દલપત પઢિયારની કવિતા/પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!

Revision as of 00:48, 1 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!

પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!
ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું...

પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી,
દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી,
આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું...

નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી,
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી,
સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું....

ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જ્યોત શિખાઓ ચડી
ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી,
ઈંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું...

નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળા;
જલ થલ ગગન પવન નહીં પંખી, નહીં વાયક નહીં વેળા;
ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું...
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...