તપેલીમાંથી ગ્લાસમાં
ગ્લાસમાંથી થાળીમાં
અને થાળીમાંથી ત્રાંસમાં
દૂધ ઠલવાય છે.
દૂધ કે નજર?
ત્રાંસ ઊંચો પર્વત બને છે
અને દૂધ તેમાંથી વહેતું ઝરણું બને છે.
પછી ત્રાંસ વિશાળ જમીન બનીને પથરાય છે
અને દૂધ લાંબી નદી બને છે.
દૂધ ત્રાંસમાં ન સમાઈ શક્યું કે નજરમાં?
પૃથ્વીના વણખેડાયેલા પ્રદેશો જેવા
પ્રવાહી વગરનાં ખાલી વાસણો
અન્યમનસ્ક, અર્થસભર
અભેરાઈ પર પડયાં રહે છે.
વાસણોમાંથી વહી ગયેલા પદાર્થો
દ્રશ્ય-શ્રાવ્ય, સઘન
ખેંચે છે નજરને,
તાણી જાય છે, દૂર-સુદૂર.
અર્થ,
વાસણના કદ જેટલા
સીમિત,
રહી જાય છે, પાછળ.
આંખમાં સમાઈ ન શકતી દષ્ટિ
તપેલીમાંથી ઊભરાયેલા દૂધ સાથે
ઢોળાઈ જાય છે.
દૂધ ઢોળાવાના અપશુકન
રસોડાની જમીન પરથી ઊઠીને.
આખા જીવન પર છવાઈ જાય છે.