યારે બધા ભાંગી પડ્યા ત્યારે તેણે પ્રતિકાર કર્યો. હું સાચો આદમી બનું એવું એને જોઈએ છે. એ સાચું છે કે હું વધુ પડતું ઊંઘી રહેતો હોઉં છું. મારી મા મને ઠપકો આપે છે એ બીજી ઊંડી વસ્તુને કારણે – મારા વલણ – સ્વાર્થી વલણને કારણે. મારી મા ઇચ્છે છે તે મારે થવું છે. તમને સાક્ષી રાખીને હું વચન આપું છું કે હું એવો થઈશ.’ પક્ષ જે મા સાથે ન કરી શક્યું, એ મા એના દીકરાને કરી શકી. એણે પોતાના દીકરાને એક બેહૂદો આરોપ, દોષ સ્વીકારવાની ફરજ પાડી. હું તો સ્તબ્ધ બનીને આ મિનિ-સ્તાલિનવાદી મુકદ્દમાના દેખાવને જોઈ રહ્યો. એકાએક મને સમજાયું કે psychological mechanisms engaged in great (apparently incredible and inhuman) historical events are the same as those which regulate (quite ordinary and human) domestic situations. કાફકાએ ગુનાપ્રેરક ટેક્નિકોનો ખ્યાલ કુટુંબમાંથી જ, બાળક અને માબાપના ભગવાન-સદૃશ સત્તાના સંબંધમાંથી મેળવ્યો હતો. ‘જજમેન્ટ’ વાર્તાને લેખકની પોતાના કુટુંબની અનુભૂતિ સાથે ગાઢ સંબંધ છે જ્યાં પિતા પુત્રને દોષિત ઠરાવે છે, અને એને ડૂબી જવાનો આદેશ આપે છે. પુત્ર એનો કાલ્પનિક ગુનો સ્વીકારી લે છે, અને આજ્ઞાંકિતપણે નદીમાં ઝંપલાવે છે. એ જ રીતે ‘મુકદ્દમા’માં કોઈક રહસ્યમય સંગઠનથી સજા પામેલી જોસેફ પોતાનું ગળું કપાવી નાખે છે. સર્વસત્તાક સમાજમાં જાહેર અને અંગત પ્રદેશ વચ્ચેની સરહદ ભૂંસાઈ જતી હોય છે. નાગરિકને પક્ષથી કંઈ પણ ગુપ્ત રાખવાનો હક નથી, જેવી રીતે બાળકને મા કે બાપથી કંઈ ખાનગી રાખવાનો અધિકાર નથી. સૂક્ષ્માતિસૂક્ષ્મ વ્યવહારમાંથી કાફકાએસ્ક રચાય છે. એમાં માત્ર કુટુંબજીવન જ નહીં, પણ જ્યાં કાફકાએ એનું પુખ્ત જીવન વિતાવ્યું એ સંગઠન-ઑફિસ પણ ગણાવી જોઈએ. કાફકાના નાયક ગ્રેગર સેમ્સામાં બૌદ્ધિક જેવું કશું નથી. જ્યારે એ જાગે છે ત્યારે મોટા જંતુમાં એનું રૂપાંતર થઈ ગયું છે. એને એક જ ચિંતા છે કે આ નવી પરિસ્થિતિમાં સમયસર ઑફિસમાં કેમ પહોંચવું. એનામાં શિસ્ત અને આજ્ઞાપાલન સિવાય બીજું કંઈ નથી. એ એક ક્લાર્ક, નોકર છે – જેમ કાફકાનાં બીજાં બધાં પાત્રો છે એમ. નોકર માત્ર સમાજશાસ્ત્રીય ટાઇપ તરીકે નહીં (જેમ ઝોલામાં છે એમ) પણ એક human potentiality, એક વલણ, એક વિશ્વને ગ્રહણ કરવાની રીત તરીકે જોવાયો છે. આ નોકરશાહીની દુનિયા આજ્ઞાપાલનની દુનિયા છે; ત્યાં પ્રવૃત્તિની, શોધની સ્વતંત્રતા નથી. ત્યાં માત્ર આદેશો અને નિયમો છે. ક્લાર્ક માત્ર અનામી લોકો અને ફાઇલો સાથે કામ પાડે છે. આજ્ઞાપાલનની આ દુનિયામાં માણસનું એક માત્ર સાહસ એક ઑફિસમાંથી બીજી ઑફિસમાં જવાનું છે – આવી નીરસ, નિરુત્સાહી, અકવિત્વમય સામગ્રીનું કાફકાએ મોહક કથાઓમાં કેવી રીતે રૂપાંતર કર્યું? આનો જવાબ કાફકાએ મિલિનાને પત્ર લખ્યો એમાં છે; “The office is not a stupid institution. It is more in the realm of the fantastic than stupid.’ અહીં કાફકાનું એક મહાન રહસ્ય રહ્યું છે. નોકરશાહી દુનિયામાં એણે fantastic જોયું એથી એક તદ્દન સામાન્ય વાર્તા જેમાં એક વ્યક્તિ પોતાને ખાતરી અપાયેલી નોકરી મેળવી શકતો નથી (હકીકતમાં આટલી જ માત્ર વાત ‘દુર્ગ’માં છે) એ મિથ, મહાકાવ્ય, એક અજાણ્યા સૌન્દર્યમાં રૂપાંતર પામે છે. કાફકાએ કોઈ આગાહી કરી નથી. એન્ને માત્ર જે ‘ક્યાંક પાછળ’ હતું તે જોયું છે. એને ખબર નહોતી કે his seeing was also foreseeing. એનો ઇરાદો કોઈ સામાજિક પદ્ધતિને ખુલ્લી પાડવાનો નહોતો. એણે તો અંગત અને સૂક્ષ્માતિસૂક્ષ્મ માનવીય વ્યવહારના – જેનાથી એ પરિચિત હતો – mechanismsને પ્રકાશમાન કર્યા. એને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે પાછળનો વિકાસ એ મિકેનિઝમોને ઇતિહાસની મહાન રંગભૂમિ ઉપર ક્રિયાશીલ બનાવશે. આ બધા પ્રયોગો જે ઇતિહાસે માણસ સાથે એની મહાન પ્રયોગશાળામાં કર્યા તે કાફકાએ વર્ષો પહેલાં એની નવલકથાઓમાં કર્યા. Import of Kafka’s novels lies precisely in their ‘uncommitedness, that is to say in their total autonomy from all political programmes, ideological concepts and futorogical prognoses. કવિ જો ‘કવિતા (સત્ય) ક્યાંક પાછળ છે’ એ શોધ ચલાવવાને બદલે પહેલેથી જ જાણીતા સત્યની સેવામાં લાગી જાય તો એણે કવિતાનું જે યોગ્ય મીશન છે એને તિલાંજલી આપી દીધી છે. પછી એ પૂર્વાધારિત સત્ય ક્રાન્તિ હોય, વિરોધ હોય, ખ્રિસ્તી શ્રદ્ધા હોય કે નાસ્તિકતા હોય એ તદ્દન બિનમહત્ત્વનું છે. કુન્દેરા છેવટે કહે છે કે હું જો કાફકાના વારસાને જોરથી પકડી રાખતો હોઉં, એનો મારા અંગત વારસા તરીકે બચાવ કરતો હોઉં, તો તે એટલા માટે નહીં કે હું જે અનનુકરણીય છે એનું અનુકરણ કરવાનું ઉપયોગી માનું છું, પણ એટલા માટે કે આ વારસો નવલકથાની મૂલગામી સ્વાયત્તતાનું એક જબરું દૃષ્ટાંત છે. આ સ્વાયત્તતાને કારણે ફ્રાન્ઝ કાફકાએ આપણને માનવીય પરિસ્થિતિ અંગે જે બાબતો કહી છે એને કોઈ સમાજશાસ્ત્રીય કે રાજકીય ચિંતન કદાપિ કહી શકવાનું નથી. કુન્દેરા ખૂબ ભારપૂર્વક કહે છે કે સાચો સર્જક અપ્રતિબદ્ધ છે – એ અર્થમાં કે કોઈક સત્યના સમર્થનમાં એ કૃતિ સર્જતો નથી. બીજી અગત્યની વાત એ બહાર આવી કે ઑફિસ જેવા નીરસ સંગઠનમાં પણ કાફકાએ fantastic જોયું. આ fantastic જોવાની શક્તિ સર્જકની મહામૂલી મૂડી છે. મિલાન કુન્દરાએ મધ્ય યુરોપના, વિરલ સંસ્કૃતિ અને લોકો વચ્ચેના, સુભગ સંગમને મન હલાવી નાખે એમ વધાવી લીધો. એમણે જોરશોરથી જણાવ્યું કે મધ્ય યુરોપમાં જેટલા જેટલા વિદ્રોહો થયા એ માટે રેડિયો, ટેલિવિઝન, અખબારો એ બધાં સામૂહિક માધ્યમોએ કોઈ ભૂમિકા ભજવી નથી કારણ કે તેમના ઉપર તો પ્રતિબંધ હતો. પ્રેરણા-બળ તો એમને મળ્યું છે નાટકો, ચલચિત્રો, નવલકથાઓ, તત્ત્વજ્ઞાનીય ગ્રંથો વગેરેને લીધે. આપણે ત્યાં ક્યાંક કંઈક ખોરવાયું છે. સર્જન અને લોકો વચ્ચે ખાઈ આજે દેખાય છે એવી તો કદાચ ક્યારેય નહોતી. આની પાછળનાં સાચાં કારણોની તપાસ થાય, અને અહીં એવી સર્જકતા પાંગરે કે લોકોને કટોકટીમાં બચાવવા માટેનું એ એક જીવંત મૂલ્ય બની જાય – એવી શુભેચ્છા.

[ઑગસ્ટ, ૧૯૮૫