ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/૬

Revision as of 04:54, 24 April 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


:૬

એક ખૂબ જ સુંવાળો, મૃદુ, પાતળો ને સૂક્ષ્મ એવો નાનકડો તંતુ હસમુખલાલના મગજની બે શિરાઓ વચ્ચે ગંઠાઈ ગયો હતો ને એ તંતુના બે છેડા એમના બે હાથમાં હતા. સવારથી આ પાતળા, સૂક્ષ્મ તંતુને એ ધીરેથી ખેંચતા કે હલાવ્યા કરતા, ઘડીકમાં મધુર અકળામણ ને ઘડીકમાં વિષાદભર્યા આનંદનો અનુભવ કરતા રહ્યા. બૅન્કમાં પહોંચતાં દશેક મિનિટ મોડું થઈ ગયું હતું. સવાર આખી કશું સૂઝયું નહિ એટલે એમની બૅન્કના સમાચાર પ્રગટ કરતા ન્યૂઝ બુલેટીનને ઉથલાવતા રહ્યા હતા : બૅન્ક બુલેટીનમાં પ્રગટ થયેલી એક રમૂજને એ યાદ કરી કરીને હસતા હતા ને હસતાં હસતાં વળી યાદ કરતા હતા : આ રમૂજ લાગ આવ્યે પ્રા. વિદ્યુતકુમારને કહેવા માટે એમણે મનોમન બરોબર ગોઠવી દીધી : એક કંજૂસ વેપારી પરદેશ ગયો હતો. અને એણે એની પત્નીની વર્ષગાંઠના દિવસે એક લાખ ચૂમીઓનો ચેક ટી. ટી. (ટેલીગ્રાફીક ટ્રાન્સફર)થી મોકલી આપ્યો. પત્ની જરા ખીજવાઈ ગઈ ને એ કંજૂસ વેપારીને વળતો જવાબ મોકલી આપ્યો : ‘ડિયર, વર્ષગાંઠના તમારા ચેક બદલ આભાર માનું છું. આ ચેકને કોઈ બૅન્ક વટાવી શકે એમ ન હોવાથી મારા એક જૂના મિત્રે આજે સવારે જ તો વટાવ્યો છે?’ આવી રમૂજ વિદ્યુતકુમાર જેવા સંસ્કારી પ્રા. ને તે વળી કહેવાતી હશે? ‘ના કહેવાય,’ એમ બબડી યુનિયન બૅન્કમાં એમની ગાદીવાળી ખુરશી ઉપર બેસતાં વાર જ એમણે મફતને યાદ કર્યો. એટલામાં બૅન્કનો પટાવાળો આવ્યો ને કહે : ‘સાહેબ બોલાવે છે.’ ‘ક્યારના બોલાવે છે?’ ‘અડધો કલાક થયો.’

*

નહીં, પરીખ સાહેબ, આમ તો હું સમયસર જ.. યસ, યસ સર ના-મને કબજિયાત...યસ...યસ સર...ના, પણ....બસ નજર આગળથી જ સરકી ગઈ……ઓલ રાઈટ સર...યસ સર... ટરરર... મગન પેલા લેજરનો ચોપડો લાવ. અરે, હમણાં ચા કોણે કહી’તી? પાછો લઈ જા–ગાયતોન્ડે સાહેબની ચા છે...? આહે કાય? અસ્સા...આ...મુલગા કી મુલગી? લક્ષ્મી...લક્ષ્મી કહો-ચાલો, શુભ શરૂઆત છે. ગાયતોન્ડે, એકલી ચાથી પતાવી દો એ નહિ ચાલે- દિવસમાં પચીસ વખત ‘સાહેબ બેલાવે છે!’ સાળી ચાય સુખે નહિ પીવા દે. મગન જરા પંખો બંધ કર. યસ્સ સર-પ્રભુલાલ અમથાલાલનો ચેક...યસ-ના એવર ટાઈમ ફાવે એમ નથી હમણાં-ના બીજું કાંઈ નહિ, ઘરે દીકરી માંદી છે- ઓવર ટાઈમ માટે હું હંમેશાં તૈયાર જ હોઉં છું. હા-ટી, ટી, થી આવેલો ચેક નરસીંભાઈ ધૂળાભાઈના ખાતામાં જમા થઈ ગયો છે. સાહેબ, આવતે મહિને ત્રણેક દિવસની રજા.... આ વર્ષમાં સાહેબ મેં રજા ભોગવી જ છે ક્યાં? એ તો વચમાં એકવાર મરડો થઈ ગયો હતો એટલે બેએક દિવસ...ના...ના... વારંવાર રજા લેવા..કંઇ ભૂલ થતી લાગે છે, પરીખ સાહેબ…..હું મારી જવાબદારી... મગન, સી-ટુ ફોર્મ લઈ આવ.... મગન, આ ભાઈને વીડ્રોઅલ ફોર્મ-અરે, પેલું ભૂરું-પૈસા ઉપાડવાનું ફોર્મ આપ... (‘આટલા મોટા ટેબલ પાછળનો હું નાનો માણસ’) એક વાર બૅન્કમાં બેઠાં બેઠાં જ ગંભીરતાથી હસમુખલાલે એમના મિત્રને કહેલું, ‘દોસ્ત, બૅન્કમાં કઇ ત્વરાથી કામ ચાલે છે અને એ ત્વરામાં મારી શી ગતિ હોય છે એ તો તું બેન્કમાં આવે ત્યારે સમજાય.’ ‘હૅલો, બોલો સાહેબ, શું ખબર છે? હમ્... મજામાં છું. હું તમને જ યાદ કરતો હતો. હા, જરા મળવું છે. ખાસ કામ...? એવું જ કાંઈક...અચ્છા, તો કાલે સાંજે નક્કી...’ ઘડીભરમાં હસમુખલાલના ટેબલ ઉપર કેશ-ચેક્સનો ઢગલો ખડકાઈ ગયો. મગન, પેલી ‘સ્પેસીમેન સિગ્નેચર’ની ફાઈલ લાવ તો... સાલો... મગન પણ ચરતો ફરે છે ! (હસમુખલાલ જાતે ઉઠીને ફાઈલ લઈ આવે છે) ‘તમારો બાપ અઠવાડિયા પછી રાજીનામું મૂકી દેશે ત્યારે સમજાશે...’ ‘વ્યાસસાહેબ, સાહેબ બોલાવે છે...’ ‘આ ભાઈની ફરિયાદ કેમ આવી? કહે છે કે ચેક વટાવવા આપ્યો એને અડધો કલાક થઇ ગયો...કેમ આટલી બધી વાર થઈ...જસ્ટ ઇન્કવાયર...જરા તપાસ કરો...’ ‘પણ સાહેબ...’ ‘ઑલરાઇટ- ઑલ રાઈટ...લૂક ઈન્ટુ ધી મેટર... ધેટ્સૉલ,’ (પરસેવો લૂછતા હસમુખલાલ પાછા ટેબલની પાસે આવે છે ત્યારે મધપૂડા ઉપર મધમાખીઓ બેસી જાય એવું ટોળું એમના ટેબલની આજુબાજુ ફરી વળ્યું હોય છે.) ‘મારે એકાઉન્ટ ઉઘાડવો છે, સાહેબ.’ ‘કયો એકાઉન્ટ-’ ‘કરન્ટ’ ‘કોના નામનો? તમારો કે તમારી ફર્મના નામનો?’ ‘ફર્મનો નહિ, અંગત -સાહેબ.’ હસમુખલાલ એને ઝડપથી એકાઉન્ટ ઉઘાડવા માટેનાં જરૂરી કાગળિયાં આપે છે. ‘સાહેબ, આ ફોર્મ્સ કેવી રીતે ભરવાનાં?’ ‘મારા સાહેબ, અત્યારે સમય નથી. આપ એમ કરોને...સાડા- ત્રણથી ચારના ગાળામાં આવોને, મારા સાહેબ.’ ‘સાહેબ, મને ચેક–બૂક આપશો?’ ‘આપે રેક્વીઝીશન-સ્લીપ ભરી છે?’ ‘હા-આજે સવારે જ ભરી છે.’ ‘વારુ-તો તમે ચારેક વાગ્યાના અરસામાં આવોને-હજુ ચેકબુક…’ હસમુખલાલે ફરીથી એકવાર ટાલ ઉપર ઝમી ગયેલો પસીનો લૂછી નાંખ્યો ને ત્યાં જ મગને આવીને એમને કહ્યું : ‘પરીખસાહેબ બોલાવે છે....’ ‘આ એક અઠવાડિયું જોરજુલમ કરી લ્યો, મારા સાહેબો,’ બબડતા હસમુખલાલ પરીખસાહેબની ચેમ્બરમાં પહોંચી ગયા. ‘મિ. વ્યાસ, આ કાગળ વાંચો-આટલી બધી ફરિયાદો કેમ આવે છે?’ હસમુખલાલે સાહેબની ચેમ્બરમાં ઊભાં ઊભાં જ કાગળ વાંચી લઈને કહ્યું : ‘સાહેબ, આ સ્ટેટમેન્ટ તો આપણે મોકલી આપ્યું છે. છતાં ય આજે બીજું ડુપ્લીકેટ તૈયાર કરાવીને મોકલી આપું છું.’ હસમુખલાલ ટેબલ આગળ પાછા આવ્યા ત્યારે ગોળ સોનેરી ચશ્માંમાંથી વેધક નજરે જોતા, એક આધેડ વયના સજ્જન એમની સામે ટીકીટીકીને જોવા લાગ્યા. હસમુખલાલે એમની નજરથી બચવા, પાસે પડેલા લેજરમાં મોઢું નાખી દીધું. ત્યાં જ પેલા સજ્જનના ચીપીચીપીને બોલાયેલા શબ્દો એમના કાને અથડાયા : ‘આ મારો ચેક તમે પાછો કેમ મોકલ્યો છે, એ હું જાણી શકુ?’ (હરામજાદે, એની સાથેનો ઓબ્જેકશનમેમો તો વાંચો.) “સાહેબ, એ ચેક પાછો મોકલવાનું કારણ અમે ચેક સાથે તમારી ઉપર લખેલા કાગળમાં જ જણાવ્યું હશે.” ગ્રાહકને ગમે તે- રીતે રીઝવવાનો મરણિયો પ્રયાસ કરવાનો મુદ્રાલેખ અપનાવતાં હસમુખલાલે એમના ચહેરા ઉપર એક સ્મિતનો પડછાયો ઉપસાવતાં કહ્યું. ‘આજ કાલ પંદર વર્ષથી, આ બૅન્કમાં મારો એકાઉન્ટ ચાલે છે. પણ તમારા રેકર્ડ ઉપરની સહી સાથે મારી સહી ‘ટેલી’ થતી નથી એવા નજીવા કારણસર ચેક પાછો ફરે એવો આ પહેલો જ પ્રસંગ છે’ (અરે, મહામૂર્ખ, આ તો તારા પૈસાના રક્ષણ ખાતર બૅન્કના નિયમનું પ્રમાણિક્તાથી પાલન કર્યું છે.) ‘જુઓને સાહેબ, આ તો તમારી સલામતી માટે અમે વાંધો ઉઠાવ્યો છે. આજકાલ બનાવટી ચેક...છતાં એક કામ કરોને—ફરીથી તમારી ‘સ્પેસીમેન સિગ્નેચર’ આપતા જાઓ-પ્લીઝ’ વર્ષોથી કેળવેલી ને જાળવેલી નમ્રતાનો તંતુ તૂટી જશે એ ભયે હસમુખલાલ બોલતાં બોલતાં અચાનક અટકી ગયા.

*

નહીં, મફત આજથી પાનકોરનાકું છોડવાનું……… નિશ્ચય કરી દીધો આપણે, જરાય આગ્રહ કર્યો તો તને મારા સમ છે. જીભનો ચટાકો સાળા, મને કેવો ને ક્યાં કનડે છે એ તને કેમ સમજાવું? ના-ના તું પૈસા આપવાનો હોય તો ય નહિ. પણ તું તારે એકલો જાને...ના કહ્યું ને? ભેળ પણ નહીં.. જા-જા-હવે, મૂરખ જેવી વાત ના કરીશ-ભેળ તે વળી મોળો આવતો હશે? શું સાચું કહે છે... ધૂળ ને ઢેફાં?....તે ભેળમાં દાડમના દાણા નાખે છે ને મમરા જ વધારે હોય છે, એમ કહીને હવે આ મુનિવરને તું નહિ ચળાવી શકે, સમજ્યો?...જો ભઈ અંતરની વાત કહી દઉં? આ જીભના ટેરવાએ તો મારા પેટમાં ને મારી જિંદગીમાં આગ ચાંપી છે આગ. તું માળા ચકમક ઘસતો હોય એમ બટેટાવડાં ને ભેળના વર્ણનથી જીભને ટેરવે સ્વાદનો તીખો તણખો ઊભો કરે છે. જીભના ટેરવા ઉપર સ્વાદનો તણખો ને આજુબાજુ બન્ને દાઢોમાં લાળના સમુદ્ર ઊછળી પડે છે. પણ દોસ્ત મફત, મેં ઝાઝું કશું નહિ, તોય ગીતા પચાવી છે, હં. સ્વાદને જીતવો એ મારું ધ્યેય, મારી ઝંખના રહી છે. એ સિવાય મારો આરો નથી. આ જો, વાતવાતમાં તું મને પાનકોરનાકા સુધી ખેંચી લાવ્યો. (સા...હે...બ...જી, કેમ ચાલે છે ધંધાપાણી? શું કહો છો...? મોરારજીએ પાટિયાં બેસાડી દીધાં? ભઈ, એણે તો દેશની દાઝ માટે, આપણા સૌના ભલા માટે....અરે લ્યો, તમને વેપારીઓને દેશદાઝની વાત કરી ત્યાં તો...) મ...ફ...ત, કહું છું, તેં અમદાવાદમાં જમીન-બમીન લીધી કે નહિ? શું કહે છે? તારુંય પ્લીન્થ સુધી આવી પહોંચ્યું? આ અમદાવાદમાં તો હું જેને પૂછું છું તે કહે છે, પ્લીન્થ...બધાય પ્લીન્થ સુધી પહોંચી ગયા છે! સાહેબજી, નગીનચંદ.. કેમ છે બજારની હવા? શેરોમાં ભારે વધઘટ છે...તે હોય જ ને? આપણને તો શું...પણ સેન્ચુરી બહુ નહિ ગગડે...બોનસ ડીકલેર થયા સુધી પકડી રાખવો સારો ના...આ ...આ...નગીનચંદ...અમારા જેવાનું કામ નહિ. એકવાર આપણને ચસ્કો લાગ્યો’તો પણ સારી પેઠે માર ખાધો. પોતડી વેચીને ગામ ભેગા થઈ જવાનો વારો આવ્યો ત્યારથી આપણે તો શેરબજારને છેલ્લા રામ રામ કરી દીધા છે. શેરબજારમાં કોઈ.... કદી ઊંચો ના આવે. એ તો હાથમાં થોડા શેર હોય...પણ તમારે દલાલોને શું છે, ભઈ? તમારું તો પેલી કહેવત જેવું છે- વર મરો કે કન્યા મરો પણ ગોરનું તરભાણું...હા...હા... એ-આવજો...ના, હજુ તો બૅન્કમાં જવાનું છે. આ તો રીસેસમાં જરા ચા પીવા. મફત, તો તારે આજે ભેળ ખાવો જ છે? પણ મને શું કરવા ખેંચી જાય છે? તું સાળા મારી નિર્બળતાને પામી ગયો લાગે છે... આ સાંકડી ગલીમાં માણેકચોક હું પહોંચું ત્યાં જ મારાં બધાં ગાત્રોમાં જાતજાતની ચટકીલી, તીખી મસાલેદાર વાનગીઓની સોડમ શોષાઈ જાય છે. મારા રૂવેરૂવાંમાં ‘લાય બટેટું, લાય બટેટું, લાય બટેટું’ના શોરબકોર મચી જાય છે. મફત, તારે મારા ભલા ખાતર પણ અહીં આવવાનું છોડી દેવું જોઈએ. એ...ઈ ઊભો રહેજે. ‘ભઈ, ઓ મહેરબાન, આ બૉલ-પેન કેમ આપી? શું કહ્યું? અરે હોતી હશે? બાર-બાર આને મળે છે... તો તમને વાત કરતાં ય જાણે પેટમાં ચૂંક આવે છે કે શું?’ વેચવાની ગરજ નથી તો શું બોડાવા આ દુકાન માંડીને બેઠા છો? આ-હા, તે જરા માણસ જોઈને વાતો કરો. જરા વિવેક શીખો... સમજ્યાને–મહેરબાન? ના હું તો ચા જ લઈશ...ભઈ થોડો મસાલો નાખજો ચામાં... ને બહુ ગળી ને કડક ના બનાવશો. જરા અસ્સલ બનાવજો. નથી ચાખવો કહું છું.... તું તારે ઓગાળને……. તીખો હશે, ખરુંને? જા-જા-હોતું હશે? ભેળ મોળો હોય……… તે...હશે, દાડમનો દાણો...હું...ક્યાં ના કહું છું..… વાત તારી સાચી ખરી, મફત...ઝાઝો તીખો નથી...ને મારા બેટાએ લસણની ચટણી આબાદ નાખી છે...હં ને વાતેય સાચી. ભેળમાં મોટોભાગ તો મમરા જ લાગે છે... મંગાય, સાલા, મારો ય એક ભેળ મંગાય... હું તને શી વાત કરતો’તો? આ જમીન લેવા બાબત...ના–ના છેક રાણીપ કે વસ્ત્રાપુર સુધી તો કોણ જાય? બહુ બહુ તો સચિવાલયથી થોડે દૂર ચાલે. ને પંચવટી હોય તો ઉત્તમ. એ બાજુનો વિસ્તાર આપણને ગમે છે... તું જરા જોતો રહેજે. પાંચસો વારનો જ પ્લોટ લેવો છે...હવે રહી રહીને થાય છે કે...ઘર બંધાવવાના ગાંડપણમાં મારેય ફસાવું પડશે... ના, એટલા પૈસા તો ક્યાંથી બચે? પણ થઈ રહેશે, દોસ્ત, તું જોયા તો કર... તે’લ્યા, મફત, આમ ફક્કડરામ થઈને ક્યાં સુધી ફર્યા કરવું છે? લગન-બગન નથી કરવાં? (મોતીરામ, ચામાં મસાલો નાંખ્યો છે ને?) (શ...ઈ...ડ...કુ...ક્) મૂરખ છે, તું તો ભઈ-ભઈ લગન કરીને પસ્તાવું પડે એવું ભૂત તારામાં ક્યાંથી ભરાઈ બેઠું છે?… પણ એટલું સાચું... હં... મફત, તારા જેવા ફક્કડરામની રીતભાત ને બેફિકરાઈ જોઈને અમને પરણેલાઓને તારી થોડી ઇર્ષા થાય. આગળ નહિ ઉલાળ... તે તારી ડોશીનું કોણ પૂરું કરે છે? ગામથી અહીં લઈ આવતો હોય તો? બીજું કશું નહિ તો રોટલા તો ટીપી આપે? જાણું છું.. સાલા... તારા ધંધા બધા એવા છે કે ડોશી અહીં આવીને જાણે કે જુએ તો તો છળી જ મરે... તું સાલા કેરેક્ટરનો સાવ ‘લુઝ’-પેલે દિવસે મણિનગરની છોકરીઓ વિષે ખરો વાતે વળગી ગયો’તો……ને મહિનેદા’ડે પાછો તું તો એકાદ-બે દિવસ મુંબઈની ટ્રીપ લગાવી આવે છે ને કાંઈ? કયા વિસ્તારમાં ખૂંપી જાય છે? એ... મ? પચાસ રૂપિયાવાળી....ને તારા આ દીદાર જોઈ... ટાઈ-બાઈ લગાવીને ફાંકડો-ફિતૂરી થઈને જતો હોઈશ....હું જાણું ને? પસ્તાઈશ હં….આવા બધા રંગીન ચટકા છોડ...તું નથી જાણતો, પણ પાછલાં વર્ષોમાં કૂતરાંના મોતે મરવું પડે... બસ, બીજો ભેળ નહીં જોઈએ. સવાદમાં મોળો છે પણ જીભ ઉપર તો તીખાશ બેસી ગઈ... (મોતીરામ, ચાઈ અચ્છી બનાઈ...ઈ... ) ચાલ ભાઈ, મારે હજુ બહુ કામ બાકી છે! આજે હું જુદા મિજાજમાં લાગું છું-એમ? તું જોયા તો કર.... આ મિજાજ તો હજુ કશા હિસાબમાં નથી...ચાલ, હવે બહુ ડાહ્યલો ના થઈશ. કહીશું બધું વખત આવે. તું સાળા આજે પેલા કેળકર સાથે ખરો બાઝી પડ્યો’તો... (હા...હા...હા...હો...હી.. હી...) મને તો એ યાદ કરીને અત્યારે ય હસવું આવી જાય છે. ને તું પાછો એની સાથે ઝઘડવા ગયો ત્યારે તેં મરાઠીમાં જ ફેંકવા માંડ્યું હતું. તાલ આવી ગયો બધાંને તો-મને થયું કે મફત વિફર્યો છે... પણ તું તો કૂતરો પૂછડી વાળી દે એમ ‘જાસ્તી ગડબડી કરું નકા’ કહીને બહુ કામમાં હોય એમ લેજરમાં ડોકું નાખીને બેસી ગયો- કેળકરની બદલી થવાની છે? દિલ્હી...બ્રાંચમાં... ચાલો, એક કાંટો ગયો, તું કંઈથી જાણી લાવ્યો? જરા ઝડપ કર...અઢી ઉપર સાત મિનિટ થઈ ગઈ છે. છે. છૂટા છે બાર આના. કેમ? પણ આ બોલપેન સારી તો નીકળવાની ને? સવા રૂપિયા ઉપરથી બાર આના ઉપર તું લાવ્યો……. ખરીદી કરવાની કળા તો તારી અમદાવાદીની જ છે, અવ્વલ નંબરના અમદાવાદી તરીકે તને ફોરેન મોકલવામાં આવે તો તું નામ કાઢી લાવે, પણ તારી સવાદીઆ જીભ સાલા સૂરતી છે-એટલું જાણી લેજે. સા………હે………બ, જી, સાહેબજી, સા………હે……બ...જી, સાહેબજી... મફત, આ તારા ‘કાકા’ને સાહેબજી થાય છે હં..તું અમસ્તો પાછો મલકાતો નહીં... કસા કાય……કેળકર? કાય આહે? બદલીચા ઓર્ડર આલા? કુઠે? હો ફાવલા……તીકડે જવાબદારીચા કામ અસેલ……… મગન, પેલું ‘હોલીડે’નું લિસ્ટ લાવ તો જરા... ઉપાધિઓનાં પૂછડાં તો જાણે ફૂટતાં જ રહે છે. પેલો રેવતીશંકર બામણ એના પિતામહનું ઘર હોય એમ પડી-પાથરીને બેઠો છે. ગોરપદામાંથી એ કમાય છે પણ મહિનાની દસ રૂપરડી ભાડા પેટે આપવી નથી ને ઘર ખાલી કરવું નથી. આ એક રજામાં હું જાતે જઈ આવું ને રેવતીના નામે આખી ખડકી ભેગી કરું... કહું કે, ‘બામણ થયો છે તો જરા સતના માર્ગે તો ચાલ...આઠ મહિનાના ભાડાના એંસી ગણી આપ ને આ દિવાળી હોરું ઘર ખાલી કરી આપ. રેવતીની જાત, ભાડું તો શું ના આપે? એની પરસાળમાં જ બેસી જવું. પૈસા હાથમાં મૂકે તો જ ઊઠવું. એની વહુ સોજીલી છે : પાણી પાશે, ચા પાશે, ને દયા આવશે તો ખીચડુંય મૂકશે. ને બન્ને જણા અંદરોઅંદર ઝઘડશે. એવી... આ કહેશે કે : ભાડાના આલવા જ જોઈએ. કાઢી આપો કોઠીમાંથી...અરે, મોકો જોઈને એની વહુ આગળ એવો તાલ કરે કે દીકરી માંદી છે ને મરવા પડી છે (અરે રામ, જંઈને તંઇ મારી સ્વાતિને આગળ ધરવી પડે છે…) રૂપિયા પાંચસોનો ખરચ થઈ ગયો છે. ને ઉમેરવું કે એની માને દમનો વ્યાધિ લાગુ પડ્યો છે. દવાઓ ને ડૉકટરોનાં બીલો...આ તમારા એંશી તો ક્યાંય ચટણી થવાના છે... પણ આજ હવારે આની ડાકોરની ટ્રીપ કબૂલ કરવામાં જીભનો લોચો વળી ગયો. એ તો એને સમજાવી દઈશું…….શું તે...એમ છાશવારે કંઈ ડાકોર ના પહોંચી જવાય. રણછોડરાયજી પણ આપણી આર્થિક તંગી જાણે છે. કોઈ દા’ડો ઘરને ના સમજે, ઘરની વાતો ના સમજે ને ઘરના... અરે, પોતાના માણસને સમજવાની તો અક્કલ જ ક્યાં બળી છે? રાતદા’ડો એના તાયફામાં...મને હતું કે ત્રણ સમજુ દીકરીની મા થયા પછી કંઈક કશું ડહાપણ જેવું આવશે....જાણે દીવાલમાં જ મોટી ફાટ પડી સમજવાની—આપણા માંહ્યલા જીવની દોરીને વળ ચઢાવ્યા કરે ને કંઈક થયું કે બંન્ને બાજુથી ચાંપે. પછી જીવને શાંતિ જેવી ચીજ ક્યાંથી મળે? નહિ દુનિયામાં શાંતિ, નહિ દેશમાં શાંતિ, નહિ ઘરમાં શાંતિ... આ ઉંમરે ય છમકલાં કેવાં કરે છે? નાટક જ જોઈ લ્યો- નર્યાં સ્ત્રી-ચરિતર. ઘડી ઘડીમાં ડળગ-ડળગ કરતાં આંસુ સારે છે. ને સાંબેલામાંથી આંસુ સરે છે એ ય સાળી નવાઈની વાત છે ને? આ ડાકોરનું પૂછડું હવે એવું પકડવાની... ...એનો ભાઈ ને એનો મામો મારી નીતાના લગ્ન માટે ખાઈપીને એની પાછળ મંડ્યા છે. ને એને ભંભેરે છે. છોકરી હજુ તો માંડ દુનિયાને જોતી-જાણતી થઈ છે. ...એના લગનની આપશ્રી સજ્જનો ચિંતા ના કરો. એનો બાપ મૂઓ છું તે મને એની ચિંતા છે જ. ને તમે બન્ને તમારી બહેનને ના ચઢાઓ...નખ્ખોદિયાઓ... મારા ઘરમાં મોટાં બાકોરાં ના પાડો... માથે છાપરું છે એ રહેવા દો ને એની ઉપર કૂદંકૂદા ના કરો. લોકોનાં છાપરાં તોડવાનો ધંધો લઈને બેઠા છો…..તો દુનિયામાં પારકાનાં લગન-વિવાનાં ચોકઠાં ગોઠવવા સિવાય કંઇક બીજો ધંધો સૂઝે તો કરો. આ બન્નેની ચઢવણીના કાગળો આણે પાછા એની પેટીમાં તાળું લગાવીને મૂક્યા છે. ઘરમાં ઘડીક નવરા પડ્યા જેવા લાગીએ એટલે એમના મોટા દાંત બતાવીને ખોટા ખોટા વહાલભર્યા શબ્દો વાપરીને કહેશે : ‘કહું છું …તમે આપણી નીતા વિશે પછી શું વિચાર્યું? વેણીભાઈનો મોટો દીકરો...’ એની નજરમાં વેણભાઈનો મોટો દીકરો નથી વસ્યો: એમનું ત્રણ માળનું મકાન વસી ગયું છે. ‘વેણીભાઈ તો સજ્જન માણસ...’ તો સજ્જનતાની પરખ તમારામાં કેટલી બળી છે.. . એ બન્ને જણને કાલે કાગળ લખી દઉં કે મારા સાળીનાઓ, તમે મારી છોકરીની પંચાતી ને વેવલાશ કરવાનું છોડી દો.

*

મગન, પરીખ સાહેબ બેઠા છે કે ગયા...? ક્યારે...એ...એ...અડધો કલાક થઈ ગયો? યુનિયન બૅન્કનાં પગથિયાં ઊતરતાં જ અત્યાર સુધી મનના ખૂણામાં બેઠેલા પેલા વિચારો સાથે હસમુખલાલ જોરથી અથડાયા : કોઈને મનાવવાની વાત તો બાજુમાં રહી પણ... એ અજય પીને આવ્યો હતો... એ લઠીંગાની વાત મેં સાચી માની એય ઓછું કૌતુક કહેવાય? હાથમાં પૈસા ના આવે ત્યાં સુધી આ વાતને સાચી માનનારો હું કેવો? ...ને આ અઠવાડિયાની અવધ મેં એ લઠીંગાને શીદને આપી હશે? આજે સાંજે જ લઈ લેવાના હતા. તડ ને ફડ...લાવ, ભ, પૈસા લાવ. કોઈ વરસવા તૈયાર થઈ ગયો ત્યારે હું વગર ફોગટના તાલ કરવા બેઠો ..સાળું, ધારો કે કંઈ ચોરીબોરીનો માલ હોય...એય ફોગટનો વિચાર આવ્યો. ટમટમતા દીવા જેવો પચીસ હજારનો ચેક મેં મારી સગી આંખે જોયો...ચોરીનો હોવાનો પણ કંઇ સંભવ નથી... કોઈએ હોંકાટો માર્યો હોય એવું લાગવાથી હસમુખલાલ ઊભા રહી ગયા. આજુબાજુ જોયું. કોઈ પરિચિત દેખાયું નહિ. એમની બૅન્કમાં જ કામ કરતી રંજના પટેલ એમની સામે સ્મિત કરીને આગળ ચાલી ગઈ. બોલ્શોઈ થિયેટરની નૃત્યાંગનાની ચાલે સરકી ગયેલી રંજના વિષે મફત જાતજાતની વાતો કરતો ને પોતે રસનાં ચટકાં રૂપે આ બધી વાતો સાંભળતા. જાણે મધપૂડામાંથી મધનાં ટીપાં દદડતાં હોય. વિચારના આટાપાટા રમતાં એમની આંખોમાં ઝંડું ફાર્મસી અથડાઇ ને બે રાતથી ખાંસી ખાતી સ્મિતા માટે એમણે સીતોપલાદિ ખરીદી લીધું. ને રંજનાની ચાલની નકલ કરતા, એલિસબ્રિજ છોડી ભીખાભાઈ પાર્કમાં આવીને ઘડીક બેઠા. આજુબાજુ જોઈ લઈ, કેળાંનાં ખડખડિયાંનું બંધાવેલું પડીકું એમણે છોડ્યું. ખડખડિયાં ખવાઈ રહ્યા પછી છૂટો રહેલો કાગળ એ શૂન્ય નજરે જોવા લાગ્યા ને કંઇક રસ પડ્યો ને વાંચવા લાગ્યા. લખાણ ભારેખમ અંગ્રેજીમાં હતું પણ તેથી તો શબ્દો વાગોળતાં વાગોળતાં એમને વાંચવાની મોજ આવી ગઈ. કેળાંનાં ખડખડિયાંનો તીખો, મસાલેદાર સ્વાદ જીભ પર હજુ લબકા લેતો હતો. ‘વોટ અપીઅર્સ એઝ સેલ્ફ ઇઝ બટ એ બન્ડલ ઓફ આઇડીયાઝ, ઇમોશન્સ, એન્ડ એકટીવ ટેન્ડન્સીઝ, મે...ની...ફે...સ્ટીં..ગ એટ એ પર્ટીક્યુલર મોમેન્ટ. ધ નેક્સ્ટ મોમેન્ટ ધે ડિઝોલ્વ એન્ડ ન્યૂ બન્ડલ્સ ડીટરમીન્ડ બાય ધ પ્રીસીડીંગ વન્સ એપીયર...હસમુખલાલ ધાર્યા કરતાં ઝડપથી હાંફી ગયા... ને આઇડિયાઝ, ઇમોશન્સ, એન્ડ એકટીવ ટેન્ડન્સીઝ ...નું રટણ કરતા ઊભા થયા. બસ પકડી, બબડતા બબડતા ઘરે આવ્યા ત્યારે સૌ પહેલાં સ્વાતિની ઉપરાઉપરી આવતી ખાંસીએ એમનું સ્વાગત કર્યું. સાંજ ધાર્યા કરતાં વધારે ઠંડી હતી. ને કમોસમનાં વાદળાં આકાશમાં અડાબીડ ઘુમી રહ્યાં હતાં. કદાચ ગાજવીજ થાય ને વરસાદ તૂટી પડે…….

*

‘તમે સૂરત રહ્યા એમ કહો છો, મુંબઈ પણ રહ્યા એમ કહો છો, તો તમારું મૂળ ગામ કયું?’ ‘મૂળ અમે ઠાસરાના, પણ પ્રા., મૂળ જેવું કશું રહ્યું નથી.’ ‘એમ? ત્યારે તો ચરોતરના-’ ‘ને તમે વિદ્યુતકુમાર?’ ‘હું વડોદરાની પાસે...બહુ પાસે નહિ, પણ જરા દૂર પાદરા ગામનો-’ ‘ઓહોહો….. ત્યારે તો મારા પિતા અસલ પાછા વડોદરામાં રહેલા. મારું બાળપણ થોડું વડોદરામાં વીતેલું, પણ પછી સુરત પહોંચી ગયેલો.’ ‘એમ, ત્યારે તો વડોદરાનું પાણી તમે પીધેલું?’ ‘પીધેલું નહિ, પચાવેલું પણ ખરું. પ્રોફેસર, શું કરે છે અલકાબહેન?’ ‘છોકરાંઓને ભણાવતી હશે કે ક્યાં તો...’ ‘કેમ અટકી ગયા, પ્રા.?’ ‘...જરા રિસાઈને બેઠી હશે.’ ‘શું કો’છો...? આ ઉંમરે રિસામણાં...’ ‘શું થાય હસમુખરાય, જરા ‘મૂડી’ છે...’ ‘હોય-હોય………બૈરાંઓનો એ તો સ્વભાવ જ રહ્યો...’ ‘ના, આ તો જરા નવાઈનું છે. ચાર-પાંચ દિવસ થાય ને એને ઉદાસ-મૂડનો કેફ ચઢે... બીજું કંઈ નહિ પણ ત્યારે એ રડ્યા કરે.’ ‘ને પછી તમારે એમને મનાવવાનાં...ગમ્મત આવી જતી હશે, પ્રા.!’ ‘હવે થાકી ગયો છું, હસમુખરાય...’ ‘હાસ્તો... સાળુ... ક્યાં સુધી ને કેટલાં વર્ષો મનમનાવટ કર્યા કરવી?’ ‘તમારે બૅન્કવાળાને તો બોનસ મળવાનું, કેમ? આ વર્ષે મળી ગયું કે?’ ‘તૈયારી છે, આ અઠવાડિયામાં મળી જશે. પણ એમ બોનસને તો કોણ પૂછે છે... હવે?’ ‘સમજ્યો નહિ, હસમુખરાય... બોનસ એટલે તો એકાદ મોટી ખરીદી... કે એકાદ પ્રસંગ ઉઘલાવવાની શક્તિ...?’ ‘કે પછી એકાદ દેવાની પતાવટ... એમ કેમ નથી કહેતા?’ ‘એ ય સાચું...તમારે તો મોટી ડૉટર હૉસ્ટેલમાં રહે છે એટલે એને અંગે ખર્ચો...હવે પરણાવવા જેવી થઈ ગઈ છે, કેમ?’ ‘વિદ્યુતકુમાર, બધી ઉપાધિ એની જ છે ને-’ ‘કેમ? તમારી ન્યાતમાં સારા છોકરાઓ નથી?’ ‘સારા તો એક-બે છે. પણ વાત કંઇક જુદી જ છે...’ ‘હું સમજ્યો નહિ.’ ‘કહીશ તમને પ્રા... (એક વાત મારે તમને એમ પૂછવી છે પ્રા. કે ધારો કે...ધારો કે...) ‘ઓ….હો, અલકાબહેન, આજ કંઈ કૉફી બનાવીને લાવ્યાં?’ ‘મને થયું કે કાકા આજે બહુ આનંદમાં છે તે કૉફી પિવડાવું.’ ‘કૉફી આપણને ક્યાં સદે છે, અલકાબહેન? ને હમણાં તો ઘરમાં માંકણ બહુ વધ્યા છે.’ ‘હોય...અમારે ત્યાંય થયા છે...’ એ ઉપાધિની વાત જ જવા દો ને... રાતભર સા...ચટકા ભર્યા કરે છે...’ ‘કેમ ચાલે છે નીતાનું વાંચવાનું?’ ‘કહે છે તો ખરી... સારું વંચાય છે.’ ‘હુશિયાર છે... પાસ થઈ જશે હં…ચિંતા ના કર્યા કરશો.’ ‘ચિંતા તો હવે...એવું છે ને, અલકાબહેન કે...’ (અલકાબહેન, એક ત્રાહિત વ્યક્તિ તરીકે મારી વાત સાંભળો, ત્યારે કે તમને....તમને એટલે કે વિદ્યુતકુમારને કોઈ અમસ્તો અમસ્તો પચીસ હજાર...) ‘કાકા, શારદાબહેન આજે તમારાં બહુ વખાણ કરતા હતા?’ ‘શાની વાતમાં, અલકાબહેન? એ મારાં વખાણ કરે... જરા નવાઈનું તો કહેવાય...આ ઉંમરે મારામાં વખાણવા જેવું...’ ‘આ તો અમારે ઉનાળાની વેકેશનની વાત નીકળી. તો કહે કે, તમારા કાકાને બૅન્કમાં નોકરી એટલે વેકેશન જેવું તો ક્યાંથી હોય? પણ વૈશાખમાં ઘણું ખરું લગનબગન નીકળે ને રજા લઈ અમે ગામ જઈએ,...અને એમ વાતો કરતાં કરતાં ગયા ઉનાળામાં તમારા ગામમાં કોઇનાં લગ્ન હતાં ને તમારે મોટો ઝઘડો થયેલો ને તમે જે હિંમતથી...’ ‘એ વાત ક્યાં યાદ કરાવી અલકાબહેન? પ્રા. આ હું એકવાર નો’તો કહેતો કે મારો નાનો ભાઈ છે એને ભાઈ શાનો કહેવાય? સા... મુંજી, પાજી ને હરામખોર..’ ‘હું જાણતો’તો કે એ લગનમાં આવવાનો છે એટલે મારો જવાનો કંઈ વિચાર જ નહોતો. પણ આ તમારાં કાકીએ આગ્રહ કર્યો.... તમને વાંધો ન હોય તો વિદ્યુતકુમાર, હું જરા બીડી..’ ‘આ તમારા જેવી ઈઝીચેઅર આપણે વસાવવી પડશે...માનો ન માનો, લગીર નિરાંતે અઢેલીએ છીએ ને સુખ-સુખ જેવું લાગે છે?’ પ્રા.ની આરામખુરશીમાં, ચાર મણની તળાઈમાં સૂવાના હોય એટલી લહેરથી, નિરાંતે જરા પગ લંબાવી, હસમુખલાલ ગોઠવાયા. દીવાસળીથી બીડી ચેતવતાં એમના ચહેરા ઉપર મૂળ ગામ ઠાસરાની થોડી ધૂળનું લીંપણ થઈ ગયું. આંખો બુદ્ધિથી જરા ચેતનવંતી બની ગઈ. બીડીનો એક દમ લીધો. ખૂંખારો ખાધો ને વાત માંડી : ‘આ ઠાસરા અમારું મૂળ ગામ એ તો મેં તમને કહ્યું, નહીં? એટલે વ્યાસના વંશજો એવા અમે જ્યારે જનોઇ કે લગ્ન જેવા પ્રસંગો હોય ત્યારે આ ગામમાં જઈને જ ઊજવીએ. અમારી ન્યાતનો આ સામાન્ય એવો ધારો. દીકરીનાં લગન લીધાં હોય અને મૂરતિયો છેક પેરિસથી કેમ ના આવતો હોય, દીકરીનાં મા-બાપ તો એને કહેવાનાં કે જમાઈરાજ, લગન કરવાં હોય તો તમારે જાન લઈ ઠાસરા જ આવવાનું. ન્યાતનું મૂળ અને ગામનું મૂળ આવે પ્રસંગે અમે અચૂક યાદ કરવાના. અને તમે જાણો છો, પ્રા. કે લગ્નોનાં બધાં મૂરત ઉનાળામાં આવે એટલે ધોમધખતા વૈશાખમાં વરરાજાઓ ઊઘલે. એટલે અમારા દાદાના ભાઈ એટલે બાપના કાકાની દીકરીનાં લગ્ન ગયા વૈશાખમાં હતાં, મારા દાદા કરતાં આ દાદાના ભાઈ નામે નરભેરામ ઉમરે નાની વયના. એમના વિશે અમારી બા પાસેથી એમ સાંભળેલું કે એમને ઘેર છોકરાં થતાં નહીં. ક્યાંથી થાય? વહુ આવે ને બે-ત્રણ વર્ષે ટપ્ કરતીને બાપડી મરી જાય. એક વખત પરણ્યા, બીજી વખત પરણ્યા પણ અમારા દાદાના ભાઈ નરભેરામદાદાને સંતાનનો યોગ ન થયો ! ત્રીજી વખત પરણ્યા ત્યારે એમના વહુ ત્રણ વરસ જીવી ગયા. ને પછી જીવ્યાં એટલે તો દશ વરસ થઈ ગયાં. પણ કઠણ કરમ કહે કે ગમે એમ, સંતાન ન થયું તો ન જ થયું. એટલે કહેવાય છે કે અમારા આ નરભેરામ દાદા એક સવારે પ્રાતઃકર્મ કરવા લોટો લઈને ગયા અને ગયા તો સીધા પરણીને જ પાછા આવ્યા. નાનકડાં, રૂપાળાં દાદીમા આવ્યાં ને છ-સાત વર્ષમાં તો એક પછી એક સુવાવડમાં એમને ઘેર ચાર દીકરીઓ જન્મી. ચારેય દીકરીઓ રૂપાળી, કોડીલી, સમજુ ને શાણી. ‘તે.....એ, કાકા, તમારાં પેલાં બીજા દાદીમાએ કશો વિરોધ...’ મિસેસ પ્રા.એ વચ્ચે મૂંઝવણ રજૂ કરી : ‘તું સાંભળ તો ખરી, અલકા...આમ વચમાં...’ હસમુખલાલની બીડી અધવચ બુઝાઈ ગઈ હતી. એને ફરી સળગાવીને દમ લગાવતાં એમણે કહ્યું, ‘એવું છે અલકાબહેન કે રાણીછાપ રૂપિયાના એ જમાનામાં તો આ અંગે એવો કાંઈ ઝાઝો વિરોધ હતો નહીં. અને સાચી વાત જ કહું તો અમારાં મોટી દાદીમા ઊલટાનાં રાજી થયાં કે હશે, મારો ખોળો નસીબજોગે ન ભરાયો પણ હવે ઘર નિઃસંતાન તો નહીં જ રહે અલકાબહેન, અસલનાં લોકોનાં વેરઝેર જબરાં તો સંપેય કહેવો પડે એવો.. હં... તો હું શું કહેતો હતો?... કે આ બન્ને શોક્યો હળીમળીને રહેતી ને લીલાલહેર કરતી ને આમ પાછા અમારા આ દાદા ગોરપદું કરતા, ને જોષ જોતાં આવડે એટલે પાછળથી એમણે જાહેર કરેલું કે ચોથી પત્નીએ સંતાનયોગ છે એ વાત તેઓ અગાઉથી જાણતા હતા. તો એમની છેલ્લી ને ચોથી દીકરીનાં લગ્ન ગયા વૈશાખમાં હતાં. ને તમારાં કાકી અને છોકરીઓની ખાસ મરજી કે એમને ત્યાં છેલ્લો પ્રસંગ છે તો લગ્નમાં જવું જ. હવે વાત એવી છે કે, આ મૂળ ગામમાં અમારું એક વ્યાસ ફળિયું છે. અને એ ફળિયામાં અમારા દાદા ને એમના ભાઈઓનાં અસલ વડિલોપાર્જિત મકાનો વહેંચાઈ ગયેલાં. અને અમારા સગા દાદાએ અમને બે ભાઈઓને પણ ઓરડાઓની વહેંચણી કરી આપેલી. મકાનની વહેંચણી પૂરી થઈ ત્યારે એ અરસામાં એટલે કે એ વયમાં હું વ્યવહારનો કાચો. અને એક ઉદાર માણસ તરીકે મારી પ્રતિષ્ઠા. ઘરની ને જૂનાં વાસણોની ને એવી બધી વહેંચણી થતી હતી, ત્યારે કોણ જાણે ક્યાંથી આ એક જ કૂખના મારા નાના પાજીભાઈ માટે મને સ્નેહ ઊમટી આવ્યો. મૂળ તો એ પ્રાથમિક શાળાનો માસ્તર એટલે દયા આવે એવી ગરીબડી સ્થિતિ. એટલે સ્નેહ સાથે દયા પણ ખરી. ખોટું કેમ બોલું, અલકાબહેન? એટલે મેં જાહેર કર્યું એની પસંદગી પહેલી. અમારા સગા દાદાનાં બે ઘર હતાં, એક જૂના ખોરડા જેવું હતું પણ પ્રમાણમાં એ ઘર વિશાળ હતું, અનાજની મોટી કોઠીઓ સાથેનું; ને એની બાજુમાં તૂટી પડવાને વાંકે ટકી રહેલી એક ઓરડી હતી. આ કોઠીઓવાળું ઘર જેને ભાગે આવે તેને એક લાભ એ મળે કે આ ઓરડી પણ એના જ તાબામાં કહેવાય. અને બીજું મકાન હતું કંઇક નવી ઢબનું, દાદાએ પોતાની હયાતીમાં પોતે જ બંધાવેલું. પેલા જૂના ઘરમાં ના મળે જાજરૂ કે ના મળે બાથરૂમ. અરે, ઘર ઉપર ગોઠવેલાં પતરાં ય જૂનાં ને કાણાંવાળાં. વરસાદનું પાણી ટપટપ ચૂએ એવાં ને ને એની ઉપરનાં નળિયાં ભાંગી ગયેલાં. નવા ઘરમાં જાજરૂ બાથરૂમ તો ખરાં જ, અને સાથે દેખાવમાં ય ઠસ્સાવાળું, વીસમી સદીનું હોય એવું લાગે. પેલા જૂના વિશાળ ઘરમાં એક હિંચકો વર્ષોથી રહેતો. ને જ્યારે જ્યારે હું ઠાસરા જાઉં ત્યારે આ હિંચકાના આશ્રયે ઉનાળાની રજાઓ પસાર કરું. એટલે પ્રા. મને મનથી આ જૂનું અનાજની કોઠીઓવાળું ઘર ગમે. આ તો જાણે કે જરા આડ વાત થઈ. પણ એ વહેંચણી થવાની હતી એ દરમ્યાન તમારાં કાકી અને મારા ભાઈની વહુ એટલે દેરાણીજેઠાણી પાણી ભરવા ગયાં હતાં. ને ગામના કૂવાના ધાબા ઉપર જ બન્ને વચ્ચે જબરી બોલાચાલી થઈ ગઈ. એનો રોષ તમારાં કાકીએ ઘરે આવીને મારા ઉપર ઠાલવ્યો કે …….અને અલકાબહેન, આ રોષ ઠાલવવાની રીતો ય ત્યારે તો બધી અવનવી…માત્ર મોઢું ફુંગરાવે તેથી ચેન ના વળે...તમારાં કાકી માથે બે બેડાં ને કાખમાં ઘડો રાખીને પાણી ભરવા જતાં-એટલે આ બોલાચાલી થઈ એ દિવસે પેલા જૂનામોટા ઘરનાં પણિયારા પાસે આવતાં જ, એમણે બે બેડાં ગોઠવીને પેલો ઘડો ધબાક દઈને પછાડ્યો. તે કેવો કે નાની ઠીંકરીઓ ઠેરઠેર વેરાઈ ગઈ ને મને આંખો કાઢીને ધ્રૂજતાં ધ્રૂજતાં કહે: ‘આપણા ભાગે જો તમે પેલું નવું ઘર ના લીધું તો હું જિંદગી ભર આ ઠાસરા ગામમાં પગ મૂકવાની નથી.’ ‘વિદ્યુતકુમાર, હું બધું પામી ગયો. પણ એવાં એ દેરાણી-જેઠાણી કૂવાકાંઠે પાણી ભરવા ગયાં હતાં, એ દરમ્યાન જ અમે બન્ને ભાઈઓએ અરસપરસ ભેટીને ઘરની વહેંચણી કરી દીધી હતી. અને મને જે ઘરની દીવાલો ને નળિયાં ને પતરાં સાથે માયા બંધાઇ હતી એ જ ઘરના હિંચકા ઉપર હું જરા સુખ-ચેનથી ટહેલતો હતો, અને અમારા વ્યાસ ફળિયામાં, સૌથી પહેલી વાર મોટા ઝઘડા વગર ઘરના ભાગ વહેંચાયા હતા!’ હસમુખલાલ ફરી એક વાર બુઝાઈ ગયેલી બીડી ચેતવવા લાગ્યા ત્યારે એમને યાદ આવ્યું કે બધો જૂનો ઇતિહાસ ફંફોસવામાં એમની ગાડી કોઇ બીજા પાટા ઉપર જ ફંટાઈ ગઈ હતી. આંખના થોડા ઝડપી મટકાં લગાવી એમણે કહ્યું, ‘પ્રા. સાળું હું તો સંશોધનમાં ફસાઈ ગયો, નહીં?’ ‘ના-ના, હસમુખરાય, ઇટ્ઝ વેરી ઈન્ટરેસ્ટીંગ-હું તો કહું છું કે હજુ જરા વિગતે કહો...’ આ સાંભળી હસમુખલાલ પાછા આરામ-ખુરશીમાં ઢળી પડ્યા ને વાતનો દોર પકડવા બીડીના બે-ચાર દમ લીધા, ‘તમારાં કાકીને તો પછી જેમતેમ મેં મનાવ્યાં. પણ એ જ સાંજે મારો સગો ભાઈ એની વહુનું ઉપરાણું લઈ, મારી સાથે ઝઘડી ગયો. ભારે બોલાચાલી થઈ ને એનો આઘાત મને એવો લાગ્યો કે નસેનસમાં જ્યાં સ્નેહ પ્રસરતો હતો, એ ઝેરનાં ટીપાંમાં ફેરવાઈ ગયો. એ પછી પાંચ-છ વર્ષ સુધી અમારાં ગામમાં ન્યાતના પ્રસંગો આવ્યા, પણ કદીય અમે ત્યાં ગયા નહીં. પણ ગયે વરસે ઉનાળામાં લગ્ન અને જનોઈનો બેવડો પ્રસંગ હતો ને તમારાં કાકીની ય મરજી હતી એટલે અમે ગામ ગયાં. દરમ્યાન, વચમાં દોઢેક હજાર ખરચીને મેં અમારા ભાગે આવેલા ઘરની જૂની ભીંતો સમરાવી, માથાકૂટ કરીને મેળવેલાં નવાં પતરાં ગોઠવ્યાં ને ઉપર વિલાયતી નળિયાં ગોઠવી ઘર દશ રૂપિયામાં ભાડે આપેલું. બાજુની પેલી ઓરડી ખાલી રહેતી એટલે અગાઉથી કાગળ લખ્યા મુજબ અમારા ભાડૂતે ઓરડી સાફસૂફ કરાવીને રાખી મૂકેલી. ચાર-પાંચ દિવસ રહેવાનું હોય તો વાંધો નથી, એમ મન મનાવી હું, તમારાં કાકી ને મારી આ નીતા, સ્વાતિ તે સરિતાને લઈએ ઓરડીમાં રહ્યો. મેં કહ્યું એમ ભાગમાં આવેલ ઘરને નહોતું જાજરૂ કે નહોતો બાથરૂમ. એટલે બીજે દિવસે સવારે, મને જરા ઉતાવળ હતી. એટલે હું આ મારા નાના ભાઈ શીવલાના જાજરૂમાં ગયો. મને કબજીઆતને કારણે સહેજે અડધો કલાક થઈ જાય પણ શું વાત કરું, પ્રા.? એટલામાં તો આ શીવલાએ એના કુળને ના છાજે એવા શબ્દો બોલવા માંડ્યાં. હું જાજરામાં રહ્યો રહ્યો બધું સાંભળ્યા કરું. ને મારો પિત્તો પછી હાથ રહે કે? ‘મારો સગો ભાઈ આવું બોલે એ વાતે હું તો ભાનભૂલ્યો બની ગયો. મને થયું કે નાલાયક પાજીને મેં ઉદાર થઈને આ ઘર આપ્યું, કારણ કે દરિદ્રી છે, તો ભલે થોડું ભાડું ઉઘરાવી ખાય. ત્યારે એના જાજરામાં હું વર્ષો પછી એકવાર ગયો એમાં આટલો તુંડમિજાજ. ‘વિદ્યુતકુમાર, તમારા સોગન. મારું તો શરીરનું રુંવેરુંવું ધ્રુજવા માંડ્યું. મારા હાથ ક્રોધમાં એટલા તે કંપે કે જાજરામાં પડેલો વાંસનો બે હાથ લાંબો ટુકડો મેં હાથમાં લીધો હતો. એ પણ જાજરાના બારણા સાથે ફપફપ્ અફળાય. મેં તો ધ્રૂજતા હાથે જ કમર ઉપર ધોતિયાની સજ્જડ ગાંઠ લગાવી ને હાથમાં વાંસના એ ટુકડાને લઈને હું બહાર આવ્યો. હું શું બોલ્યો હોઈશ એનું મને ભાન નથી. પણ ત્રાડ પાડી એની ઉપર હું તૂટી પડ્યો હતો. બેકાબૂ ક્રોધને લીધે મને ચક્કર આવી ગયાં, ને ભાન ચાલ્યું ગયું. મેં આંખો ખોલી ત્યારે અમારા વ્યાસ કાળિયામાં રહેતા બીજા ન્યાતીલાઓ ટોળું વળીને મને પંખો નાખતા હતા. પણ ભાન આવતાં જ મેં ફરી ત્રાડ નાખી, ‘ક્યાં છે પાજી? શીવલો? મને સુખે...’ ‘બસ, લગન-લગનને ઠેકાણે રહ્યાં ને એ જ દિવસે અમે અમદાવાદ ઘર ભેગાં થઈ ગયાં. તમારાં કાકી કહે છે કે એ દિવસે મારું દુર્વાસાનું તેજ અસહ્ય હતું, અને શીવલો તો એની વહુની સોડમાં સંતાઇ ગયો હતો.’ આરામખુરશીમાં જે નિરાંતથી બેઠા હતા એ નિરાંત ખોવાઈ ગઈ હતી અને વ્યગ્ર બની ગયેલા હસમુખલાલનું શરીર અત્યારે પણ એ પ્રસંગની યાદથી ઉત્તેજિત થઈ ધ્રૂજવા માંડ્યું હતું. ‘અરે, તું ક્યારે આવી? હસમુખલાલે શારદાને ઊભેલી જોઇને પૂછ્યું. ‘આવી હતી તો તમને કહેવા કે સૂંઠનું પાણી તૈયાર થઈ ગયું છે. પણ આ તમારી વાત સાંભળવા હું ઊભી જ રહી ગઈ.’ ‘તું જા, હું આવું છું હવે પાંચેક મિનિટમાં.’ હસમુખલાલને યાદ આવ્યું કે જે વાત કાઢવાના ઉદ્દેશથી એ અહીં આવ્યા હતા, એની તો કોઈ ભૂમિકા જ બંધાઈ નથી. ‘વિદ્યુતકુમાર જેવાની સલાહ આ પચીસ હજાર માટે લેવા જેવી તો ખરી,’ મનમાં બબડીને પછી બોલ્યા : ‘આ બધી ન્યાતજાતની તો બહુ રસિક કથાઓ છે. પણ હવે ક્યાં કોઈને એમાં રસ રહ્યો છે?’ ‘એ તે હસમુખલાલ, ન્યાતનું એવું છે ને કે.. એનાં મૂળિયાં ઊંડાં છે. ન્યાતજાતની આ સંસ્થાનું હાડપિંજર હજુ તો ઘણા દાયકા સુધી આપણા વચ્ચે જ રહેશે એમ લાગે છે-બાકી, ઉપરછલ્લી દૃષ્ટિએ કહીએ કે ન્યાતજાતનું મહત્ત્વ નથી એ જુદી વાત થઈ.’ ‘હાં....વળી, અમારી અનાવિલ ન્યાતમાં હજુ ય વાંકડો ક્યાં ગયો છે જે?’ કહેતાં અલકાબહેને ટાપસી પૂરી (માળું પાછું ન્યાત તરફ ફંટાયું... કંઈક પચીસ હજારનું પૂછવાનો લાગ મળે...) ‘તમે વિદ્યુતકુમાર કંઇ નસીબ જેવામાં માનો ખરા કે?’ સાવ આડેધડ, કશી આગળ પાછળની વાત વગરનું હસમુખરાય પૂછી બેઠા. અને પૂછી બેઠા ત્યાર પછી જ એમને સમજાયું કે કૂતરાની પૂંછડી કસમયે એમણે ખેંચી છે.

*

શરદીના વહેમને લીધે ઉકાળેલું સુંઠનું પાણી લઈ, હસમુખલાલ પથારીમાં પડ્યા ત્યારે વિદ્યુતકુમારને ત્યાં પીધેલી કોફીએ પરચો બતાવવા માંડ્યો. સૂવા માટે બંધ કરેલી આંખો ઉશ્કેરાટ ને ચેતનથી ઊંઘમાં ય પટપટવા માંડી અને શીવલાની વાતનો પડઘો ‘રમૂજ’ નામના ખડક સાથે અથડાઈને માંડ તૂટયો ને લગીર મનોમન હસવા જેવું થયું ત્યાં તે ‘નસીબ’ અંગે વિદ્યુતકુમાર સાથે થયેલો આખો યે સંવાદ મનોમન ફરીથી ગૂંથાવા માંડ્યો. ‘તમે વિદ્યુતકુમાર કંઇ નસીબ જેવામાં માનો ખરા કે?’ પૂછી કાઢ્યા પછી, હસમુખલાલને લાગ્યું હતું કે આવો સાવ આગંતુક પ્રશ્ન સાંભળી ક્યાં તો વિદ્યુતકુમાર સાવ મૌન રહેશે અથવા કંઈક ઉડાઉ જવાબ આપશે. પરંતુ વિદ્યુતકુમાર તો માનભેર એમની સામે જોઈ રહ્યા હતા ને એમણે કહેલું : આ પ્રશ્ન ઘણે અંશે વ્યક્તિગત બની જાય છે. અને નસીબમાં માનવું કે નહીં, એ વાત અંતે તે દરેક વ્યક્તિ માટે એક સાયકોલોજીકલ નીડ જેવી બની જાય છે. એક ઉદાહરણ રૂપે, હું મારા પૂરતું એમ કહ્યું કે મને રેશનલ થીન્કીંગ એટલે કે તર્કયુક્ત રીતે વિચારવાની ટેવ છે. તેથી આ નસીબની વાતને હું મારા વિચારના માળખામાં કોઈ રીતે ગોઠવી શકતો નથી. તર્કથી જેટલું સમજી શકાય, સમજાવી શકાય એટલું જ સ્વીકારવાનું મને ગમે છે.’ ‘મને લાગે છે પ્રા. કે, તમે જરા વધારે સૂક્ષ્મ રીતે વિચારી રહ્યા છે. મારે તે તમને એટલું જ પૂછવું છે કે.. ધારો કે તમે કલ્પના ય ન કરી હોય અને અચાનક તમને કશાકની એકદમ પ્રાપ્તિ થઈ જાય તો એ પ્રાપ્તિ નસીબને કારણે થઈ એમ તમે ન કહો તો પછી એ પ્રાપ્તિને તમે તમારા વિચારના માળખામાં શી રીતે ગોઠવો?’ હસમુખલાલ પથારીમાં બેઠા થઈ ગયા. પાસે પડેલા પાણીના કુંજામાંથી એમણે પાણી પીધું. આવું સભર વાક્ય એમના જીવનમાં એ કદાચ ક્યારેય બોલ્યા નહોતા. એમની આખી વાણીનું સ્તર બદલાઈ ગયું હતું, એ વાતે એ જબરી ઉત્તેજના અનુભવી રહ્યા. ‘અચાનક તમને કશાકની એકદમ પ્રાપ્તિ થઈ જાય.’ આ શબ્દ ‘પ્રાપ્તિ’ એમની બોલચાલની વાણીમાં આ અગાઉ ક્યારેય એમણે ઉપયેાગમાં લીધો નહોતો. (પચ્ચીસ હજારની પ્રાપ્તિ. મનના છેક તળિયામાંથી કશુંક સળવળીને જંપી ગયું.) હવે વિદ્યુતકુમારને બોલવાનો વારો હતો. હસમુખલાલે ઘડીક એમને મોઢે જાણે હાથ દઈને રોક્યા. ને બીડી સળગાવી લીધી. ને પથારીમાં પડ્યા પડ્યા જ જરા ટેસથી કહ્યું: ‘હ્ં, કહો વિદ્યુતકુમાર’ ‘હસમુખલાલ, ફ્રેન્કલી, મને એવી કોઈ પ્રાપ્તિનો અનુભવ નથી એટલે શાને આધારે હું તમને જવાબ આપું?’ ‘એટલે વિદ્યુતકુમાર…તમને એવું કશું જ મળ્યું નથી, જેને તમે ‘નસીબને લીધે મળ્યું’ એમ કહી શકો? અથવા એવું કશું ‘ખોયું’ જેને માટે નસીબનો વાંક કાઢી શકો? નસીબને સ્થાને આપણે દૈવ મૂકો ...શબ્દોની માથાકૂટમાં આપણે નથી પડવું.’ ‘એવું નથી જ બન્યું એમ તો તેમ કહેવાય? એમ તો પંદર વર્ષના ઉંમરે મેં પિતા ગુમાવ્યા, ત્યારે અમારી ન્યાતમાં એક લાખોપતિ દંપતી નિ:સંતાન હતું, એમણે મને દત્તક લેવા માટે ખાસ આગ્રહ કરેલો. મારાં બાને એવો ઘણીવાર વિચાર થઈ આવતો કે એ બહાને પણ જો હું સુખી થઈ શકું તો ભલે દત્તકપુત્ર તરીકે મારો ઉછેર ત્યાં થાય. પણ હસમુખલાલ, એટલી નાની ઉંમરથી જ, પૈસાને કારણે માની શીળી છત્રછાયા છોડવાનું મેં વિચાર્યું નહીં. ત્યારે હવે આ પ્રસંગ માટે તમે શું કહેશો? કે મારા નસીબમાં પૈસો હતો ને મેં લીધો નહિ? કે મારા નસીબમાં પૈસો નહોતો એટલે મેં આ નિર્ણય લીધો? શું કહેશો તમે?’ ‘હું શું કરું એમ?’ નસીબની ભૂલભૂલામણીમાંથી માર્ગ કાઢતા હસમુખલાલ બહાર આવ્યા ત્યારે કહ્યું : ‘ભાઈ, મને તો દીવા જેવું દેખાય છે કે તમારા નસીબમાં નહીં હોય એટલે તમને એવી મતિ સૂઝી ને તમે તમારી માના ખેળામાં બેસી રહી ગરીબ ને ગરીબ રહ્યા.’ ‘હા...નહીં તો હું મોટા બંગલામાં રહેતો હોત ને મોટર ફેરવતો હોત ને અહીં તમારા પડોશમાં રહેવાનું નસીબ...’ ‘તમે તો વિદ્યતકુમાર, વાતને જરા હસવા ઉપર લઈ લીધી.’ હસમુખલાલે લાગ જોઈને એમને કેવો ટોણો માર્યો હતો એ વાતે એ મલક્યા. ‘ના, હસમુખલાલ, હસવા જેવું નથી. આ તો નસીબમાં માનનાર કેવા પ્રકારની વાત કરે એ કહેતો હતો. બાકી, ‘મતિ સૂઝી’ એમ તમે કહો છો ત્યારે એનો અર્થ એવો થાય કે, તમારી બુદ્ધિ પણ કશાક અગમ્યથી નિયંત્રિત છે. એ વાત સ્વીકારવાનું હું પસંદ ના કરું.’ ‘તમે પસંદ કરો કે ના કરો, એ નિયંત્રણ જો હોય તો તમને એમ જ સૂઝે, ને તમે એ રીતે જ વિચારવાના, હસમુખલાલે જરા ભારપૂર્વક વિજયની સોગઠીઓ એમની તરફ ફેંકી હતી. ‘મારી પસંદગીની સ્વતંત્રતા મારી પાસે છે એમ માનીને હું ચાલું છું, એટલે તમારી જેમ નસીબને આગળ ધરવાનું હું કદી ન કબૂલું. વિચાર પણ જે નસીબને આધીન રહીને થતા હોય તો પછી આપણી પાસે કોઈ પ્રકારની સ્વતંત્રતા જ નથી એમ થયું. એ સાચું નથી. મારાં કૃત્યો માટેની જવાબદારી હું પોતે જ સ્વીકારી લઉં છું. ‘ઝીણું કાંત્યા સિવાય હું તમને, વિદ્યુતકુમાર, એક જ દાખલો આપું. મારો સાળો ખરો ને? આ શારદાનો ભાઈ, એની જ વાત. વર્ષો પહેલાં એને કોઇક અવધૂત જેવા લંગેટિયા બાવાએ મનમાં ઠસાવ્યું હતું કે તમારા નસીબમાં ત્રણ મોટા ઘડા ભરાય એટલું ચાંદી ને સોનું છે. ને ત્યારથી એ ચાંદી ને સોનાની વાતને એવો તો વળગી પડ્યો છે કે જોષ જોનારા જોષીઓ ને એવા બીજા ધૂતારાઓ ને ભૂવાઓ પાછળ એ ફર્યા કરે છે. આ નસીબની વાતને એણે એવી તો મુઠ્ઠીમાં પકડી રાખી છે કે આ સોનાના ઘડા ક્યાંથી મળવાના છે ને ક્યારે મળવાના એ પણ હવે તો નિશ્ચિત થઈ ગયું છે.’ ‘પ્રા. મારી સામે આમ શંકાની નજરે ના જોશો. આ તો જે વાત તમારાં કાકી લગભગ છાશવારે મારા માથા ઉપર ખીલાની જેમ ઠોક્યા કરે છે, એ વાત જ કહી રહ્યો છું. આમાં મારો કોઈ મરીમસાલો નથી. આપણને એવો રસ પણ ક્યાં છે?’ ‘...તો હું કહેતો હતો એ આ મારા સાળાને કોઈ હોકાયંત્રીએ કે ધૂતારાએ કહ્યું છે કે તમારું પોતાનું ગામ હશે, એ ગામમાં તમારું ઘર હશે. એ ઘર ખૂબ લાંબું હશે. ચાર ઓરડા પસાર થાય એટલે બાપદાદાના વખતથી જ્યાં રસોઈ થાય છે, એ વરંડો હશે. એ વરંડાની વચ્ચે રસોઈ માટેના ભઠ્ઠા હશે. આના દસ ફૂટના ઘેરાવામાંથી તમને ચાંદી ને સોનાના ચરુ જડશે. ‘એક ધૂતારાની આ વાત સાંભળતાંની સાથે જ મારા સાળાએ દશ નહીં પણ વીસ ફૂટના આખા ઘેરાવાને ચારે બાજુએથી ઊંડો ખોદી કાઢ્યો પણ કશું મળ્યું નહીં. બીજી વખત જોષીઓ પાસે મૂ’રત જોઈ ખોદાવ્યા ત્યારે નૈઋત્ય ખૂણામાંથી ત્રાંબાના સિક્કાથી છલોછલ ત્રણ ઘડા મળ્યા. અને હવે... જોષીઓ મારા સાળાને એમ કહે છે કે... ચાંદી ને સોનું તો તમારી મા સ્વર્ગે સિધાવશે ત્યારે મળશે. અને ત્યારથી મારો સાળો એની સગી મા માંદી પડે છે ત્યારે ઉશ્કેરાઈ જાય છે અને ક્યારે મૃત્યુ પામે એની રાહ જોઈને બેઠો છે. ને હું તમારાં કાકીને ઘણીવાર આ વાત કહીને ચીઢવું છું કે ‘યાદ રાખો, તમારી મા હજુ બીજાં વીસ વર્ષ જીવી ના નાખે તો મને કહેજો. મારો આ બ્રાહ્મણનો બોલ છે.’ ‘પ્રા. આ બધી વાતનું તાત્પર્ય મને તો એટલું જ સમજાય છે કે નસીબની બલિહારી હશે તો આ ચાંદી-સોનું મળવાનાં. મારા સાળાને નહીં મળે તો એના દીકરાઓને મળશે. પણ આ સોના-ચાંદીની વાત ઉપરની એમની શ્રદ્ધા જુઓ ત્યારે લાગે કે સાળું દુનિયામાં, નસીબને આધારે કંઈ વેંત વગરનું ચાલ્યા જ કરતું હોય છે...’ પ્રા. વિદ્યુતકુમાર સાથે થયેલો આ સંવાદ હસમુખલાલના ચિત્તમાં ફરીથી સળવળવા લાગ્યો. ત્યારે ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં એ બેઠા થઈ ગયા હતા, એ ખ્યાલ એમને થોડા સમય પછી આવ્યો. મચ્છરદાનીના ઘેરાવામાં જ એ મલકી પડ્યા. ને થોડા મલકાટ સાથે જ ઊભા થઈ, સાચવીને વરંડામાં ગયા ને પાછા આવતાં બે-ચાર ખાંસીના ગુબ્બારા આવ્યા એટલે પલંગની પાંગોથે મૂકેલી સીતોપલાદિ ને મધની શીશી લઈ આવ્યા. મધને અંદાજે સાચવીને એમણે હથેલીનો નાનો ગોખ બનાવી કાઢ્યો ને સીતોપલાદિના ચૂર્ણને ઉપર ભભરાવી, બીજા હાથની આંગળી વડે.... મધવાળી એમની મીઠી આંગળી, મોઢામાં અટકી ગઈ-પચીસ હજાર રૂપરડી માટે હું કેવી વાતોના વંટોળમાં ફસાઉં છું? ભલા માણસ, આ પચીસ હજારમાં નસીબની કોઈ વાત જ નથી. આંખ મીંચીને શનિવાર આવવા દેવો, ને ચૂપચાપ....... પણ ધારો કે છેક છેલ્લી પળે આ વાંદરીના જેવું મન જો એમ ભૂસકો મારી બેઠું કે ઊંહું....ના, નહીં—ના લેવાય. હવે બહુ ચીબાવલાવેડા કરી, વાતને જરા ય ગૂંચવવી નથી. હસમુખલાલ પોતે જરા સ્વસ્થ બન્યા હોય એમ ટેસથી સીતોપલાદિ ને મધ ચૂસી રહ્યા ને બાજુમાં પડેલા પાણીના લોટાથી હથેળી સ્વચ્છ કરી નાખી. ને ‘પચીસ હજાર મારા બાપના જ ગણીને લઇ લેવા,’ એવા નિશ્ચયના એક સુખદ ઓડકાર સાથે સૂઈ ગયા. અડધી રાત્રિએ કોઈ અત્યંત સુંવાળા પ્રદેશમાં એ ભૂલા પડ્યા, ત્યારે એમને નીતાના હસવાનો અવાજ સંભળાયો. નીતાનું આવું હાસ્ય આ પહેલાં એમણે કદી ય સાંભળ્યું નહોતું. હસમુખલાલની આંખ મળી ગઈ હતી, છતાં ય પોતે ઊંઘે છે ને આંખ મીંચાઈ છે, એવી એક સભાનતા હતી. કોઈ લોહચુંબક પ્રત્યે લોહના કણો સરરર... સટ્ટાક કરતાં ખેંચાઈ જાય એમ હસમુખલાલ ખેંચાવા માંડ્યા. ‘અરે, હાં.. હાં... હાં... ના...હાં....’ જેવી આનાકાનીનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. સૌથી પહેલી લાગણી એમને ચોગરદમ નરી છવાઈ ગયેલી સુંવાળપની થઈ. લીસા ચીકણા કાદવને ઘૂંટી ઘૂંટીને એમાંથી કાઢેલા અર્ક જેવી આ સુંવાળપ હતી. એમણે એમના ગરીબડા દેહ સામે જોયું. ને એ મોઢે હાથ દઈને જાણે હસવા લાગ્યા. પોતાની જાતની, પોતાના ઓગણપચાસ વર્ષના દેહની આવી ઠઠ્ઠા-મશ્કરી એમને ગમતી નહોતી પણ.... એમના દેહને ટટ્ટાર રાખતા બન્ને પગનાં તળિયાં ઉપર લીસી ગરગડી હતી ને ગરગડીને કારણે પગનાં તળિયાંને પારાવાર ગલીપચી થયા કરતી હોય એમ લાગ્યું. પણ આ અનુભવ કેવળ પગનાં તળિયાં પૂરતો મર્યાદિત ન રહ્યો. પગના અંગૂઠાથી માંડી ને છેક શરીરના છત્ર સમા બ્રહ્મરન્ધ્ર સુધી ફરતા લોહીના કણોમાં આવી જ ગલીપચી જેવી સુંવાળી લાગણી થવા માંડી. એમના ચહેરા ઉપર સુંવાળપની લાલાશ આવી ગઈ. એમના સૂક્ષ્મ જીવે આજુબાજુ આંખો માંડી. ઓગળતી મીણબત્તીના રસ જેવા ઊંચા ઊંચા મિનારાઓ, મોટાં તાડ જેવાં વૃક્ષો ને ધરતી ઉપર સુંવાળપના કણ. એમના દેહે ચાલવા માંડ્યું. પણ એમના સૂક્ષ્મ જીવને લાગ્યું કે પગની ગતિ થાય છે પણ એ આગળ ચાલી શક્તા નથી. ચાલ્યો, ચાલ્યો મારો દેહ-વધ્યો આગળ, દોડ્યો ઝડપથી.’ એવી લાગણી અનુભવે, છતાં એમના આશ્ચર્ય વચ્ચે એમના દેહે એક ડગલુંય ના ભર્યું હોય. પગમાં, તળિયામાં, ને લોહીના કણોમાં અનુભવાતી પારાવાર ગલીપચીને કારણે એમના મોઢા ઉપર સુંવાળી, પોચી સ્મિતની રેખાઓએ ઓકળીઓ પાડી. ગાલ રતૂમડા બની ગયા. એમણે સૂક્ષ્મજીવની સગી આંખથી આ રતૂમડા ગાલ ઉપર ચૂંટીઓ ભરી લીધી. ગાલ ઉપર દેવાતી બે આંગળીઓની ચૂંટીઓ પણ સરકી જતી હતી. દેહ મલપતો હતો, ને નીતાનું હાસ્ય ધોધમાર કરતું એમની દિશામાં વહી આવતું હતું. કોઈ ઊંચા મિનારા ઉપરથી હાસ્યના પડઘા સંભળાતા હોય એવો અણસાર લાગ્યો એટલે મહામુસીબતે એમણે દેહને જરા અદ્ધર ઊંચકી મિનારાના પગથિયાં ઉપર ગોઠવ્યો, ને ‘હા...શ’ થયું. તે બાળકની જેમ ગેલથી પગથિયાં ચઢવા લાગ્યા ને મિનારાની ટોચ ઉપર પહોંચી ગયા. ત્યારે એમને લાગ્યું કે નીતાના હાસ્યના પડઘા તો નીચેની ખીણમાં અથડાતા હતા. એમણે ચોમેર નજર ફેરવી. ‘સાલું નસીબ,’ એમ બબડી, એમણે આજુબાજુ નજર ફેંકી. ને એમના આશ્ચર્ય વચ્ચે અમદાવાદનો દૂધેશ્વરનો રેત-કિનારે નજરે પડ્યો. નીતા ને અજય દેખાયાં. બન્ને હાથમાં હાથ નાખીને ચાલતાં હતાં. ‘તારી માનો લઠીંગો’ એમ બબડવા જાય એ પહેલાં જ, અજયે એમની સામું જોયા વગર અવળે હાથે જોરથી કશુંક ઉછાળ્યું. એમણે ઝડપી લીધું. ક્ષણાર્ધમાં અત્યંત ત્વરાથી એમણે સો સોની લીલી, સુંવાળી નોટોની ગણતરી કરી લીધી. ને આનંદના ચિત્કાર સાથે મિનારા ઉપરથી ભૂસકો.....

*

‘ઊંઘમાં તમે બળ્યું શું બબડતા હતા...?’ અર્ધી ઊંઘમાં એમને શારદાબહેનના શબ્દો સંભળાયા, ત્યારે ધીમેથી એમણે કહ્યું: ‘આ લઈ લ્યો, જરા સાચવીને રાખી મૂકજો.’ આવું સાંભળીને શારદાબહેનને ફાળ પડી અને હસમુખલાલને ઢંઢોળી નાખ્યા. ‘શું છે? આમ બાવરી બનીને મને શીદને ઊંઘમાંથી જગાડતી હોઈશ? જરી જંપવા દેતાં હો તો...!’ ‘હાય-હાય-શું સાચવીને મૂકવાનું કહો છો?’ શારદાબહેન આશ્ચર્યમૂઢ બની જાય, એવી આંખોનો એક મલકતો અણસાર કરી, પાછા ચાદર માથા ઉપર ખેંચી સૂઈ ગયા. રસોડામાં જતાં શારદાબહેને છાશીયું કર્યું: ‘ઘરડે ઘડપણ હવે થોડું ગાંડપણ દેખાવા લાગ્યું છે કે શું…’ અડધો એક કલાક જંપીને હસમુખલાલ પથારીમાં બેઠા થયા ને બારી બહાર નજર કરી ત્યારે સોનાથી માંજી કાઢી હોય એવી સવાર આખી સોસાયટી ઉપર ફરી વળી હતી. તીણી, ધારદાર ઠંડીની લહેરખી એમના નાકના ટેરવા ઉપર અથડાઈ. એમણે બગાસું ખાતાં, ઉશીકા નીચે મૂકેલી બાવાટોપી પહેરી લીધી, ને ‘ચાખડિયે ચઢી ચાલે મારો આતમરામ’ જેવું મનમાં અચાનક, જીવનમાં સૌથી પહેલીવાર ફૂટી નીકળેલું. કશુંક બબડ્યા-લગભગ સર્જક-ભૂમિકાએ એ વિહરતા હતા... ઠંડીનો ચમકારો જોઈ એમણે શારદાબહેનને કહ્યું, કહું છું, જરા લા’ળા આપને. આજ તો લગીર બેઠો બેઠો જાતને શેકીશ, તાપીશ.’ શારદાએ સાંભળ્યું-ન સાંભળ્યું કર્યું ત્યાં તો ગરમ શાલમાં વીંટળાયેલાં ચંચળબા નાનકડી માટીની સગડીમાં ચમકતા ને લાલ લા’ળા લઇને હસમુખલાલ આગળ મૂકી ગયાં. તેજીલા અંગારાનો ગરમાવો, સુખના ગરમાવાની જેમ હસમુખલાલની રગેરગમાં પ્રસરવા લાગ્યો. ‘ઓઈ મારા બાપલિયા, આનું નામ જ સુખ.’ સુખ-સુખ-સુખ જેવી લાગણી અનુભવતા એ ગળગળા થઈ જતા હતા. હસમુખલાલ માટે શિયાળામાં ખાસ વપરાતો એ ચાનો તોતિંગ પ્યાલો લઈને શારદા આવી. ‘કમાલ, તારા મોઢા ઉપર આટલી ઠરેલ ઠાવકાશ ને લીંપેલું ડહાપણ આ પહેલાં કોઈ સવારે મેં જોયાં નહોતાં શું છે, અલ્યા... કંઈ ખુશખબરી?’ હ.લાલને લગભગ ગૂંગળાવી નાખે એવી સોજીલી શરમ શારદાબહેનના ચહેરા ઉપર ઝબકી ગઈ. ‘કમાલ, કમાલ’ હસમુખલાલ ગૂંગળાઇ જતા હતા, તો ય બબડ્યા સિવાય ના રહી શક્યા. ‘શું છે, ‘લ્યાં, કો’ કો’...આટલી ઉંમરે મૂઆં શરમાઓ છો..., હસમુખલાલનું મોઢું ય ગેલથી ફૂંગરાઈ જવા લાગ્યું. મનમાં ઝડપથી બોલી પડ્યા: ‘મારું વા’લું ચારે બાજુએ સુખ-સુખ લાગે છે.’ શરમના ઊંડા કૂવામાંથી શારદાબહેન બહાર આવ્યાં ને આજુબાજુ નજર કર્યા પછી, હસમુખલાલની નજદીક સરક્યાં. હસમુખલાલ સંકોચાયા એટલે શારદાબહેન વધારે નજદીક આવ્યાં. એમના મોઢામાંથી તળેલા મઠિયાની વાસ આવવા લાગી. ‘વાહ રે શો તાલ માંડ્યો છે આ શારદીએ,’ બબડી શારદા વધુ નજદીક આવે એ પહેલાં એમણે એમનો કાન શારદાને મોઢા ભણી ધર્યો, શારદાએ ગરમ, લાલચોળ કોલસાના લા’ળા ઉપરની રાખ હળવેકથી ઉડાડતાં કહ્યું: ‘આજે આપણા લગનની...’ હસમુખલાલને છીંક આવવા જેવો સળવળાટ થયો ને એ છીંકમાં ‘સિલ્વર જ્યુબિલી’ મહોરી રહી. હસમુખલાલ આજે પૂરા તાલમાં ને રંગમાં જ હતા. ‘હેં...અ... કહું છું, તું આ ‘સિલ્વર જ્યુબિલી’ શબ્દ ક્યાંથી શીખી લાવી?’ ‘જરા ધીરેથી બોલો. આ શું માંડ્યું છે... વાવ્વા... વાવ્વા... સાવ નાટકીઆ-સૂરતી વાવાભાઈ જેવા!’ શારદાના ગાલે હળવી ચૂંટી ખણી લેવી કે જોરથી કાન આમળી ઊભી કરી દેવી... એ જરાક વિચારમાં પડી ગયા. ‘તે છે શું?’ ‘આજે સાંજે કાલી કમલબાબુ પાસે જઇએ.’ ‘કાલી કમલબાબુ... કોણ?’ આમ જાણી જોઈને અજાણ્યા ન થતા હો તો, ભાઈશા’બ!’ ‘પણ તું જરા વિગતે ફોડ પાડને.’ ‘પેલા નવરંગરાય નહોતા કહેતા...કે કાલી કમલબાબુ નામના પીર બધી ઈચ્છાઓ પૂરી કરે છે ને આપણી...’ ‘ઓહ્ હો....તે આપણી કઈ વાસનાઓ અધૂરી રહી ગઈ છે?’ હ.લાલને અંતરથી કશો અણસાર આવતો હતો. ‘કહીશ તમને. પણ આપણે જવું છે એ નક્કી.’ શારદા કંઈક સંસ્કારી બનતી જતી હોય, એવો પાકો વહેમ હસમુખલાલને પડ્યો. ‘એ હવે કહી જ દે ને-અને આ શરમાવાનું ત્રાગું રહેવા દે.’ ‘હવે ખોટાં કાલાં ન કાઢો. જુઓ, આ ત્રણ દીકરીઓ તો આપણે છોકરા જેવી જ છે, તો ય બળ્યું...’ શારદા હવે વધુ શરમાય તો કાન આમળવો એમ વિચારતા હતા, ત્યાં જ ચંચળબાનો પગરવ થયો હ.લાલે એક ખોટી ખાંસી ખાધી ને પછી ચાના ઘૂંટ ભરવા માંડ્યા. શારદા સરકી ગઈ હતી. હસમુખલાલના મનમાં વાત પૂરેપૂરી ઠસી ગઈ, ત્યારે એ ચમક્યા. એમણે બે અંગારાને હાથની આંગળી વડે ઉપર-તળે કર્યા. આંગળાં સહેજ દાઝયાં તો ય સારું લાગ્યું. ઓગણપચાસમે વર્ષે મારે શારદાની એક છૈયાની આ વાસના પૂરી કરવાની ! આમેય, જ્યારે એ લગીર આંખ મીંચીને વિચારવા લાગ્યા ત્યારે હસમુખલાલને લાગ્યું કે કોઈ પૂચ્છવિહીન પશુ એમનામાંથી કૂદકો લઈ જન્મી જતું, શારદા સાથે ગેલ કરતું ને પછી મરી જતું હતું. પ્રેમ જેવી કૂંણી લાગણીઓ એમણે શારદા માટે ક્યારેય અનુભવી નહોતી. શારદાને સ્થાને પેલી સંસ્કૃતમયી ચિત્રા...ઓહ્ કેટલાં વર્ષે બુઢાપામાંય આ ચિત્રા ઝબકી જાય છે — હસમુખલાલને આ ‘પશુ’ વિષે જરા વધારે વિચારવાની રંગત પડી. કારણ કે પતિપત્નીના, પુરુષ-સ્ત્રીના શારીરિક સંબંધને એક પશુકર્મ રૂપે જોવાનું બને, એમાં એમને કશીક શંકા લાગી. ‘ના...ના, જીવલેણ મીઠી ઈચ્છા - વાસના તો કંઈક પ્રકૃતિદત્ત જ લાગે છે.’ ‘પ્રકૃતિદત્ત,’ જેવો શબ્દ હસમુખલાલ હવે બેલી શકતા હતા. અને એ વાતનું એમને ગૌરવ પણ થતું હતું. સંસ્કાર-વાણીનું વરદાન એ ધીરે ધીરે અનુભવતા હતા. ‘પણ આ જીવલેણ મીઠી ઈચ્છાનું ખેતર પેલા ફ્રોઈડે બરોબર ખેડી નાખ્યું, ને ખાતર-પાણી નાખી તે જાણે શારીરિક પ્રેમનાં સફરજન ઉગાડતો હોય એમ –’ પુરુષ–સ્ત્રીના સંબંધો વિષેના વિચારો કરતાં એમણે ઠાસરા અને બાઈબલની ભૂમિનું સાયુજ્ય વાણી દ્વારા સાધવા માંડ્યું, ને આ વિચારોની હુંફમાં એમણે બળતા અંગારા ઉપર આંગળીઓ ઉપરતળે કરવા માંડી. કાલી કમલબાબુના આશીર્વાદ મેળવવાના શારદાના આ પ્રસ્તાવથી હસમુખલાલને સોનેરી ઝાંયવાળી સવાર ફિક્કી ને ઉષ્માહીન બનતી લાગી. સવારથી મનમાં ચેતેલા સુખના અંગારા ઠંડા પડવા લાગ્યા. ‘અરે, પ્રભુ, આ વાસનાનો કોઈ અંત નહીં...’ ને ‘વાસના’ શબ્દ બોલતાં હરહંમેશની જેમ એમને ભડકે બળતા ચામડાની વાસ આવવા લાગી. ‘આ અણસમજુ ને હજુ એક છૈયાની...છોકરાની વાસના રહી ગઈ છે? અરે પ્રભુ... મારી દીકરીઓ કોઈ વાતે ક્યાં કમ છે?’ બોલતાં બોલતાં હસમુખલાલના અવાજમાંથી લાચારી ટપકવા માંડી. ને પછી મનમાં લગીર ક્રોધ ને અસંતોષના તણખા ઊડ્યા : ‘અલ્યા, આ ઉંમરે ય સિલ્વર જ્યુબિલી જેવી વાત કાઢીને... મને કાલીકમલ જેવા ધતીંગ પાસે ખેંચી જશો?’ કાલી કમલબાબુની વાત એમણે એકવાર મફત પાસે સાંભળી હતી. ‘મિનિસ્ટરોથી માંડી, મોટા મોટા ધુરંધર વેપારીઓ ને પંડિતોની કતાર લાગે છે, (મારા સાહેબ). અમદાવાદના એમના રહેઠાણ આગળ રાતના આઠથી એમને ત્યાં ધસારો થાય છે. કોઈ પણ માણસને નિરાશ કરતા નથી. સવારના ચાર-પાંચ વાગ્યા સુધી સતત એ માણસોના મનની મૂંઝવણો ને બધી અલાબલા સાંભળતા રહે છે. એક પૈસો ય લેતા નથી, હં એક પૈસો ય નહીં. પણ એક વાત સાચી, જીવનની મોટામાં મોટી-મોત કે જીવન જેવી–સમસ્યા લઈને જાઓ તો જ કાલી કમલબાબુ મોઢું ઉઘાડે... એ સિવાય રેંજીપેંજી મૂંઝવણ લઈને તમે જાઓ તો હસીને, બોલ્યા વગર ઇશારાથી તમને ચાલ્યા જવાનું કહે અને (લાલ મારા) ખૂબી તો જુઓ કે આ સમય દરમ્યાન એ કોઈ વ્યસન ન કરે ન ચા, ન બીડી....કોઈ ચીજ નહીં. એક ધ્યાને, એક ચિત્તે વારાફરતી એક પછી એક મૂંઝવણિયાઓને મળે. ‘આ હું મારી જ વાત કહું’, મફતે પોતાનો અનુભવ જ કહ્યો હતો. ‘મારો ટર્ન સાલો સવારના ચાર વાગે આવ્યો, રાતના સાડાઆઠ વાગે ગયો હતો, તો ય સવારના ચાર વાગે...’ ‘તે...એ, મફત, આખી રાત તેં શું કર્યું? ઘોરતો હતો કે ધૂણતો...’ હસમુખલાલથી પૂછ્યા સિવાય રહી શકાયું નહોતું. ‘સાંભળો તો ખરા, ઘોરવાની ક્યાં વાત? લોકોનાં મોઢાં જોવાની મજા આવતી હતી : અને મનમાં ધડ્ક....ધડ્ક થતું હતું કે સાલું આ મારી મોટી મૂંઝવણને પીર ટલ્લે તો નહીં ચઢાવે ને? આપણે તો પલાંઠી વાળીને બેસી ગયા હતા. સવારના ચાર વાગે મને કાલી કમલબાબુ પાસે જવાનો ઈશારો કરવામાં આવ્યો. થોડી ગભરામણ હતી. પણ મારે તો કશું બોલવાનું હતું જ નહીં. આપણા પ્રશ્નો એ આપણને જોતાં વાર જાણી જાય. એટલે મેં તો ઝુકાવ્યું. ‘શું કહું હસમુખલાલ, રાતના ચાર વાગ્યા જ નથી અને જાણે હમણાં જ સરસ ઊંઘ લઈને ઊઠ્યા છે, એટલી તાઝગી એમના મોઢા ઉપર હતી. હું જઈને બેઠો એટલે અર્ધી મિનિટમાં કહે, ‘એક ફૂલકા નામ મન મેં શોચો.’ મેં ફૂલનું નામ વિચારી કાઢ્યું. અર્ધી એક મિનિટ પસાર થઈ. પછી કહે : ‘યે આપઘાત-બાપઘાત કે સબ ખ્યાલ મનમેં સે નિકાલ દો. કાયર આદમી આપઘાત નહીં કર શકતા. તો ફિર ઐસે ખ્યાલ સે દુઃખી ક્યોં હો-જાઓ, દો બરસ ચૂપચાપ જીવન બિતાઓ, બાદ, ભવિષ્ય ઉજલા હૈ.’ ‘હું ઊઠવા જતો હતો ત્યારે ઉમેર્યું, ‘આપકી માતાજી જિસ લડકી કી સાથ શાદી કે લિયે બોલતી હૈ -ઇનકા નામ આશા હૈ ના? – ઇનકે સાથ શાદી કર લો. ફીર કભી આપઘાત કા બિચાર નહીં આયેગા. જાઓ.’ ‘હું તો હસમુખલાલ સડક જ થઈ ગયો. એ દિવસોમાં સાલા આપઘાતના વિચારો બહુ જ આવતા. કાંકરિયામાં પડતું મૂકવાના વિચારે તો....’ મફતની વાત યાદ આવતાં એમને થયું કે આ વાતમાં સાલું કંઇક તથ્ય હોવું જોઈએ. પણ આ મનની વાતો કોઈ જાણી લે, એ... એવું બને શી રીતે? મેલી વિદ્યા હશે? ... અને આવી મેલી વિદ્યામાં શારદા મને ફસાવવા માંગે છે? નાની સગડીમાંના અંગારા ઠરી ગયા હતા. મોઢા ઉપરની બાવાટોપીને ઊંચી-નીચી કરતા એ ઊઠ્યા. ને અરીસામાં એમની નજર ગઈ. અરીસાની વધારે પાસે સરક્યા. આખી રાત પતરા ઉપર ઠરી ગયેલા નાનકડા નળિયા જેવું એમનું નાક ઠરીને ઠીકરું બની ગયું હતું. નાકની સફેદ ત્વચા ઉપર એમના વયની ચાડી ખાતી એક-બે કરચલીઓ પણ પડી ગઈ હતી. બાવાટોપી ઊંચી કરી, ને કાઢી નાખી, કોગળો પાણી સમાય એવા ઢાંકણી જેવા ગાલના બન્ને ખાડા જોઈને એમણે ગલોફામાં જીભ ફેરવી. સાડાઆઠ થવા આવ્યા હતા, તો ય પેટ હજુ શીતળ, શાંત પથ્થર જેવું પડ્યું હતું. ‘આ મારી કબજિયાત મને કદી સંસ્કારી નહીં થવા દે. અને...’ બીજો એક વિચાર આવતાં જ ખિન્ન બની ગયા. હરસમસાનું ઑપરેશન ન થાય તો દસ વર્ષથી વધારે જીવી શકવાની એમને આશા નહોતી. ઑપરેશનનો અંદાજે ખર્ચ રૂપિયા પાંચસો ગણું તો બોનસ આખું ય ઝૂંટવાઈ જાય ને છોગાના બીજા પૈસા ઉમેરવા પડે એ જુદા. હસમુખલાલે પોતાની જાત પ્રત્યે ક્રુર બની કહી દીધું, ‘આવો રોગ અસંસ્કારી માણસને જ થાય.’ અને આમ ક્રૂરતા ઉપરથી આખરે જાત ઉપર હસી પડાય એવા વિષયને વાગોળ્યો : કબજિયાતથી માણસના સંસ્કાર ઉપર પડતી માઠી અસર! એ જ ક્ષણે, લેસન કરતી સ્વાતિ દોડી આવી ને હસમુખલાલને એણે ખૂબ ઠરેલ ઠાવકા અવાજે પૂછ્યું : ‘બાપુજી, બકરી બેં બેં કરે, ઘોડો હણહણે તો રીંછ શું કરે?’ ‘ઘૂરકે !’ ‘ના બાપુજી, એ તો વાઘ અને સિંહ ઘૂરકે. રીંછ તે વળી ઘૂરકતું હશે?’ ‘પણ રીંછ શું કરે એવું તારે ક્યાં આવ્યું? તારી ચોપડીમાં છે?’ ‘ના, અમારાં બહેને પૂછ્યું છે.’ ‘તમારાં બહેને એવું પૂછ્યું છે કે રીંછ શું કરે?’ ‘હા—વળી. જુઓ, એમણે આ સવાલ લખાવ્યો છે.’ હસમુખલાલે સ્વાતિના મરોડદાર અક્ષરોમાં લખાયેલો લેસન માટે આપેલો એક સવાલ જોયો : ‘ચકલી ચીં ચી કરે, બકરી બેં-બેં કરે... તો રીંછ શું કરે?’ ‘સ્વાતિ બેટા, તું તારી બહેનને પૂછજે.’ ‘ના...આ, મારા માર્ક્સ જાય. કહોને, બાપુજી રીંછ શું કરે?’ હસમુખલાલ સ્વાતિના માથા ઉપર હાથ ફેરવવા મંડ્યા. બિચારી રાતદહાડો લેસન-લેસન-લેસનમાંથી ઊંચી નથી આવતી : એમને થયું કે ઘડીભર એ સ્વાતિને જવાબ લખાવે કે, ‘બેટા, રીંછ સદંતર મૂંગું પ્રાણી છે ને કશું જ કરે નહીં : ઘુરકે પણ નહીં. છતાં જો કોઇ ડુગડુગીઆવાળો મળી જાય તો નાચ્યા કરે ને ખેલ કરે.’ આવો જવાબ કદાચ સ્વાતિની બહેન સ્વીકારે, પણ સ્વાતિ સ્વીકારે નહીં ! ઘડી પછી પેટમાં સહેજ હલચલ થઈ ને દિશાએ જવાના થયા ત્યારે અડધો કલાક નિરાંતે બેઠાં બેઠાં એમણે સ્વાતિના આ નિર્દોષ છતાં મૂંઝવતા સવાલનો જવાબ ખોળવા નિષ્ફળ પ્રયત્ન કર્યો! અમદાવાદમાં અખંડ ઠેર ઠેર ફરતી, ચરતી, ઊંડી આંખવાળી ગાયો, લાચાર ઘેટાં, પીઠ ઉપર રેતીથી લદાયેલાં ગધેડાં, બબૂચક જેવાં ઊંટ, થોડા કાગડા ને પોપટ સિવાય એમને બીજી પ્રાણીસૃષ્ટિનો અનુભવ નહોતો.

*

રાતના અનુભવેલી સુવાળી ઉત્તેજનાનો એક અંશ પણ એમના ચિત્ત ઉપર હવે રહ્યો નહોતો. એમણે છાપામાં આંખ પરોવી. રાજકારણના ગંદવાડમાં એમને ક્યારેય રસ પડ્યો નહોતો અને સામાજિક સમસ્યાઓનો અંત જ દેખાતો નહીં. પારકી બલારાત જેવી ચિંતાઓનો ટોપલો ઊંચકવાનું ક્યારે ય એમને ગમ્યું નહોતું એટલે સુંદર જાહેરખબરો ઉપર નજર ફેરવી છાપું પડતું મૂક્યું. ગેલેરીના હિંચકા સુધી જવાની હિંમત નહોતી. તડકાના આવરણને ચીરીને આવતી શીતળ, તીવ્ર પવનની લેરખીઓથી શરીર વીંધાઈ જાય એની બીક હતી. દાઢની ડાગળી ધ્રુજવતાં ને શ્લોક બોલતાં ગરમ પાણીના બે લોટાથી નાહી લીધું. ને ફફળતી દાળ સાથે વધારે ભાત જમી ઊભા થયા ત્યારે બેન્કની નોકરી માટે એમણે કંટાળાભરી ત્રાડ નાંખી. ખુંખારા, હાંફ, જૂની ટાઈ, ધૂપેલિયા ટોપી, લવ્લી પાન, પ્લીન્થ જેવા આટાપાટાને ઓળંગી બેન્ક પહોંચ્યા ત્યાં સુધીમાં પચીસ હજારની વાતનો એક ઝબકારો એમને સાવ વેંત વગરનો લાગ્યો. પૂચ્છવાળું પ્રાણી વગર ફોગટની પજવણી કરતી માખીઓને એના પૂચ્છના હિલોરાથી ઉડાડી મૂકે એમ એમણે આ વાત ઉડાડી દેવા માંડી, ‘અમદાવાદનો કોઈ અજાણ્યો લઠીંગો પચીસ હજાર આપે...’ પોતાની જાતને ‘મહામૂર્ખ’ કે ‘મૂર્ખશિરોમણિ’ કહેવાની તાલાવેલી એમણે રોકી રાખી. સાંજના ચાર વાગે બેન્કના રોકડ જેવા કામકાજમાંથી પરવારી ઠંડી હવાના શ્વાસોચ્છ્વાસ હસમુખલાલ લેવા માંડ્યા, ત્યારે એમના શરીરમાં પચીસ હજારનું સુખ ફરી એક વાર ઉપર-તળે થતું લાગ્યું. એમણે બેન્કના પટાવાળાને એક ગરમ, કડક, અસલ મસાલાની ચા લઈ આવવા કહ્યું. ને ખુરશી ઉપર હાથીની સૂંઢ ઝૂલે એમ શરીરને ઝુલાવવા લાગી ગયા. ટેબલ નીચે રાખેલા બન્ને પગ પણ અનાયાસ સ્ફૂર્તિથી ડાબા-જમણી થવા લાગ્યા. હોઠ ઉપર જીભ ફેરવી લઈને, મફત બેઠો હતો એ બાજુ એમણે ત્રાટક માંડ્યું. ‘વગર ફોગટનો સાલો ગંભીર બની લેજરમાં ખૂંપી ગયો છે,’ એ બબડ્યા, વેઢા ઉપરના ને કંઈ સૂઝવાથી આંગળીઓના ખાંચાઓ ગણી, શનિવારે કઈ તિથિ આવે છે એની ગણતરી કરવા લાગ્યા.....વદ આઠમ, નોમ, દશમ, ને અગિયારસ... આંતરડાને શેકી નાખે એવી લાલચોળ કડક મસાલાની ચા, એમના ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ હતી. એમણે બરોબર નજરનું અનુસંધાન કરી, મફતને અડધી ચા માટે બોલાવી લીધો. મફત જેવા અસંસ્કારી જીવની મિત્રતા એમને અંતરથી કદી ગમતી નહોતી. છતાં ય, નાછૂટકાનો કોઈ તંતુ એની સાથે વળગીને, ચોંટી રહ્યો હતો. ચાનું ‘શઈડકુક’ બોલાવતાં હસમુખલાલે સાવ સ્વાભાવિક ને ‘આ તો જરા કુતૂહલ’ એવા ભાવ સાથે મફતને કાલી કમલ-બાબુવાળી વાતમાં વીંટાળ્યો. ‘કાલે જ આવે છે, રાતના, ઊપડો. ઊપડો.’ ચાના ટેસમાં મફત પૂરા કેફમાં બોલતો હોય એવું બોલ્યો, ત્યારે એ જાણે મોટો ઠઠ્ઠો કરતો હોય એમ લાગ્યું. ‘રાણીના-આ તો અમસ્તું યાદ આવ્યું તે પૂછું છું. એવાં ધતીંગને અહીં કોણ પૂછે છે’ એવી બેફિકરાઈ હસમુખલાલે બતાવી ત્યારે મફતે બીજો દાવ અજમાવ્યો. ‘તમારા સમ. એક વાર તમે જઈ આવો. કાલી કમલબાબુને અને આ તમારા મફતને તમે જીવનભર યાદ ન કરો તો મને કહેજો.’ ‘આ...હા...સમજ્યા હવે.’ કહીને ખૂબીપૂર્વક મફતને રંજનાની ચટકીલી વાત ઉપર હસમુખલાલ ખેંચી ગયા. મફત રંજનાના નામની થોડી લાળ પાડીને ગયો એટલે હસમુખલાલે એને મનોમન કહી દીધું: ‘અધમ જીવ.’ થોડા સમય પછી ઊઠીને એ કેશિયર માણેકલાલ ગો. શુક્લ પાસે પહોંચ્યા. કેશિયરના પીંજરામાં માણસની ગંધ આવતાં જ, માણેકલાલ ગો. શુક્લના બંન્ને હાથ અનાયાસ ટેબલનાં ખાનાં પાસે પહોંચી ગયા, અને નોટોનાં બંડલોથી લદાયેલાં બંને ખાનાં બંધ થઈ ગયાં. ‘અરે, માણેકલાલ એ તો હું છું. આમ ચમકો છો શાના?’ ગલોફામાં દાબી રાખેલા તમાકુના પાન સાથે માણેકલાલ ગો. શુક્લ બબૂચક જેવું હસ્યા ને અર્ધ-સંસ્કૃતમય વાણીમાં હસમુખલાલને એમણે આવકાર આપ્યો. હસમુખલાલ સહેજ ઊભા રહ્યા. માણેકલાલ ગો. શુક્લ કોઈ ગહન આંકડાઓની સમસ્યાને ઉકેલ શોધતા હોય, એમ સીલિંગ ભણી તાકી રહ્યા. ને પછી તમાકુના અઢળક રસમાં ઝબોળ્યા હોય એવા બે શબ્દો બોલ્યા, ‘ચા જમશો?’ માણેકલાલ ગો. શુક્લને હસમુખલાલે બહુ ધીમેથી કહ્યું, ‘હમણાં જ ચા પીધો. આભાર.’ ગો. શુક્લના ચિંરજીવી પ્રસન્ન થયા. એક નાનકડા શબ્દસમૂહથી એમના પચીસ પૈસા ઊગરી ગયા હતા. અને મનોમન એમણે એ કેશએન્ટ્રી બચતની મૂડીના ખાનામાં કરી લીધી. આ માણેકલાલ...વિષે મફતે એકવાર કંઈક બુદ્ધિશાળી કહી શકાય એવી રમૂજ વહેતી મૂકી હતી. ‘અમદાવાદ મહાનગરનું ગૌરવ કરવા જે કોઈ સંસ્થા અસલ અમદાવાદીની શોધ ચલાવે ને એને માથે પાઘડી પહેરાવવાનું રાખે તો એ પાઘડી કોને માથે જાય એ ખબર છે, સાહેબ?’ ‘તારે માથે...એમ જ કહેવું છે ને તારે?’ ‘આપણો ગજ ના વાગે. એ પાઘડી તો આપણા માણેકલાલ ગો. શુક્લને માથે જ શોભે. અસલ અમદાવાદીનું બિરુદ તો એ જ જીતી જાય.’ હસમુખલાલને ધીરે ધીરે મફતની આ વાત સાચી લાગતી હતી. છેલ્લાં આઠ વર્ષમાં મા. ગો. શુક્લની ચા પીધાનું એમને કદી યાદ આવતું નહોતું. ‘પૈસો’ નામની એક જીવતી-ધબકતી વસ્તુને જે અહોભાવથી ને માયા-મમતાથી એમણે લોહીના કણેકણથી સેવી હતી, એવી કદાચ કોઈએ સેવી નહીં હોય. માત્ર તમાકુનાં પાન...એનો રસ...અને ક્યારેક કેશ ગણતા હોય ત્યારે સાવ અસંસ્કારી કહી શકાય એવી એમની શારીરિક ખંજવાળના સમયે એમનું ચિત્ત પૈસામાંથી એક અંશ દૂર થતું. કેશિયર તરીકેની માણેકલાલ ગો. શુક્લની કારકિર્દી અત્યંત સ્વચ્છ ને તેજસ્વી હતી. નોટોનાં બંડલોનાં બંડલો અત્યંત ત્વરાથી એ આંગળીઓનાં ટેરવાંથી ગણતા. હસમુખલાલે આમતેમ નજર ફેરવીને માણેકલાલ ગો. શુક્લને કહ્યું: ‘પચીસ હજાર રકમની સો-સોની નોટો...કહું છું, એક એવડી ઢગલી જરા ટેબલ પર મૂકશો માણેકલાલ?’ ‘શું...ઉં...ઉં...ઉં’?’ ગુજરાતી શબ્દને સંસ્કૃત-ઉચ્ચારનો વળાંક આપતાં માણેકલાલ બોલી પડ્યા. ‘પચીસ હજાર...સો–સોની ઢગલી’ એવા ત્રણ શબ્દ-સમૂહો હસમુખલાલ ફરીથી ગણગણ્યા. માણેકલાલ ભાગ્યે જ હસતા. હસવાથી ધ્યાન વિકેન્દ્રિત થાય છે એવું એમણે એકવાર કહેલું ને કેશિયરને કદી પરવડે નહીં-હસવાનું. તોય માણેકલાલ હસી પડ્યા. હસમુખલાલે છોભીલા ન પડવાનો નિર્ધાર કર્યો હતો. એટલે કહે: ‘જરા સમય છે તો આપણે એક નાનકડી મજાની રમત રમી લઈએ.’ ને પછી પાનો ચઢાવતા હોય એમ હસમુખલાલે એમને કહ્યું, ‘આ તમે જે ખૂબીથી ને જે ઝડપથી પૈસા ગણો છો, એ જોવાની રંગત આવે છે. સાલી મને તો બહુ વાર લાગે છે....અને તમારાં ટેરવાં તો માણેકલાલ, કુરબાન છું.’ માણેકલાલ પાછા હસી પડ્યા. ને ‘કુરબાન છું’ ‘અરે વાહ, કુરબાન’ એમ બોલી વળી એકવાર ખિલખિલાટ હસ્યા. ‘એ...મ? કુરબાન...’ બોલી એમણે હસમુખલાલનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો ને જાદુ કરતા હોય એટલી ઝડપે હસમુખલાલનું ધ્યાન સહેજ ચૂકાવી દઈ એમણે ઘડીના અંશમાં પૈસાના અનંત ઢગમાંથી બરાબર રૂપિયા પચીસ હજારની સોસોની નોટો કાઢી, ટેબલ ઉપર રાખી દીધી. ‘આટલા બધા નહીં, પચીસ હજાર ગણીને મૂકો.’ માણેકલાલ ગો. શુક્લના ગલોફામાંથી તમાકુના પાનનો રસ મોઢામાં ચારે બાજુએ વહેવા લાગ્યો. ને યોગીના જેવી રસસમાધિમાંથી જાગ્યા હોય એમ એમણે ગૌરવભેર કહ્યું : ‘એક પણ નોટ ઓછી વધારે ન હોય, વ્યાસ સાહેબ, પૂરા પચીસ હજાર...’ ‘જુઓ...’ કહેતાં ફરી એકવાર નોટોની થોકડી ઉપાડી, ગણી ને અર્ધી ક્ષણમાં પાછી મૂકી દીધી. જાણે વીજળીનો ઝબકારો. હસમુખલાલે નોટોની થોકડી ઉપાડી ને કટ-કટ-કટ ગણવા માંડી ત્યાં એક નોટ, દૂર ફરતા પંખાના હિલોરાએ સહેજ ઊડી. ‘હાં...હાં...હાં... તમારું આ કામ નહીં, વ્યાસ સાહેબ.’ કહીને એમણે નોટોને પકડી લીધી. હાથમાં લોહચુંબક હોય એમ દસની એક નોટ માણેકલાલ ગો. શુક્લની હથેળીમાં ચીટકી રહી. ‘જુઓ ગણતરી તો એં...’ કહેતાં બીજો એક ફ્લેશ થયો. પચીસ હજારની થોકડીને ગણ્યા વગર, હસમુખલાલે બે-ત્રણ વાર પંપાળી રમાડી, એનું કદ, વજન નક્કી કરી, પાછી મૂકી દીધી. એમના હાથને પચીસ હજારનો અંદાજ આવી ગયો હતો. હસમુખલાલ કેશિયરના પીંજરામાંથી બહાર આવ્યા એની ખુશાલીમાં, બીજું એક પાન ‘વાહ, કુરબાન’ બોલી માણેકલાલે એમના ગલોફામાં સરકાવી દીધું હતું. ‘આ માણેકલાલને બીજું કોઈ નહીં તો આપણે જરૂરી પાઘડી પહેરાવીશું,’ એમ બબડતા હસમુખલાલ એમની જગ્યા ઉપર આવ્યા.’ સાડા છ ઉપર પાંચ થતાંની સાથે જ હસમુખલાલ બૅન્કમાંથી બહાર જવા નીકળ્યા. ત્યારે કાલીકમલબાબુ જ વગાડતા હોય એવો બંસીનો નાદ એમના મનના ખૂણાઓમાં ગૂંજતો હતો. બૅન્કનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં તો એમણે પાકો નિશ્ચય કરી લીધો હતો કે આવતી કાલે કાલીકમલબાબુને મળવું. એકલા જ. ને પચીસ હજારના ભૂતને એમની આગળ ધુણાવવું. ‘બાબુડિયાને હું મોભાદાર લાગું તો મારા ભાગ્યોદયને રેંજીપેંજી જેવો નહીં ગણે.’ સ્વચ્છ કરીને ધોયેલી ને ઈસ્ત્રી થયેલી હોવા છતાં ચીકણી, ધૂપેલિયા અસર ન ગઈ હોય એવી ટાઈને ગળામાં વીંટાળતાં એ બોલ્યા. છેલ્લા કેટલાય સમયથી ધૂપેલ જેવી ચીકણી વાસ ને કોઈ પણ પ્રકારના ચીકાશવાળા પદાર્થના સ્પર્શથી એમને ત્રાસ છુટતો હતો. આમાં પણ એમને અસંસ્કારનો અંશ જણાતો હતો. અને એટલે જ ત્રણ દીકરીઓ હમણાંની સુક્કા, કોરા વાળ રાખતી હતી, એ એમને મનોમન ગમતું હતું. ‘બાબુડિયો’ ફરીથી એ બબડ્યા. અત્યાર સુધીમાં એકસો આઠ ગુણ્યા આઠમીવાર એમણે આ સંબોધન કર્યું હતું. ચોવીસ કલાકમાં કાલીકમલનો પીર એમના મનમાં ઘૂંટાઈ-ઘૂંટાઈને સાવ ‘બાબુડિયા’ જેટલો નિકટનો બની ગયો હતો. ટાઈની ‘નૉટ’ જરા વધારે કઠણ રીતે ગંઠાઈ હતી. એ ઢીલી કરતાં એમણે બને એટલા લાડભર્યા શબ્દો સાથે શારદાને બોલાવી. ‘આજ સાંજથી માંડી, આખી રાત હું ઘરે આવવાનો નથી. વહેલી સવારે જ હું તમારા ભેગો થઈશ’ આટલી વાત શારદાને શી રીતે કહેવી…….અને શારદા સામેથી ચીચુકા ફેંકશે કે ચીચા પથ્થર એની એમને ખબર નહોતી. વાત જરા દમામથી અને એક પુખ્ત વયનો પતિ કહેતો હોય એ રીતે કહેવી એટલું તો મનમાં નક્કી કર્યું હતું. શારદા આવતાં પહેલાં જુવાનિયાની જેમ એમણે અરીસામાં જોયું ને મોઢાની રેખાઓ સ્ફૂર્તિમય બનાવી દીધી. એમને એક વાતનો અંતરથી આનંદ થયો કે જો એ ધારે તો એમનાં ઓગણપચાસને શરમાવી શકે એમ છે. હસમુખલાલ પકડાઈ ગયા હતા. અરીસામાં જુવાનિયા જેવો ચાળો કરતાં શારદાબહેને એમને પકડી પાડ્યા હતા. વર્ષો પછી એમણે શારદાને નિરાંતનું હસતાં જોઈ. ‘શું હસે છે?’ ‘અમસ્તું. કેમ કંઈ...હસીએ નહીં?... લ્યો.’ ‘અરે, બાપલા, હું તો કહું છું કે હસતાં જ રહો.’ ‘હવે ટાયલાં કર્યા વગર એ તો કહો કે મને કેમ બોલાવી?’ અને પછી શારદાબહેનને અચાનક યાદ આવ્યું હોય એમ પૂછી નાખ્યું: ‘પેલી વાત તો ધ્યાનમાં છે ને? ક્યારે જવાનું છે એ કહેજો-’ ‘તું શાની વાત કરે છે?’ ‘પાછા અજાણ્યા-કાલીકમલ પીર...’ ‘બાબુડિયો.’ ગણગણતાં હસમુખલાલ ચમક્યા. ‘વારુ…..વારુ જોઇશું. હમણાં બૅન્કમાં જતી વખતે તને આવો બધો તાલ સૂઝે છે... અરે હાં જો, શારદા, આજે સાંજે હું જમવાનો નથી ને કદાચ બહુ મોડી રાતે કે પરોઢિયે આવું તો ય ચિંતા કરીશ નહી’ શારદાબહેન ‘કેમ? શું?’ પૂછે એ પહેલાં જ હસમુખલાલ ઘરની બહાર સરકી ગયા. સોસાયટીની બહાર આવ્યા ત્યારે લીમડા ઉપર બેઠેલો કાચીંડો એમની સામે ટગરટગર તાકી રહ્યો હતો.

*

કાલીકમલ પીર એમને બોલાવે ત્યારે મનમાં કેવા વિચારો ઘોળવા એ એમણે બૅન્કના આઠ કલાકોમાં નક્કી કરી દીધું હતું. વચમાં થોડો સમય કાઢીને, એમણે એમની રીતે, એક કાગળ લઇ શબ્દોમાં આખી વાત ઘૂંટી હતી ને એ કાગળ જાણે કોઈ ‘તાવીજ’ હોય એમ એમણે કોટના ચોર ખિસ્સામાં મૂકી રાખ્યો હતો અને એ ‘તાવીજ’ને ત્રણ-ચાર વખત કોટમાંથી કાઢીને કંઈક સુધારા વધારા કરી લીધા હતા. એમના શબ્દોએ ગદ્યનો એક નવો જ નુસખો અનાયાસ અજમાવ્યો હતો. ‘હું કહેતાં હસમુખલાલ, વ્યાસ એટલે બ્રાહ્મણ. પણ પરબ્રહ્મ મારી સાચી ન્યાત. એટલે નાત-જાતની અલાબલા હું રાખતો નથી. ભણેલો–ગણેલો છું. અંગ્રેજી ઉપરનો કાબૂ પણ સારો કહી શકાય ને બૅન્કમાં એકાઉન્ટન્ટ છું. છતાંય દરિદ્રી હોવાની લાગણી મારા મનમાંથી જતી નથી. સ્મશાન મારું ધામ લાગે છે. અમદાવાદના દૂધેશ્વર પ્રત્યે અપાર માયા છે. છતાં ય જીવનની માયા છૂટતી નથી. જીવનમાં લોભ કશો રાખ્યો નથી. નસીબમાં શ્રદ્ધા રાખીને હાંફી ગયો છું. પણ મારી આ જીવનસંધ્યાએ એક કૌતુક થાય છે. (મારા પીર). ક્યાંકથી વણબોલાવ્યો એક જુવાન આવી પહોંચ્યો છે ને પચીસ હજાર મારી મુઠ્ઠીમાં મૂકી દેવાનું કહે છે. આ પચીસ હજાર કાંઈ મોટી મૂડી કહેવાય નહીં. જો કે મારે મન તો હું મોટી મૂડી માનું છું. મારું દારિદ્રય દૂર થાય છે પણ (મારા પીર) મારાથી આ પૈસા લેવાય ખરા? મહા વદ અગિયારસને શનિવારે હું શું કરું? મારો હાથ લંબાવું કે પેલા જુવાનિયાને હું હસી કાઢું ને પૈસા ઠેલી દઉં? જીવનમાં આવી મૂંઝવણ ઓર વધી છે. એટલે હું કહી દઉં કે બેચેન છું, તલપાપડ છું, ઉશ્કેરાટભર્યો છું, છતાં આનંદી છું, શું કરું? લઉં-લઉં? પચીસ હજાર? મારા હરસમસા અને મારી ત્રણ દીકરીઓ. મારે માથે જવાબદારી ઓછી નથી જ. (લઉં? લઉં?) પણ ઈશ્વરનો આદેશ શો છે? કે આમાં ઈશ્વરને વચ્ચે પડવા જ ના દઉં? કશું કુકર્મ જેવું દેખાતું નથી-દેખાય છે મને ભાગ્યોદય (લઉં? લઉં?)’ બૅન્કનાં પગથિયાં હસમુખલાલ ઊતર્યા ત્યારે આનંદના બધા સ્રોત એક સાથે છૂટ્યા હતા. પેલા તાવીજ જેવા કાગળમાંના વાક્યોનું રટણ મનમાં છેક અંદરના ખૂણે સતત ચાલ્યા કરતું હતું. પણ ‘પરબ્રહ્મ મારી સાચી ન્યાત’-ગમે તેવા પીરનો પીર પણ આ નાનકડી શ્રદ્ધાથી ખુશ થઈ જશે. ‘મહા વદ અગિયારશને શનિવારે હું શું કરું?’ બબડતા એ પગના દોરવ્યા એમની માનીતી ‘દોસ્તોએવ્સ્કી રેસ્તૂરાં’ આગળ આવી પહોંચ્યા. હસમુખલાલ બેઠા. આનંદ જેવી પ્રવાહી લાગણીના ઊભરા રહી રહીને લોહીની નસોમાં ઊભરાતા ને દોડતા હતા. ગોરટીઆ પારસી વૃદ્ધને એક ચાનો, થોડી કેક્સનો ઑર્ડર આપતાં જ ‘હું કહેતાં હસમુખલાલ’ એ બોલી પડ્યા ને આનંદના ઊભરામાં પોતાની જાતને જ સંબેધન કર્યું : ‘મારા વહાલા હસમુખલાલ.’ ચાનો પહેલો ધૂંટ ભરતાં આનંદનો ઉશ્કેરાટ વધારે જણાયો એટલે મનોમન ચમક્યા. બ્લડપ્રેશરનો પહેલો હુમલો થવાનો એક ભય આ આનંદ સાથે ભળી ગયો. ને એમણે સ્વકેન્દ્રિત થઈ ગયેલા ચિત્તતંત્રમાંથી છૂટવા ઉપાયો શોધવા માંડ્યા. અને ત્યારે જ એ જોઈ શક્યા કે એમની સામે બે જુવાનિયાઓ બેઠા છે ને સાંભળી શક્યા કે આ જુવાનિયાઓ મુઠ્ઠીઓ વાળીને, હાથ હલાવીને, આંખો ચગાવીને, કશીક ઉગ્ર એવી ચર્ચા કરી રહ્યા છે. રેસ્તૂરાંની દીવાલ પાસે ગોઠવેલા બાંકડા ઉપર વચ્ચોવચ્ચ હસમુખલાલ બેઠા હતા. ત્યાંથી સરકીને, દીવાલને અઢેલી શકાય એ રીતે એ બેઠા. કેકનો એક ટુકડો લીધો ને ‘સ્વ’ માંથી છૂટવા આ બે જુવાનિયાઓને અર્ધી મીચેલી આંખે સાંભળવા મંડ્યા. વાતો બધી અંગ્રેજીના પૂરા સ્પર્શવાળી હતી, ભારેખમ હતી ને જરા રસ પડે એવી હતી. ‘હું નો’તો કહેતો કે જેમ જેમ આ વાતમાં ઊંડા ઊતરતા જઈશું એમ આપણે વધારે ને વધારે ‘બેફલ’ થતા જઈશું.’ ખાદીનું બુશશર્ટ ને પેન્ટ, તીણું નાક, તેજસ્વી આંખો, વિશાળ કપાળ, ઊભા ઓળેલા વાળ, છતાં ગાલે ખાડા, કાન જરા મોટા, હાથનો ઓમકાર થઈ જાય એટલા વિશાળ હાવભાવ, કપાળે તુર્ત પડતી કરચલીઓ, પાતળી, શરમ આવે એવી આંગળીઓ ને દેહનો એવો જ શરમજનક પાતળો ‘ટોર્સો’ બોલી રહ્યો હતો. ‘પણ આપણે આપણી મર્યાદાઓ સ્વીકારવી જોઈએ. તો પછી ‘બેફલ’ થવાનું કોઈ કારણ નથી. જે વસ્તુ અગમ્ય રહેવા જ સર્જાયેલી છે એ અગમ્ય જ રહેવાની. એ જ ચિંતનશક્તિની મર્યાદા. આપણું ‘માઈન્ડ’ મેટરનો વિચાર કરી શકે. પણ માઈન્ડ જયારે ચેતો-વિસ્તારને પકડવા જાય ત્યારે એ ભ્રમિત થઈ જાય.’ કાળી ફ્રેમનાં મોટા ચશ્માં પહેરેલા, ને સુઝાના ક્રાઈસ્ટ જેવા ચહેરાની આકૃતિવાળા યુવકે સામો જવાબ આપ્યો : ‘એનો અર્થ એ થયો કે સત્યની પણ કોઈ સીમા તમારે સ્વીકારવાની. ‘ધી ટોટલ ટ્રુથ ઈઝ બીયોન્ડ અવર ગ્રાસ્પ-ફોર એકઝમ્પલ...’ હસમુખલાલની શ્રવણશક્તિ દસેક મિનિટ સુધી સદંતર બધિર થઈ ગઈ ને એ દરમ્યાન એમણે નક્કી કરી લીધું કે સાંજે એ ક્યાં, ક્યારે જમશે ને બરાબર સાડા-આઠ વાગે સારંગપુરની ગલીમાં કાલીકમલ પીરને ત્યાં પહોંચશે. શ્રવણશક્તિ સતેજ થઈ ત્યારે પેલા બે જુવાનિયાના વાર્તાલાપનું આખું ચિત્ર બદલાઈ ગયું હતું, ‘સુદેવ સાલો કેરિઅરીસ્ટ છે. આઈ હેવ નો હોપ્સ ફોર હીમ. એક જમાનામાં એ પોતાના કન્વીક્શનથી જીવતો હતો. હવે અપોર્ચ્યુનીસ્ટ થઈ ગયો છે ને પેલો કાંતિ સુખડિયા વચમાં સાવ મૅડ બની ગયો હતો, રીયલી, આઈ મીન ઈટ-આઉટ ઑફ માઇન્ડ.’ આવું વાક્ય સાંભળીને હસમુખલાલને ચળ થઈ આવી, ‘એક્સક્યુઝ મી, તમે મિત્રો કોઈ અજય શાહને ઓળખો છો?’ એમને થયું કે એ પૂછે. પણ એને ઓળખતા હોય તો ઊલટી ઉપાધિ. એના વિષે કંઇક વાતનું વતેસર જાણવા મળે... જવા દો. ‘ના-ના-પૂછી લઉં.’ કરીને એ ‘એક્સક્યુઝ’ બોલવા જતા હતા ત્યાં જ બન્ને જણા, એમની સામું જોયા વગર ઊઠીને ચાલતા થયા. હસમુખલાલે સાચવીને કોટના ચોરખિસ્સામાંથી તાવીજ કાઢ્યું ને જ્યાં ‘લઉં? લઉં?’ લખ્યું હતું એટલો ભાગ ચેકી નાંખ્યો અને સંતોષથી એ તાવીજ ગજવામાં પાછું મૂકી દીધું. રાતના સાડાસાત વાગે અમદાવાદી લૉજમાં આખું ભાણું જમી, એ સારંગપુર જતી બસ માટે થોભ્યા ત્યારે કઢીની તીખાશ એમની જીભ ઉપર ફરી વળી હતી. બાંગ પોકારવા જેટલું પહોળું મોઢું કરવાની એમને ઈચ્છા થઈ આવી. એક પછી એક આવીને દોડી જતી બસની વાટ જોતાં એમની આંખો તેજની કુંડળીઓમાં નાચવા લાગી. અમદાવાદી ઑટોરિક્ષાવાળાઓ એમની સામે આંખ મીચકારીને ચાલ્યા જતા હતા. એક વાર અજય કહેતો હતો, ‘આ આપણા અમદાવાદની ઑટોરિક્ષાઓ બંધ થઈ જાય તો અમદાવાદ માયકાંગલું બની જાય. એ તો જીવન દોડે છે, મારા સાહેબ.’ પણ હસમુખલાલે જોયું કે જીવન બહુ ઝડપથી વહેતું હતું. એમની પકડમાં ન આવે એટલી ઝડપથી. આખરે કોઈના ખેંચાયા ખેંચાઈ ગયા હોય એમ હસમુખલાલ એક ઑટોરિક્ષામાં બેસી ગયા ને સારંગપુરની કાલીકમલવાળી ગલીમાં આવી પહોંચ્યા ત્યારે ‘જીવતા રહ્યા’ બદલ પ્રભુને સંભારી લીધા. ઑટોરિક્ષાવાળાએ એમની જે ચકરડીભમરડી કરી એમાં હસમુખલાલનું દસ વખત અકસ્માતમાં મૃત્યુ થયું અને દસે ય વખત પુનર્જીવન મળ્યું. ‘ઓ મારા બાપલા આ ઑટોરિક્ષામાં હવે કદી ન બેસવાનું પાણી મૂકું છું,’ બબડી રિક્ષાવાળાને નવી નકૉર રૂપિયા એકની નોટ આપી, ‘ટળ મારા જમડા’ જેવી આંખોથી જોઈ રહ્યા. ખુંખારો ખાધો. બીડીને ટેશથી ચૂસવા માંડી. બે આંગળીઓ જરાક ધ્રુજી ગઈ. ને મોઢા ઉપરથી માંખ ન ઊડે એવા સારંગપુરિયા ગલીના અમદાવાદીને એમણે બહુ જ ધીમેથી પૂછ્યુ, ‘ભાઈ, કાલીકમલ પીર ક્યાં રહે છે?’ પેલો પહેલાં હસમુખલાલ સામે જોઈ રહ્યો, પછી ચિમ્પાન્ઝી જેવું હસ્યો. નગારાં વાગે એમ એનું હાસ્ય હસમુખલાલના માથાની અંદર જડાઈ ગયું. ‘સાલો પાગલ લાગે છે’ બબડી એ આગળ વધ્યા ને લાઇટને દીવે લેસન કરતા એક છોકરાને એમણે સાધ્યો. એ છોકરો એકદમ ઊભો થઈ ગયો ને આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ એમની સાથે આવ્યો ને હસમુખલાલને ઘર બતાવી કહે, ‘ત્રીજે માળે પહોંચી જજો.’ ને પછી ગરીબડું મોંઢું કરીને હસમુખલાલને એણે કહ્યું: ‘આ પરીક્ષામાં મારો કયો નંબર આવશે એ પૂછી લાવશો?’ ‘હા-ના’ જેવું કંઈક બબડી હસમુખલાલ કાલીકમલબાબુને મળવા પહેલો માળ ચઢી ગયા. બીજા માળના પહેલા પગથિયાથી જ ભીડ જામી હતી. ‘આ ભૂત ભૂવા ને પીરને મળવા હું ક્યાં આવ્યો?’ એવા વિચારને એમણે જોસથી એક ફૂંક લગાવી ઉડાડી દીધો. ને માળ ઉપર નજર કરી. શ્રદ્ધાળુઓ પગથિયાં ઉપર બેસી પડ્યા હતા. કોઈની આંખો સાવ ધ્યાનસ્થ દશાની જેમ મીંચેલી હતી. કોઈ ધોતિયાની આડશે માળા ફેરવતા હોય એમ લાગતું હતું. માથું ધુણાવી અને આંખો ચગાવી કોઈ વિચારતા હતા. એમણે જરા ય કલ્પી નહોતી એવી સ્મશાન શાંતિ હતી. છેક ઉપર બે જણા કાનમાં મોઢું નાખીને અશબ્દ વાણીથી વિચારોની આપ-લે કરતા હતા. બન્ને સૂટમાં સજ્જ હતા અને સમાજમાં ભારે પ્રતિષ્ઠિત હોય એવા લાગતા હતા. નજર દોડાવતાં-દોડાવતાં માળના વચલા પગથિયે એક નજર સામે એ ભટકાયા. હસમુખલાલના શરીરમાંથી ઘૃણા ને ભયભરી કંપારી છૂટી ગઈ. ન જીરવાય એવી ક્રૂર આંખોથી એ જાણે હસમુખલાલ સામે જ ટગર-ટગર-ટગર જોઈ રહ્યો હતો. એ આંખો એમની અંદર ઊંડી ઊતરી ને કોતરાઈ જાય એ પહેલાં જ, એમણે એની નજર ચૂકવી અને ધીરે-ધીરે માર્ગ કરતા, છેક ઉપરના પગથિયે જ્યાં સૂટમાં સજ્જ બનેલા બે પ્રતિષ્ઠિતો બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા ને માંડ જગ્યા કરી, ગોઠવાઈ ગયા. ‘કોઈનું ખૂન કરીને સીધો દોડી આવ્યો છે, સાલો,’ પેલી ક્રૂર, વિષાદમય ને ઘૃણાભરી નજરને એમની આંખોમાંથી દૂર કરતાં હસમુખલાલ બબડ્યા. એમણે ઘડિયાળમાં નજર કરી. આઠ ઉપર પાંત્રીસ થઈ હતી. ત્યાં જ, કાલીકમલબાબુના સેક્રેટરી જેવો માણસ આવ્યો ને એમના હાથમાં કોરો કાગળ મૂકી નામ-ઠામ ને થોડી વિગત લખવા એણે કહ્યું. દરમ્યાન, હસમુખલાલ સ્વસ્થ બની ગયા હતા. કોટના ઉપરના ખિસ્સામાંથી ફાઉન્ટપેન કાઢી, એમણે સ્વચ્છ-સુંવાળા અક્ષરે લખ્યું : ‘હસમુખલાલ વ્યાસ, નમ્ર, સંકોચશીલ માનવી, બૅન્કનો એકાઉન્ટન્ટ. ઠેકાણું અમદાવાદ. એક જ મૂંઝવતી સમસ્યા... માત્ર બે જ મિનિટ, પીરસાહેબ.’ -ને એમણે ચિઠ્ઠી આપતાં ખૂબ ધીરેથી પૂછી લીધું. ‘ક્યારે ટર્ન લાગશે, દોસ્ત?’ ‘સવારના ચારેક થશે’ બોલી એ ચાલ્યો ગયો. હસમુખલાલ હવે જરા ટટ્ટાર થઈ ગયા: રાત્રિના નવથી સવારના ચાર એટલે સાત કલાક. ‘વાહ પ્રભુ, આખો કળિયુગ અહીં જ વિતાવવાનો’ ને પછી વિચારવાની ને બબડવાની રમતનો આશરો એમણે લીધો. વિચારતાં-વિચારતાં એમની વય ઘટતી ગઈ ને છેક આઠ વર્ષનો હસમુખ ઓગણીસો ને અઠ્ઠાવીસની સાલમાં જીવતાં એમની ફોઈને ઘરે આવી પહોંચ્યો. રાત જામી હતી ને રોટલા-કઢી ખાઈને, ભૂતની વાત સાંભળી એ ઊંઘવા પડ્યો હતો ત્યાં જ ફોઈની છોકરીને ભૂત વળગ્યું છે એટલે ભૂવા પાસે લઈ જાય છે એવો ગણગણાટ એમણે સાંભળ્યો. હસમુખ પણ ચોરપગલે કૂવાની પાછળ પાછળ ચાલી નીકળ્યો. ચોમાસાનાં ડરાવતાં તમરાં બોલતાં હતાં. દાદાએ શીખવેલા હનુમાન-ચાલીસાના રેજો હસમુખ ચાલતો હતો. તે ભૂવાના ઘર આગળ આવ્યો ત્યારે ફોઈની છોકરી ગંગા ‘લાય, દહીં આલ મને...આલ...’ કહીને આંખો ચગાવી ધૂણતી હતી. ‘લાય, હીંડ, આલ મને, આલ...’ બોલતી એ બેઠી. બારણાની તડમાંથી હસમુખ જોઈ રહ્યો છે. હનુમાન ચાલીસાનું રટણ અંદરથી એકધારું ચાલુ છે. રડતાં કૂતરાં એકદમ ચૂપ થઈ, અચાનક રડવા લાગે છે. ‘લાય, હીંડ, આલ મને...આલ છ્ કે નહીં?’ ભૂવાના કદાવર દેહે, પાસે પડેલા ચૂલાને બરોબર ચેતાવ્યો, એની ઉપર બાજરીના લોટનો એક રોટલો શેકવા મૂક્યો ને એક ચીપિયો ગરમ અંગારામાં તપાવવા મૂક્યો. હનુમાન ચાલીસાનું રટણ ચાલતું હતું. છતાં હસમુખ ધ્રૂજી ધ્રૂજીને પાનખરના પાન જેવો થવા લાગ્યો. ‘ઓ મારી મારે...’ કરીને ચીસ પાડવાનું મન થયું. ગળામાંથી કોઈ અવાજ નીકળે એમ નહોતો. રોટલો થયો. ચીપિયો તપીને લાલચોળ થયો. ભૂવો ધૂણતી ગંગાની પાસે આવ્યો, ને હાથ ઉગામી એણે જોરથી ગંગાના કુમળા ગાલે એક અડબોથ લગાવી. ફૂવા જરા આઘા ખસી ગયા. જુવાન સોળ વરસની છોકરી, ‘આલ મને…..આલ છ્ કે નહીં...’ બોલતી બે ચક્કર ખાઈ જમીન ઉપર ઝીંકાઈ ગઈ. ભૂવાએ બાજરીના ગરમ રોટલાને છોકરીના મોઢા પાસે આણ્યો. અને દીવાલમાંથી ઉખેડી નાખેલો બીજો ગાર-માટીના રોટલાનો ટુકડો ગંગાના મોઢામાં બળપૂર્વક નાખી દીધો. થોડી વાર પછી લાલ ગરમ કરેલો ચીપિયો કાળા ગાભાથી ઊંચક્યો. હસમુખની આંખોના ડોળા એ ચીપિયાએ ખેંચી રાખ્યા હોય એમ તણાઈ ગયા હતા. હનુમાન ચાલીસા સાનભાન વગર બોલાતા જતા હતા. ભૂવાએ એના ફૂવાને એક નાળિયેર, એક ઓઢણી, કંકુ ને સવા રૂપિયો મૂકવા કહ્યું, ને બાજુની ગોળીમાંથી પાણી પીવા જવા આદેશ કર્યો. ફૂવા ઊઠીને પાણી પીવા ગયા એ ક્ષણે જ ભૂવાએ તપાવેલો ચીપિયો ઊંચક્યો ને ગંગાની જમણી કૂખ ઉપર... હસમુખલાલ બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા ને સડસડાટ પગથિયાં ઊતરી ગયા. ‘પીરના ફંદામાં ફસાવા હું અહીં આવ્યો?’ ‘ધિક્ મામ્’ બોલી જીભ કચરી. મકાનમાંથી બહાર આવ્યા ત્યારે અમદાવાદનો મ્યુનિસિપલ દીવો ટાઢમાં ધ્રૂજતો હતો ને આજ્ઞાંકિત વિદ્યાર્થી બાલહ, બાલૌ, બાલાહા’ નાં સંસ્કૃત રૂપો ગોખતો હતો. એણે હસમુખલાલને જોયા એટલે એ દોડી આવ્યો. ‘કાકા, પાસ કે નાપાસ?’ ‘તારા બાપનું...’ આજ્ઞાંકિત વિદ્યાર્થીની અપાર ઉત્સુકતા સાથેનું દયામણું મોઢું જોઈ એ અટકી ગયા. ને પછી આવા વગર ફોગટના ક્રોધના બદલામાં, એમણે લેસનની લ્હાયમાં ઠીંગરાઈ જતા કિશોરને ‘પૂછી લાવીશ, હં-દોસ્ત’ કહીને આશ્વાસન આપ્યું. વહેમના ધતિંગની જાળમાંથી છૂટવા ઝડપભેર ચાલવા માંડ્યા, પણ સારંગપુરની એ ગલીની બહાર આવતાં પહેલાં જ એમના પગ કોઇએ પડડી રાખ્યા હોય એમ સ્થિર થઈ ગયા. ‘શો ચમત્કાર?’ બોલી પાનવાળાની દુકાનેથી બીડીનો ઝૂડો ખરીદતાં, આ ‘બાબુડિયા’ વાળી વાતને, ગંઠાઇ ગયેલો રૂનો ઢગલો પીંજાય, એમ પીંજવા માંડી. ‘ગીતાનો અભ્યાસી, પ્રભુ નામની સત્તામાં શ્રદ્ધા રાખનારો હું આવા પીરમાં કેમ ફસાયો?’ બબડી, એમણે જ્યાંથી જેવા સૂઝયા તેવા ગીતાના ચાર-પાંચ શ્લોકો બોલવા માંડ્યા. અને તો ય બાહુકની જેમ મોઢામાં નખ મૂકી દાંત કરડવા જેવી દ્વિધામાં એ ફસાતા ગયા. કલાકેક પછી રૂનો ગંઠાઈ ગયેલો ઢગલો પીંજાઈ ગયો ત્યારે આમતેમ ઊડતા સુંવાળા પચીસ હજાર તાંતણાની આસપાસ એ વીંટાઈ ગયા. ને ‘આ કાંઈ શોભતું નથી, હાં,’ એમ-મન મનામણી કરવા છતાં, એ પોતે જોઈ રહ્યા કે, એમના પગને ઢસરડીને કોઈ એમને કાલીકમલબાબુના દાદરા ઉપર ખેંચી રહ્યું છે. ને ‘કાંઈ કુકર્મ તે નથી જ કરતો અને મારો પ્રભુ થોડો નારાજ થશે પણ એને તો મનાવી લઈશું,’ બોલી ખેંચાવા લાગ્યા. આજ્ઞાંકિત વિદ્યાર્થી ‘હે બાલે’ એમ અર્ધી ઊંઘમાં ઝોકાં ખાતો, બબડતો સંભળાયો. દાદરા ઉપર ખેંચાતાં એમણે પેલી શિકારી, ક્રૂર નજરને આંખો મીંચી દઈને ટાળી. તો ય એનો એક ઝબકારો તો સ્પર્શી જ ગયો. ટાઈ ઠીક કરીને ફરીથી ગોઠવાયા ત્યારે મન પહેલાં કરતાં વધારે સ્વસ્થ ને શાંત હતું. આંખોમાં થોડી ઊંઘ ભરાવા જેવું લાગવા માંડ્યું. એટલે આજુબાજુ ચોગરદમ બેઠેલા નામધારી, ખાદીધારી, સૂટધારી, ડાધુઓની જેમ હસમુખલાલ પણ ધ્યાનસ્થ દશામાં બેસી ગયા. એક બે ઝોલાં આવી ગયાં. હેલિકોપ્ટરમાં બેસી ઉપર નીચે થતા હોય એવો અનુભવ થઈ જતો હતો. ન રહેવાયું ત્યારે વગર ફોગટના મલકી પડ્યા, વેંત વગરના ગંભીર થયા, કરુણાના સાગરમાં ડૂબકી લગાવી તરવા લાગ્યા, પીપળના પાન ઉપર જન્મતા બાળકૃષ્ણને વ્હાલથી ચૂમી આવ્યા. અમદાવાદ આખું ઘૂમ્યા, રામ-સીતા સાથે વનવાસ વેઠ્યો, અને ભર જંગલમાં ઝાડના થડ ઉપર બૅન્કના એકાઉન્ટન્ટની અદાથી કશીક એન્ટ્રી પાડ્યા કરી; પણ છેલ્લે ચંચળબાને એમણે ‘હાય મારો જુવાનજોધ હસમુખ’ કહીને રડતાં કૂટતાં જોયાં ત્યારે એકદમ એમની આંખ ઊઘડી ગઈ. ઘડિયાળમાં જોયું. રાતના અઢી થયા હતા. આંખોનાં પોપચાં રહી રહીને ઊંઘના ભારથી ઢળી પડતાં હતાં. ટાઈ ઉપર વીંટાળેલું મફલર જરા વધારે જોરથી ખેંચ્યું, ત્યાં જ એ પોતે ક્યાં છે, કેમ છે, શાને માટે આવ્યા છે એનું ભાન ભૂલી બેઠા. માથાને વીંઝણો બનાવી એમણે યાદ કરવા માંડ્યું, પણ એ ક્યાં બેસી પડ્યા છે એ જ એમની પકડમાં આવતું નહોતું. થોડી ક્ષણો પછી, ‘એ પોતે શું, કોણ અને શાને માટે છે’ એવો વિચિત્ર અનુભવ થયો એટલે એમને ગભરામણ થવા માંડી. પંચેન્દ્રિયની બધી શક્તિઓ એમના શરીરથી અળગી થઈ ગઈ હતી. ગભરામણને કારણે કપાળે પરસેવો છૂટવાની લાગણી થઈ. એટલામાં સૌથી પહેલાં જાણે બે કાન ઊગ્યા-બહુ જ ધીરેથી આવતા હોય એવા આછા અવાજો એમના બન્ને કાન ઉપર વારાફરતી અથડાયા : ‘વડીલ... હસમુખરાય...મુરબ્બી...’ ઊંડા કૂવામાંથી ધરતી ઉપર આવતી હોય એમ એમની સમગ્ર ચેતના સળવળી ને એ બોલી પડ્યા : ‘આ તો મારો વહાલો અજય!’ ને એમણે પાછળ જોયું. એક આંખ કુબેરભંડારી ને બીછ આંખ યમરાજને જોતી હોય એમ હસમુખલાલ અજય સામે જોઈ રહ્યા. ‘આ તો પચીસ હજારનો લઠીંગો’ એમ બબડે એ પહેલાં અજ્યે એમને ઈશારાથી ઊભા થવા કહ્યું. ને એ વળી પાછા અજ્ય સાથે પીરના મકાનમાંથી બહાર આવ્યા. ટાઢમાં ટૂંટિયું વાળીને પડેલો આજ્ઞાંકિત વિદ્યાર્થી ભરઊંઘમાં હતો. ને ઊંઘમાં લાચાર અવાજે ‘બા...આ...લા, બા... લા’ બોલી લેતો હતો. અમદાવાદી ટાઢના નહોર આ બધી નાની વાંકી ગલીઓમાં પણ ખૂંપી ગયા હતા. હસમુખલાલે ધ્રૂજતી આંગળીઓથી એમનો પોર્ટફોલિયો પકડી, ઉઘાડી, કશી ય આળપંપાળ રાખ્યા સિવાય ઝડપથી કબૂતરિયા બાવાટોપી પહેરી લીધી. હજુય પૂરું સાનભાન આવ્યું નહોતું. અજય દોરતો દોરતો એમને સારંગપુરની એક બીજી ગલીમાં ખેંચી ગયો. એ ગલીમાં દિવસનો ઉજાસ ને ઘોંઘાટ એમણે જોયા. અજયે ઓટલા પર બેઠેલા ચાવાળાને એક ચાનો ઑર્ડર આપ્યો ને ટોળાંથી થોડે દૂર એ બન્ને ઊભા રહ્યા. ઠાસરા જેવા ગામે લગન જેવો પ્રસંગ હોય એ સિવાય આટલી મોડી રાત સુધી જાગતા રહેવાનો હસમુખલાલને કદી અનુભવ નહોતો. ‘વડીલ, તમે આ પીરના દરવાજે ક્યાંથી? એવી તે શી મૂંઝવણ...’ જવાબમાં હસમુખલાલ જરા હસ્યા, ખૂંખારો ખાધો. ‘લગીર ગમ્મત, દોસ્ત, આ તો અસલ મને રામલીલા ને ધોળશાજીનાં નાટકો જોવાનો ચટકો...એટલે આ ય સાળું નાટક, સમજ્યો? આ બધા ય ‘બાબુડિયા’ પાછળ મંડ્યા છે ત્યારે આપણને થયું...’ દાંત જોરથી કકડવા માંડ્યા એટલે એમણે મફલરનો એક છેડો બન્ને દાંત વચ્ચે દબાવી દીધો ને ચૂપ થઈ ગયા. ચા પિવાઈ રહી ત્યારે શુક્રવારી રાત, ઠંડી, સારંગપુરિયા ગલી, પીર, અજય, અમદાવાદ બધું ‘વહાલું, વહાલું’ લાગવા માંડ્યું. ‘પણ દોસ્ત, તું અહીં મળી જશે...હજુ તો મારી આંખ કહ્યું નથી કરતી.’ રકાબીમાંની ચા એક ઘૂંટડે પી જઈ અજયે ઉશ્કેરાટમાં કહેવા માંડ્યું : ‘હું ત્રણ દિવસથી નજરકેદ હતો, સાહેબ, મારા જ બંગલામાં. મેં એક સરસ પ્લાન કર્યો છે-એની ગંધ કોણ જાણે ક્યાંથી મારા ડૅડીને આવી ગઈ લાગે છે. હું નહોતો કહેતો, હસમુખરાય, એ બહુ જ પાવરધા ને શઠ માણસ છે. પણ આ તો સાવ ડેવીલીશ-નરાધમ નીકળ્યા. મારા જ બંગલામાં મને પૂરા ત્રણ દિવસ એમણે કેદ કરી રાખ્યો. દિવસના બે વખત રોજ મારી પાસે આવે ને હું જાણે બાળક હોઉ એમ મને બધું સમજાવે. એમનાં પ્રલોભનોને વશ ન થવું દુષ્કર છે. પણ જાણો છો વડીલ, એ ત્રણ દિવસમાં મારા જીવનનું ધ્યેય મેં નક્કી કરી લીધું છે. ડૅડી જેમ જેમ એમનાં પ્રલોભનોમાં મને ખેંચતા જાય એમ મારા આ ધ્યેયને હું વળ ચઢાવતો જતો હતો-બધું જ ક્રીસ્ટલ ક્લીઅર થઈ ગયું છે, મનમાં.’ હસમુખલાલે બીડી ચેતવી ને ‘ક્રીસ્ટલ ક્લીઅર’ બબડી એક ફૂંક લીધી. હવે એમને પૂરી રંગત લાગવા માંડી હતી. અજયે એની પાઈપ કાઢી ને વચમાં હસમુખલાલને પૂછી લીધું : ‘બહુ ઠંડી લાગતી હોય તો સાહેબ…..’ બ્રાન્ડીની બોટલ એણે ખિસ્સામાંથી કાઢી ને કહ્યું, ‘એક…બે ઘૂંટડા ભરી લ્યો…………’ ઠંડી હસમુખલાલનાં હાડકાં સુધી પ્રવેશી ગઈ હતી એટલે ‘લાય, સાલા’ બોલવા ગયા પણ માથું નકારમાં ધૂણી ગયું. અજયે બોટલ ખિસ્સામાં પાછી મૂકી, વાત આગળ ચલાવી: ‘આપણા આ સમગ્ર દેશનો હું પગપાળો પ્રવાસ કરીશ. માત્ર એક બગલથેલો ને શેતરંજી લઈને ઘૂમીશ. ના, વડીલ, દેશપ્રેમની કોઈ દાઝને કારણે નહીં. પણ મને લાગ્યું છે કે આપણા દેશની ધરતી વિશિષ્ટ છે, એની પ્રત્યે મને અપાર પ્રેમ છે. મારા લોહીનો ચેતનનો કણેકણ હું આ ધરતીથી ધબકતો રાખવા માગું છું. મારી કવિતા આ ધરતીનો લય ગૂંથશે ને મારાં મૂલ્યો...’ અજયની વાત સાંભળી હસમુખલાલને નાટ્યગૃહમાં પડતી હોય એવી તાળીઓ પાડવાનું મન થઈ ગયું. પણ ઠંડીને કારણે એમના બન્ને હાથનાં આંગળાં એકબીજામાં એટલાં સખત રીતે ભીડાઈ ગયાં હતાં કે એમણે એમના બે અદૃશ્ય હાથને ઊંચા કરી તાળીઓ પાડી ને મનમાં બબડ્યા : ‘હુમ્-જામવા દે.’ ‘મારે, વડીલ, આ દેશની ધરતીનાં રહસ્યો ને મર્મને પામવાં છે. એક પ્રજા તરીકે આજે આપણે કેટલા આધ્યાત્મિક છીએ એનો તાગ મારે કાઢવો છે. આ દેશ ઉપર પથરાઈ ગયેલાં નિષ્ક્રિયતા અને પરમ વિષાદને મારે ઓળખવાં છે. ફસ્ટ્રેશન.. હતાશાનાં ઠેર ઠેર બાઝી ગયેલાં જાળાને દૂર કરવાં છે. એ ફસ્ટ્રેશનનાં મૂળ ક્યાં છે એ કંઈક મને સમજાય છે—’ અજય અટકી ગયો. હસમુખલાલ પાસે એણે બીડી માંગી. પ્રયત્નપૂર્વક હસમુખલાલે બે હાથનાં આંગળાં છૂટાં કર્યાં, ને એને બીડી આપી. એણે બીડી સળગાવી ત્યારે દીવાસળીના પ્રકાશમાં અજયની આંખો તરફ એમની નજર ગઈ. ને ફરી એક વાર એ છોભીલા પડી ગયા. નિષ્ઠા ને પ્રમાણિક્તાથી પોતાની ધૂન પોષવા માંગતા એક યુવકની વાત ઉપર તાળી પાડી, ઉપહાસ જેવું કરવા બદલ એમને ‘અરરર, અરેરે’ જેવું થયું. ‘હું તમને તે, વડીલ, અવ્યવહારુ ને ધૂની લાગતો હોઈશ… જવા દો આ બધી વાત. હું અહીં આ પીરને મળવા નથી આવ્યો. હું આવ્યો છું મારા ડૅડીને શોધવા-હું જાણું છું કે અઠવાડિયાના એક બે દિવસ એ અહીં આવતા હોય છે. એમણે મને નજરકેદ કર્યો, પણ એમને ખબર નથી કે યુવાની ગમે એવી કેદમાંથી છૂટી શકે એમ હોય છે. એ મને જોતાં જ ચોંકશે. હું એમનું અપહરણ કરી જઈશ. ને પછી હું શું નહીં કરું એ અત્યારે કહી શકતો નથી. પ્રકૃતિએ હું ઘાતકી નથી, છતાં ય એમને રિબાવવાનું મને...’ ‘જો ભાઈ, હું તો ત્રાહિત વ્યક્તિ છું. છતાં આ બાબતમાં મારું ધ્યાન તો એવું બેસે છે કે તું હવે તારા ડૅડીને અને એના વિચારોને છોડી દે. ને દેશની કે દુનિયાની પગપાળી જાત્રા કરવી હોય તો ચાલ, એક બગલથેલો ને શેતરંજી હું અપાવી દઉં. ને કાલ સવારથી જ હીંડવા માંડ, પણ મૂળ વાત એટલી છે, દોસ્ત... કે આ તારા મનનું કોચલું તારા ડૅડીમાં ભરાઈ ગયું છે. ન કરે નારાયણ ને તું જો તારા ડૅડીને વેરભાવે ભજતો થઈ જાય તો તું આ જિંદગીમાં કશું ય કરી શકવાનો નહીં. કવિ–બવિ થવું હોય તો ય વાંધો નથી. થઈ જા. ને મોટા મહાત્મા થવું હશે તો એ ય થવાશે. તારી ઉંમર છે. પણ તું તારા ડૅડીનો કેડો મેલ. ને કાલે સવારે જ...’ પૂરપાટ ધસી આવતી ટ્રેઈન આગળ ઝગારા કરતી લાલ બત્તી દેખાતી હોય એમ હસમુખલાલ એકદમ અટકી ગયા. મારા પગ ઉપર હું કુહાડો મારી બેઠો કે શું? કાલે સવારે હું એને ધકેલી દઉં તો એનો ડૅડી મને પચીસ હજાર...ને મારો બેટો, એ વાતનું તો નામ લેતો જ નથી ! મનમાં ઝડપથી વિચારી લઈ એમણે એમનો વ્યૂહ બદલ્યો. ‘મારા જેવાની વાત સુદ્ધાંય તારે આંધળું કરીને માનવી એમ હું નથી કહેતો. તું વિચાર. પાકો વિચાર કર. ગાંઠ વાળ. અઠવાડિયું બે અઠવાડિયાં બધી વાતને મનમાં ઠરવા દે. ને પછી પાકો વિચાર કરી, નીકળી પડ. પણ આ તારા ડૅડીના વિચારો કરવાનું છોડ. તારા ઉશ્કેરાટ ઉપર મને ભરોસો નથી. તું ન કરવાનું કરી બેસે ને પછી જિંદગીભર પસ્તાય... ના, એવું ના કરીશ. દુનિયા છે તો દુષ્ટો ય હોવાના, એમની સંગતમાં જ નહીં આવવું.’ કશુંક મર્માળુ બોલી ગયા હોવાની ખાતરી થઈ એટલે હસમુખલાલ મનોમન થોડું પોરસાવા લાગ્યા. અજય અને હસમુખલાલ બન્ને પૂરી પંદર મિનિટ મૌન ઊભા રહ્યા. શિયાળાની રાતમાં વહેતી ઠંડી હવામાં બન્ને જણ અદ્ધર તરતા હતા. અમદાવાદની કઠણ ધરતી ઉપર પગને સ્થિર ટકાવી રાખીને ઝાઝી વાર ઊભા રહેવું બેમાંથી કોઈ માટે શક્ય નહોતું. વિશ્વભરની ક્ષુલ્લકતા, ખંધાઈ ને શઠતા અમદાવાદની રાતમાં હાંફતી હતી. ને આ બે જણ એ ખંધાઈને પોતપોતાની રીતે મૂલ્ય બનાવી જીવવા માંગતા હતા. ‘મારા ડૅડીનો ચહેરો હસમુખરાય મને અત્યારે ક્યાં દેખાય છે, ખબર છે?’ હસમુખલાલનો શ્વાસ અદ્ધર ઊંચકાઈ ગયો ને એક ઘેરી નિરાશાથી હાંફતો અજય એમને કહી રહ્યો હતો : ‘અમદાવાદનું ખાટકી બજાર... ત્રણ દરવાજાની નજદીક છે... એ આપે જોયું હશે, વડીલ. એ ખાટકી બજારમાં ચામડી ઊતરડી લીધેલાં લાલ માંસથી તરબતર જાનવરો લટકતાં હોય છે. એક દુકાન ઉપર મારા ડૅડી બેઠા છે ને હું ઊંધે માથે, ચામડી ઊતરડાઈ ગયેલો, લટકું છું. ક્ષમા કરજો વડીલ, ન બોલવા જેવું ક્રૂર હું બોલી ગયો, પણ વાત હું બીજી જ કહેવા માગું છું.’ અજયે હસમુખલાલનો હાથ પકડી લીધો. એ યુવાનના હાથમાં ઉષ્મા હતી. ‘વડીલ, મારી શક્તિનું રહસ્ય કદાચ મારા ડૅડી જ છે. મારા ડૅડીના વિચારો કરવાનું હું છોડી દઉં છું ત્યારે જીવનમાં જાણે એક શૂન્યતા નજરે પડે છે. એમની પ્રત્યેની વેરભાવના જ મારામાં કશુંક કરી નાખવાનું બળ પ્રેરે છે. તમે સરસ વાત કહી...મનના કોચલાની. પણ એ કોચલું મારા ડૅડીમાં વીંટળાયેલું હશે, ત્યાં સુધી જ હું બળ મેળવતો રહીશ. મારા જીવનની ટ્રેજેડી...’ મારા વ્હાલા, શીદને આમ ટ્રેજેડી ભજવતો હઈશ? —હસમુખલાલને કશું ય સ્પર્શતું નહોતું. એમણે હાથના ચાળા કરી, બે ખોટાં બગાસાંને ઢાંકી દીધાં. ‘રાતના સાડાત્રણ થયા, વડીલ, આપને ઘરે પહોંચાડી દઉં કે હજુ ય પીરને મળવું છે?’ હસમુખલાલ મનમાં ચીઢવાયા. આ સાળો પચીસ હજારની વાત તો બોલતો જ નથી? એમણે એક હાથની હથેળીનો શંખ બનાવી ફૂંકવા માંડ્યો. ને એમના મોઢામાંની ગરમ, હૂંફાળી હવાથી બીજા હાથને હુંફ આપી. પછી એમણે એ હાથને, નાક પાસે લઈ જઈને સૂંઘવા માંડ્યો-બીડીની વાસ સાથે, ‘પચીસ હજાર’ની ગંધ પણ આવતી હતી. અમદાવાદની ધરતી, આથમતી મધ્યરાત્રિએ સ્વપ્નમય સૃષ્ટિ ધારણ કરતી એમણે અનુભવી, ‘મોક્ષ મળે ત્યારે આવી જ લાગણી થતી હશે.’ એક વિચાર એમને આવી ગયો. ચોર્યાશી લાખ ફેરામાંથી ‘છૂટ્યા, બાપલા’ની હાશ ને ‘હવે જીવવાનું નહીં મળે’ની થોડી ચીઢ. મોટો દાખડો કરી આટલે સુધી આવ્યો છું તો પીરને મળું તો તો ખરો જ. આ લઠીંગાની વાત કેટલી સાચી છે ને એવા એ પચીસ હજાર ક્રીસ્ટલ ક્લીઅર છે કે કેમ એ તો પકડાઈ જાય...સાવચેતીથી એ મનમાં બબડ્યા. પણ મારો પીર તો મારી સામે જ છે-એ વિચારે ઉશ્કેરાયા. ‘તમે કશીક મૂંઝવણમાં જરૂર લાગો છો. મને... મને નહિ કહો. વડીલ?’ મુંબઈમાં હસમુખલાલ ચેસ કેવી રીતે રમતા એ યાદ આવી ગયું. જે પ્યાદું એમના પ્યાદાને વહાલ કરવા આવતું, એને એ સિફતથી આંટીધૂંટી લગાવી, એનું ગળું પકડી, ઊંચકીને બાજુએ મૂકી દેતા. ઓગણપચાસ વર્ષે એમની આંખે થોડી ઝાંખપ આવી ગઈ હતી પણ બુદ્ધિ જમાનાના અનુભવથી ખાધેલ-પીધેલ બની હતી. માત્ર એમની આધ્યાત્મિક પ્રકૃતિ એમની આડે આવીને ઊભી રહેતી. લાળ પાડીને દોડતા લોભી કૂતરા જેવા મનને એમણે મનાવવા માંડ્યું. ‘મૂંઝવણ... ના, ના, મૂંઝવણનું તો એવું છે ને દોસ્ત... ચાલ હીંડ, હવે તો આ ઠંડી હાડકાંમાં પેસી જાય છે. મને લગીર મારા ચાર રસ્તા સુધી મૂકી જા.’ હસમુખલાલ અને અજય મૂગા મૂગા થોડે દૂર પાર્ક કરેલી ફિયાટ સુધી પહોંચ્યા. અજયે ખૂબ માનપૂર્વક એમને માટે બારણું ખોલ્યું ને હસમુખલાલ ફિયાટમાં ગોઠવાઈ ગયા. ‘ભાઈ, કહું છું, આ તારા ડૅડી અહીં આ કાલીકમલ પીરને ત્યાં શું કરવા આવતા હશે?’ હસમુખલાલે બરોબર ગોઠવીને પ્રશ્ન મૂક્યો. ‘એક–એક મોતમાંથી પુનર્જન્મ લેવા...પણ વડીલ, મને ડૅડીની વાત હવે યાદ ન કરાવશો’ ફુવારા પાસે એક વળાંક ઉપર ફિયાટને જોરથી ઘુમાવતાં અજયે કહ્યું, ‘મરી મરીને જીવતા માણસમાં મને શા માટે રસ હોવો જોઈએ? આપની વાત ખૂબ સાચી છે. આપ અનુભવી છો ને મારે મન પૂજ્ય છો.’ ગૌરવશાળી ને ભરાવદાર મોટી, કાળી મૂછો ઊગી નીકળી હોયે એટલો આનંદ હસમુખલાલને થયો જીવનમાં ઓગણપચાસ વર્ષે એ પહેલી વાર કોઈને મન સાચેસાચ ‘પૂજવા’ જેવી વ્યક્તિ બની રહ્યા હતા. લાળ પાડતો એક કૂતરો ફિયાટની આજુબાજુ ઘૂમ્યા કરતો હોય એવો વહેમ હસમુખલાલને રહી રહીને થયા કરતો હતો. હસમુખલાલને થયું કે એ કૂતરાને બચાવવા જતાં ફિયાટ કશેક અથડાઈ પડશે, અથવા તો... એ કૂતરો જ આ ફિયાટના પૈડાં નીચે—એમનું મન વેગથી વિચાર કરવા મંડી પડ્યું. ભદ્ર ગયું ને ફિયાટ રાતની સ્તબ્ધતામાં નેહરુ બ્રીજની દિશામાં ધસી રહી હતી. ‘વડીલ, આપને કોઈ વાતે પૈસાની તકલીફ... અરે હા, આપે કશો નિર્ણય લીધો? કાલે શનિવારે...’ ‘આહ્’ કરીને હસમુખલાલ ક્રિયાટના પાછળના ભાગમાંથી અડધા ઊભા થઈ ગયા. ફિયાટ સરરર કરતી, લાળ પાડતા કૂતરાને જીવતો રાખી, એની ઉપર થઈ, હળવેકથી સરકી ગઈ હતી. ચાર રસ્તા આગળ હમુખલાલ ઊતર્યા ત્યારે ધ્રૂજતા હાથે એમણે અજયના બ્લ્યુ પુલ-ઓવરની ચાળ પકડીને ‘ભઈલા’ જેવું બબડી ઝડપભેર ઘર ભણી ચાલવા માંડ્યું.

*

સવારના દશ વાગ્યા પહેલાં એમની આંખો ઊઘડી શકી નહિ. આંખોના ખૂણિયા ઉજાગરાને કારણે થોડા લાલ થઈ ગયા હતા ને આછી બળતરા થતી હતી. આગલી રાતે ચાર વાગે પથારીમાં પડ્યા ત્યારથી જ બૅન્કમાં ‘કેઝ્યુઅલ’ મૂકી દેવાનું નક્કી કર્યું હતું. એમના ઘરેથી ચોથા ઘરે રહેતા કટપીસ કાપડના વેપારી નવનીતરામ સાથે એ હંમેશાં રજાની ચિઠ્ઠી મોકલાવતા, એટલે ઊઠતાંવેંત એમણે લેસન કરતી સરિતાની નોટબુકમાંથી કાગળ લીધો ને રજાનો રીપોર્ટ લખવાની શરૂઆત કરી. મનમાં વિચારોનાં શાંત મોજાં અથડાતાં હતાં. વચ્ચે સરિતાએ જરા અધીરાઈથી ને લાડપૂર્વક એમને એક સવાલ પૂછી લીધો, ‘હેં, બાપુજી, રેતીમાં પગલાં પડે ખરાં?’ કોણ જાણે શું થયું પણ હસમુખલાલ રજાની ચિઠ્ઠી લખવાનું રહેવા દઈ, પળના ય વિલંબ વગર આ સવાલમાં ગૂંચવાઈ ગયા. ચા પી લીધી ને હિંચકા ઉપર બેઠાં બેઠાં બીડી ચેતવી ને એમણે સરિતાને ફરી બોલાવી, ‘પૂછ બેટા, પેલો સવાલ ફરી પૂછ.’ ‘બાપુજી, રેતીમાં પગલાં પડે ખરાં?... એમ હું પૂછતી’તી.’ ‘બેટા, હું એનો જવાબ તને નિરાંતે.. કાલે આપું તો ચાલશે?’ સરિતા એના બાપુજી સામે આશ્ચર્યથી જોઈ રહી. ને પછી તેમની જેમ બબડતી હોય એવું બોલી, ‘ચા...લ...શે, બાપુજી.’ ‘રેતીમાં પગલાં પડે ખરાં?’ ‘બેટા... સરિતા’, એમણે વહાલપૂર્વક સરિતાને ફરીથી કહ્યું, ‘તેં બહુ જ સરસ સવાલ પૂછ્યો છે, હં...બેટા. હું તને કાલે સવારે...’ ને હસમુખલાલ પોતાનામાં ખોવાઈ જવા લાગ્યા. જીવનમાં પહેલીવાર હસમુખલાલ કશુંક ઊંડાણ જેવું, કશુંક અગોચર જેવું અનુભવતા હતા. કોઈ લાંબી ચાંચવાળું પક્ષી, અહીં ઊડતું તહીં ઊડતું, ચાંચ લગાવી, કશુંક ખોળતું હોય એવી હાલત હસમુખલાલના વિચારોની થઈ ગઈ. એમના ‘ભીતર’નો પ્રદેશ આટલો ઊંડો, આવો વિશાળ ને અનંત હશે, એની એમને કલ્પના જ નહોતી. ‘પચીસ હજાર’ની સમસ્યાના કેન્દ્રબિન્દુ ઉપર મગજની બે પાતળી, સુંવાળી, લીસી નસોની એક સખ્ત ઠંડી ગાંઠ બંધાઈ ગયેલી એમણે અનુભવી. આ કેન્દ્રથી જેમ જેમ દૂર સરકવાનો પ્રયત્ન એમણે કર્યો, એમ ‘હસમુખ’ નામધારી કોઈક જીવંત વસ્તુની વધારે ને વધારે નજદીક આવતા ગયા. આજે વદ અગિયારશ કે શનિવાર નથી જ નથી, અને અમદાવાદ દૂધેશ્વર કે રેતીનો પટ વળી શી બલાનું નામ છે, એમ જાતને મનાવી એમણે સરિતાના આ સહજ રીતે પુછાયેલા પ્રશ્નથી આખી વાતને જેટલી ઢબૂરી દેવાય એટલી ઢબૂરવા, ઢાંકવા માંડી. આ પ્રશ્ન, સાવ અસબધ્ધ એવો, નાનકડી સરિતાએ એમને ક્યાંથી પૂછ્યો ને કેમ પૂછ્યો એવું વિચારવાના હોશકોશ પણ રહ્યા નહીં, માત્ર… ‘રેતીમાં પગલાં પડે ખરાં?’

*

અગિયાર વાગ્યા. શિયાળુ તડકો હજુય હુંફાળો હતો. ઉજાગરાને કારણે કે કોણ જાણે, હસમુખલાલ ધ્યાનસ્થ દશામાં આવતા જતા હતા. વચમાં શારદાબહેન આવી ગયાં ત્યારે અર્ધમીંચેલી આંખના લાલ ખૂણિયામાં ખોટી ચીઢ લાવીને એમણે સમજાવી દીધું કે આજ તો બસ આમ જ બેસી રહેવું છે, એટલે કોઈ વાતે કશી દખલગીરી કરશો નહીં-ભલાં થાઓ ને ભલાં રહેવા દો. ચંચળબા એક વાર હિંચકા પાસે આવી ગયાં ત્યારે હસમુખલાલ એ જ દશામાં કશુંક બબડતા હતા. એટલે “બળ્યું આનું બબડવાનું” બોલી, ગૌમુખીમાં માળા સરકાવી ચાલ્યાં ગયાં. સ્વાતિ દફતર લઈને ઘરની બહાર નીકળી ત્યારે બાપુજીને જોઈ રહી ને પછી એણે એની નાનકડી બહેનપણીને કહ્યું: “આજે મારા બાપુજી બુદ્ધ જેવા જ લાગે છે, નહીં’લી?” હસમુખલાલ યુવાનીનાં બેએક વર્ષોમાં યોગાસનો કરતા, ને પદ્માસન વાળતા. આજે પદ્માસન વાળી શકાય એવાં અંગોપાંગ રહ્યાં નહોતાં. એકવાર એવો પ્રયત્ન કરવા જતાં પગની પિંડી આગળ ટચાકો બોલેલો, આથી એ પ્રયત્ન એમણે માંડી વાળ્યો. હિંચકા ઉપર બેએક કલાક બેસી રહ્યા ત્યાંસુધી વિવિધ રીતે એમણે સતત બબડવાનું ને વિચારવાનું ચાલું રાખ્યું-ખૂબ મોટેથી, ક્યારેક માત્ર હોઠ ફફડાવી તો ક્યારેક પોતાની જાતથી પણ છાનું રાખવાનું હોય એટલી સાવચેતીથી એ બબડતા રહ્યા “રેતીમાં પગલાં પડે ખરાં?” એટલું વાક્ય બબડી લઈ, એ ક્યાંક અગોચર અગમ્ય પ્રદેશમાં ખોવાઈ જવા લાગ્યા. એકવાર એમને એવો અણસાર આવીને ચાલ્યો ગયો કે કોઇ યોગ કે સુયોગ એમની જાત ઉપર કશીક પ્રક્રિયા કરી રહ્યો છે. મનના છેક તળિયેથી ફૂટતો હોય એવો આનંદ-બ્રહ્મના સહોદર જેવો એમના ચહેરા સુધી આવતાં, એનું સ્વરૂપ બદલાઈ જતું. અને એ આનંદ ફફફફ કરતા હાસ્યમાં અથવા ગિલગિલ જેવા સ્મિતમાં પલટાઈ જતો, તો એની બીજી ક્ષણે, કશાય નામ વગરનો, અર્થ વગરનો પારાવાર ક્ષોભ કે ઉચાટ કે વેદના દોડી આવતાં-આવી ક્ષણોમાં છાતી ઉપર એકાએક ખડક ફૂટી નીકળ્યાનો અનુભવ થઈ જતો, ને એના ભાર તળે કચડાઈ જવાય એ પહેલાં... ..એ પહેલાં એમને એક હાથ-કદાચ જમણો જ હોવો જોઈએ- લાંબો થઈ જતો, હથેળી યંત્રવત્ પહોળી થતી ને ઘડીકમાં કશાકની ‘પ્રાપ્તિ’ થતી એટલે હથેળી બંધ કરી દેતા. છાતી ઉપર ગોઠવાયેલા ખડકને પાંખો આવતી ને વેદનાનું ગીધ પાંખો ફફડાવી ઊડી જતું- “રેતીમાં પગલાં પડે ખરાં?” હસમુખલાલ મોટેથી બોલી પડ્યા ને પછી જાત સાથે એનું સમાધાન શોધવા લાગ્યા. “જીવતું માણસ હોય તો પગલાં પડે...નક્કી વાત. એમાં મીનમેખ નહિ.” ઘડી પછી આ પ્રશ્ન જ એમને ક્ષુલ્લક લાગ્યો. ધૂળ કે રેતી વગરની ધરતી હોય, અથવા ધરતી જ ન હોય, કેવળ અવકાશ... હિંચકાને પગ વડે ઠેસ લગાવી, જરાક મલકી, જાતને એમણે સંબોધી. ‘તોય લાલજી, તમારાં પગલાં પડવાનાં.’ રજસ્ અને તમસમાંથી છૂટી ઘડીક સાત્વિક મનોદશામાં ફરી એકવાર પદ્માસન વાળવા ગયા ત્યારે ભીતરમાં બેઠેલું કો’ક એમની સામે જોઇ, એવી તો ક્રૂર મજાક કરવા લાગ્યું કે હસમુખલાલ આકળવિકળ બની ગયા. ‘હું જીવતો નથી એમ તમારું માનવું છે? રાણીનાઓ, આ તમારો બાપ રોજ હાંફે છે, રોજ બેન્કમાં એન્ટ્રીઓ પાડે છે, ને મરેલી ટાઈ અમારે ગળે જીવતી થાય છે...’ ‘હાંફે છે એ તમારી સ્નાયુની ધમણ, બૅન્કને રોજ સલામી ભરી એન્ટ્રીઓ પાડે છે એ તમારી જડયાંત્રિક ટેવ ને ટાઈ...જીવતી હશે તો તમારા ગળાનો ઘેરાવો માપવા પૂરતી... કહો, એ સિવાય કોઈ સાબિતી છે? તમે જીવો છો. એની?’ ચંચળબાએ આજુબાજુ જોયું ને પછી એમના કાનની છેક નજદીક આવી કહ્યું, ‘બળ્યું બડબડ શીદને કર છ્-નકામું ચિત્તભ્રમ થઈ જશે. તારા મામાસસરાનો છોકરો ચિદ્દઘન…ઓળખ છ્ કે નહીં...એવો એ આમ ને આમ જ...પછી બધા એને ચિદ્દન ‘ઘંટડી’ કહીને ચીઢવતા. યાદ આવે છ્ કે નહીં?’ હસમુખલાલ ગભરાયા. એમને પોતાને પણ આવી શંકા થઈ આવી. એટલે સૂંઠ-ગોળની ખદબદાવેલી લાડુડી ગળી જઇ, એ ઊભા થયા. ‘આપ મૂઆ વગર……’ જેવી જૂની કહેવતને વાગોળી, રેતીમાં પગલાં પડે છે કે નહીં એની ખાતરી કરવા જ દુધેશ્વર જતા હોય એમ મન દૃઢ કરી, એમણે તૈયાર થવા માડ્યું. મોટા ખિસ્સાવાળી ખાદીની બંડી પહેરતાં એમણે શારદાબહેનને જરા હાંક લગાવી, પૂછી લીધું, કહું છું, ‘આજ કઈ તિથિ થઇ?’ કશું ય કારણ આપ્યા સિવાય રાતે આટલા મોડા આવ્યા ને કાલીકમલબાબુની વાતને ટલ્લે ચઢાવી હતી, એટલે શારદાબહેન ઊગી સવારના જ મોઢું ફુંગરાવીને બેઠાં હતાં. કશો જવાબ ન મળ્યો. હસમુખલાલ ચંચળબા પાસે પહોંચ્યા, ચંચળબા જવાબ આપતાં પહેલાં માવડિયા નજરે જોઈ રહ્યાં. એમના ચહેરા ઉપર વાગોળાતી કરચલીઓમાં ચિંતા હતી. ‘તને હવે કેમ છે, બેટા’ ‘હું કાંઈ આ સ્વાતિ જેવો કીકલો છું, બા...તે આવું પૂછતાં હશો? ‘હાચું કહું, હસલા, આ તેં એકદમ તિથિ પૂછવા માંડી તે મને જરા ફાળ પડી કે તારુંય પેલા ચિદ્દઘનની જેમ...’ હસમુખલાલને હસવાનું મન થયું, પણ હસતાં હસતાં હોઠ-ધ્રુજી જશે એવી બીકે હસ્યા નહીં. ‘આજ તો વદ અગિયારશ, તારા બાપુજીનો જન્મદિવસ…’ ‘બાપુજીનો જન્મદિવસ’ હસમુખલાલ બબડ્યા, ને તિથિની સાથે ભૂતકાળની આ ઘટનાનું શું કરવું એ સૂઝ્યું નહીં.

*

ઉસ્માનપુરા વટાવીને વાડજ તરફ ચાલતા હતા ત્યારે કોટની નીચે ખમીસની અંદર પહેરેલી બંડીનું મોટું ગજવું એમણે અંદર હાથ નાખીને તપાસી જોયું. ‘પચીસ હજારનો બાપ સમાઈ જાય એવડું મોટું છે.’ બોલી મલકાટ કર્યો. આજે તો નીતાને લઈને અહીં આવવાનો વિચાર કર્યો હતો ને હું માળો આમ એકલો એકલો જ આવી ગયો…..?’ એ ઘડીક ઊભા રહી ગયા. ને પસાર થતી એક ઑટેરિક્ષા તરફ હાથ ઊંચો કર્યો. ‘નીતાને હું અહીં લાવીને બતાવું કે જો..’ પણ પછી વિચાર બદલાઈ ગયો. રીક્ષા ન ઊભી રહી એ સારું જ થયું. ‘એક કાંકરે એક જ...’ રજોગુણીઓ વાપરે એ કહેવત હસમુખલાલ બોલ્યા નહિ. ચંચળબાને અહીં રહ્યાં રહ્યાં જવાબ આપતા હોય એમ હસમુખલાલ બબડ્યા. ‘આવો શઠ માણસ કદી ચિત્તભ્રમ થાય ખરો... બોલો?’ રેતીનો પટ દેખાયો. સાચવીને, ગીતાવચન પ્રમાણે એ દેહથી અળગા થવા માંડ્યા. જે સુ-યોગ એમની ઉપર ક્રિયા કરી રહ્યો હતો એ આટલો સહજસિદ્ધ થશે એની એમને ખાતરી નહોતી. ઢળી પડેલા દેહધારી હસમુખલાલને એમણે સુવાડ્યા. ને પછી સાચવીને એમના ઓગણપચાસ વર્ષના દેહને પોતાના એક ખભે લટકાવી દીધો. ને પોતે અશરિરી હોય એવી ચેતનાવસ્થામાં એમણે ચાલવા માંડ્યું. એમની આગળ પાછળ મૃત્યુનો ઉત્સવ ઉજવાતો હોય એમ પડઘમ કે શરણાઈઓ વાગતી હતી. એમના પોતાના વજનદાર શરીરથી એક ખભો ઝૂકી ગયો હતો. દૂધેશ્વરને આરે આવ્યા ને એમના દેહને એમણે રેતીના પટ ઉપર ચતોપાટ સુવાડ્યો ને પલાંઠી વાળી અજય નામના દેહધારી ક્ષુદ્ર યુવાન શરીરની રાહ જોવા માંડી. બીડી સળગાવીને એક માઈલના અંતરથી અજયના સ્કૂટરનો ઘુરર્રાટ એમણે પારખી કાઢ્યો. અજય એમની તરફ ખૂબ ઝડપથી ધસતો આવ્યો ને પાસે આવી કશુંક બોલવા જતો હતો, પરંતુ હસમુખલાલની શાંત, ગંભીર મુખમુદ્રા જોઈ અટકી ગયો. બુદ્ધ જેવી કરુણાથી અર્ધમીંચાયેલી ને ક્ષુદ્રતાને માપી રહી હોય એવી એમની આંખો અજય તરફ તાકી રહી. ‘વડીલ, તમે ઋષિ જેવા લાગો છો,’ અજયે એમને ધીરેથી કહ્યું. ઘણી પળો હસમુખલાલ મૌન જ રહ્યા. પછી કહ્યું, ‘હું બ્રાહ્મણ છું, એ સંસ્કાર હું ભૂલી શકતો નથી, એટલે ઋષિ કે મુનિ થઈ શકાય. પણ મારું એ ગજું નથી. વીસમી સદીને એક બૅન્ક-એકાઉન્ટન્ટ ને ત્રણ દીકરીઓનો પિતા...ના, ભાઈ, મારું એ ગજું નથી. માત્ર એટલું કહું કે સાત્ત્વિક ગુણની અસર નીચે, મને દુનિયાના આ બધા વહેવારો ને બધી વાતો ક્ષુલ્લક લાગે છે.’ હસમુખલાલ અટકી ગયા. રેતીના પટ ઉપર સૂતેલો એમનો મૃતદેહ કણસતો હતો એ જોઈ રહ્યા- ‘દોસ્ત, હું એમ વિચારું છું કે માનવી મૃત્યુ પામીને પણ ખરેખર શાંતિ પામતો હશે? અને...’ એમનો મૃતદેહ હસી પડ્યો. હસમુખલાલે એ હાસ્યને ધીરેથી એમના હાથ વડે ઢાંકી દીધું. ‘અજય, સાચું કહું? ખોટું ના લગાડીશ. જીવનમાં કશાં ય નાટક કર્યા વગર જીવવું એ મોટી વાત છે ...આ તારું બ્રેવો-બ્રેવો મને જરાય ગમ્યું નહિ.’ આટલા સ્પષ્ટવક્તા બન્યા પછી, હસમુખલાલના પગ સાત્ત્વિક ઝરણામાંથી ઊંચકાઈ જતા હોય એમ લાગ્યું. એ સાવધ બની ગયા. એમણે એમની જાતને ઢંઢોળી. ‘આજે, આ પળે...આવો જ્ઞાનભંડાર ક્યાંથી ફૂટી નીકળ્યો? ન કરે નારાયણ ને આ યુવાન લોહી રિસાયું તો ઘડીભરમાં ઋષિમુનિમાંથી બાવા બનવાનો સમય આવશે—’ -અને તોય એમના મૃતદેહની સાક્ષીએ હસમુખલાલ બોલી પડ્યા: ‘તારી વાત નહિ, દોસ્ત. હું નર્યો લોભી છું. ને કદાચ, આ બધું નાટક જ કરી રહ્યો છું.’ એ સત્યની કોઈ વાડ ઠેકી રહ્યા હતા કે અસત્યની-કશું સમજાયું નહિ, એમણે પોતાના બે હાથ ઊંચા કર્યા. ‘જો આ બે ધોળી પાંખો છે ને બગલા જેવી?? એમના મૃતદેહના ચહેરા ઉપર શાંતિ પથરાતી હતી. પણ હસમુખલાલનો રહ્યોસહ્યો જીવ તાળવે ચોંટ્યો, ને બબડ્યા, ‘બધો ખેલ તમે બગાડી મૂક્યો. આ લઠીંગો હવે તમને પચીસ હજા२...’ એ ઊભા થયા. ને સાબરમતીના રેતીના પટ ઉપર ચાલવા લાગ્યા. ચાલતા જાય ને પાછળ નજર કરતા જાય. એક ગોળ ચક્કર લગાવીને પાછા આવ્યા. ‘કહે, દેસ્ત, તારા શા સમાચાર છે? તારા ડૅડી….,’ ‘ડૅડી, ડૅડી, ડૅડી. એ મારી નજરકેદમાં છે હવે. ને મેં એમને જણાવી દીધું છે કે તમારો એક પણ પૈસો મારે હરામ છે.’ ‘લૂંટાઈ ગયો, ભઇલા,’ હોઠ ફફડાવી, હસમુખલાલ ફરી એકવાર ઊભા થઈ ગયા. અજય પાસે આવીને ઊભો રહી ગયો. ‘ને વડીલ, નાટક કરતાં તમને કે મને નહિ આવડે. આપણને સાચો અભિનય કરતાં આવડતો હોત તો અહીં દૂધેશ્વરના આરે આવવાની કોઈ જરૂર ના રહે. અભિનય તો મારા ડૅડી કરી જાણે છે. પથ્થરને પીગળાવે એવી અંગ્રેજી જબાનમાં એ મને એમની ફિલસૂફી સમજાવે છે, ‘વેલ્યુઝ’-મૂલ્યોની વાતો કરે છે. એમણે હવે મને વહાલભર્યા શબ્દોમાં ધમકી આપી છે : અજય, દીકરા, તું મને છોડી જઇશ તો મારે આપઘાત કરવા સિવાય કોઈ ઉપાય નહિ રહે.’ ‘હં...પછી?’ ‘પછી...પછી મેં એમને મારી મા વિશે પૂછ્યું…ને અર્ધ પીધેલી અવસ્થામાં ય એ ત્રાડ પાડી ઊઠ્યા : ‘હજુ તારા મનમાંથી એ ભૂત ગયું નથી? સાલા, કમબખ્ત-સુવ્વર...’ બોલતાં વ્હીસ્કીની બોટલ એમણે મારા તરફ ફેંકી. હું સહેજમાં બચી ગયો.’ ‘હં...પછી?’ ‘પછી-કશું નહિ, વડીલ ! મને લાગે કે મારા ડૅડી મને શૉકટ્રીટમેન્ટ આપી રહ્યા છે. હું એમનાથી છૂટી શકું એવો કોઈ ઉપાય...’ હસમુખલાલ સ્વસ્થ હતા. એમણે અજયને બીડી આપી, નિરાંતે બેસવા કહ્યું, ને સમજાવ્યું કે એણે ડૅડીના પૈસા સ્વીકારી લેવા. ને એ રીતે ય, એમના વિચારોમાંથી મુક્ત થવું. એ પૈસા મળે, એટલે એનો સાધન તરીકે ઉપયોગ કરી, પોતાના આદર્શને સિદ્ધ કરવો. એમના મૃતદેહના ચહેરા ઉપરનું તેજ ઓસરી જતું એ જોઈ રહ્યા એમની વાતોથી અજય ગળગળો થતો લાગ્યો. ક્ષણ પછી, એના રતૂમડા ચહેરાની નસો સખ્ત થઈ ગઈ. ‘વડીલ, એક શંકા રહે છે. મેં આપને કહ્યું હતું કે પૈસો એ જ ‘ઇવીલ’ છે. એનો સ્પર્શ એકવાર થયા પછી સ્થિર, સ્વસ્થ રહેવું...’ અજય ઘડીક થોભ્યો. ‘પણ ના, માત્ર સ્વસ્થતાનો પ્રશ્ન નથી. એનો સ્પર્શ થયા પછી સાચા અર્થમાં જીવી શકવું શક્ય જ નથી. મારે માટે એ મૃત્યુના ય મૃત્યુનો સ્પર્શ છે. ના વડીલ, એ સલાહ મારે ગળે નથી ઊતરતી.’ ‘નહીં જીવાય કે નહિ મરી શકાય, દોસ્ત. તું નથી જાણતો... પસ્તાઇશ. રિબાઈશ. આ ધરતી તને જીવતાં-જીવત ગળી જશે.’ ‘ના વડીલ, ના, આપના આ પચ્ચીસ હજાર સ્વીકારી લો. જુઓ, હું કૅશ લઈ આવ્યો છું. સો-સોની આ નોટો.’ હસમુખલાલે નિર્મમ ભાવે, બાજુમાં પડેલા દેહને સાચવીને બંને હાથે ઊંચક્યો, ને ચિતા ઉપર ગોઠવી દીધો. એમણે બીડી સળગાવી, ને દેહને અગ્નિદાહ દેવા હાથ લંબાવતા હોય એમ જમણો હાથ અપૂર્વ સ્વસ્થતાથી એમણે અજય ભણી લંબાવ્યો. ‘જીવવું છે, ભઈલા. હજુ વીસ-પચીસ-ત્રીસ વરસ તો જીવવું છે. મારો અધિકાર છે.’ પચીસ હજારની સો-સોની અઢીસો નોટોને બે વાર ચોકસાઈથી ગણી જોઇ. પૂરા પચીસ હજાર હતા. બંડીના અંદરના મોટા ખિસ્સાને હસમુખલાલે એકવાર હાથ નાખીને તપાસી જોયું ને કાળજીથી નોટોની મોટી થપ્પીને અંદર સરકાવી દીધી. બીડીના ત્રણ-ચાર ઝડપી દમ લગાવતાં, એમણે એમના દેહને બીડી ચાંપીને અગ્નિદાહ દીધો. ‘તારો આદર્શ સિદ્ધ થાઓ. મારું બ્રાહ્મણનુ વચન છે. કવિ થવું હોય તો ભલે, મોટો કવિ બનજે ને મન થાય તો મહાત્મા બનજે. પણ તારા ભારતના પગપાળા પ્રવાસેથી કદીક અહીં દૂધેશ્વરના સ્મશાન-આરે જરૂર જરૂર આવજે. ને દોસ્ત...’ હસમુખલાલની વાણી સહેજ રૂંધાઈ, ‘કદીક મળજે,’ કહેતાં એમણે અજય તરફ નજર ઠેરવી. કોઈ નહોતું. એમણે હાથ લંબાવ્યા. કોઈ જ નહોતું. એમણે બંડીના ખિસ્સામાં ફરી હાથ નાખી જોયો, નોટોની થપ્પી અકબંધ હતી. એમણે થપ્પીને બહાર કાઢી, હાથમાં સખ્ત રીતે દબાવી રાખી- ને ભડભડ બળતી એમની પોતાની ચિંતા તરફ એ જોઈ રહ્યા- નિષ્કામ નિર્મમભાવે.

*

ક્ષીણ, છીછરી સાબરમતીની એક મલિન ધારા થંભી ગઈ, ને ક્ષણ પછી વહેવા લાગી.

* * *