ગાતાં ઝરણાં/ઝિન્દાબાદ હિન્દુસ્તાન

Revision as of 02:07, 14 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big><big>'''‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન!’'''</big></big></big></center> {{Block center|<poem> ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’ આકાશે ફરકંતું રહેજો ત્રિરંગી નિશાન, ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન!’

‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’
આકાશે ફરકંતું રહેજો ત્રિરંગી નિશાન,
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

મુક્ત વસંતો, મુક્ત હવાઓ, મુક્ત ઝૂલે હરિયાળી,
મુક્તપણે ઉપવનમાં સૌને ફરવા દેજે માળી !
મુક્ત સ્વરે તું ગાજે બુલબુલ ! મુક્તિ કેરાં ગાન,
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

કાળ જતાં એ કાળાં વાદળ કાયમનાં વિખરાશે,
પાનખરે પીંખેલું ઉપવન પુનઃ લીલુંછમ થાશે;
આઝાદીનાં પર્વ ગણાશે પ્રગતિનાં સોપાન,
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

રણસંગ્રામે નિત્ય ઝૂઝયા છે કૈંક માડીના જાયા,
પ્રાણ દઈ જેઓએ પૂર્યા આઝાદીના પાયા,
આભમહીંથી પોકારે એ વીરોનાં બલિદાન :
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

તાપ ખમી સંતાપતણો એક નવું ઘડાશે જીવન,
જે જીવનમાં માનવ કરશે માનવતાનાં દર્શન;
ઊંચું મસ્તક લઈને ફરશે આ તારાં સંતાન !
‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દાબાદ હિન્દુસ્તાન !’

૨૬-૧-૧૯૫૦