- હું મને સાંભળું એને જ આ જગત મૌન કહે છે?
- હું હમણાં કોઈને મળવા માગતો નથી, એ જ મૌનનો અર્થ છે?
- મારી શૂન્યતાને જગતની નક્કરતા ભેદી નથી શકતી એ મૌન છે?
- અસ્તિત્વના કિલ્લામાં ભરાઈને બહારના શત્રુઓને અવલોકું, એ મૌન છે?
- બહારના રઝળપાટથી થાકેલું મન – એ મૌન છે?
- મૌન – સમજાઈ ગયેલા અર્થે બક્ષેલી સ્તબ્ધતા?
- મૌન – કોયડો કે કોયડો ઉકેલવાની ચાવી?
- મૌન – શબ્દોની નિરર્થકતાનો સ્વીકાર કે અર્થ પામવાની સ્થિતિ?
- મૌન – કહી કહીનેય વળી શું કહેવાનું છે?
- કહ્યું કહ્યું પણ કોણે સાંભળ્યું? એટલે મૌન !
- મૌન ઘેરું થાય તો ઊંડું થાય!
- મૌન : હું શું બોલી ગયો? સમજવા મથું છું.
- મૌન : આ સઘનતા જીરવાતી નથી, એની તિરાડમાંથી શબ્દ ફૂટશે.
- માણસ પાસે પણ અંધકારનું મૌન હોય છે.
- કોઈક મૌન ઊંઘ જેવું હોય છે.
- આકાશના મૌનનો છેડો મારા સુધી લંબાયેલો છે.