કંદમૂળ/ન્યૂઝીલૅન્ડ — પાંખ વગરનાં કીવી
નજર પડે ત્યાં સુધી પથરાયેલાં
લીલાં ઘાસનાં મેદાનમાં
ચરી રહ્યું છે એક ઘેટું,
અસહ્ય શાંતિથી.
અને મારા પગ પાસે
આમતેમ ફરી રહ્યાં છે
પાંખ વગરનાં કીવી.
અહીં કોઈને મારો જરાયે ડર નથી.
હું ઊંચે નજર કરું છું આકાશમાં
અને આ ઘેટાએ કે આ કીવીએ
ક્યારેય નથી જાણી
એવી એક ઉડાન,
ધબાક કરતી પછડાય છે જમીન પર.
અહીં કોઈને સંભળાતો નથી એ અવાજ
અને હું પણ કંઈ બોલવા નથી ઇચ્છતી.
એક નવા દેશમાં,
અજાણી ભાષાઓ વચ્ચે.
હું મૂંગીમંતર વિસ્તરી જઉં છું
ઘાસનું મેદાન બનીને.
ખાઉધરું ઘેટું ખાધા કરે છે ઘાસ.
પાંખ વગરનાં કીવી
રમતાં રહે છે
બરફના ઢગ પર.
અને હું મારો સમય પસાર કરવા
પથ્થર પર ચીતરી રહી છું,
માઓરી ભાષાના કેટલાક સ્થાનિક શબ્દો.
(કીવી પક્ષી ન્યૂઝીલૅન્ડનું રાષ્ટ્રીય પ્રતીક છે, જે ઊડી નથી શકતું. માઓરી, ત્યાંની સ્થાનિક ભાષા છે. )