ખીણો સરકી રહી છે, ખાલીપામાં
પહાડો તાકી રહ્યા છે, આકાશ તરફ,
સ્વચ્છ અરીસા જેવા આકાશમાં
દેખાય છે, પ્રતિબિંબ
ખીણોનાં, પહાડોનાં અને આપણાં પણ.
બાલભવનમાં મૂકેલા પેલા અરીસાઓની જેમ
આકાશ આપણાં લાંબાં, ઠીંગણાં, જાડાં, પાતળાં,
પ્રતિબિંબ બતાવે છે.
આપણે થોડું હસીને ચૂપ થઈ જઈએ છીએ,
અને એ ચિત્ર-વિચિત્ર પ્રતિબિંબોને
પોતાનાં માનવાનો ઈન્કાર કરી દઈએ છીએ,
તો એ પ્રતિબિંબ કોનાં?
ખીણો અને આકાશની વચ્ચે પથરાયેલી હવામાં
ગમગીની છવાઈ જાય છે.
હવે આપણે મીટ માંડીએ છીએ દરિયા તરફ
દરિયાની ભીની રેતીમાં અંદર સરકી જતાં
જીવડાંઓને જોવામાં તલ્લીન થઈ જઈએ છીએ.
અરીસાઓમાં વ્યાપી જાય છે, શૂન્યાવકાશ,
ઉપેક્ષિત સમુદ્રનો.
સમુદ્ર અને આકાશ વચ્ચે પથરાયેલી
ભારે હવામાં જામેલાં વરાળના થર
વરસી પડે છે, બસ, અમસ્તાં જ.
અરીસાઓ પર ધુમ્મસ છવાઈ જાય છે.
આપણે સુરક્ષિત છીએ,
આ ધુમ્મસ અને આપણા ખાલીપા વચ્ચે.