ગાતાં ઝરણાં/મયખાર બનીને રહેવું છે

Revision as of 02:51, 13 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big><big>'''મયખાર બનીને રહેવું છે!'''</big></big></big></center> {{Block center|<poem> મંઝિલની અડગતા, પંથીનો નિર્ધાર બનીને રહેવું છે, સો વાર મહોબ્બતમાં બગડી એક વાર બનીને રહેવું છે. ફરિયાદ, જીવનના અંત સુધી ભગ્ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મયખાર બનીને રહેવું છે!


મંઝિલની અડગતા, પંથીનો નિર્ધાર બનીને રહેવું છે,
સો વાર મહોબ્બતમાં બગડી એક વાર બનીને રહેવું છે.

ફરિયાદ, જીવનના અંત સુધી ભગ્નાશ હૃદયને કરવા દો!
ખામોશ બની જાતાં પહેલાં પોકાર બનીને રહેવું છે.

ધનભાગ્ય જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં માંડ્યાં,
બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે.

જ્યાં પ્રેમનો પાલવ પથરાયો, ત્યાં ડાઘ પડ્યા બદનામીના,
સંસારની છાની વાતોને ચકચાર બનીને રહેવું છે.

હંમેશનાં રોતલ નયનોને એકવાર હસાવી તો જાણો!
ઝાકળને ઘડીભર પુષ્પોનો આકાર બનીને રહેવું છે.

એક કંપ ગગનમાં છાનો છે, ભય સૌને ખરી પડવાનો છે,
પ્રત્યેક સિતારાને મારો આધાર બનીને રહેવું છે.

નેકી ને બદીમાં અટવાતું, જોયું છે ‘ગની’ જીવન તારું,
સૂફીને સલામો ભરવી છે, મયખાર બનીને રહેવું છે !

૧૪-૮-૧૯૫૨