આથમણી કોરનો ઉજાશ
૨૦૧૬ની સાલમાં એક સવારે વિચાર આવ્યો કે, આજસુધી વિશ્વનાં જુદાં જુદાં સ્થળે મર્યાદિત સમય માટે પ્રવાસી તરીકે ગયેલા ઘણા લોકોએ અલપ ઝલપ, ઉપરઉપરની વિગતો લખી છે. પરંતુ ૪૦-૪૫ વર્ષો વિદેશમાં રહ્યા પછી, સંઘર્ષ વેઠીને, અનુભવેલી સારી ખોટી તમામ અનુભૂતિઓને અતિ ઝીણવટથી અને તટસ્થતાપૂર્વક લખાયેલ જાણમાં નથી. આવા એ વિચારને પરિણામે બે દેશો (યુ.કે. અને યુ.એસ.એ.)ની વિકટ અને નિકટની વાતો પત્રશ્રેણીરૂપે લખવાની શરૂઆત થઈ. આમ તો કવિતા તરફ સવિશેષ લગાવ. પણ ગદ્યમાં પ્રિય સાહિત્ય-પ્રકાર પત્ર-સ્વરૂપ. તેમાં વળી ૪૮ વર્ષની પાકી મૈત્રીનો ઢાળ મળ્યો. પાંચ દાયકાથી યુ.કે.નિવાસી નયના પટેલે પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ સંપૂર્ણ સહકાર આપ્યો. તો ડાયસ્પોરા સર્જનના સંશોધક શ્રી બળવંતભાઈ જાનીએ આ પત્રશ્રેણીની પાંખોમાં પવન પૂર્યો. પરિણામે 'આથમણી કોરનો ઉજાસ' નો જન્મ થયો. ૨૦૨૦ના માર્ચ મહિનામાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી પત્રશ્રેણીરૂપ આ પુસ્તકને (૨૦૧૭ના વર્ષનું) ડાયસ્પોરા પારિતોષિક જાહેર થયું. તે પછી તેનો અંગ્રેજી અનુવાદ પણ થયો અને તે ' Glow from western shores' નામે પ્રકાશિત થયો. આમ, વિદેશના ચારેક દાયકાઓના અનુભવોનું મૂલ્યાંકન થયું. સંતોષની આ સમૃદ્ધિ અને આભા કલમને વધુ બળ આપી રહી છે. જાણીતા સાહિત્યકાર શ્રી જુગલકિશોર વ્યાસ કહે છે કે, "બે હૈયાં વચ્ચે સ્ફુરી ગયેલાં બે ઝરણાંના ખળખળતા મધુરા જળપ્રવાહનો આ શાબ્દિક વિડીયો છે !! 'એકત્ર' ફાઉન્ડેશને અત્રે પ્રસ્તુત કરવાની તક આપી તેનો રાજીપો વ્યક્ત કરું છું. આશા છે, સુજ્ઞ સાહિત્ય-જગત આ પુસ્તકને અહીં આવકારશે.
— દેવિકા ધ્રુવ