યોગેશ જોષીની કવિતા/સંબંધ

Revision as of 05:36, 19 February 2024 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંબંધ

સંબંધ હતો મારે
એ ડોસી સાથે.
મને
તો એની ખબરેય નહિ!

રહેતી એ
સામેના બ્લોકમાં,
ભોંયતળિયાના ફ્લેટમાં.

મારા બીજા માળના ફ્લેટની ગેલેરીમાંથી
એ નજરે પડતી—
બેઠી દડીના ધોળા પોટકા જેવી.
ઓટલે બેઠી બેઠી
કશુંક સાંધતી–થાગડથીગડ કરતી,
કશુંક વીણતી–તારવતી
કે વાસણ અજવાળતી.

મારી ગેલેરીમાંથી
એનો ચહેરો દેખાતો નહિ.
માથે ઓઢેલ કધોણ પડેલા ધેાળા સાડલા નીચે
બસ,
ધૂંધળું અંધારું દેખાતું!
એ અંધારામાં
કેવો હશે
એનો ચહેરો? એની આંખો?!
ઊંડા અંધારા ગોખમાં
ટમટમતા દીવા જેવું
ચમકતું હશે એમાં કોઈક તેજ?
કેવી હશે
ચહેરા પરની કરચલીઓ?!
સમયે એમાં પાડ્યા હશે ચાસ?!
કેવું હશે
એની બોખી દાબડીનું હાસ્ય?!

આ અગાઉ કદી
આવું વિચાર્યુંય નથી.
એનું નામેય નથી જાણતો હજીય તે!

સાંજે ઑફિસેથી આવતાં જાણ્યું
એ ડોસી
મરી ગઈ....

અધરાતે મધરાતે
ગેલેરીમાં બેઠો બેઠો હું
હાંફતો-ખાંસતો હોઉં ત્યારે
અંધકારના ઓળા જેવી એય ખાંસતી
ગાભાની ગોદડીમાં બેઠી બેઠી
ઓટલા પર;
કેમેય એનું મોં ભેગું થતું નહીં
એકધારું ખાંસતાં ખાંસતાં
બેવડ વળી જતું એ પોટકું.
રાતના ગઢમાં
ગામડાં પાડે એવી ખાંસી છતાં
કોઈ જ ઊઠતું નહિ એને દવા પાવા....

મારી ગેલેરીમાં બેઠો બેઠો હું
મનોમન
એની પીઠે હાથ ફેરવતો.

એના મરણ પછીની રાત્રે
મને ખાંસી ચડી,
થયું, હમણાં સામેથી આવશે
પેલી ડેાસીના ખાંસવાનો અવાજ
પણ... પણ... પણ... ....

ત્યારે
પહેલી જ વાર મેં જાણ્યું :
એ ડોસી સાથે
સંબંધ હતો મારે
સાથે ખાંસવાનો....
સાથે હાંફવાનો... ...