ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/કાકારેકુ

Revision as of 00:52, 6 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કાકારેકુ


(મનહર)

કહે છે કે સાઓ પોલો નગરની ચૂંટણીમાં,
કાકારેકુ નામનો ઉમેદવાર ઊભેલો,
એક લાખ મતથી હરાવી દઈ હરીફોને,
જીતેલો ને તેય વળી ભારેખમ જીતેલો!

પરિણામ જાણી પ્રજા આવી ગઈ ગેલમાં ને
ઘેર ઘેર પહોંચી ગયું પડીકું પેંડાનું.
એક વાત કહેવામાં થાય છે સંકોચ પણ
કહી દઉં? કાકારેકુ નામ હતું ગેંડાનું!

મતદારોને પૂછ્યું કે નગરનાં મોટાં માથાં,
સાવ આવા વનેચર સામે કેમ હારે છે?
તેઓ બોલ્યા : આ બિચારો ખાવાનો સાઠ રતલ,
બીજા ઉમેદવારોની ખાયકી વધારે છે!

(૨૦૨૨)

૧૯૫૯માં બ્રાઝિલના સાઓ પોલોની ચૂંટણીમાં, વાજ આવી ગયેલા લોકોએ ગેંડાને ઉમેદવાર તરીકે ઊભો રાખ્યો હતો. NOTAનો આ કદાચ પહેલો પ્રયોગ.