હજુ પંદર વર્ષો બાકી છે,
ભલેને હોય! મારી જિજીવિષા યે ક્યાં થાકી છે?
જો કર્મ કરવું આપણા હાથમાં હોય,
જો નિયતિ એમાં આપણા સાથમાં હોય;
તો દૃષ્ટિ ‘શતં શરદ’ના લક્ષ્ય પર તાકી છે.
કર્મ વિશે નિયતિ તો મૌન જ રહેશે,
જો કહેશે તો માત્ર એટલું જ કહેશે":
‘મેં કર્મમાં જ કર્મના રહસ્યની રેખા આંકી છે.’
એ કર્મ શું મોહથી થશે? જ્વરથી થશે?
કે પછી એમાં પ્રજ્ઞા જેવું કંઈક હશે?
સુવર્ણના પાત્રે કર્મની આ દ્વિધાને ઢાંકી છે.
એ પાત્રમાં નથી નથી કંઈ પ્રેય નર્યુ,
એ પાત્રમાં તો છે શ્રેય પણ ભર્યુંભર્યું;
એ પાત્રને ખોલો, હે સૂર્ય! હવે ક્ષણ પાકી છે.
૧૮ મે, ૨૦૦૮