જન્મ પૂર્વે
માતાના ગર્ભમાં અંધકાર,
અંધકારમાં એકાન્ત,
એકાન્તમાં એકલતા.
જન્મ પછી
જે જીવન –
તે કવિતા, પ્રણય, સમષ્ટિ,
ઉન્માદ, દૂરિત, વિદ્રોહ, મરણ –
એક સપ્તપદી,
એ સપ્તપદીનો મંત્રોચ્ચાર
જાણે ક્ષણનું અદ્વૈત,
પણ અંતે દ્વૈતનું અનંત.
મૃત્યુ પછી
અંધકાર નહિ ?
ને એકાન્ત નહિ ?
એકલતા નહિ ?
કંઈ જ નહિ ? શૂન્યત્વ ?
કે પંચમહાભૂતનું પંચમહાભૂતમાં પૂર્ણત્વ ?
૨૦૦૬