– અને ભૌમિતિકા/ભૌમિતિકા
ભૌમિતિકા
૧
પર્વતમાળાની નિતંબી રેખા જોઈને
હું શીખ્યો તે વક્રરેખા ગુફાની દીવાલ પર
પાંદડાંમાં થઈ ધરતીને ભેટતી
સૂર્યકિરણની રેખા જોેઈ
સીધી રેખા શીખ્યો પણછના તણાવ પર;
ને તેં લંબાવેલા સફરજનને
પાંચ આંગળીઓ વચ્ચે આમતેમ ફેરવી
દોરતાં શીખ્યો વર્તુળ.
કક્કાના પહેલા દંતક્ષતથી
સફરજન વિસ્તર્યું પૃથ્વીના ગોળાર્ધને વટાવી દૂ...ર... દૂ...ર
ચંદ્રના પલ્લા પર મૂકું ચરણ
ને ત્રિકોણના ગણું અહીંથી
અ... બ...
કિંતુ હે ભૌમિતિકા!
શેષ કયા ખૂણાને સાચવીને બેઠી છે તું?
ક્યાં?
૨
તારી જાંઘોના ચાપથી દોરાયેલા
મેઘ-ધનુષી અર્ધ-વર્તુળમાં
બેઠી છે તું, હે ભૌમિતિકા!
ને સરોવરની સપાટી જેવા
મારા કાગળ પર
એનું ઊલટ પ્રતિબિંબ જોડાઈને
રચે છે એક કંગન...
ને પસાર થઈ આવું છું એમાંથી.
મારી પાંચ પાણી-પાતળી આંગળીઓને
તારા પરિધિ-સ્પર્શનું
આલિંગન દે.
૩૦-૭-૧૯૭૮