- વેઈટર સિવાય કોઈએ મારી ઇચ્છા નથી પૂછી.
- સામેની આંખો પ્રતિબિંબ ઝીલે તો કોઈ અરીસા પાસે જવા નથી માગતું.
- પ્રતીક્ષા ખાલી બારીને જીવતી ફોટોફ્રેમ બનાવી દે છે.
- બીજાનું લલાટ પણ પોતાના લલાટ જેટલું જ મારા હોઠથી દૂર રહી ગયું.
- એકલો બોલું તો વહેતો પવન પણ ધ્રૂજી ઊઠે છે.
- સોપો તો હૃદયના એકાંતમાંય પડે છે.
- આ બંધ નગર મારા ખુલ્લા દ્વારે આવતું નથી.
- એકાંતનાં આંસુ દિલાસાથી પર હોય છે.
- અજાણ્યા થઈ જવા માટે લાંબું જીવવું પડે છે!
- સૂના અંધકાર જેવી એકલતા.
- પયગંબરની વાત જવા દો, હવે તો ટપાલીયે નથી આવતો!
- ટકોરાની રાહ જોતું બારણું કંટાળીને પોતે જ ઊઘડી ગયું!
- મને મળવા માટે જ ઘરે પાછો ફરું છું!
- આ સન્નાટો ક્યારનોય કોઈના આગમનની રાહ જુએ છે!
- એકાંતને સાથ આપે તે વળી એકલો શાનો!
- સન્નાટામાં જોનારની નજરનો પગરવ હોય છે!
- હું માણસ નથી, મારાઓ માટેની માત્ર ખબર-અંતર છું!
- અરીસાને પ્રતિબિંબ મળે ત્યારેય તે એકલો હોય છે!