યુરોપથી પાછા આવ્યાને પૂરો મહિનો પણ નહીં થયો હોય. હું મહારાજાસાહેબની સાથે પતિયાળા ગયો હતો. અમે અંબાલાથી સવારે ફ્રન્ટિયર મેલમાં દિલ્હી આવ્યા હતા. ઈ. સ. 1938ની એ સાલ હતી અને મહિનો હતો નવેમ્બરનો. એટલે ટાઢ પડવી શરૂ થઈ હતી. અમે પતિયાળાથી રાતે જમીને મોડેથી મોટરમાં નીકળ્યા હતા અને વહેલી સવારે અંબાલાથી મેલ પકડવો હતો. પતિયાળાના મહારાજાસાહેબની શાહી મહેમાનગતિની સુગંધ સ્મરણોને પણ રસી રહી હતી. એ મસ્તીના રંગમાં અમે અંબાલા છોડ્યું. સહરાનપુર આવતાં આવતાં હું ઊંઘી ગયો. પહેલા વર્ગના મોટા ડબ્બામાં અમે બે જ જણ હતા. હું અને એ. ડી. સી. ભગવંતસિંહ. અકસ્માત ડબ્બાનું બારણું ઠોકવાના અવાજે હું જાગી ગયો. મને થયું મહારાજાનો અંતેવાસી બોલાવવા અથવા કંઈક જરૂરી વાત કહેવા આવ્યો હશે. બારણું ઉઘાડું ત્યાં તો એક મુસલમાન ડોસો એક પેટીને બગલમાં બરાબર દબાવીને અંદર આવી ગયો. હું કંઈક પણ પૂછું તે પહેલાં તો ગાડી ચાલી. સ્ટેશન સહરાનપુરનું હતું. ડોસાના ડબ્બામાં આવતાંની સાથે જ આખા ડબ્બાના વાતાવરણમાં સુગંધ સુગંધ થઈ રહી. મેં પૂછ્યું: ‘મિયાં, અત્તર બેચતે હો?’ જવાબમાં ‘હુકમ’ કહીને એણે સલામ કરી. આ ‘હુકમ’ની તમીજ ઉપરથી મેં પૂછ્યું: ‘રાજપૂતાને મેં કહાં બસતે હો?’ મિયાંના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે કહ્યું: ‘સરકાર, આપને કૈસે સમઝ લિયા કી મેં રાજપૂતાનેકા બાશિંદા હું?’ મેં હસીને કહ્યું: “આપને જો ‘હુકુમ’ ફરમાયા.” ડોસો ખુશ ખુશ થઈ ગયો. મારી ઊંઘ પણ ઊડી ગઈ. એણે પેટી ઉઘાડી અને સુવાસની સઘનતાને વ્યાપક થઈ ગઈ. સવારની ગુલાબી ઠંડી હતી. વાતાવરણની માદકતાએ ભગવંતસિંહને પણ જાગ્રત કરી દીધો. અત્તરવાળાએ અમને એક પછી એક અત્તરના નમૂના દેખાડવા માંડ્યા. સવારમાં છ વાગે મેરઠ આવ્યું ત્યાં સુધીમાં એણે માત્ર અડધી પેટી જ બતાવી હતી. કારણ કે દરેક અત્તરની પાછળ એકાદ વાર્તા એ કહેતો હતો. એની બનાવટ વિશે, એની બુનિયાદી વિશે અને એની વપરાશ માટે એ જુદી જુદી કહાણી રસપૂર્વક અને અદાથી કહેતો જતો હતો. મોતિયાના અત્તરથી નવલગઢની મહારાણી કેવી મસ્ત થઈ ગઈ હતી, હિનાના અત્તરની દીનાપુરના નવાબની બેગમના પોતાના ખાવિંદ સાથેના અબોલા કેવી સિફતથી છૂટી ગયા હતા અને માટીના અત્તરથી શિવપુરના યુવરાજે મેઘનગરની રાજકુમારીને કેવી વિહ્વળ બનાવી હતી એ સર્વ વાતો જાણે સાચી ન બની હોય એવી આસ્થા અને અદાથી એ બુઢ્ઢો કહ્યો જતો હતો. દિલ્હી સુધીમાં તો એણે અમને અવનવાં અત્તરો અને અભિનવ વાર્તાઓથી ભરી દીધાં. આ જઈફ મુસલમાને પોતાનું નામ કહ્યું વઝીરમહંમદ. આગ્રાના જૂના ખાનદાનનો એ વંશજ હતો. એના પૂર્વજો મોગલ બાદશાહોના અત્તર બનાવનારા હતા. એટલે આ જ્ઞાનવિજ્ઞાન એના કુટુંબમાં પેઢી દરપેઢીથી ઊતરી આવ્યું હતું અને પોતે રાજામહારાજા અને નવાબ તથા જાગીરદારોમાં અત્તર વેચીને એક ઘણા મોટા કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. આ વૃદ્ધ મુસલમાન મને ગયા જમાનાના અવશેષ જેવો રંગદર્શી લાગ્યો. એની રીતભાતમાં એટલી જ તમીજ હતી, એની બાનીમાં એટલી ખાનદાની હતી, એની આંખોમાં એટલી મુરવ્વત હતી અને એના દિલમાં એટલી દિલાવરી ડોકિયાં કરતી હતી કે એ માણસ આદમિયતભર્યો એક ખજાનો લાગતો હતો. દિલ્હી આવતાં પહેલાં ગાઝિયાબાદમાં મેં મારા દરબારને વાત કરીને વઝીરમહંમદ પાસેથી બસો રૂપિયાનું અત્તર ખરીદ્યું. ડોસો ખુશ થયો અને એની અહેસાનમંદી પ્રકટ કરવા એણે મોગરાના અત્તરની એક ખૂબસૂરત બાટલી મને ભેટ કરી. દિલ્હીના સ્ટેશને એ ઊતરી ગયો. અમે અલાહાબાદ તરફ જવાના હતા. એ ભેટ આપેલી બાટલીની અંદર માત્ર મોગરાનું અત્તર નહોતું. એમાં વઝીરમહંમદના આત્માની સુગંધ પુરાયેલી હતી. કોણ જાણે કેમ ત્યાર પછી મારા દિલમાં એવી જ વાત ઘર કરીને બેઠી કે જ્યારે જીવનમાં કોઈ વખતે ખુશી અને ખુશનસીબી મહેકે ત્યારે એ મહેકને બહેકાવવા આ મોગરાનું અત્તર હું વાપરતો. આજે આ અત્તરને મળ્યે લગભગ દસ વરસ વીતી ગયાં છે અને આ નાનીશી નાઝનીન શીશી પાછળ મેં વઝીરમહંમદની સ્મૃતિની અને મારી સુભાગી સંવેદનાની એક મસ્ત તવારીખ ગૂંથી છે. દસ વર્ષ પછી
આ દસ વરસમાં જાણે જમાનાની સૂરત ફરી ગઈ છે. એની થોડીઘણી અસર મારા ઉપર પણ થઈ છે. હજી હમણાં જ હું અમેરિકાથી પાછો આવ્યો છું. મારી આંખો, મારી રીતભાત, મારી બાની – એ સર્વમાંથી જાણે કંઈક ચાલ્યું ગયું છે. મારું શહેર છોડીને હું મુંબઈ આવ્યો છું. આ શહેર તો સાવ બદલાઈ ગયું છે. ગઈ લડાઈને કારણે આખી દુનિયામાં માનવતાનું જે પતન થયું છે તેની અસર આ દેશમાં ઘણી વધારે વરતાય છે. લક્ષ્મી અને સંસ્કારિતા બંને જેની પાસે નહોતાં એવો વર્ગ આ લડાઈમાં આવેલા નૈતિક અધ:પતનને કારણે ઉપર ઊપસી આવ્યો છે અને એ વર્ગના માણસોએ આજે સમાજનું સ્વરૂપ એવું તો કદરૂપું કરવા માંડ્યું છે કે હવે માત્ર એમાં દુર્ગંધ ઉમેરવાની બાકી રહી છે. માણસાઈનું ખૂન કરનારાં બધાં જ જીવનતત્ત્વોને આ વર્ગની બાંહેધરી છે. એટલે દસ વરસ પહેલાં અકસ્માત્ અને સ્વાભાવિક રીતે પ્રગટ થતી ખુશી આજે વિરલ બની ગઈ છે. સવરાથી ઊઠીને રાતના સૂતાં સુધી એક વાર કુદરતી રીતે હસવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. આવી કમનસીબ પરિસ્થિતિમાં એક સવારે એક પ્રેમાળ પત્ર આવ્યો. એણે મારો રંજ હઠાવી દીધો, મારી ગમગીની ઉડાવી દીધી અને દિલમાં ખુશીની ભૂરકી નાખી દીધી. ઘણા દિવસો પછી અંતરેવલ પાંગરતી લાગી. આ સંવેદનને સુગંધિત બનાવવાની ઇચ્છાથી પેલા વઝીરમહંમદનું આપેલું મોગરાનું અત્તર આજે મેં લગાવ્યું. એમ લાગ્યું કે આજે આ સ્વાર્થની ભૂમિ ઉપર બડભાગી દિવસ ઊગ્યો છે. અંતર અને અંતરાત્મા બંને જો પ્રસન્ન હોય છે તો બધું જ પલટાયેલું લાગે છે. સમુદ્રના તરંગો પણ મસ્ત લાગે છે, આકાશ મનોહર દેખાય છે, દિલાવરી ઊગે છે અને તે દિવસે આપણી પાસે સર્વ કોઈ કંઈ ને કંઈ ખુશી પામે છે. આપણે ખુશ હોઈએ છીએ ને?
સાંજે હું કામકાજથી પરવારીને તારદેવથી સી. બસમાં મરીનડ્રાઈવ જતો હતો. સવારની ખુશી હજી ચાલતી હતી. ગમનો કોઈ બનાવ બન્યો નહોતો. હોઠ પર હજી હાસ્ય ટક્યું હતું. બસ ચોપાટી પહોંચી ને ત્યાંથી જે માણસો ચઢ્યાં તેમાં એક ડોસો પણ ચઢ્યો. પળવારમાં આખી બસમાં સુગંધ સુગંધ થઈ રહી. બધા ઉતારુઓએ પેલા ડોસા તરફ જોવા માંડ્યું. અકસ્માત પેલો ડોસો પોતાની પેટી જે લોહી જેવા ઘેરા લાલ કપડામાં લપેટી હતી તેને ખોળામાં લઈને મારી બાજુમાં બેઠો. સુગંધ પાસે આવી ગઈ. મેં પૂછ્યું: ‘અત્તર બેચતે હો?’ ‘જી હુકમ’ ડોસાએ જવાબ વાળ્યો. એનો દેખાવ, એનો અવાજ અને એની આંખો એ સર્વેએ મને દસ વરસ પાછો ખેંચ્યો. મારી સહાનુભૂતિ જોઈને એણે એક કાપલી ઉપર લખેલું સરનામું મને દેખાડ્યું. હું જે મકાનમાં રહેતો હતો તેની ઉપર ચોથે માળે રહેનાર એક શેઠિયાનું નામ લખ્યું હતું. મેં એને કહ્યું: ‘આપ મેરે સાથ હી ઊતર જાના, મકાન મૈં દીખા દૂંગા!’ ડોસો ખુશ થયો અને ‘મહેરબાની’નો શબ્દ એના મોઢામાંથી સ્વાભાવિક રીતે જ નીકળી પડ્યો. મેં નામ પૂછ્યું. જવાબમાં એણે કહ્યું: ‘હાજી વઝીરમહંમદ.’ મારી ખુશીનો પાર નહોતો. પણ બસમાં એનું પ્રગટીકરણ કરવાનું શક્ય નહોતું. મરીનડ્રાઈવના એક મથકે અમે ઊતરી ગયા. ડોસાને મેં સંભાળીને ઉતારી લીધો. પછી મેં સહરાનપુરના સ્ટેશનની અને દિલ્હીના સ્ટેશને બસો રૂપિયાનું અત્તર ખરીદવાની વાત કહી. ડોસો તો પેટી નીચે મૂકીને મને ભેટી પડ્યો. સવારે અંતર પ્રસન્નતાથી ભરી દે એવો પત્ર આવ્યો હતો. સ્મૃતિની સુવાસથી મહેકતું મોગરાનું અત્તર લગાવ્યું હતું અને સાંજે વઝીરમહંમદ મળ્યો હતો – જિંદગીના ઓરસિયા ઉપર અનુભવની શિલાથી પિસાઈ પિસાઈને મેંદીમાંથી બનેલા હિના જેવો સુગંધિત અને સ્વરૂપવાન. હું એને મારે ઘેર લઈ ગયો. બહુ જ આગ્રહ કરીને મેં એ જેઈફને જમાડ્યો. ભોજન પછી વીજળીના નીલા રંગના અજવાળામાં પોતાની પ્રિયતમા સમી પેટી ઉઘાડીને મને અને મારા મિત્રોને જુદાં જુદાં અત્તરોનો અનુભવ કરાવવા લાગ્યો અને એની સાથે એની અદા અને અભિનવ તમીજવાળી કહાણીનો વણાટ ભળ્યો. રાતે દશ વાગ્યા. હું પારકે ઘેર રહેતો હતો. મેં વઝીરમહંમદને કહ્યું: ‘રાત હો રહી હૈ. શેઠ તો સો ગયે હોંગે.’ એણે જવાબ આપ્યો: ‘અજી શેઠ બેટ ઠીક હૈ. આજ આદમિયત હૈ કહાં? બમ્બઈ મેં આકર તબિયત બીગડ ગઈ હૈ લોગોં કો દેખકર! અચ્છા હુઆ આપ મિલ ગયે, મેરા બમ્બઈ આના બન ગયા.’ મેં કહ્યું: ‘વજીરમહંમદ, હજ કરને કબ ગયે થે?’ એણે આશ્ચર્યથી પૂછ્યું: ‘આપકો કૈસે પતા લગા?’ મેં કહ્યું: ‘બસ મેં આપને અપના નામ જો બતાયા હાજી વઝીર મહંમદ!’ ડોસો હસી પડ્યો. એની આંખો પણ હસી પડી. એના હોઠ હાસ્યથી લળી પડ્યા. એણે કહ્યું: ‘હાં હજૂર, હજ નસીબમેં થી, કર આયા તીન સાલ પહિલે. અબ ક્યામત કે દિન કે લિયે તૈયાર હું.’ અને એણે પોતાની પેટી સંભાળીને બાંધવા માંડી. મારા મિત્રોએ થોડું અત્તર ખરીદ્યું હતું. મેં મારી જૂની શીશી એને દેખાડી. ડોસો ખુશખુશ થઈ ગયો. બહુ જ આગ્રહ અને દિલાવરીથી એણે મારી અધૂરી શીશી મોગરાના નવા અત્તરથી ભરી લીધી. હું એને બસ સુધી મૂકવા ગયો.
મારા હાથથી એનો હાથ દબાવી દીધો. બસ ચાલી. એની આંખો બોલતી હતી. બસ અદૃશ્ય થઈ ત્યાં સુધી હું ઊભો રહ્યો. મારા અંતરે હું સાંભળું એમ ઉચ્ચાર કર્યો – હાજી વઝીરમહંમદ.