ગાતાં ઝરણાં/શહીદને

Revision as of 02:12, 14 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શહીદને


શહીદ! મારા અંતરમાં બાવલું તમારું,
         મને જડને ચેતન અર્પનારું;
                      શહીદ મારા...

ના કોઈ માટીએ એને ઘડેલું,
ના કોઈ ધાતુથી એને મઢેલું;
શિલ્પી હું પોતે સ્મરણની કળાનો,
          હૈયાના ગોખમાં ઉતારું;
                 શહીદ મારા...

ઉરના ઊંડાણ મહીં શ્રધ્ધાનો રંગંભરી,
ભાવનાની પીંછીએ નવલો આકાર કરી,
પાંપણ કરી બંધ અંતરના લોચને,
            નીરખ્યા કરું એકધારું,
                   શહીદ મારા...

હૈયે બિરાજતી મૂક એ પ્રતિમા,
દેતી મને વારે વારે સાદ ધીમા ધીમા,
ભૂલી પડેલ મહામૂલી માનવતાને
             કર્તવ્ય-પંથે દોરનારું,
                   શહીદ મારા…

૨૩-૮-૧૯૪૯