નારીસંપદાઃ વિવેચન/વસુદેવ હિંડીઃ કૃતિપરિચય

Revision as of 00:55, 14 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <big><big>'''૧૮'''</big></big> <center><big><big>'''વસુદેવહિંડી : કૃતિપરિચય'''</big><br> નિરંજના વોરા</big></center> {{Poem2Open}} આધ્યાત્મિક અને ધાર્મિક જીવનમૂલ્યો જનસામાન્યને માટે સમજવામાં સહજ અને સરળ બની રહે તે માટે અતિ પ્રાચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૮

વસુદેવહિંડી : કૃતિપરિચય
નિરંજના વોરા

આધ્યાત્મિક અને ધાર્મિક જીવનમૂલ્યો જનસામાન્યને માટે સમજવામાં સહજ અને સરળ બની રહે તે માટે અતિ પ્રાચીનકાળથી જ શાસ્ત્રગ્રંથોએ કથાઓનું માધ્યમ સ્વીકાર્યું છે. જૈન પરંપરાએ આગમ સાહિત્યને જે ચાર વિભાગમાં વિભાજિત કર્યું છે, તેમાં ધર્મકથાનુયોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, તેને પ્રથમાનુયોગ પણ કહેવામાં આવે છે. લોકજીવનમાં પ્રચલિત વિવિધ કથાપ્રકારોને પોતાના આગમ કે શાસ્ત્રગ્રંથોમાં સમાવી લઈને ધર્મવિષયક આચાર-વિચારના સિદ્ધાંતો અને તત્ત્વદર્શનને સમજાવવાનો પ્રયત્ન હિંદુ, બૌદ્ધ, જૈન ઈસાઈ વગેરે ધર્મોમાં કરવામાં આવ્યો છે. જૈન પરંપરામાં આગમગ્રંથો, જ્ઞાતાધર્મકથા કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ રૂપકકથાઓનું મહત્ત્વપૂર્ણ સંકલન ઉપલબ્ધ થાય છે. હિંદુ ધર્મમાં પણ વેદ-ઉપનિષદ, પુરાણગ્રંથો વગેરેમાં વિપુલ કથા સાહિત્ય મળે છે. ગૌતમ બુદ્ધે પોતાના શિષ્યોને સ્પષ્ટપણે કહ્યું હતું કે સિદ્ધ ધર્મતત્વને સમજાવવા માટે 'उपमं ते करिस्सामि’– હું દૃષ્ટાંતો દ્વારા તમને તે સમજાવીશ.

વસુદેવહિન્ડી : પ્રાકૃતભાષાનો કથાસર્વસંગ્રહ : તેનો મૂળ સ્રોત ગુણાઢ્ય રચિત પૈશાચી 'બૃહત્કથા'નો ગ્રંથ હોવાનું માનવામાં આવે છે, પણ આ ગ્રંથ ઉપલબ્ધ નથી. વસુદેવહિન્ડીમાં વસુદેવે કરેલા પરિભ્રમણની કથાઓનું સ્વમુખે કરેલું - અર્થાત્ આત્મકથાનક રૂપે થયેલું વર્ણન છે.

ગ્રંથકર્તા અને તેમનો સમય ‘વસુદેવહિન્ડી'નો ગ્રંથ બે ખંડોમાં વિભાજિત છે. પ્રથમ ખંડના રચયિતા સંઘદાસગણિ છે. આ ગ્રંથ ૨૯ લંભક અને ૧૧૦૦૦ શ્લોકોમાં નિબદ્ધ છે. તેનો બીજો ખંડ - મધ્યમખંડ કે 'મજિઝમખંડ'ને નામે પ્રચલિત છે અને તેના રચયિતા ધર્મદાસગણિ છે. વસુદેવહિન્ડીના પ્રથમ ખંડના સંખ્યાબંધ લંભકોની અંતિમ પુષ્પિકાઓમાં તેના કર્તા તરીકે સંઘદાસગણિ વાચકનો સ્પષ્ટ નામનિર્દેશ મળે છે. અને આ જ કૃતિના બીજા ખંડ – મજિઝમ... ખંડના પ્રારંભે તેના કર્તા ધર્મદાસગણિએ પ્રથમ ખંડના કર્તા સંઘદાસગણિ હોવાનું જણાવ્યું છે. એટલે વસુદેવહિન્ડીના બંને ખંડના કર્તા અલગ અલગ છે અને તેમનાં નામનો સ્પષ્ટ નિર્દેશ મળે છે, પરંતુ પ્રાચીન કાળના અન્ય સાહિત્યકારોની જેમ તેમના વિશેની બીજી કોઈ ઐતિહાસિક વિગતો પ્રાપ્ત થતી નથી. સમય વિશેનો સ્પષ્ટ નિર્દેશ મળતો નથી. પણ સંઘદાસગણિનો સમય લગભગ ઈ.સ.ની ત્રીજી કે ચોથી શતાબ્દી માનવામાં આવે છે. આવશ્યકચૂર્ણિમાં વસુદેવહિન્ડીનો ઉલ્લેખ છે અને આવશ્યકચૂર્ણિનો સમય ઈ.સ. ૬૦૦નો માનવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે ઈ.સ. ૬૦૦ પહેલા તેની રચના થઈ હોવી જોઈએ. મધ્યમખંડની રચના, પ્રથમખંડની રચના બાદ બે શતાબ્દી પછી ધર્મસેનગણિએ કરી હતી. તે પોતાની કૃતિની ભૂમિકામાં કહે છે કે વસુદેવે ૧૦૦ વર્ષ સુધી ભ્રમણ કરીને અનેક વિદ્યાધરો અને માનવરાજાઓની અને અન્ય કન્યાઓ સાથે ૧૦૦ લગ્ન કર્યાં હતાં. સંઘદાસગણિએ વિસ્તારભયથી પોતાના ૨૯ લંભકોમાં ૨૯ વિવાહનાં જ વર્ણન આપ્યાં છે. ધર્મદાસગણિએ બાકીના ૭૧ લંભક રચીને બાકીના ૭૧ લગ્ન વાસુદેવે પરિભ્રમણકાળમાં કેવી રીતે કર્યાં તેનું વર્ણન આપ્યું છે. આમ કુલ ૧૦૦ લગ્નની સંખ્યા થતાં કૃતિ પૂર્ણ કરી છે.

ગ્રંથનામ : 'વસુદેવહિન્ડી' કે 'વસુદેવચરિત'? મૂળ કૃતિને આધારે આ કૃતિનું સંપાદન કરનાર વિદ્વાન સંપાદકો મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિશ્રી પુણ્યવિજયજી તથા શ્રી ભોગીલાલ સાંડેસરા વગેરેએ તેનું નામ 'વસુદેવહિંડી' જ આપ્યું છે. પણ મૂળગ્રંથકર્તાએ પોતાની કૃતિમાં તેનું નામ 'વસુદેવચરિત્' નામ આપ્યું છે, તેના અનેક ઉલ્લેખો મળે છે. જેમ કે –

- अळुजाळंतु मे, गुरुपरंपरागयं वसुदेव-चरित्रं जाम संग्रह वन्नइस्से । (પ્રથમ ખંડ - મૂળ - પૃ. ૧) - ततो भगवा सेलियस्स रज्जो सव्वनुभग्गळ वसुदेव चरित्रं कहियं । (એ જ. પૃ. ૨૬) આચાર્ય ધર્મસેનગણિ મહત્તરે પોતાના મજિઝમ ખંડમાં પણ 'વસુદેવ ચરિત’ નામ આપ્યું છે. મૂળ ગ્રંથકર્તાને 'વસુદેવચરિત' નામ ઉદિષ્ટ હોય તો 'વસુદેવહિન્ડી' નામ શાથી પ્રચલિત બન્યું તે વિચારવાનું રહે છે. ‘હિંડી' શબ્દમાં પ્રાકૃત હિંડ ધાતુ છે અને ચરિય (ચરિત)માં ચર્ ધાતુ છે. એ બંને ધાતુઓ સમાનાર્થ હોઈ ‘હિંડી' તથા 'ચરિત' બંનેનો અર્થ પણ એક જ થાય છે. – પરિભ્રમણ કરવું તે. વળી પ્રાચીન જૈન સાહિત્યમાં હિંડી શબ્દ 'પરિભ્રમણકથા'ના અર્થમાં સુપરિચિત હતો. બ્રહ્મદત્ત ચક્રવર્તીના ભ્રમણ સંબંધમાં ટીકાકાર શાન્તિસૂરિ લખે છે: एवं च प्राप्तवसर ब्रह्मक्षमहिंदी વળી પ્રસ્તુત ગ્રંથમાં વસુદેવને તેમના પરિભ્રમણ વિશેના અનુભવો સંભળાવવાની વિનંતી કરતા, તેમનો પૌત્ર પ્રદ્યુમ્ન કહે છે  : अज्जय कुळह मे पसायं, कहेह जहम हिंडीय त्थ । અહીં થયેલા ‘હિંડીયત્થ' પ્રયોગને કારણે પણ ગ્રંથનું નામ વસુદેવહિંડી પ્રચલિત થયું હોય તેવી પણ સંભાવના છે. વળી, આ લોકપ્રચલિત કથામાં મુખ્યત્વે વસુદેવનાં પરિભ્રમણોનું જ વર્ણન આવતું હોવાથી લોકોમાં ‘વસુદેવ-હિંડી' એ નામથી જ ગ્રંથ પ્રચલિત બન્યો હોય!

ગ્રંથનો વિષય અને રચનાપદ્ધતિ : ગુજરાતી તેમ જ પ્રાકૃતમાં 'હિંડ્’ ધાતુનો અર્થ 'ચાલવું-ફરવું' પરિભ્રમણ કરવું એવો થાય છે. એટલે 'વસુદેવહિંડી' અર્થાત્ વસુદેવનું પરિભ્રમણ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા અને વર્ષોના પરિભ્રમણ દરમ્યાન તેમણે અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. તે અંગે તેમણે અનેક ચિત્રવિચિત્ર અનુભવો કર્યા હતા, તેનો વૃતાંત એ 'વસુદેવહિંડી'ના કથાભાગનું મુખ્ય ક્લેવર છે. પણ જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં કર્તાએ અનેક ધર્મકથાઓ, લોકકથાઓ અને ધર્મવિષયક ચર્ચાઓ તથા તીર્થંકરો, ધર્મપરાયણ સાધુઓ અને ધાર્મિક પુરુષોના ચરિત્ર તથા નદી, જંગલ, પર્વતો, નગરો વગેરેના સંક્ષિપ્ત છતાં મનોહર વર્ણનો – વગેરેનું નિરૂપણ અહીં કર્યું છે – એ રીતે આ ગ્રંથ મહાકાય ધર્મકથા તરીકે રજૂ કર્યો છે. ‘વસુદેવહિંડી'ની કથા મહાવીર સ્વામીએ શ્રેણિક રાજાને તથા સુધર્માસ્વામીને શ્રેણિકના પુત્ર કુલિકને અને પોતાના શિષ્ય જંબુસ્વામીને કહી હતી - એવી કથાપરંપરા પ્રચલિત છે. વસુદેવના પરિભ્રમણોનો મુખ્ય કથાભાગ - એટલે કે યૌવનકાળના અનુભવોનો અને પરિભ્રમણ દરમ્યાન પોતે ભોગવેલાં સુખ-દુઃખોને વસુદેવ સ્વમુખે જ પોતાના યુવાન પૌત્રોને તેમની વિનંતીથી કહી સંભળાવે છે; અર્થાત્ ગ્રંથની મુખ્ય કથા વસુદેવની આત્મકથારૂપે જ ચાલે છે. વસુદેવહિંડીના બીજા ખંડની રચના આચાર્ય ધર્મસેનગણિ મહત્તરે કરેલી છે. લગભગ સત્તર હજાર શ્લોક-પ્રમાણના આ ગ્રંથને મધ્યમ ખંડ કહેવામાં આવે છે. અને તેમાં વસુદેવહિંડીની કથાને જ પૂરક માહિતી દ્વારા રજૂ કરવામાં આવી છે. પણ તેની વિશેષતા એ છે કે સંઘદાસગણિએ લખેલા ૨૯ લંભકો (અર્થાત્ પ્રકરણો) પૂરાં થયાં પછી ધર્મદાસગણિએ પોતાની રચનાનો આરંભ ન કરતાં, ૧૮મા પ્રિયંગુસુંદરીના લંભકના અનુસંધાનમાં આરંભ કર્યો છે. કથાનો સંદર્ભ આ રીતે કર્તાએ પ્રથમ ખંડના અંતભાગ સાથે નહિ, પણ મધ્યભાગ સાથે જોડ્યો હોવાથી તે મધ્યમ ખંડ તરીકે ઓળખાય છે. પ્રથમ ખંડના ૨૮ લંભક અને ઉપસંહાર સાથે બીજા ૭૧ લંભક ઉમેરીને તેમણે કુલ ૧૦૦ લંભકની સંખ્યા કરી આપી છે, અને વસુદેવે ૧૦૦ કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં તેવું પ્રતિપાદન કર્યું છે. આ ગ્રંથમાં પણ પૂર્વગ્રંથ અનુસાર વિવિધ પ્રકારની કથા-આંતરકથાઓનું રસપ્રદ નિરૂપણ કરેલું છે. અલબત્ત, આ ગ્રંથો તેના સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થયા નથી. આ ગ્રંથની રચનાપદ્ધતિ એક રીતે વિશિષ્ટ છે. વસુદેવની આત્મકથારૂપ મુખ્ય કથાના વિભાગોને લંભક (પ્રા. લમ્ભો) – જેને આપણે પ્રકરણ કહીએ છીએ - તે નામ આપવામાં આવ્યું છે. જે કન્યા સાથે વસુદેવનું લગ્ન થયું હોય તેના નામ અનુસાર તે તે લંભકનું પણ નામકરણ થયું છે. જેમ કે શ્યામા, વિજયા લંભક, શ્યામલી લંભક, ગંધર્વદત્તલંભક, નીલયશાલંભક - વગેરે. લંભક શબ્દ સંસ્કૃત 'લભ' ધાતુ ઉપરથી આવ્યો છે. એટલે આ કથાવિભાગો વસુદેવને પ્રાપ્ત થયેલી તે તે કન્યાની પ્રાપ્તિના સૂચક છે. અને આ દૃષ્ટિએ જોઈએ તો વસુદેવહિંડી શૃંગારરસપ્રધાન કથાગ્રંથ છે. વસુદેવહિંડીમાં અનેક પ્રકારની અવન્તરકથાઓ મળે છે. એક ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાવાળી અને વિપુલ વિસ્તારવાળી લૌકિકકથાઓ દ્વારા ધર્મકથાઓ રચવાનો જ રચનાકારનો મુખ્ય હેતુ હતો. પણ જનસામાન્યની વૃત્તિ અને રસને અનુરૂપ પ્રેમાખ્યાનો પોતાની કૃતિમાં સમાહિત કરીને, ક્રમશઃ તેમને ધર્મમાર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપી છે. ઘણા જૈન સાહિત્યકારોની જેમ સંઘદાસગણિનો મુખ્ય ઉદ્દેશ શ્રૃંગારપ્રધાન કથાઓના માધ્યમથી જનસામાન્યમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવનાઓને ઉત્પ્રેરિત કરવાનો જ છે. કથામાં સાંસારિક જીવનના ભોગ-વિલાસોનું નિરૂપણ હોવા છતાં તેનું પરિણમન ત્યાગ અને વૈરાગ્યમાં જ થાય છે. આચાર્યએ ગણિકા જેવા ચરિત્રોને પણ ત્યાગમાર્ગે આગળ વધતાં બતાવ્યાં છે. ગણિકા કુબેરસેના સાધુ-સાધ્વીની સેવામાં તત્પર રહે છે અને ગણિકા કામપતાકા શ્રાવિકાનાં વ્રત ગ્રહણ કરીને જૈનધર્મની ઉપાસના કરે છે. આ રીતે વસુદેવહિંડીના અનેક કથાનક સમાજમાં ઉચ્ચ આદર્શો રજૂ કરે છે. વસુદેવહિંડીમાં અન્ધ વૃષ્ણિવંશના મહારાજ વસુદેવના દેશદેશાન્તર, બૃહત ભારતના પરિભ્રમણ વિશે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયેલી ગદ્યાત્મક કથા છે. વચ્ચે વચ્ચે અનેક પદ્યો અને ગાથાઓ પણ છે. વસુદેવહિંડીના પ્રથમ ખંડમાં ૨૯ લંભક અને ૧૧૦૦૦ ગાથાઓ છે. તેના મધ્યમ ખંડમાં ૭૧ લંભક અને ૧૭૦૦૦ શ્લોક છે. ૭૧ લંભકોને કથાની વાર્તાવસ્તુને આધારે ચાર વિભાગમાં વિભાજિત કર્યા છે : પહેલા વિભાગમાં પ્રભાવતી લંભક છે. બીજામાં ૪૪ લંભકો છે. તૃતીય વિભાગ ૪૫થી ૫૭ લંભક સુધી છે. અને ચોથો ભાગ ૫૭થી ૭૧ લંભક સુધીનો છે. સંઘદાસગણિએ વસુદેવહિંડી ગ્રંથને એક ધર્મકથાના રૂપમાં પ્રસ્તુત કર્યો છે. તેમાં પોતાની કલ્પનાપ્રધાન રોચક શૃંગારિક શૈલીનો પણ પરિચય આપ્યો છે. પણ તેમનું મુખ્ય પ્રયોજન આ કથાઓ દ્વારા ધર્મબોધ આપવાનું છે. જૈનધર્મની પ્રભાવના કરનાર અનેક વૈરાગ્યપ્રેરક પ્રસંગોને યથાસ્થાને સમ્મિલિત કર્યા છે. તેમણે પોતાની કલ્પનાશક્તિથી ગુણાઢ્યની બૃહત્કથાની કામકથાઓને લોકકથા અને ધર્મકથામાં પરિવર્તિત કરીને પોતાની ધર્મભાવના અને સર્જનાત્મક કલાનો પરિચય આપ્યો છે. ગ્રંથના આરંભમાં -પ્રસ્તાવનામાં લેખકે પંચનમસ્કાર કરીને ગુરુ પરંપરાગત વસુદેવહિંડી સંગ્રહ-ગ્રંથની રચનાના ઉદ્દેશ્યને સ્પષ્ટ કર્યો છે કથાઓના વિષય નિરૂપણ અંગેના છ અધિકાર દર્શાવ્યા છે. વિષયનિરૂપણનો ક્રમ આ પ્રમાણે રાખ્યો છે. ૧. કથોત્પતિ, ૨. પીઠિકા, ૩. મુખ, ૪. પ્રતિમુખ, ૫. શરીર, ૬. ઉપસંહાર.

૧. કથોત્પતિમાં મૂળ કથાની ઉત્પતિ અને તેની સાથે સંબંધિત પ્રભવસ્વામીની કથા, મધુબિંદુ અને લલિતાંગનું દષ્ટાંત, મહેશ્વરદત્ત આખ્યાન વગેરે પૌરાણિક કથાનકોનો સમાવેશ કર્યો છે.
અહીં રજૂ થયેલી ધમ્મિલ નામના સાર્થવાહ પુત્રની કથા કલાત્મક રીતે ગૂંથી લેવામાં આવે છે, તેમાં અન્ય અવાન્તર, કથાઓ પણ સમાયેલી છે.
૨. પીઠિકામાં કૃષ્ણ તેમની રાણીઓ, તેમના પુત્ર પ્રદ્યુમ્ન અને સામ્બના પૂર્વજન્મના સંબંધો અને તેમના જીવનપ્રસંગોનું નિરૂપણ છે.
૩. મુખ વિભાગમાં સામ્બ અને ભાનુની પરસ્પર ક્રીડાઓ અને આપની વિદ્વેષની કથા છે.
૪. પ્રતિમુખ એ મહત્ત્વનો અધિકાર છે. મૂળ કથાનો આરંભ અહીંથી થાય છે. તેમાં અંધક વૃષ્ણિવંશના પરિચય સાથે વસુદેવના પૂર્વભવની કથા આપવામાં આવે છે. આ વિભાગમાં જ ૧૦૮ કન્યાઓ સાથેના લગ્નપ્રસંગ સંદર્ભમાં પ્રધુમ્નની વિનંતીથી વસુદેવ પોતાના ૧૦૦ વર્ષના પરિભ્રમણની અને ૧૦૦ કન્યાઓ સાથેના લગ્નની વાત વિસ્તારથી કહેવાનો આરંભ કરે છે. આ રીતે વસુદેવહિંડીની મૂળ કથાનો આરંભ થાય છે.
૫. શરીર અર્થાત્ હિણ્ડનનો અર્થ છે ભ્રમણ.
સંઘદાસગણિએ ૨૯ લંભકમાં વસુદેવના બૃહત્તર ભારતના પરિભ્રમણનું અને ૨૬ વિવાહનું વર્ણન આપ્યું છે.
વસુદેવ જ્યારે પોતાના કુટુંબ સાથે નગરમાં રહેતા હતા ત્યારે તેમના રૂપસૌંદર્યથી મોહિત થઈને નગરની સ્ત્રીઓ સાનભાન ભૂલી જતી હતી. નગરજનોના અનુરોધથી વસુદેવના મોટાભાઈ સમુદ્રવિજયે તેમના નગરભ્રમણ પર પ્રતિબંધ મૂકી દીધો. આવી રીતે અપમાનિત થવાથી ગુસ્સે થઈને તેમણે ગૃહત્યાગ કરી દીધો. પરિવારજનોમાં પોતે મૃત્યુ પામ્યા છે તેવો ભ્રમ ફેલાવવામાં પણ સફળ રહ્યા. ત્યારબાદ તેમણે યાત્રાઓ દરમ્યાન ઘણા સાહસિક કાર્યો કર્યાં, અનેક નવાં નવાં સ્થળોએ પરિભ્રમણ કર્યું અને અનેક કન્યાઓ સાથે લગ્નો કર્યાં – જેમાં શ્યામા, વિજયા, પદ્માવતી, લલિતશ્રી, રોહિણી, દેવકી વગેરેનો ઉલ્લેખ છે. રોહિણીના વિવાહ વખતે અચાનક તેમની મુલાકાત પોતાના મોટાભાઈ સમુદ્રવિજય સાથે થઈ. તેમના અનુનય-વિનયથી વસુદેવ પોતાની સર્વ પત્નીઓ સાથે દ્વારિકા પાછા આવ્યા અને પરિવારજનો સાથે પૂર્વવત્ રહેવા લાગ્યા.
૬. ઉપસંહાર: સંઘદાસગણિએ કથાનો ઉપસંહાર કર્યો નથી અથવા કથાનો તે ભાગ ઉપલબ્ધ થયો નથી. બીજા મધ્યમખંડના રચયિતા ધર્મસેને ઉપસંહાર કર્યો છે. તેમાં કથાનકનો સુખદ અંત નિર્દેશ્યો છે.

અવાન્તર કથાઓ : વસુદેવહિંડીમાં કેવળ વસુદેવના ભ્રમણનું જ વૃતાંત નથી, પણ મનોરંજક કથાઓની સાથે સાથે લોકસંસ્કૃતિના અનેક પાસાંઓનું દિગ્દર્શન પણ કરાવવામાં આવ્યું છે. મૂળકથાને પ્રભાવોત્પાદક બનાવવા માટે અવાન્તર કથાઓ પણ આપી છે. કથાના આરંભથી જ અન્ય કથાનકો સાથે ધમ્મિલકુમારની અને વળી તેની સાથે સંબંધિત અન્ય કથાઓનું કડીબદ્ધ આલેખન થયું છે. આ કથાઓ પણ શ્રૃંખલાબદ્ધ રીતે એકબીજા સાથે ગુંથાઈને મૂળ વાર્તાને વધુ રસપ્રદ બનાવીને વાર્તાના પ્રવાહને આગળ ધપાવે છે. વિષ્ણુકુમારચરિત્ર, અર્થવવેદની ઉત્પત્તિ, ઋષભસ્વામીનું ચરિત્ર, આર્ય-અનાર્ય વેદોની ઉત્પત્તિ, સનતકુમારચક્રવર્તીની કથા, હરિવંશની ઉત્પત્તિ, જમદગ્નિ-પરશુરામ તથા સગરપુત્રોની કથા વગેરે પૌરાણિક કથાઓનું પણ અહીં વૈપુલ્ય છે. રામાયણ-મહારાભારતની અનેક કથાઓને પણ અહીં રજૂ કરી છે. વસ્તુતઃ વસુદેવહિંડીની કથા પ્રાકૃતભાષાની અન્ય સાહિત્યકૃતિઓ માટે પણ પ્રેરક સ્રોતરૂપ બની રહી છે. તેમાં વર્ણિત ચારુદત્ત અને ગણિકાનું કથાનક મૃચ્છકટિકના ચારુદત્ત અને વસંતસેનાના કથાનકો સાથે સામ્ય ધરાવે છે. આ કથાપ્રસંગ હરિભદ્રની સમરાઈચ્ચકહા, જિનસેનનું હરિવંશપુરાણું અને ઉદ્યોતનસૂરિની કુંવલયમાલામાં પણ જોવા મળે છે. વક્કલચીરીન કથા આવશ્યકચૂર્ણિમાં છે. હરિસેનની બૃહત્થકામાંની અનેક કથાઓ તથા રૂપક વસુદેવહિંડીમાંથી લેવામાં આવ્યા છે. તેમાં વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે મધુબિંદુનું દૃષ્ટાંત, ગર્ભવાસના દુઃખના પ્રસંગમાં લલિતાંગનું દૃષ્ટાંત, સાંસારિક ભોગોની દુઃખમય યાતના સમજાવવા કાગડા અને હાથીનું દૃષ્ટાંત, મિથ્યાવાદીઓની પ્રસંગમાં ભેંસનું દૃષ્ટાંત - વગેરે દૃષ્ટાંતો સંઘદાસગણિની વૈરાગ્યવાદી દૃષ્ટિનો નિર્દેશ કરે છે. સંખ્યાબંધ સંસ્કૃત-પ્રાકૃત નાટકો અને કથાગ્રંથો એના આધારે રચાયાં છે. ગ્રંથની ભાષા અને શૈલી : જૈન સાહિત્યના સર્વે ઉપલબ્ધ આગમેતર કથાગ્રંથોમાં વસુદેવહિંડી પ્રાચીનત્તમ ગ્રંથ છે. સામાન્ય રીતે રૂઢ પણ વર્ણનાત્મક ભાગોમાં સમાસપ્રચુર એવા આર્ષ પ્રાકૃત ગદ્યમાં રચાયેલા આ ગ્રંથની ભાષા, તેની પ્રાચીનતાને કારણે અનેક વિશિષ્ટતાઓ અને વિલક્ષણતા દર્શાવતાં લક્ષણો વડે જુદી તરી આવે છે. લેખનશૈલી સંક્ષિપ્ત કે શુષ્ક નથી. જીવતી-બોલાતી ભાષાનું લાક્ષણિક ચેતનવંતુ અને અત્યંત રસપ્રદ એવું ચિત્ર તે ખડું કરે છે. તેમાં અનેક પદ્યો - સુંદર સુભાષિતરૂપે અને લોકોક્તિરૂપે આવે છે. જોકે કથાકારે અહીં લોકપ્રચલિત કથાનકને જ રજૂ કર્યું છે તો પણ પોતાની મૌલિક પ્રતિભાથી, કથાના ઉદ્દેશ્યની પૂર્તિ માટે કેટલાંક આવશ્યક પરિવર્તન અને પરિવર્ધન કરીને પોતાની નૈસર્ગિક કાવ્યાત્મક પ્રતિભાનો પરિચય આપ્યો છે. સાંસ્કૃતિક વિશેષતા : મૂલતઃ ધર્મકથા હોવા છતાં કુતૂહલપ્રેરક અસંખ્ય અવાન્તરકથાઓના માધ્યમથી લેખકે તત્કાલીન સામાજિક, રાજકીય, આર્થિક, ઐતિહાસિક, ભૌગોલિક અને લોકસંસ્કૃતિનો જીવંત પરિચય કરાવ્યો છે. તત્કાલીન વર્ણવ્યવસ્થામાં ઉચ્ચ-નીચના ભેદભાવ હોવા છતાં સમાજના દરેક વર્ગના લોકોને વેદાધ્યયન કરવાનો કે જૈનધર્મનું પાલન કરવાનો અધિકાર હતો. સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિનું વિસ્તારથી અને અનેકવિધ દૃષ્ટિબિંદુથી નિરૂપણ થયું છે. તત્કાલીન વિવિધ ધાર્મિક માન્યતાઓની માહિતી સાથે જૈનપરંપરામાં તંત્ર અને મંત્ર પરંપરાનો પ્રચાર હોવાનો ઉલ્લેખ મળે છે. તે યુગના પ્રચલિત ખાન-પાન, વસ્ત્રાભૂષણ, કેશવિન્યાસ વગેરેના વિવરણ સાથે એ યુગના મનોરંજનનાં વિવિધ સાધનો, કલા, વાદ્યયંત્રોના સંકેત પણ મળે છે. આયુર્વેદ સંબંધી તેમાંથી પ્રાપ્ત થતી માહિતી વિસ્મયકારક છે. શલ્યક્રિયા દ્વારા સ્ત્રી-પુરૂષના જાતિપરિવર્તન કરવાના ઉલ્લેખો અહીં મળે છે. તત્કાલિન ભૌગોલિક, આર્થિક અને રાજનીતિક સ્થિતિની જાણકારી માટેની અનેકવિધ સામગ્રી આ ગ્રંથમાં ઉપલબ્ધ છે. વિભિન્ન જનપદો, નદીઓ, પર્વતો, નગરો, જંગલ વગેરેના વર્ણનો બૃહતર ભારતનું એક ગૌરવભર્યું ચિત્ર તાદ્દશ કરે છે. તે સમયે ભારતીય વેપારીઓ ચીન, સુમાત્રા, જાવા, લક્ષદ્વીપ, બેબીલોનિયા, સિંહલદ્વીપ, ચીન વગેરે દેશોની યાત્રા કરતા હતા અને વ્યાપાર કરવાની સાથે સાથે સહજ રીતે જ સંસ્કૃતિનું પણ આદાન-પ્રદાન થતું રહેતું હતું. ખેતી, ઉદ્યોગ અને વિદેશ સાથેના વ્યાપારને કારણે ભારત આર્થિક રીતે સમૃદ્ધ અને સંપન્ન હતું, આર્થિક રીતે સુવ્યવસ્થિત હતું. આ ગ્રંથમાં રાજ્યો વચ્ચેના આંતરવિરોધો અને યુદ્ધની પણ ચર્ચા પણ થઈ છે. વિવિધ પ્રકારનાં આયુધોના નામ તથા તે વાપરવાની પદ્ધતિનાં વર્ણનો વારંવાર મળે છે. ભારતીય સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. આ પ્રકારના ગ્રંથો તેનું સુપેરે નિદર્શન કરાવે છે.

પાત્રનિરૂપણ

સંઘદાસગણિ પોતાના યુગના પ્રતિનિધિ કથાકાર છે. પ્રસ્તુત ગ્રંથ જૈન વિચારધારાની ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર છે. તેમાં લોકચેતના-માનવસ્વભાવના વિવિધ પાસાંઓનું પણ મર્મસ્પર્શી આલેખન કર્યું છે. કથાઓના વૈવિધ્યની જેમ તેમાં રજૂ કરાયેલાં પાત્રોનું પણ વિપુલ વૈવિધ્ય છે. વસુદેવ પોતે ધીરોધાત, ગુણવિશિષ્ટ, પુરુષાર્થી, તેજસ્વી, વિલાસી, માધુર્યસંપન્ન અને લલિતગુણોથી સંપન્ન છે. તે સૌંદર્યપ્રેમી રસિક નાયક છે. તેની સાથે ધમ્મિલકુમાર અને સાર્થવાહ અગડદત્તનાં પાત્રો પણ નોંધપાત્ર છે. તે સર્વ કલાઓના જાણકાર અને યુદ્ધવિદ્યામાં નિપૂણ છે. એક બાજુ સામંતી પરંપરાના રાગરંગમાં જ સમય પસાર કરતા રાજાઓ, સામંતો, વ્યવહારદક્ષ સાર્થવાહો અને સામંતો, નાયક-નાયિકાઓ, દૈવીય વિદ્યાઓથી યુક્ત વિદ્યાધરો, ગાંધર્વોનાં ચરિત્ર છે તો બીજી બાજુ ચોરવિદ્યામાં નિપૂણ ચોર, ઠગ, ધૂર્ત, કપટી બ્રાહ્મણ, વ્યભિચારિણી સ્ત્રીઓ અને હૃદયહીન ગણિકાઓનાં ચરિત્રનિરૂપણ પણ છે. નારીહૃદયના માધુર્ય શોભા, લજ્જા, ઈર્ષ્યા, ગાઢાનુરાગ, શીલસંપન્નતા એ બધા ગુણોથી યુક્ત સ્ત્રીઓ પણ છે. આ બધાં પાત્રો કેવળ મનોરંજન માટે નથી, પરંતુ તેમનામાં આચાર-વિચાર, નીતિ-ન્યાય અને રાગભોગમાંથી ત્યાગ-વૈરાગ્યના માર્ગ પર આગળ વધતા અધ્યાત્મપુરુષો પણ છે. માનવજીવનનું વાસ્તવિક ચિત્ર રજૂ કરતી આ કથા શૃંગારિક હોવા છતાં તેમાં પ્રેય દ્વારા શ્રેયની પ્રાપ્તિનું મહત્ત્વ સમજાવ્યું છે. અધ્યાત્મના મહત્ત્વ માટે રાજાઓ, સાર્થવાહો, શ્રેષ્ઠીઓ વગેરેને સંસારત્યાગ કરતા બતાવીને શ્રમણધર્મની પ્રભાવના કરી છે. અહીં લેખકે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખવાની સાથે આધ્યાત્મિક અને ધાર્મિક જીવનમૂલ્યોનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. કેટલાંક સુંદર સુભાષિતો પણ મળે છે. આ એક વિષ્ણુગીતિકા છે : उवसम साहुवरिद्वया । न हु कोवो वज्जिओ जिजिंदेहि । ‘હે સાધુશ્રેષ્ઠ, ઉપશાંત થાવ! જિનેન્દ્ર ભગવાને ક્રોધ ન કરવાનું જણાવ્યું છે. જે ક્રોધી સ્વભાવના હોય છે, તેમને અનેક ગતિઓમાં ભ્રમણ કરવું પડે છે. ૧૯મા પ્રિયંગસુંદરીલંભમાં વિમલાભા અને સુપ્રભા નામની બે આર્યાઓ- સ્ત્રીઓ ઉવસમ-ઉપશમ શબ્દને આધારે પાદપૂર્તિ કે સમસ્યાપૂર્તિ કરી બતાવે છે. उवसम દુર્લભ નથી, એ પાદપૂર્તિની પંક્તિ છે. એના દ્વારા મોક્ષમાર્ગની જ મહત્તા દર્શાવે છે. उवसम “વિશાલ, સર્વથા સુખરૂપ અને અનુત્તર મોક્ષસુખ સુચરિત પુરુષોને માટે દુલર્ભ નથી, દુર્લભ નથી.” તો બીજી સખી સંયમ માર્ગની પ્રશંસા કરતા આ રીતે પાદપૂર્તિ કરે છે. उवसम “શલ્યરૂપ દોષોને દૂર કરીને અને સર્વ જીવોને અભયદાન આપીને જે સંયમના માર્ગમાં સુસ્થિત રહે છે તેમને માટે કશું દુર્લભ નથી, દુર્લભ નથી.” ૨૧મા લંભકમાં મેઘરથના આખ્યાનમાં બાજ પક્ષીને સંબોધીને મેઘરથ 'દરેકને પોતાનું જીવન પ્રિય હોય છે, માટે કોઈની હિંસા ન કરવી' એમ કહીને અહિંસાનું પ્રતિપાદન કરે છે. उवसम “જે બીજાના પ્રાણોની હત્યા કરીને પોતાને સપ્રાણ કરવાની - પોતાના પ્રાણની રક્ષા કરવાની ઈચ્છા રાખે છે, તે આત્માનો નાશ કરે છે. દુઃખથી હતાશ થયેલો જે બીજાની હત્યા કરે છે, તે આવા નિમિત્તથી વધારે દુઃખી બને છે.”


માર્ગે મળ્યાં મોતી, પૃ.૧૨-૧૩૧,૨૦૨૦