વિનોદ જોશીનાં કાવ્યો/‘સૈરન્ધ્રી’નો અંશ

Revision as of 00:36, 21 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
‘સૈરન્ધ્રી’નો અંશ

            સર્ગ : ૨

સ્મરણલોક ખૂલે ઉંબરમાં,
ચારુ ચિત્ત છલકે પળભરમાં;
સાવ એકલી, કોઈ ન રોકે,
ભેદ-ભરમ નિજના અવલોકે.

નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા,
મુગ્ધ વસંતી શૈશવમુક્તા;
રક્તચાપના સહે ઉછાળા,
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા.

ઇચ્છાઓનાં કર્યાં વિલોપન,
કર્યાં ક્રૂર વાસ્તવનાં અંજન;
સમયપટંતર સર્વ ખસેડ્યાં,
શિથિલ તાર સરગમના છેડ્યા.

પડછાયાને લીધા જોખી,
અળગી મૂકી જાત અનોખી;
સૂરજ રાખ્યો ભીતર સંગી,
અંધકારને દીધા રંગી.

સહુ સહુની ઓળખ સહુ હાર્યાં,
ગૌરવમંડિત મુકુટ ઉતાર્યા;
શરણાગત થઈ માગી ભિક્ષા,
અવરરૂપની લીધી દીક્ષા.

રહી વિચારી આડુંઅવળું,
ત્યાં જ સ્મરણમાં આવ્યું સઘળું
રચ્યો સ્વયંવર જેને કાજે,
એ જ, હું જ સૈરન્ધ્રી આજે!

ઇજન થઈને વિધ વિધ દેશે,
કરી શોધ પાંચાલનરેશે;
કૂદી છેવટ દાવાનળમાં,
નવ્યરૂપના શાપિત છળમાં

વરણી નિજ પ્રિયજનની કરવી,
કિન્તુ ભર્ત્સના પ્રગટી વરવી;
પાંડુપુત્રનો મહિમા કીધો,
સૂતપુત્રને ત્યાગી દીધો.

પુરુષ પ્રભાવી બે હતા, દીપ્તિમંત ભરપૂર,
દ્રોણશિષ્ય વ્હાલો કર્યો, રાખ્યો કર્ણ સુદૂર.
ક્ષાત્રતેજમંડિત છતાં, કીધો કર્ણ અનાથ,
વિવશ બની લેવો પડ્યો, પાંડુપુત્રનો સાથ!

સ્મરણ રચાયો ફરી સ્વયંવર,
કર્ણ વિરાજે શોભિત સુંદર;
તેજપુંજ છલકાય વદનથી,
સૂર્ય ઊતર્યો હો અંબરથી!

વક્ષ વિશાળ ભુજા બળશાળી,
નેત્રે વિદ્યુત ચમક નિરાળી;
તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી,
વરણ કરી નિજ મનમાં મ્હાલી.

સર્વ નૃપાલ સ્વયંવર માણે,
હતો કર્ણ નિર્હેતુક જાણે;
સ્થાન હતું એને મન ઉત્તમ,
કરવા કોઈ અનન્ય પરાક્રમ.

ધૃષ્ટદ્યુમ્ન ભ્રાતાએ નૂતન,
મત્સ્યવેધનું કર્યું નિવેદન;
સર્વ નૃપાલો ઊઠ્યા ચોંકી,
સસ્મિત કર્ણ રહ્યો અવલોકી.

દૃષ્ટિ સ્હેજ સ્પર્શીને સરકી,
પાંચાલી નખશિખ ગઈ થરકી;
રહી બાહુબલિ નરને જોતી,
તરત પરોવ્યાં મનનાં મોતી.

વજ્રદેહની અદ્ભુુત કાન્તિ,
વિલસે વદન પરમ વિશ્રાન્તિ;
પ્રતિપળ ઉદ્યત, પુંસક ભાસે,
યથા પૂર્ણ આદિત્ય ઉજાસે.

મન્મથ મત્ત વિભાવે મોહે,
ઓષ્ટકંપ અનુભાવે સોહે;
ફરકે લજ્જા ઉચ્છલ અંગે,
જાણે હળવી થાપ મૃદંગે.

લીધો તરત મનોમન સેવી,
કરી કામના કરવા જેવી;
પૂર્ણ થઈ ગઈ સર્વ સમીક્ષા,
આ જ પુરુષની હતી પ્રતીક્ષા.

એકાધિક ઊભા થયા, વીર વરેણ્ય નૃપાલ,
પાર ન પાડી કોઈએ, મત્સ્યવેધની ચાલ.
અંતે ઊઠ્યો ક્ષુબ્ધ થઈ, જ્યાં નરપુંગવ કર્ણ,
ધુષ્ટર્ધુમ્ન પૂછી રહે : ‘પ્રથમ જણાવો વર્ણ.’

ક્ષણ-ક્ષણાર્ધમાં ઊભો અટકી,
અંતર શૂળ કોઈ ત્યાં ખટકી;
ઓળખમાં યોદ્ધો અટવાયો,
સૂતપુત્ર, કુંતીનો જાયો!

ક્ષાત્રધર્મની ધરી તિતિક્ષા,
પરશુરામથી પામ્યો દીક્ષા;
તેજપુંજથી ઝળહળ કાયા,
અક્ષત કુંડળ-કવચ જડ્યાં.

દિવ્ય મંત્રવિદ્યાનો ધારક,
નિપુણ ધનુર્ધર શત્રુવિદારક;
શતસહસ્ર સેનાસંહારક,
ધ્વસ્ત દુર્ગનો પણ ઉદ્ધારક.

માતા કુંતી વિવશ અભાગી,
સરિતાજળમાં દીધો ત્યાગી;
કાંઠે આવી કેવળ કાયા,
અધવચ ડૂબી કુળની છાયા.

પંડ પરાક્રમ કરી બતાવે,
કુળનું ગૌરવ કામ ન આવે
માત્ર જાતને લીધું પૂછી,
પડછાયાને નાખ્યો લૂછી.

પાલ્યપુત્રના પ્રગટ્યા ઓજસ,
ઉત્તરરૂપે વદ્યો અનૌરસ :
‘વંશજ અધિરથ ને રાધાનો,
કરું ધ્વંસ સઘળી બાધાનો.

ભાલ વિરાટ પરાક્રમ છાજે,
સૂતપુત્રનો મુકુટ વિરાજે
સોહે વીર પુરુષ ધીરત્વે,
પરિચય પ્રગટ થાય વીરત્વે.’

પ્રિયજન બોલ્યો પ્રાંજલ ભાષા,
પાંચાલીમન પ્રગટી આશા;
હૃદયકુંજમાં હતો સમાયો,
અંગેઅંગ હવે છલકાયો.

વદી આટલું ગર્વથી, કરવાને આરંભ,
કર્ણ શીઘ્ર પહોંચી ગયો મત્સ્યવેધને સ્તંભ,
ધૃષ્ટદ્યુમ્ન તત્કાળ ત્યાં, રોકે કર્ણ સુધીર :
‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર.’

હતો કર્ણ કૌન્તેય પરંતુ,
પ્રગટ ગોત્ર ન્હોતું કુળવંતું;
વચન સુણી ભ્રાતાનાં વસમાં,
સળગી પાંચાલી નસનસમાં.

ધ્રૂજી વરમાળા નિજ કરમાં,
ગયો શ્વાસ કંપી ક્ષણભરમાં;
વદન વળ્યો પ્રસ્વેદ પલકમાં,
પડી તિરાડો ચિત્તફલકમાં.

રહી વિચારી વ્યાકુળ કૃષ્ણા :
તીવ્ર સતાવે અતુલિત તૃષ્ણા,
પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં;
હવે નહીં પામું જીવનમાં.

દુહિતા, ભાર્યા, ભગિની જેવા,
કારાવાસ રચાયા કેવા?
વક્ષ, નિતંબ, કનકકટિયુક્તા,
હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?

યજ્ઞસુતા હું, શ્યામલગાત્રી,
સચરાચરમાં એકલયાત્રી;
જ્વાળારૂપ અનન્યા કન્યા,
સકળલોકમાં એક જ ધન્યા.

સતત આમ અવિરામ વિચારી,
પાંચાલી છેવટ ગઈ હારી;
લીધી સંકેલી અભિલાષા,
પ્રથમ પ્રેમની ભૂંસી ભાષા.

વીર કર્ણ ભાસે હતભાગી,
તીક્ષ્ણ ધાર ગૌરવને વાગી;
દાવાનળ દાબીને બેઠો,
દ્વન્દ્વ અગોચર ઉરમાં પેઠો.

કોણ નિકટ લાવીને તોડે?
કોણ વિભક્ત કરીને જોડે?
કેમ નિયતિના ખૂલે કોઠા?
રાગ-ત્યાગના ઊકલે ઓઠા?

અંતે અર્જુન સંચર્યો, સ્તંભ સમીપે જાય,
સૂતપુત્રનો અનુજ હતો, કિન્તુ કુલીન ગણાય.
ક્રીડાપૂર્વક મત્સ્યની, વીંધી અઘરી આંખ,
આરોપી વરમાળને, પાંચાલી થઈ રાંક!

એક દ્વારને બંધ કરીને,
બીજા દ્વારે ચરણ ધરીને;
રહી પ્રવેશી વ્યાકુળ મનમાં,
સમાધાનથી શાપિત વનમાં.

દ્વૈત રચાયું વિધ વિધ રાગે,
દ્વન્દ્વાતીત કશું નવ લાગે;
નહીં અટકતી આવનજાવન,
નહીં કશું લાગે મનભાવન.

આ દિશ ભાર્યાપદને પામી,
ઓ દિશ ખોયો મનનો સ્વામી;
આગળ દીઠું ઝાંખું દર્પણ,
પાછળ છોડ્યું સહજ સમર્પણ.

હોય અનન્ય અપેક્ષા સેવી,
એ જ પડે તરછોડી દેવી;
પ્રાપ્તિ-લુપ્તિની શી પરિભાષા?
વળગે કેમ અહર્નિશ આશા?

સમાધાન મનમાં જઈ ઠરતું,
હૃદય સહજ સ્વીકાર ન કરતું;
ભરે વિચારો ફાળ હઠીલા,
રહે કંપતા ભાવ રસીલા.

ચાલી ડગલે ડગલું ભરતી,
જીવ્યા પહેલાં જાણે મરતી;
અનુસરતી અર્જુનને નારી,
પાંડવ અન્ય હતા સહચારી.

પંડ થકી પણ લાગ્યા ભારે,
શ્વાસોચ્છ્વાસ ઉપાડ્યા જ્યારે;
થયો પ્રાપ્ત નહિ કર્ણ વરણથી,
ભીતર કિન્તુ ભળાય સ્મરણથી.

નિજગૃહ આવી ઊભાં દ્વારે,
અર્જુન ઊંચે સ્વર ઉચ્ચારે :
‘માત! વસ્તુ અનુપમ સ્વીકારો,
દોડી પ્રથમ ઉઘાડો દ્વારો.’

કુંતી અંદરથી વદે : ‘વહેંચી લો સમભાગ,
જે લાવ્યા તે સંપથી, રાખીને અનુરાગ.’
દ્રુપદસુતા ચોંકી ગઈ, થયો પ્રચંડ પ્રહાર,
અર્જુનભાર્યા એકના, થયા પાંચ ભરથાર!

પુનઃ દ્રૌપદી ચડી વિચારે,
ભીતરથી કોઈ પડકારે :
હું કેવળ ભર્તાની ભુક્તા
હોય નહીં ભાર્યા સંયુક્તા.

હું અંગાંગ તરંગિત સ્પંદિત,
હું ઉચ્છલ અભિલાષામંડિત;
હું નહિ વસ્તુ કોઈ વિક્રયની,
હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.

મલયજમંજુલ પુનિતશરીરા,
અગ્નિપુંજ હું, ગહનગભીરા;
હું નારી, નિજની સહચારી,
હું સદૈવ મારી પ્રતિહારી.

શું ભર્તા? શું ભાર્યા એવું?
શું દુહિતા? શું ભ્રાતા જેવું?
પડછાયામાં રોપી સગપણ,
નિત્ય વેઠવાં ઠાલાં વળગણ!

થવા મથે કૃષ્ણા નિર્ભ્રાન્તા,
કિન્તુ હવે પાંડવની કાન્તા;
ભાર્યાપદનો ભાર ઉઠાવી,
હવે જીવવું જાત હટાવી.

નવ્ય ફાળ ભરતી પળભરમાં,
સમાધાન કીધું ભીતરમાં;
ધરી ચિત્ત નૂતન આવાહન,
કર્યું નવાં જળમાં અવગાહન.

ત્યાં જ દ્વાર અંદરથી ખૂલ્યાં,
નીરખે માતા વસ્તુ અમૂલ્યા;
લઈ આશકા સ્વાગત કીધું,
સામ્રાજ્ઞીપદ વાંછી લીધું.

ઓળંગે ઉંબર પાંચાલી,
રહે પ્રવેશી યથા પ્રણાલી;
એક ચરણ જ્યાં ચાલ્યો આગળ,
બીજો ઊભો અટકી પાછળ.

વ્યક્તમધ્ય ઝૂલી રહી, ક્ષણભર કૃષ્ણા એમ,
બ્હાર નહીં અંદર નહીં, અટકે ડૂમો જેમ;
માતા કુંતા તત્ક્ષણે, સાહી લઈને નાર,
મનમાં મનમાં ચિંતવે : થયા પાંચ ભરથાર!

નારી બેઉ પરસ્પર જોતી,
જાણે અકળ પરોવે મોતી;
એક હતી પતિ પાંચ સમેતા,
અન્યા પતિવંચિત અનિકેતા.

એકે ખોયું હૃદય પ્રકંપિત,
એકે તનય તજ્યો અવિલંબિત;
ઉભય મનોગતમાં બહુ અંગત,
સેવે વસમા ઘાવ વિસંગત.

કોઈ ન જાણે વડવાનળને,
જુએ સર્વ પોઢેલાં જળને;
ઊર્ધ્વમૂલને સમજી શાખા,
બેઉ જીવતાં જીવન ઝાંખાં.

સર્વવિદિત કે હોય બિનંગત,
ઇષ્ટ ગણાતી એની સંગત;
મધુર કિન્તુ એ એક જ સપનું,
જે સચવાતું છાનુંછપનું.

ગૃહપ્રવેશનો ઉત્સવ કીધો,
અર્જુનનો યશ વ્હેંચી લીધો;
ભ્રાતા સર્વ સમાન વધાવ્યા,
ગૌણ-મુખ્યના ભેદ ભુલાવ્યા.

હૃદય એકમાં રોકી લીધું,
પંડ પાંચમાં વહેંચી દીધું;
ઓઢ્યું અવઢવનું અનુશાસન,
વસ્તુ જેમ જ કર્યું વિભાજન.

ભુવનમોહિની, દ્રુપદદુલારી,
ઇષ્ટ વિશેષણની અધિકારી;
સતત ચિંતવે : કોનો વારો?
કોણ હશે આજે પતિ મારો?

ભાર વહે ભેદી ભીતરમાં,
પાંચાલી પેઠી પિંજરમાં;
સ્તબ્ધ સમય નિશ્ચેતન ભાસે,
કોઈ દૂર, પણ લાગે પાસે.

સ્મરણલોકથી નીકળી, પાછી વળતી નાર;
ઉંબર પર મધરાતનાં, ઊભી પકડી દ્વાર.
શક્ય ન આગળ ચાલવું, નહિ પાછાં પરિયાણ,
અધવચ્ચે અટકી જઈ, ઊભા પરવશ પ્રાણ.