હું આમ તો ત્રેવીસનો છું
પણ મુજ મહીં જે મુક્તજન
એને અહીં જન્મ્યે
હજી તો થાય છે આજે જ પૂરાં વર્ષ ત્રણ,
કે થાય છે ત્રણ વર્ષ પૂરાં
એટલું સમજ્યે
અરે કે મુક્તિ પણ ક્યારેક તો બનતી ધુરા,
જે કેમકે હું આમ તો ત્રેવીસનો છું.
સંસારની શેરી મહીં રમવા જતાં
સુણતો રહું સહુ ભેરુઓની પાસથી
એવી કથા
જે કંઈક સમજું, કંઈક ના સમજું,
કહો તો વર્ષ ત્રણના બાળનું તે શું ગજું?
ને ઘર તણી દીવાલમાં ચોપાસથી
પડઘારૂપે સુણતો રહું જેની તથા,
એવી કથા; કેવી?
કહું? કે મુક્તિ તો માતા સમી,
ને માત તો દેવી,
ક્ષુધા ને પ્યાસની શાતા સમી,
ને દૈન્યમાં દાતા સમી...
ને દર્શનાતુર
ઘર તણા ઉંબર મહીં
જ્યાં પાય મેલું, કંપતું ઉર
ને થતું કે શીદને હું આંધળો જન્મ્યો નહીં?
જોઉં છું,
ખુલ્લી નજરથી જોઉં છું
સૌ ચામડી પરનાં ચકામાં
ને સૂજેલા સોળ પરનું લોહી જ્યારે લ્હોઉં છું
ત્યારે થતું કે સૌ શહીદોનાંય લોહી શું ઝર્યાં છે કે નકામાં?
લાય, એવી લાય
કે બસ ઊંઘ નહીં, ઉજાગરામાં રાત સારી જાય,
હું તો સ્વપ્નનો સુરમો લઈ જન્મ્યો હતો
પણ હવે તો મેશ પણ મળતી નથી,
વૈશાખના આકાશ જેવી સાવ કોરી કીકીઓ
આષાઢની છાયા જહીં ઢળતી નથી;
ત્યાં મેઘની માયા સમુંયે સ્વપ્ન ક્યાંથી સાંપડે?
ને જે દિવસભરમાં થતું
એ પણ વિસારે ના પડે,
ને જે દિવસભરમાં થતું
એને હવે તો સ્વપ્ન પણ હું કેમ માનું?
આત્મછલનું જ્યાં રહ્યું એકે ન બ્હાનું!
રે દિવસભર જે થતું
બસ એ જ સૌ હા, માત્ર એ સૌ યાદ આવે,
એ બધાની સાથ પેલી શેરીઓના સાદ આવે;
ને પછી સંસારની એ શેરીઓના ભેરુઓને હું કહું :
સમજાવશો કોઈ મને હું આ બધું તે શું લહું?
ત્યારે સુણાવે છે મને એ શેરીઓ સૌ ઠાવકી :
તું બાળ, નાનું બાળ
તે ક્યાંથી હજી સમજી શકે
કે મા મળી છે સાવકી.