ચાંદરણાં/એકલતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


7. એકલતા


  • વેઈટર સિવાય કોઈએ મારી ઇચ્છા નથી પૂછી.
  • સામેની આંખો પ્રતિબિંબ ઝીલે તો કોઈ અરીસા પાસે જવા નથી માગતું.
  • પ્રતીક્ષા ખાલી બારીને જીવતી ફોટોફ્રેમ બનાવી દે છે.
  • બીજાનું લલાટ પણ પોતાના લલાટ જેટલું જ મારા હોઠથી દૂર રહી ગયું.
  • એકલો બોલું તો વહેતો પવન પણ ધ્રૂજી ઊઠે છે.
  • સોપો તો હૃદયના એકાંતમાંય પડે છે.
  • આ બંધ નગર મારા ખુલ્લા દ્વારે આવતું નથી.
  • એકાંતનાં આંસુ દિલાસાથી પર હોય છે.
  • અજાણ્યા થઈ જવા માટે લાંબું જીવવું પડે છે!
  • સૂના અંધકાર જેવી એકલતા.
  • પયગંબરની વાત જવા દો, હવે તો ટપાલીયે નથી આવતો!
  • ટકોરાની રાહ જોતું બારણું કંટાળીને પોતે જ ઊઘડી ગયું!
  • મને મળવા માટે જ ઘરે પાછો ફરું છું!
  • આ સન્નાટો ક્યારનોય કોઈના આગમનની રાહ જુએ છે!
  • એકાંતને સાથ આપે તે વળી એકલો શાનો!
  • સન્નાટામાં જોનારની નજરનો પગરવ હોય છે!
  • હું માણસ નથી, મારાઓ માટેની માત્ર ખબર-અંતર છું!
  • અરીસાને પ્રતિબિંબ મળે ત્યારેય તે એકલો હોય છે!