પોલાણ સિવાય તો કેમ સંભવી શકું?
ગળામાં ગત-સમયના ગળાફાંસાના આંટા જોેયા?
એને તમે ટુંપાઈ ગયેલી ઇચ્છાઓનું નામ આપી શકો.
મારું મોં યા તો મારા માથા પરથી
અવાજનું ઢાંકણ ઉતારી લેતાં જ હું અનેકવિધ સ્વભાવમાં
ખલખલ વ્યક્ત થઈ જાઉં છું;
ગ્લાસમાં, ભોંય પર, તમારામાં.. કેટલે બધે?
મારા ગળા સુધી ઝેર પણ ભરવામાં આવે...
ને પારાનું પારાપણું ક્યારેક જીરવી શકાતું નથી;
ને દવાઓ ગળા સુધી ભરાયેલી
તો ય બિમારીની જેમ પોલાણ ઘર કરી બેઠું છે ને
એના અનેકવિધ રંગોથી પીડાઉં છું...
...ખખડતા હાસ્ય સિવાયના અદૃશ્ય રહેતા તીણા તીણા
દાંતને તમે જોયા?
મને કશાકની સાથે અથડાવો
ને ખખડીને હું ફૂટી શકીશ,
જંગલી બિલાડી કે ચિત્તાના જેવા ઉપસી આવતા
મારા દાંતથી ઉઝરડાઈને પટકાઈ આવીશ હું
તમારી ત્વચા પર કાળું લોહી થઈને.
ને આમ પોલાણ સિવાય—
છતાં મારા પોલાણને પાણીથી ભરી દઈ
પરપોટા ઉચ્છવાસતાં ઉચ્છવાસતાં ડૂબીને દેહવિલોપન
કરતા માણસની જેમ મટી જઈ શકું
પરંતુ ગળાના આંટાઓથી સતત પીડાતા
કોઈ પ્રેતને મારામાં ઉતારી
જમીનમાં દાટી દેવામાં આવે છે
ને મોક્ષની માન્યતામાંથી ઊગરી શકાતું નથી.
ફરી પોલાણથી લદાઈને સંભવું છું...
–પોલાણ સિવાય તે કેમ સંભવી શકાય?
૨૨-૧૨-૧૯૭૧