નારીસંપદાઃ વિવેચન/સુધારકયુગનું વાતાવરણ તથા ત્યારની કવયિત્રીઓ
૭
(૧૮૫૦થી ૧૮૮૦)
ઈ. સ. ૧૭પ૭થી ભારતમાં અંગ્રેજી રાજ્ય સ્થપાઈ ચૂકેલું. અંગ્રેજી આણ હેઠળ દેશમાં ઔદ્યોગિક સંસ્કૃતિ દ્વારા યંત્રવાદ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ પ્રસારિત થઈ હતી. ૧૯મી સદીની શરૂઆતથી નવાં મુદ્રણયંત્રો સાથે કેળવણીક્ષેત્રે નવી હવા પ્રસરી. અંગ્રેજી સાહિત્ય દ્વારા ભારતીય જીવનમાં મોટું પરિવર્તન લાવતો આ અર્વાચીન યુગ પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિનું મિલનસ્થાન બન્યો. ભારતના આંતરજીવનમાં સૂક્ષ્મ સાંસ્કૃતિક ક્રાન્તિ શરૂ થઈ. વર્તમાનપત્રોનો આરંભ થયો. લોકજાગૃતિમાં પશ્ચિમની સંસ્કૃતિની દેન સમાં આ વતમાનપત્રોએ ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો. ઈ. સ. ૧૮૨૨માં એક પારસી સદ્ગૃહસ્થે ‘મુમબઈ સમાચાર' નામનું સાપ્તાહિક શરૂ કર્યું. સને ૧૮૨૨માં ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણ પ્રગટ થયું. ઈ. સ. ૧૮૪૯માં ‘અમદાવાદ વરતમાન’, ઈ. સ. ૧૮૬૦માં ‘અમદાવાદ સમાચાર’ અને ઈ. સ. ૧૮૬૬ માં ‘ગુજરાત સમાચાર' ‘પ્રજાબંધુ ' નામથી પ્રગટ થયાં.
કેળવણીક્ષેત્રે ૧૮૨૬માં પ્રથમ ગુજરાતી શાળા સ્થપાઈ હતી અને ઈ. સ. ૧૮૪૪માં અમદાવાદમાં અંગ્રેજી શાળા શરૂ થઈ. ઈ. સ. ૧૮૨૦માં જન્મેલા કવિ દલપતરામે ૧૮૪૫માં ‘બાપાની પીંપર' કાવ્ય દ્વારા અર્વાચીનતાનું સૂચન કર્યું. ઈ. સ. ૧૮૩૩માં જન્મેલા કવિ નર્મદે દલપતરામના સુધારવાદી વલણને વેગ આપ્યો. એણે બુદ્ધિવર્ધક સભા, તત્ત્વશોધક સભા તથા માનવધર્મ સભા સ્થાપી. નર્મદે બે સાહસિક વ્યાખ્યાનો - ‘ઈશ્વરે અવતાર લીધો નથી' અને ‘પુનઃર્વિવાહ’ પર આપ્યાં એ ગાળામાં ‘બુદ્ધિપ્રકાશ' સામયિક પણ શરૂ થયું. સને ૧૮૬૦માં મહિપતરામ રૂપરાય નીલકંઠ તથા કરસનદાસ મૂળજીના પરદેશગમનથી પશ્ચિમની દુનિયા ભારતની જાણે નજીક આવી. ૧૮૬૮માં ગુજરાતની પ્રથમ મૌલિક નવલકથા ‘કરણઘેલો’ પ્રગટ થઈ. આમ ગુજરાતના જીવન-પ્રવાહમાં અનેકવિધ પરિવર્તનો, સુધારાઓ સાથે અર્વાચીનતાનો પ્રારંભ થયો. આ સુધારક યુગના મુખ્ય ધુરંધરો નર્મદ-દલપત એ બન્ને સમાજની જુનવાણી જડતાને ધરમૂળથી હચમચાવી મૂકી. દલપતરામે ‘હુન્નરખાનની ચઢાઈ' દ્વારા મૂડીવાદ અને ઉદ્યોગવાદ પર પ્રહારો કર્યાં. નર્મદે બાળલગ્નનો વિરોધ, વિધવા-વિવાહની ક્રાન્તિ, કન્યા-કેળવણી માટે જાગૃતિ વગેરે દ્વારા જડ રૂઢિથી ઠીંગરાયેલા ભારતીય જીવનમાં મુક્તિનાં દ્વાર ખોલ્યાં. અંગ્રેજી સાહિત્યના સ્વાતંત્ર્ય, મનુષ્યપ્રેમ, બૌધિકતા અને વૈજ્ઞાનિકતા વગેરે પરિબળોની અસરથી જનજીવન સંસ્કારાભિમુખ થયું. પશ્ચિમી સાહિત્યનાં નિબંધ, નવલકથા, ચરિત્ર, નાટક વગેરે સ્વરૂપો ગુજરાતી સાહિત્યમાં અપનાવાયાં. આ સાથે સાથે કાવ્યક્ષેત્રે પણ નવી ક્ષિતિજોનો ઉઘાડ થયો. કાવ્યવિષયો અને જીવનસાહિત્ય પ્રત્યેનો અભિગમ બદલાયો અને નવીન અભિવ્યક્તિ પામ્યો. સને ૧૮૬૬માં પ્રગટ થયેલી નર્મદની ‘નર્મદકવિતા' એનું સારું દર્શન કરાવે છે.
પારસી કોમની પ્રગતિ : અર્વાચીન યુગના આ આરંભસમયે જે મહત્ત્વનાં પરિવર્તનો આવ્યાં તે લાવવામાં પારસી કોમ પણ અગ્રેસર હતી. પારસી કોમ ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણમાં, ઉદ્યોગમાં તથા વહાણવટામાં ઉત્સાહપૂર્વક પ્રગતિ કરતી હતી, એની સ્ક્રૂર્તિ અને નૂતન ભાવો ગ્રહણ કરવાની તત્પરતા અજોડ હતાં. એમાં અંગ્રેજી જેવું સાહિત્ય પ્રગટ કરવાની હોંશ હતી. સેારાબશાએ ‘હિંદુસ્થાન મધ્યેનું ઝૂંપડું’ નામની લઘુનવલ લખેલી, એમાં મૂળ ફ્રેંચની અંગ્રેજી દ્વારા ગુજરાતી પર અસર જોવા મળતી હતી. ૧૮૫૨માં ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર પણ પારસી હાથ પ્રસરેલો. પારસી કવયિત્રી આલીબાઈનો જન્મ ૧૮૭૫ આસપાસમાં થયો ત્યારે પારસી સ્ત્રીકવિઓએ પણ પોતાનું યતકિંચિત પ્રદાન આરંભ્યું.
જેઠીબા (ઈ. સ. ૧૮૭૧–)
પરંતુ એ પહેલાં ૧૮૭૧માં જન્મેલાં ગુજરાતી ક્વયિત્રી જેઠીબાની વાત કરીએ. જેઠીબા કચ્છમાં ભોમય ગામમાં જાડેજા જાગીરદાર કલાજીને ઘેર જન્મેલાં. તેમનાં માતા નાનીબા હતાં. તેમને ભક્તિનો કૌટુમ્બિક વારસો મળેલો. કેળવણીની વ્યવસ્થિત અને શાસ્ત્રીય તક ન મળતાં તેમણે અક્ષરજ્ઞાન જાતે જ મેળવ્યું. તેમનું પંચીકરણ, રામાયણ, ગીતા વગેરેનું ધાર્મિક વાચન સારું હતું. તેમણે લગ્ન ન કર્યાં, પણ નિર્મળ પારદર્શક જીવન જીવી જાણ્યું. સાદાઈ, તપ અને તિતિક્ષા તેમના ખાસ ગુણો હતાં, જેઠીબા વાલીને નામે ભોમય ગામ પ્રખ્યાત છે. આજે પણ એમનાં પદો તથા ‘ગુરુમહિમા' ભાવથી ગવાય છે. એમનાં ‘ગુરુમહિમા’નો અંશ જોઈએ :
‘ગુરુમહિમા’
“સત્ય દૈવ ગુરુની, હું ચિદાનંદ બાલકી રે
ગુણિયલ ગુરુજી મારા, સત ચિત્ત ને આનંદ-સત્ય ..
આપ વિના આશ્રય નથી, ત્રિકમ રાખો ટેક,
દીન દયાળ દયા કરી, અરજી સુણજો એક.
કહે જેઠીબા જગમાં ઈશ્વર ને ગુરુ એક છે રે
રાખો જલમાં જેમ અલેપ રહે અરવિંદ-સત્ય...
જેઠીબાની આ રચનામાં મધ્યકાલીન ભક્તિ-પરંપરા, જ્ઞાનાશ્રય આદિનાં દર્શન થાય છે. ગુરુભક્તિ વગેરે વિષયો પર એમણે રૂઢ અભિવ્યક્તિમાં પોતાના ભાવોની સચ્ચાઈ ગાઈ છે. આવા સુધારકવાદી સમયમાં (૧૮૫૦થી ૧૮૮૦માં) પણ ગુજરાતી ક્વયિત્રીઓ ભાગ્યે જ જોવા મળે છે એ આશ્ચર્યની વાત છે-ત્યારે ગુજરાતીઓમાં કન્યા-કેળવણી ઓછી હોવાથી આમ થયું હશે. આમ છતાં એક અલ્પખ્યાત પણ શિક્ષિત ક્વયિત્રી ધ્યાન ખેંચે છે તે છે- સવિતાગૌરી પંડ્યા.
સવિતાગૌરી ભવાનીનંદ પંડ્યા (આશરે ૧૮૫૦થી ૧૯૨૫) સને ૧૮૫૦ આસપાસમાં જન્મેલાં સવિતાગૌરી કવિ નર્મદની જ્ઞાતિનાં સુરતના વડનગરા નાગર બ્રાહ્મણ હતાં. તેઓ નર્મદના શિષ્યા તરીકે નર્મદના નિકટ વર્તુળમાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં હતાં. તેઓ લગભગ પંદર વર્ષની વયે વિધવા થયાં. વૈધવ્ય પાળવા અંગેના કૌટુમ્બિક સંઘર્ષથી થાકીને એમણે સુધારાના સેનાની જેવા નર્મદને ઘેર આશ્રય લીધેલો. એમને નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, શામળ જેવાંની ઘણી રચનાઓ કંઠસ્થ હતી. એ એમના કાવ્યરસ સૂચવે છે. એમણે નર્મદ પાસેથી કાવ્યદીક્ષા લેવા માંડેલી અને સ્વતંત્ર રચનાઓ કરેલી ને બે નોટબુકમાં ઉતારેલી. એમણે નર્મદને ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત’નું સંપાદન કરવામાં ઊંડો રસ લઈ મદદ કરેલી. એ એકાંતપ્રિય અને અત્યંત ધાર્મિક વૃત્તિનાં હતાં. એ ગુરુ નાથુભાઈ (કે નથ્થુરામ)ના માર્ગદર્શનથી લાંબો વખત સુધી એકાંત સાધના કરતાં હતાં. નર્મદના અવસાન બાદ ઘણાં વર્ષો પછી તેઓ સને ૧૯૨૫માં અવસાન પામ્યાં. એમની નોટબુકમાંથી કાવ્યશક્તિનાં થોડાં ઉદાહરણો જોઈએ-
“વદે શ્રી રામ વિપરીત વાણી, સીતા ! સુણો નિર્ધાર;
દાનવહસ્તથી મુક્ત કીધાં મેં ધર્મતણે અનુસાર...વદે..
જાઓ જ્યાં મન માને ત્યાં, છે દેશવિદેશ અનેક;
કો રૂપવંતા રાયને મંદિર, જાજો ધરીને વિવેક. ...વદે . ”
અને સમાજસુધારક વૃત્તિ પ્રેરિત કટાક્ષ સાથેનું આ કાવ્ય-
“આ શો ગજબ કરી આવ્યા, રે કોડીલા કંથ મારા?
સાઠ વરસે કુમારી વરી લાવ્યા, રે કોડીલા કંથ મારા!
હું તો ભડકે બળું છું નરકે, રે કોડીલા કંથ મારા!
લોક દીકરીની દીકરી પરખે, રે કોડીલા કંથ મારા!
બાળકડીથી બાળકની શી આશ, રે કોડીલા કંથ મારા!
ઉછરેલાં બાળ પામે નાશ, રે કોડીલા કંથ મારા!”
(“શ્રી હાટકેશ” સામયિકના અંકને આધારે)
સુધારકયુગના આ સમયમાં કેટલીક પારસી ક્વયિત્રીઓ ઉલ્લેખનીય છે- જેમાં ૧૮૭૫ પછીના ગાળામાં આલીબાઈ લીમજી પાલમકોટ પ્રથમ પારસી કવયિત્રી છે. તેમનાં કાવ્યો ત્યારનાં સામયિકામાં પ્રગટ થયાં હતાં, પરંતુ ગ્રંથસ્થ નહોતાં થયાં. તદુપરાંત રતી ફેઝર, ખોરશેદ કાપડિયા તથા પીરોઝ ભરુચાએ પણ સારું કાવ્યપ્રદાન કર્યું છે. એ ત્રણેય કવયિત્રીઓનાં કેટલાંક કાવ્યો રચના, ભાવ તથા છંદપ્રાસની દૃષ્ટિએ સારાં છે. પણ એ ગ્રંથસ્થ થયાં નથી. ખોરશેદ કાપડિયાનાં કાવ્યો આપણા ખ્યાતનામ કવિ ખબરદારે પણ વખાણ્યાં છે. આ જ રીતે એ ત્યારનાં સામયિકોમાં જોવા મળે છે : નવસારી-નિવાસી કવયિત્રીઓ ધન તેહમરરૂપ બાટલીવાળા તથા નાજુ એરચ કરકરીઆ. એ બેઉએ સંખ્યાબંધ ભક્તિકાવ્યો લખેલાં, જેમાંનાં ઘણાં હજી અપ્રગટ છે. ‘એમનાં કાવ્યોમાં ભાષાશુદ્ધિ, ઊર્મિ-વેધકતા તથા ભાવુકતા જોવા મળે છે. ૧ આ પારસી કવયિત્રીઓમાં નાવીન્ય તથા વિષયવૈવિધ્ય ખાસ નથી. પરંતુ એની ભાષાની ચમત્કૃતિ તથા અલંકારશક્તિમાં નવયુગનાં એંધાણ વર્તાય છે.૨
બાઈ ઍસ્તર ખીમચંદ (શ્રીમતી યોસેફ)
(સર્જનસાલ-૧૮૯૫)
પારસી જેમ ખ્રિસ્તી કોમમાં પણ ત્યારે ગુજરાતીમાં કાવ્યો લખાતાં હતાં. એનાં પ્રથમ અને નોંધપાત્ર સ્ત્રીકવિ હતાં – બાઈ એસ્તર ખીમચંદ (મિસિસ યોસેફ) (સર્જન-સાલ ૧૮૯૫). એસ્તરબહેનની જન્મસાલ મળતી નથી. પરંતુ એમના કાવ્યમાં સુધારકયુગ તથા પંડિતયુગની છાયા છે અને છેક ઈ. સ. ૧૮૯૫માં એમનો કાવ્યસંગ્રહ – “સદ્બોધકાવ્ય” પ્રગટ થયો છે. આ કાવ્યસંગ્રહમાં ૩૩ ખ્રિસ્તી ધર્મબોધનાં ગીતો છે. ૨૦ પ્રાસ્તવિક ગીતો, ૩૩ માંગલિક ગીતો છે અને ૨૬ ગરબીઓ છે. એમને નીતિ, સભ્યતા, વેરહીનતા, સુઘડતા, સાંસારિક વ્યવહારો, સત્ય, પ્રેમ અને આનંદનું ગાન વધુ સ્પર્શે છે. એમના સર્જનમાં, પરસ્પર ગાળાગાળી હોય એવાં અરુચિકર ફટાણાંને બદલે મધુર રસિક પ્રસંગોચિત લગ્નગીતો પણ છે. એમાં લગ્ન નિમિત્તેની જુદી જુદી વિધિ ઝીણવટથી આવરી લેવાઈ છે. આ સગ્રહમાં પૈંગલિક છંદોબદ્ધ કાવ્યો, ઉપરાંત દેશી રાસડા, માંગલિક ગીતો, ધોળ તથા નારી-ઉન્નતિનું ગાન વિશેષ જોવા મળે છે. એમની છંદની ચીવટ દોહરા, ચોપાઈ તથા ભુજંગી જેવા પ્રચલિત છંદોમાં સારી છે. એ ઉપરાંત તેઓ નારાચ, વિક્રાન્ત, સમાનિક જેવા છંદોનો પણ ઉપયોગ કરે છે. તેમની પ્રાસસૂઝ પણ સારી છે, તેમનામાં અંગ્રેજ સરકાર તથા ખ્રિસ્તી સંપ્રદાય પ્રત્યેનો ઝોક વધારે દેખાય છે, “મહારાણી રાજ્યના ફાયદા”, “મિસનેરીનું આગમન ને તેથી થયેલો ગુણ” જેવી પ્રાસંગિક રચનાઓ એની સૂચક છે. આ સંગ્રહમાં “કન્યાઓને ઇનામ આપવાના મેળાવડામાં ગાવાની ગરબી” જેવી રચના તો કેવળ પ્રાસંગિક જ છે, પરંતુ ક્યારેકક એમની પ્રાસંગિક રચનાઓ પાછળ પણ કોઈ ઉમદા ધ્યેય છુપાયો હોય છે. એમની “પ્રાર્થના” જુઓ-
“જ્યાં લગ આ જગમાં રહું, ત્યાં લગ ચાહું એમ
સૌનું શ્રેય જ તાકતા તમને રિઝવું કેમ?” ( પા. ૧)
આ ઈશ્વરને એ વિનંતી કરે છે કે,
“કરું ઓ પિતા વિનંતી હાથ જોડી,
બધા દુષ્ટ વિકાર તું નાંખ તોડી.
સદા રાખ પાયાસને પાસ તારી
અહોનીશ સેવા કરું હું તમારી.” (પા. ૪૧)
એવા જ સરળભાવે એ સત્યત્રાતા ઈશુની ભક્તિ દૃઢ આસ્તિકતાથી ગાય છે.
“ઈશ્વરભક્તિ પ્રેમે થાય, અહિંનાં દુઃખો અલ્પ જણાય,
નિકર અહિં ને તહિં છે દુઃખ, મિથ્યા જનમ્યાં માને કુખ.” (પા. ૬)
એમનું ચિંતનશીલ મન જન્મમરણનું તત્ત્વજ્ઞાન કેવું ગાય છે-
“સરણ મર્ણને, સર્વને થવું,
ક્ષણિક દેહ આ, મૂકતાં જવું,
જનમ જ્યારથી, આપણો થયો
નિયમ ત્યારનો મોતનો જડયો” (પા. ૧૧)
(આમાં ‘સરણ', ‘મર્ણ’ તથા પા. ૮ પર ‘શુભ’ને બદલે ‘સૂભ' શબ્દમાં ભૂલ છે. એ અશુદ્ધ ઉચ્ચારણ ભાષાની જાતિગત અલ્પ જાણકારીનું પરિણામ છે.) જ્યારે એમની શબ્દશક્તિનું સાચું દર્શન કરાવે છે : “કક્કારૂપી બોધ” (પા. ૩૪ થી ૩૭) જેમ કે એમાંની ‘ભ' પરની કડી :
“ભ્ભ્ભા ભક્તિ સાચી ભોર, દુષ્ટતણો ક્યમ ચાલે દોર?
ભવ તરવાની એ છે નાવ, ભ્ભ્ભા લઈ લે તેનો લ્હાવ.”
આ કાવ્યમાં કક્કાના દરેક અક્ષર સાથે જુદો જુદો બોધ સાંકળ્યો છે. આમ એમણે મધ્યકાલીન પદ્ધતિએ ‘કક્કો ' પણ લખ્યો છે. આ જ રીતે એમણે એવી જ મધ્યકાલીન ઢબે વાર, તિથિ અને બારમાસી કાવ્યો પણ રચ્યાં છે. આ ઉપરાંત બાળલગ્ન-નિષેધ, વિધવાવિવાહની ક્રાન્તિ, કરકસર જેવા સામાજિક અને આર્થિક વિષયો પર પણ એમણે કાવ્યો લખ્યાં છે. એમાં એમનામાં નર્મદની છાયા વર્તાય ખરી. વિધવાવિવાહ પરની એમની પંક્તિ જોઈએ :
“બહુ રીત ધિર આપતાં, જો નવ રે'વા ચાહ્ય,
સુખેથી પરણાવજો, આપી રુડી સાહ્ય,
નિજ અંતરમાં જો વળે, શોધે બૂરી લાગ
ધમકીથી રાખો ભલે, લગવે કાળો ડાધ.” (પા. ૪૮)
એમનું આ રૂપકમય કાવ્ય એમની કાવ્યશક્તિનું દ્યોતક છે :
ખરો શ્રૃંગાર
“નમ્રપણાનાં નિર્મળ વસ્ત્રો પે'રવા
જેથી વાહાલા થાશે છે જે વેરવા,
સાચો સ્વામી એક જ માનવો,
તે પર દિલનો સઘળો બોજો નાંખવો...
માટે સદ્ગુણ આભૂષણ સૌ પે'રજો,
જેથી થાશે અખંડ લીલાલ્હેર જો.” (પા. ૧૦૫, ૧૦૬)
આ ગીત એસ્તરબહેનની તત્ત્વજ્ઞાનની સમજ સારી રીતે વ્યક્ત કરે છે. એ સમયે આટલી કાવ્ય-અભિવ્યક્તિ પણ વિરલ ગણાય.
કાવ્યસંગ્રહ “સદ્બોધકાવ્ય” : લે. એસ્તર ખીમચંદ, પ્રકા. નથુભાઈ મારફ્તીયા, પ્ર, આ. ૧૮૯૫ પૃ. સં...૧૧૩. પાદટીપ : (૧) તથા (૨) “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ” ગ્રંથ ૩, પૃ. ૨૦૨, પ્રકરણનાં લેખિકા- પેરીન ડ્રાઈવર, પ્રકા. ગુજરાતી સાહિત્યપરિષદ, અમદાવાદ
દિવાળીબેન નાથાલાલ (સર્જન-સાલ-૧૯૦૮) ઝણોરી ગામના સૌ. દિવાળીબહેન નાથાલાલનું ઘણી પ્રાચીન ઢબનું સમાજ-સુધારણાના આશયવાળું ઉપદેશાત્મક પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે : (૧) વશીકરણ યાને મોહિની: આ ભાગ ગદ્ય અને પદ્યમિશ્રિત એક સળંગ આખ્યાન જેવો છે. એનો આશય પતિ-પત્નીના સંબંધો સુધારવાનો છે. આ દૃષ્ટિએ આ ભાગમાં ત્યારની સ્ત્રીઓને પોતાનાં કર્તવ્યોની સમજ આપવામાં આવી છે.
દા. ત., “સંકટ હોય હજાર, પણ નહિ અકળામણ ઉર
દારા જો ડાહી મળે, દુ:ખ થાયે સૌ દૂર.” (પૃ. ૧૦)
આ દોહરા છંદમાં એમની છંદસૂઝ તથા પ્રાસરચના સારી સચવાઈ છે. આ ઉપરાંત મનહર, વસંતતિલકા, ઇન્દ્રવિજય, ગરબી, ઉપજાતિ, પ્રભાત (ઝૂલણા?) માલિની વગેરેનો યથાશક્તિ પ્રયોગ થયો છે. કવયિત્રી પાસે એકદમ જૂની વિચારધારા છે, તેથી આધુનિક વાચકને એ ઓછું સ્પર્શે છે. પરંતુ એમની કાવ્યનિષ્ઠા સારી છે તે ભાષા સરળ અને સ્પષ્ટ છે. (૨) આ તે લગન કે હંમેશની અગન: ૧૮ પાનાંના આ સળંગ કાવ્યમાં વિવિધ છંદો પ્રયોજવામાં આવ્યા છે. જેવા કે, દોહરો, વસંતતિલકા, વગેરે. ક્વયિત્રીની છંદ પરની હથોટી ને પ્રવાહિતા સંતોષકારક છે. પણ આ કાવ્યનો આશય સૈકાજૂનો છે-કન્યાવિક્રય અને વૃદ્ધવિવાહથી થતા ઘેાર અન્યાય વર્ણવતા આ કથાકાવ્યમાં બે સખીઓની વેદનાનું ગાન છે. એકને વયમાં ખૂબ નાનો પતિ છે અને બીજીને વૃદ્ધ પતિ છે. બેઉ સખીઓ ઘણા સમયે મળતાં પોતપોતાનું વ્યથાગાન કરે છે. આ પરંપરાગત વિષય અને રજૂઆતની શક્તિમર્યાદાને લીધે એનું કાવ્યતત્ત્વ પાંખું લાગે છે અને રસજમાવટ ઓછી થાય છે. છતાં જે સમયે તે પ્રગટ થયું છે (સને ૧૯૦૮માં) તે જમાનાને એ અનુરૂપ છે. આ કવયિત્રીની અલંકારશક્તિ બીજા ભાગના કાવ્યમાં ક્યારેક ખીલી ઊઠે છે. જેમ કે, આ ઉપમા જુઓ -
“નૃપતિ નામનો હોય પણ, જોઈએ પ્રવીણ પ્રધાન,
એ વીણ છે સૌ વ્યર્થ જ્યમ, વીણ સુકાનનું વાણ.” (પા. ૫૬) (પૃ. ૧૦)
અને આ રૂપક-
“પોલાદને ઝટ પાણી ચઢે, પણ ચઢે ન લોહને પાણી,
પાલવડે પડી વૃદ્ધ સ્વામીને, જીંદગી થઈ ધૂળધાણી.” (પા. ૬૬)
ગુણિયલ નારીનું મહત્ત્વ સમજાવતાં પણ તેઓ એક સારું વિધાન કરે છે-
“શીર રખું છે પાઘડી, પગરખું તો પેજાર,
અંગરખું છે અંગનું, ઘર-રખુ ગુણિયલ નાર.” (પા. ૫૬)
(‘વશીકરણ’માં વર્ણસગાઈ તથા એમની રવાનુકારી શબ્દોની શક્તિ (anomatopoia) પણ ક્યાંક સારી ખીલી છે. જેમ કે- “ચલ્લાં ચકચક કરવા લાગ્યાં, ઘુવડ ગુફામાં ભરાયાં રે” “કાગા કાકા કરવા લાગ્યા, કુકડા કુકડું કુક રે-” “ઘર્ર્ ઘર્ ર્ ર્ ઘોષ ઘંટીના, ગોપી ગોરશ તાણે રે.” આવી કાવ્યશક્તિ જ્યારે ઢોંગી સાધુસમાજના ધતિંગને તીખા ચાબખા મારે છે, ત્યારે એ પણ સારી સામાજિક અસર કરે છે, ભલે એમાં સ્વતંત્ર કાવ્યતત્ત્વ ઓછું હોય. કાવ્યસંગ્રહ વશીકરણ યાને મોહિની અને આ તે લગન કે હંમેશની અગન” લે. સૌ. દિવાળીબેન નાથાલાલ, પ્રકા. મોહનલાલ અમરશી શેઠ, બીજી આવૃત્તિ, સને ૧૯૦૮, પૃ. સં. ૫૪+૧૮.
કાવ્યસ્પંદિતા,પૃ.૯-૧૭, ૧૯૮૯'