અમાસના તારા/અનામી

Revision as of 07:12, 25 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનામી

લંડનમાં એક દિવસ સવારે અગિયારેક વાગે મારબલ આર્ચના ટ્યૂબ સ્ટેશને એક પરાની ગાડી પકડવા માટે રાહ જોતો ઊભો હતો. હજારો માણસોની અવરજવરની વિવિધતા એટલી આકર્ષક હતી કે એક ગાડી મેં જવા દીધી. પણ બીજી ગાડી આવે તે પહેલાં સ્ટેશને સારી એવી ભીડ જામી ગઈ. સાપની જેમ સિફતથી ગાડી આવી અને ઊભી રહી કે તરત એનાં બારણાં આપમેળે ઊઘડી ગયાં. બધાંની સાથે હું પણ ચઢી ગયો. ત્યાં તો એક સ્ત્રી એક છોકરાને લઈ દોડતી આવતી હતી. ગાડી ઊપડવાને વખતે બારણાં આપમેળે બંધ થઈ જાય તે પહેલાં છોકરો તો અંદર આવી ગયો પણ બાઈ બહાર રહી ગઈ અને બારણાં બંધ થઈ ગયાં. ગાડી ચાલી. છોકરાની ઉંમર ચારેક વર્ષની હશે. ગભરાટની જરાય લાગણી વિના એણે મારી પાસેની બેઠક પર જગા લીધી. મેં એને પૂછ્યું તો એણે હસીને જણાવ્યું કે એને નોટિંગહિલ જવું હતું. જ્યારે નોટિંગહિલ આવ્યું ત્યારે એ છોકરાની સાથે હું પણ ઊતરી પડ્યો અને એને આશ્વાસન આપ્યું કે એની મા બીજી ગાડીમાં આવશે ત્યાં સુધી હું સાથે જ રહીશ. એણે બહુ જ સ્વસ્થતાથી મારો ઉપકાર માન્યો. છોકરાની સાથે મેં ત્યાં જ પ્લૅટફોર્મ ઉપર ફરવા માંડ્યું. વાતચીતમાં જાણ્યું કે એની મા માર્બલઆર્ચના લાયનના કોરનરહાઉસ નામના મોટા રેસ્ટોરાંમાં પિયાનો વગાડે છે. રોજ રાતે આઠેક વાગે બન્ને માદીકરો ઘેરથી જમીને જાય છે. મા મધરાત સુધી પોતાની ફરજ બજાવે છે. છોકરો એક નાનીશી ભોંયરાની ઓરડીમાં ઊંઘે છે. પછી સવારે નાસ્તો લઈને થોડો બજારહાટ કરીને એ લોકો ઘેર આવે છે. અમારી વાતચીત તો ચાલતી હતી ત્યાં બીજી ગાડી આવી અને એની મા એમાંથી ઊતરી અને દોડતી દોડતી પોતાના દીકરાને વળગી પડી. હું બાજુમાં ઊભો હતો. છોકરાએ મારા સમભાવની અને સથવારાની પણ વાત કહી દીધી. માએ ઓશંગિણભાવે પોતાની ઉપકારવશતાની લાગણી પ્રગટ કરી. મારા મનમાં કે હવે ઉપકાર માનીને આ માદીકરો પોતાને રસ્તે પડશે અને હું બીજી ગાડી પકડીને મારે સ્થાને ચાલ્યો જઈશ. પણ મારા આશ્ચર્ય વચ્ચે પેલી બાઈએ કહ્યું : “બદલો વાળવા માટે નહીં, પણ તમને હરકત ન હોય તો તમે અમારે ઘેર આવશો? અમને બહુ આનંદ થશે.” આ ઉદ્ગાર એટલા સરળ અને સ્વાભાવિક હતા કે મેં હા પાડી અને હું એમની સાથે ગયો. બાઈનું ઘર તો સામાન્ય હતું, પણ હતું સુઘડ અને બહુ જ વ્યવસ્થિત. બીજા પીણાની મેં ના પાડી એટલે એ ખાસ ચા બનાવી લાવી. અંગ્રેજ બાઈ આવી કવેળાએ ચા આપે એ પણ એક નવાઈ હતી. ચાની સાથે અમે ઘણી વાતો કરી એમાં હિંદી સંગીત વિષે મને રસ છે એ વાત પણ નીકળી ગઈ હતી. એટલે જ્યારે રજા લેવાની વેળા આવી ત્યારે એ બાઈએ મને પૂછ્યું : “તમે અમારું સંગીત સહી લો તો હું તમને એક ગીત મારા પિયાનો પર સંભળાવું.” મેં કહ્યું કે સહન કરવાની તો વાત જ નથી. સંગીત તો આપોઆપ પોતાનું કામ કરશે.” એટલે એણે પિયાનો ઉપર ‘Alone’ (એકાકી) વગાડ્યું અને સરસ રીતે ગાયું. શબ્દો સમજાયા એટલે ભાવ પણ ઊઘડ્યો. પરંતુ એ બાઈનો કંઠ જે દર્દ લઈ આવ્યો એણે વાતાવરણમાં કરુણતા ફેલાવી દીધી. ગીત બંધ થયું. પિયાનો પણ બંધ થયો. પરંતુ વાતાવરણમાં એકલતા સમસમી રહી. એકલી બાઈ બોલી : “તમારા કીમતી વખતનો ભોગ આપીને તમે જે સમભાવ દેખાડ્યો છે તેને માટે અમે તમારા આભારી છીએ.” મેં કહ્યું : “મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.” અને એની આંખમાં ગમગીની ઊપસી આવી. અમે હાથ મિલાવીને છૂટાં પડ્યાં. ‘જિપ્સી’ થવામાં સુખ હોય તો આવી લીલી માણસાઈનાં દર્શન કરવાની તકો મળી રહે છે એવા વિચારમાં નોટિંગહિલ સ્ટેશન ક્યારે આવ્યું તેનું ભાન ન રહ્યું.