અમાસના તારા/પ્રભુ મોરે અવગુણ

Revision as of 00:39, 25 March 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રભુ મોરે અવગુણ

પિતાજી ભક્ત હતા. નિરાંત સંપ્રદાયમાં એમની ગુરુપરંપરા હતી. ‘અર્જુનવાણી’ વાળા અર્જુન ભગત એમના ગુરુબંધુ થાય. પિતાજીએ પણ ઈ. સ. 1913’14માં એક કાવ્યસંગ્રહ ‘તત્ત્વસાર ભજનાવલિ’ને નામે પ્રસિદ્ધ કર્યો હતો. એમને ભજનો ગાવાનો ખૂબ શોખ હતો. કુદરતે બુલંદ કંઠની એમને બક્ષિસ કરી હતી. જૂના ઢાળોની એમની જાણકારી સારી હતી એમ મારાં બા પણ કહેતાં. મારુ, ધનાશ્રી, ગૌડી, જેવા જૂના રાગો અને લોકભજનોના શુદ્ધ પરંપરાગત ઢાળો એમના ગળામાં સચવાયા હતા. પોતાનાં રચેલાં ભજનો ઉપરાંત સુર, તુલસી, કબીર, રૈદાસ, દાદુ અને નિરાંતનાં અસંખ્ય ભજનો એમને કંઠસ્થ હતા. એટલે રોજ સમીસાંજે પિતાજીની મહેફિલ જામતી. ચાંપાનેર દરવાજાવાળા ખુશાલદાસકાકા પોતાની જોડા સીવવાની દુકાન સાંજે બંધ કરીને નાહીધોઈને આ ભજનમંડળીમાં સામલે થતા. આખો દિવસ કડિયાની કાલી મજૂરી કરીને સાંજે જમીપરવારીને હાથમાં ચલમ લઈને ફકીરકાકા આવી પહોંચતા. બપોરના આકરા તડકામાં ઘાટ પર કપડાં ધોઈ ધોઈને જેમની ચામડીનો વાન પાકો થઈ ગયો હતો એવા અમારા ફળિયાના જ ધોબી લલ્લુકાકા પણ હાજર થઈ જતા. આખો દિવસ શહેરસુધરાઈની ટપાલ પહોંચાડીને થાકી ગયેલા જમાદાર ઠાકોરસિંહકાકા રસ્તામાંથી જ તંબૂરાનો તાર છેડતા આવી જતા. સવાર, બપોર અને સાંજ જેને મન એક જ વાત છે એમ સમજીને આખો દહાડો પોતાના ચાકનાં પૈડાં ઉપર માટલાં અને કૂંડાં ઉતારતા ધૂડીફોઈ ના વર શામળફુઆ ખભે ઢોલક ભરે વીને આવતા ત્યારે ફળિયાને નાકે જ ઢોલક ઉપર થાપ મારીને એ પોતાનું આગમન સૂચવતા. ધૂડીફોઈને પિતાજીએ બહેન કહેલી. દર વરસે અમારે ત્યાંથી એક મણ બાજરી એ લઈ જાય અને તેને બદલે આખાં વરસનાં ઘર માટે માટીનાં વાસણો પૂરાં પાડે. ફળિયાના જાહેર નળ ઉપર નાહીધોઈ પરસોતમકાકા બારોબાર જ આવતાં. મારા પિતાજી વાત કહેતા કે પરસોતમ જેવી હજામત કરનાર વિલાયતમાં પણ કોઈ નહિ હોય. એમનો હાથ એટલો નાજુક હતો કે એ હજામત કરતા હાયે ત્યારે માણસને ઊંઘ આવે.

આ બધી મંડળી સંધ્યાટાણે જામતી. પહેલાં જરા આમતેમ અલકમલકની વાતો થાય. એટલામાં ચલમ અને હુક્કો આંટો મારી લ્યે. ઢોલકની કડીઓ ચઢી જાય. તંબૂરાના તાર મળી જાય. મંજીરાનો રણકાર બોલે અને પછી ભજનો શરૂ થાય. આઠેક વાગે રાતે ફળિયાનો ભંગી ધૂળાભાઈ મેરો માગવા આવે તે મેરો માગ્યા વિના જરા દૂર બેસીને ભજનમાં મસ્ત થઈ રહે. અને એની આ બેદરકારી વિષે એની વહુ મહાકોર રોજ સવારે વાળવા આવે ત્યારે મારી બાને ફરિયાદ કરે. લલ્લુકાકા ધોબી પહેલાં બહુ દારૂ પીતા, પણ જ્યારથી એમણે આ ભજનમડંળીમાં આવવા માંડ્યું ત્યારથી એમણે દારૂ સમૂળગો છોડ્યો હતો. એવી જ રીતે શામળફુઆએ ગાંજો અને ઠાકોરસિંહકાકાએ ભાંગ છોડી દીધાં હતાં. રાતે આઠેક વાગે ગિરિધરકાકા તંબોળી આવી પહોંચતા અને ભજનોમાં રંગ જામતો. રાતે નવેક વાગે મંડળી વીખરાતી. ગિરિધરકાકા ઘણી વખતે રાતે પિતાજી સાથે જ જમતા. અઠવાડિયામાં બેત્રણ વખત છેક વાડીના રંગમહાલથી મગનકાકા દાળિયા અને પિરામિતારથી ગંગારામકાકા પણ આ મહેફિલમાં ભાગ લેવા આવતા. ગંગારામકાકાની ઘાણીનું શુદ્ધ તલનું તેલ એ વખતે અમારા આખા લત્તામાં બહુ જ વખણાતું.

એક દિવસ મારાં બાએ પિતાજીને કાને વાત નાંખી કે ધૂળાભાઈ રાતે મેરા માગવા નીકળે છે અને પછી ભજનમાં બેસી રહે છે. તે રાતે એમનાં છોકરાંછૈયાં ભૂખ્યાં સૂઈ જાય છે એવી આજીજી અનેક વખત મહાકોરે કરી છે. પણ જ્યારે આ ફરિયાદનું કંઈ ન વળ્યું ત્યારે ધૂળાભાઈની સાથે મહાકોરે પણ મેરો માગવા નીકળવા માંડ્યું. ધૂળાભાઈ ભજનમાં બેસી રહે ને બિચારી મહાકોર મેરો માગીને ભજન પૂરાં થયે ધૂળાભાઈને લઈને ચાલતી થાય. ફળિયાનાં છોકરાંઓ ધૂળાભાઈને ધૂળાકાકા અને મહાકોરને મહાકોરકાકી કહેતાં. મારાં બા પણ મેરો નાંખવા બૂમ પાડે ત્યારે ‘લ્યો મહાકોર લઈ જાવ.’ એવા માનવાચક ભાવવાળું બોલે. વાર તહેવારે મહાકોર માટે ખાવાનું ખાસ જુદું ઢંકાય.

એક વખત એવું બન્યું કે ત્રણચાર દિવસ લાગલગાટ ધૂળાભાઈ મેરો માગવા આવ્યા નહીં. એકલી મહાકોર આવી. મહાકોર પિતાજી સાથે તો સીધી વાત ન કરે, કારણ કે લાજ કાઢે. એટલે પિતાજીએ મારી બા મારફત ધૂળાભાઈની ગેરહાજરીનું કારણ પુછાવ્યું. ત્યારે ખબર પડી કે ધૂળાભાઈ માંદા છે. ચોથા દિવસે પિતાજીએ બા પાસે સુદર્શન ચૂરણ ગરમ કરાવ્યું અને એનો રસ ગાળીને એક શીશીમાં ભર્યો. એ શીશી ધૂળાભાઈ માટે મહાકોરને આપી આવવા પિતાજીએ મને ઢેડવાડે મોકલ્યો. આવી ત્રણેક મોટી શીશી પીને ધૂળાભાઈ સાજા થયા અને એમણે રાબેતા મુજબ ભજનમંડળીમાં આવવા માંડ્યું.

ધૂળાભાઈની માંદગીની સારવારમાં પડેલી મહાકોરથી નિયમિત વાળવા અવાતું નહીં. એટલે આંગણું અને જાજરૂ બંનેમાં ગંદકી વધતી જતી હતી. પિતાજી, હું અને બા સૌ થોડુંઘણું કરી લેતાં પણ ધૂળાભાઈ જેવી સફાઈ થતી જ નહીં. આને કારણે ધીરેધીરે બાને મહાકોર ઉપર થોડી ચીઢ પણ ચઢી હતી. એક રાતે ધૂળાભાઈ અને મહાકોર મેરો માગવા આવ્યાં. લાકડીને ટેકે અને મહાકોરના ખભા ઉપર હાથ મૂકીને ધૂળાભાઈ આવ્યાં ને ભજનમંડળીમાં સામેલ થઈને દૂર બેઠા. એટલામાં બાએ ‘મહાકોર’ કહીને ત્રણચાર બૂમો પાડી. પણ મહાકોર દૂર ગઈ હશે કે કોણ જાણે પણ આવી નહીં. એટલે બાએ મને બોલાવીને કહ્યું: ‘પેલી માકલી આવે તેને આટલું ખાવાનું આપી દેજે.’

ભજન પૂરાં થઈ ગયાં. મંડળી વીખરાઈ ગઈ. બાએ બહાર આવીને જોયું તો મહાકોર હજી આવી નહોતી. ધૂળાભાઈ સામી ભીંતે અઢેલીને અર્ધજાગ્રત અવસ્થામાં ઝોલાં ખાતા હતા. પિતાજીનો નિયમ હતો કે મેરો નંખાયા પછી જ જમવા બેસવું. બાએ બહાર આવીને જોરથી બૂમ પાડી: ‘મહાકોર, મહાકોર’ પણ મહાકોરનો સામો અવાજ ના આવ્યો એટલે એમણે ચિઢાઈને છણકો કર્યો: ‘માકલી મરતીય નથી ને જંપવા પણ નથી દેતી. હજી બધાં ભૂખ્યાં બેઠાં છે તેનુંય એને ભાન નથી.’ બસ આનો આ અજંપો નીકળ્યો ના નીકળ્યો ત્યાં મહાકોરનો અવાજ આવ્યો: ‘બા મેરો નાંખજો.’ ‘લે માકલી, ક્યાં મરી’તી ક્યારની?’ કહીને બાએ ખાવાનું પછડાય એ રીતે મહાકોરના ટોપલામાં નાંખ્યું.

થોડી વારે બાએ સૌને જમવા બોલાવ્યા. બાના બેત્રણ વાર બોલાવ્યા છતાં પિતાજી આવ્યા નહીં એટલે બા પોતે બહાર તેડવા આવ્યાં. પિતાજીએ જમવાની ના પાડી એટલું જ નહીં પણ સૌના આશ્ચર્ય વચ્ચે એમણે પાંચ ઉપવાસ કરવાનું જાહેર કર્યું. બા તો બિચારાં આ નિર્ણય સાંભળીને દિગ્મૂઢ જેવાં જ બની ગયાં. થોડી વાર પછી અતિશય ગદ્ગદ અવાજે એમણે કારણ પૂછ્યું. પિતાજીએ કહ્યું: ‘તમે મહાકારે ને કેવી રીતે બોલાવી! એની સાથે તોછડાઈભરી રીતે વર્તન કરીને એનું જે અપમાન કર્યું તેનાથી આપણું ઘર લાજ્યું છે. એનું પ્રાયશ્ચિત્ત મારે કરવું જોઈએ. હું પાંચ ઉપવાસ કરીશ.’ હંમેશની ટેવ પ્રમાણે બાએ હાથ જોડીને માફી માગી પણ પિતાજી એકના બે ન થયા. બાપુજીની સાથે બાએ પણ પાંચ ઉપવાસ કર્યા. એ વખતે હું ત્રીજા અંગ્રેજી ધોરણમાં ભણતો હતો. મારા માનસ ઉપર અંગ્રેજી ભણતરનો કંઈક રુઆબ છંટાતો હતો. ખ્રિસ્તી અને પારસી સાથીદારોની સોબતને કારણે ઘરની નમ્રતાની નિર્મળતા ઉપર ગર્વના ડાઘ પડવા માંડ્યા હતા. ત્યાં જ આ પ્રસંગ બન્યો.

પાંચમે દિવસે સમીસાંજે મંડળી પાછી જામી હતી. બા અને પિતાજી પારણાં કરવાનાં હતાં. છેલ્લું ભજન ગવાયું: ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો.’ અને સૌ વીખરાયા. તે રાતે અમે જમવા બેઠાં ત્યારે બા અને બાપુજીના મુખ પરનો અવર્ણનીય આનંદ જોઈને મારું મુગ્ધ અંતર પુલકિત થઈ ગયું. મારા અંત:કરણમાંથી ભજનની પેલી પંક્તિ ખસતી જ નહોતી:

પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો.

આજે આ પ્રસંગ સંભારું છું ત્યારે ઉપરની પંક્તિ જ સજીવન થાય છે.