પુનશ્ચ/જન્મદિવસ

Revision as of 01:00, 29 March 2024 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જન્મદિવસ

જાણું નહિ હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,
એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.
જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું
એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.
આજે તમે સૌ મિત્રો એક વધુ જન્મદિવસ ઊજવો છો,
તમારાં સ્નેહ ને સૌહાર્દથી મને મીઠુંમીઠું મૂંઝવો છો;
હવે જે કંઈ વર્ષો રહ્યાં એમાં દેહ-મનથી સ્વસ્થ રહું,
જાત અને જગતની આંધીઓ વચ્ચે આત્મસ્થ રહું;
આજે તમે સૌ મિત્રો આટલું વરદાન મને આપો,
‘શિવાસ્તે પન્થાન: સન્તુ’ કહી માથે હાથ થાપો
તો આ જીવ એની શેષ યાત્રામાં કદીય ન થાકી જશે,
પછી ક્યારેક એક ફળની જેમ વિશ્વની ડાળ પરથી ખરી જશે,
જે ધરતીની ધૂળમાંથી એ જન્મ્યું એ ધરતીમાં એ સરી જશે,
પણ એ તો ક્યારે ? ત્યારે કે જ્યારે એ પૂરેપૂરું પાકી જશે.

૨૦૦૭