પલક વારમાં વનનાં વન પાર કરી જતાં
હરણાંઓનાં ઝુંડ વચ્ચે
ઘણી વાર મેં જોઈ હતી
તીરની ગતિથી દોડી રહેલી એ હરણી.
પણ આજે મેં એને જોઈ
વનના એક ખૂણે ફસડાઈ પડેલી.
મરડાઈ ગયેલા પગ
અને ચકળવકળ થતી આંખો.
મૃત શરીરમાંથી છૂટવા મથતી ગતિ
ફરી ફરીને જન્મે છે
અને પાછળ રહી જવા માટે સર્જાય છે
નિત નવાં અરણ્ય.
ગતિ,
કોઈની આંખોમાં, કોઈના પગમાં
લળી લળીને ડોકિયાં કરે
અને શરૂ થાય એક નિર્દોષ યાત્રા.
તે દરમ્યાન
સેળભેળ થઈ જાય અંત અને આરંભ
અને દોડતું રહે એક શરીર,
એક જંગલથી બીજે જંગલ
અને તેની પાછળ શિકારીઓનું એક ટોળું.
અંતે સૌ થાકે
અને ગતિ
એ સૌની નજરથી સોંસરવી
નીકળી જાય
ક્યાંય આગળ ને આગળ.
હરણીનું સોનેરી શરીર
ન રોકી શકે એને.