– અને ભૌમિતિકા/રાત્રે ઑફિસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાત્રે ઑફિસ


... .... સ્વિચ્.
અજવાળું અવાજતા ટ્યુબલાઈટોના ધોળા સાપ
... ... ચૂપ.
અંધારું ઝબકીને જાગી ઊઠે
ને બ્લૉટીંગ પરની ગોકળગાય તગડી થાય.
બોબડા-બ્હેરા રિસીવરના સૂઝી ગયેલાં
કાન-હોઠના થર ઉપર થર બાઝે,
કોલબેલની ડીંટટી ઉપર
ચોંટી ગયેલા પટાવાળાના કરડા કાન;
કાચનાં પેપર-વેઈટ થઈ ટેબલ પર પડી રહેલી
બૉસની આંખો.
ટાઇપિસ્ટ ખુરસીની માંજરી કીકીઓ... ...
હરતાં ફરતાં ટેબલ તાકે...
સ્મિત તો સોપારી મમળાવે.
ટેબલફેનની પાંખો છાતીના પિંજરમાં બંધ.
આખો ય દિવસ સંભોગાતી ફાઈલોને
ફુરસદ ફળે,
અંધારું પીતી કલમમાંના અક્ષરો ગર્ભાય,
કેલેન્ડરને કીકી બદલવાનું કામ.
ઘડિયાળી લુહાર
સૂરજનું ચકતું ટીપ્યા કરે... ટીપ્યા કરે...
આખી ય રાત અંધારું
અજવાળાનો કાગળ ટાઇપ કર્યા કરે.

૨૬-૧૨-૧૯૭૦