સિત્તેર વર્ષો વાતમાં ને વાતમાં વહી ગયાં,
જોતજોતાં વહી જશે થોડાંક જે રહી ગયાં.
પાછી એક નજર જ્યાં નાંખું,
જોઉં કંઈ દૂર ઝાંખું ઝાંખું –
મારે હતું શૈશવનું લીલું લીલું સ્વર્ગ,
એનો અચાનક થયો શો વિસર્ગ!
થાય મને કદીક એ પાછું મળે!
થાય મને આટલી જો આશા ફળે!
એકાન્ત ને એકલતા,
મનુષ્યમાત્રના ભાગ્યમાં એ અનિવાર્ય વિરહની વિકલતા,
એને જીવવાને, મરજીવવાને હતો ઝાઝો પ્રેમ, હતાં થોડાં કાવ્યો;
એમાં જોકે જાણું નહિ ફાવ્યો કે ન ફાવ્યો.
આઘી એક નજર જ્યાં નાંખું,
જોઉં છું હું આયખું આ આખું –
નાનો હતો ત્યારે મને મોટા મિત્રો મળ્યા હતા,
મોટો થયો ત્યારે એમાં નાના મિત્રો ભળ્યા હતા;
મારી વયના જે મિત્રો, એ તો એવા હળ્યા હતા,
વડલાની છાંય જેવા સદાયના ઢળ્યા હતા;
જતાં જતાં કહીશ : ન અન્ય સ્વપ્નો ભલે ફળ્યાં,
મારું મોટું સદ્ભાગ્ય મને આવા મિત્રો મળ્યા.
૧૮ મે ૧૯૯૬