ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


: ૫

‘પચીસ હજાર રૂપિયા તમારા હાથમાં મૂકી દઈશ. આપ સ્વીકારશો ને?’ બસ એક જ વાતનો પડઘો...પચીસ હજાર.. તમારા હાથમાં... પચીસ હજાર... સ્વીકારશો ને??? પચીસ હજાર... હસમુખલાલના મનમાં અથડાતો હતો. એક ડગ ભરતાં...સ્વીકારશો....પચીસ હજાર... તમારા હાથમાં મૂકી દઈશ..નું રટણ થઈ રહ્યું. કાનમાં સંપૂર્ણ બહેરાશ અનુભવાતી હતી. કોઈ બીજો અવાજ સંભળાતો નહોતો. મગજની નસો જૂઠી પડી ગઈ હતી. બીજે કોઈ વિચાર, બિજી કોઈ વાત... (આપ સ્વીકારશો ને...પચીસ હજાર...) ઘડીભર વિચિત્ર એવી ગળાબૂડ ગૂંગળામણ એ અનુભવવા લાગ્યા. ‘પસીસ હજાર રૂપિયામાં તમારા હાથમાં મૂકીશ. આપ સ્વીકારશો ને?’ કૂતરાં રડતાં ને ભસતાં, ને ભસતા ને રડતાં એમને સૂંઘી સૂધીને ચાલ્યાં ગયાં. ઑટોરિક્ષાઓને ઘરઘરાટ એમના દેહને થથરાવ્યા વગર શમી ગયો. આકાશના તારાઓ ટમટમ કરતા મલકતા હતા. ‘ગ્રીનવીલા’ ગયું, ‘ઈશ્વર ભવન’ પાછળ રહ્યું ને વાડજનું મોટું બસસ્ટોપ પસાર થઈ ગયું...

	‘પચીસ હજાર રૂપિયા...’ 

એક આખા વાક્યનું વર્તુળ વિસ્તરવાને બદલે સંકોચાયું ને ત્રણ શબ્દો રહી ગયા. એ વર્તુળ વળી વધારે સંકોચાયું ને બે જ શબ્દો રહી ગયા : ‘પચીસ હજાર...’ વિદ્યાનગર હાઈસ્કૂલ વટાવી પંચશીલનું રેલલ્વે ક્રોસીંગ ઓળંગી, પચીસ હજારનો આનંદ બે ખભા ઉપર ઝુલાવતા હસમુખલાલ સરદાર પટેલના બાવલા સુધી આવી પહોંચ્યા. આનંદના પહેલા આઘાતની સૂચ્છમાંથી એ સહેજ બહાર આવ્યા. ને બહાર આવ્યા તેવા જ ગૂગ- ળામણની લાગણીમાંથી છૂટતાં ફરી ગળગળા થઈ ગયા : ‘મારા દેસ્ત, આવડી મેટી મજાક...’ ‘સોગંદપૂર્વક કહું છું…. ને અજયે સોગંદપૂર્વક માંડીને વાત કહી હતી. સમજાય એવી. સ્વસ્થાપૂર્વક વાત કહી હતી. મૂર્ચ્છા ઊતરી ત્યારે એમને થાક જણાયો. ને અડધી રાતે તેઓ ઠુંઠવાઈ ગયેલા સરદાર પટેલના પૂતળા પાસે ઘડીક બેઠા. ઠંડી હતી જ. પણ એનો ચમકારો હજુ એમને સ્પર્શતો ન હતો. અચાનક એમના દેહમાં વિચિત્ર પ્રકારની શિથિલતા વ્યાપી ગઈ. કોઈક આધાર એમને જોઈતો હતો. શિથિલ ગાત્રો ધીરેધીરે ફૂલીને બલૂન’ જેવાં થવા માંડ્યાં હતાં; જાણે હમણાં હવાના એક ઝપાટે ઊડવા માંડશે. માંડ માંડ એ ઘરે આવ્યા. ખૂબ થાકી ગયા હતા. ઘડીક ઊભા રહી બીડી સળગાવી ને ગરમ બંડીના ગજવામાંથી એમણે ચાવી કાઢી, તાળું ઉઘાડ્યું. રાત્રે મોડા આવવાની આ એક શરત હતી-કહો, સજા હતી, જાતે તાળું ઉઘાડી લેવાની. પલંગ પાસે પહોંચ્યા ને બાજુના સ્ટૂલ ઉપર ગોઠવેલા તાંબાના લોટામાંથી અડધો લોટો પાણી તેઓ ઊભે ઊભે જ પી ગયા. ઠંડા પાણીમાંથી બીઅર જેવો સ્વાદ એમને આવ્યો. મગજની નસો વગર કારણે ઝડપથી, વધુ ઝડપથી દોડવા લાગી. બેસી શકાય એ સ્થિતિ પણ રહી નહોતી...પચીસ હજાર.. બોલતાં એમણે પલંગમાં ઝંપલાવ્યું.

*

હસમુખલાલે એક અઠવાડિયાની, સાત ગુણ્યા ચોવીસ કલાકની મહેતલ માંગી હતી-પચીસ હજાર સ્વીકારવા માટે. રાત્રિના પહેલા બે કલાક બહુ અફલાતૂન પસાર થયા. ઊંચા...ખૂબ ઊંચા કૂદકા લગાવી એ ધરતી ઉપર પટકાતા, નક્કર ભોંય ઉપર પછડાતા ને પછડાતા એવા જ બે હાથ જોડી ઊભા થઇ જતા. કરગરતા, વળી પટકાતા, ફરી ઊભા થતા, હાથ જોડતા ને એમ ચાલ્યા જ કર્યું. ઘડી ભર સૂતાં સૂતાં જ બન્ને પગની આંટીઓ ભરાવી દીધી ને શ્વાસ રોકી રાખ્યો ને નિઃશ્વાસ મૂક્યો ને પગની આંટી આપોઆપ છૂટી ગઈ. વળી પગની આંટી અનિચ્છાએ ભરાવી દીધી ને આંખો ચગી જાય ત્યાં સુધી અનિચ્છાએ જ શ્વાસ રોકી લીધો.... થોડા વખત પછી એક મહાકાય, નજરમાં ન માય એવા પુરાણ પ્રાણીનું પૂછડું પકડીને જાણે ચાલવા લાગ્યા...ને લોહીલુહાણ થાય ત્યાં સુધી એની પાછળ પાછળ ઢસડાતા ગયા... મનમાં જાતે જ બબડ્યા : ‘આ તો મારો સંસાર...’ પણ ત્યાં તો સંસાર નામધારી મહાકાય પ્રાણીએ વિફરી જઈ એનું પૂચ્છ ઉછાળ્યું ને એય ઊછળ્યા, પણ ઘડી પછી કંઇક જુદું જ બન્યું, બનવા માંડ્યું. એમના હાથમાં એવું બળ આવ્યું કે એ આ પ્રાણીની વિશાળ પીઠ ઉપર સવાર થઈ ગયા. માથા ઉપર વીટાળેલી ફેંટા જેવી કોઈ વસ્તુમાં પચીસ હજારનું એક પીછું હાલતું જતું તેમ તેમ એમનું બળ વધતું જતું. હવે તો ચીડાઈને એમણે એ પ્રાણીને એના પૂચ્છ સાથે પકડી, એને ગોળ-ગોળ-ગેાળ ઘુમરાવવા માંડ્યું ને ત્યારે અફાટ એવા જનસમુદાયે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. પણ તાળીઓના ગડગડાટ શમે ન શમે ત્યાં તો એ છુટ્ટે મોંએ રડી પડ્યા-એક બાળકની જેમ. બે કલાક સુધી આમ ચાલ્યા કર્યું તે પછી બધું શમી ગયું. સવારે ઊઠ્યા ત્યારે આંખો ઉજાગરાથી થોડી લાલ હતી પણ એ આંખમાં ચમક હતી. પગની પિંડીઓ મજબૂત બની હતી છતાં ડગ ભરતાં બંન્ને પગ લથડતા હતા. ચમકીલી આંખોથી એમણે બીડી સળગાવી. બીડી સામે એમણે પહેલીવાર ઘૃણાથી, જરા ઉપેક્ષાથી નજર માંડી લીધી, ને પછી એમની નજર સમગ્ર ઓરડામાં ફરી વળી. વહેલી સવારે ગામડાગામમાં ઊઠેલી કોઈ નવવધૂ ગાર ને છાણથી ઘર લીંપે એમ નજરથી એમણે ઘરને લીંપવા-ગૂંપવા માંડ્યું હતું. ઘરમાં પડેલાં ચીકણાં ને મલિન ધાબાંને, તેલિયા ડાઘને એમણે આંખની પાંપણના પોતા વડે ઘડીકમાં સાફ કરી નાખ્યાં. શ્વાસ ઊંડા લેવા માંડ્યા. દૂર ખૂણામાં દેખાતાં કરેળિયાનાં બે-એક જાળાને ફૂંક મારી દૂર કરી નાખ્યાં. સવારના ‘કવકવ’ કરતા કાગડાઓને એ ઉપહાસથી સાંભળી રહ્યા. ને પલંગમાંથી બેઠા થતાં, સમગ્ર મોઢામાં ને હોઠ ઉપર સ્નિગ્ધ એવું ઘી લગાવ્યું હોય એવા અવાજે રસોડામાં પેસી ગયેલાં શારદાબહેનને કહ્યું: ‘સાંભળે છે...એ... આજે લગીર સરસ મસાલાની ચા મૂકી દેજે.’ ‘તે શું છે આજે? રોજ તમારી ચામાં મસાલો નંખાય જ છે ને?’ કર્કશ શબ્દો કાગડાના ‘કવ-કવ’માં ભળી ગયા. પલંગમાંથી એ ઊભા થયા. ડગ સાચવી સાચવીને ભરવા લાગ્યા ને કોગળા કરી દાતણ લઇ બહાર ગૅલેરીમાં આવ્યા. ને બહાર આવતાં આવતાં વળી એક વાર ખુમારીથી કહી દીધું : ‘સરસ ચા મૂકજે, હોં.’ એમના ‘હોં...ઓ’ના લહેકામાં નર્યાં લાડ હતાં. શારદાબહેન એમને જોઈ રહ્યાં. હસમુખલાલ પણ ઘડીક શારદા સામે જઈ રહ્યા ને પછી મલકી પડી, તુરત ગંભીર થઈ જઈ, બહાર આવતા રહ્યા. દાતણ ચાવતાં–ચાવતાં એમણે ધીરેથી એક પ્રશ્ન હવામાં તરતો મૂક્યો : ‘આ વાત કહેવી કોને? ને શી રીતે કહેવી?’ પ્રશ્ન ગૅલેરીમાંથી હડસેલાઈને જરા દૂર સરકી ગયો. હસમુખલાલ પણ ઊભા થયા. એ પણ પ્રશ્નની દિશામાં આગળ વધ્યા ને ગૅલેરીની નીચે ઊતર્યા. એમના નાનકડા વરંડામાં દાતણ ચાવતાં ને ઘસતાં, ને ઘસતાં ને ચાવતાં ફરવા-બબડવા લાગ્યા : ‘આ વાત કહેવી કોને? ને શી રીતે કહેવી?’ એમણે હાથ લંબાવ્યો ને હવામાં તરતા પ્રશ્નને પાછો મૂઠીમાં પકડી લીધો. ને નાનો કાંકરો કે ઠીંકરી લઈ કાગળના એક ગોળ હળવા પૈતાને બાળક હવામાં ઊંચે ઉછાળે એમ આ પ્રશ્નને ઉછાળવા મંડ્યા. કોઈને ય કહેવાની શી જરૂર?’ ‘ય’ ઉપરના વજનથી પેલો કાંકરો કાગળના પૈતા સાથે લપેટાઈ ગયો ને તુરત જ જમીન ઉપર પટકાઈ પડ્યો. ‘હુમ્, કોઈને ય કહેવાની શી જરૂર?’ ફરીથી એમણે કાંકરો લીધો ને ગોળ કાગળના પૈતા નીચે સાચવીને મૂકી એમણે એને હવામાં ઊંચે ઉછાળ્યો : ‘આવી વાત તો, ભલા આદમી કરવી જ જોઈએ ને?’ ‘જ’ ના બળથી કાંકરો ઊંચે ફંગોળાયો— બીજા કોઈને નહિ, પણ પોતાનાં માણસને તો આ કરવી જ જોઈએ. હવામાં વર્તુળ રચાયાં: કરવી જ જોઈએ. કરવી જ જોઈએ ને? કાંકરો નીચે પડ્યો હતો ને કાગળનું ગોળ પૈતું હવામાં ડોલતું હતું. ઘણા દિવસો પછી હસમુખલાલે આજે આકાશ તરફ નિરાંતે મીટ માંડી, ચોગરદમ ફેલાતા અનંત આકાશને બંન્ને આંખોની પાંપણોમાં સમાવીને કેદ કરી લીધું. વરંડામાં એમણે આજુબાજુ, આમથી તેમ, વર્તુળમાં, સીધી રેખામાં, અવળી રેખામાં ફરવા માંડ્યું. પગનાં તળિયાંને વરંડામાં પથરાયેલા કાંકરા ખૂંચતા નહોતા. જેટલા ખૂંચતા હતા એ બધા ય વહાલા લાગતા હતા—ચૂમવા જેટલા વહાલા. ‘શારદા, એક વાત કહું... જરા અહીં આવજે તો...’ ચાનો ઘૂંટ ભરતાં એમણે શરદાને બોલાવી. ‘હું તમારી જેમ નવરી નથી–કળશી કામ પડ્યાં છે મારે, કહો, શું કહેતા હતા? કેમ આમ ગૂમસૂમ થઈ ગયા-કો’ને...શું કહેતા હતા? સારું, તમારે મૂંગા રહેવું હોય તો રહે. પણ હું તમને કહું. મારા ભાઈએ પેલી વાત માટે પુછાવ્યું છે...’ ‘શાની વાત કરે છે?’ ‘આમ સાવ અજાણ્યા ના બનતા હો તો...આપણી નીતાની સ્તો વળી...’ ‘જો, પાછી એ વાત કાઢી. મેં તને કહી દીધું છે કે નીતાના વિવા-લગનની તારે ચિંતા કરવાની નથી. શું સમજી? ના...ના, જરાય નહીં. એ છોકરી સમજણી છે.. ને એની પરીક્ષા તો થઈ જવા દો. બસ, એક વાત મનમાં ભરાઈ કે એનો તંત તમે નહિ મૂકવાનાં...જાઓ, હમણાં બહુ...’ ‘તે હુંય કંઇ નવરી નથી, સમજ્યાને?’ મોઢું ફૂંગરાવીને શારદાબહેન ચાલ્યાં ગયાં. આખી સવાર એમને બગડતી લાગી. હાથમાં છાપું રમાડી ઘડી પછી પાછા એ ઊઠ્યા. ‘પચીસ હજાર રૂપિયા’ જેવા શબ્દો હવે સ્વગત બોલી શકે એટલા ઉપરછલ્લા રહ્યા નહોતા. હસમુખલાલે એને તો ખૂબ સાચવીને મનની તિજોરીના એક ખૂણિયામાં સંતાડી રાખ્યા હતા. છતાં ય પોતાના ઘરનું માણસ...એને તો વાત કરવી જોઈએ ને? કંઈ સલાહ-સૂચન... રસોડા સુધી પહોંચ્યા ને ‘કહું છું, શારદા...’ કહી ઘડીક અટક્યા, વિચારમાં ને વિચારમાં થોડો સમય ઊભા રહ્યા... ‘આમ શું બાહુકની જેમ...’ ને શારદાના આ શબ્દો સાંભળી પાછા વળી ગયા. ‘બસ, માત્ર આ મુઠ્ઠી વાળી દેવાની વાત મારે કહેવાની છે. ધારો કે શારદાને કહ્યું...’ ‘જો...’ હસમુખલાલ સહેજ અટકી ગયા. છાપું બગાસાં ખાતું પડ્યું હતું, સ્વાતિએ ગૅલેરીમાં દોડી આવી એમને ઢંઢોળ્યા, ‘બાપુજી, વિદ્યુતકાકા છાપું માંગે છે, લઈ જાઉં? તમે વાંચી રહ્યા ને?’ ‘હં... હં લઈ જા લઈ જા... જરા ઊભી રહે. બેટા. તારી સરિતાદીદીને બોલાવ તો...’ ‘બોલો તમે બંન્ને આ ઉનાળાના વેકેશનમાં ક્યાં જવાનું કહેતાં હતાં? સ્વાતિ, તું... તે જજે. માઇસોર જજે હા...આ, હું ગમ્મત નથી કરતો... હું બેટા. જજે. પૈસા આપીશ. જાઓ, રમો બેટા.’ ને એ શબ્દો સાથે થયેલા બુચકારામાં પિતાનું અનહદ વાત્સલ્ય રેલાઈ ગયું . મેટી સરિતા હજુ મૌન ઊભી હતી. ‘ને તારેયે સરુ, તારી ટૂર ક્યાં જવાની છે?’ ‘પણ...બા...પુ...જી..’ કહીને સરિતા અટકી ગઈ. ‘કાશ્મીર જવાનું છે ને? તો જજે ઠેઠ કાશ્મીર જઈ આવજે.... બસ બેટા.’ બાપુજીની આ વાત સાંભળી સરિતા અવાક્ થઈ ઊભી રહી. એની આંખોમાં આશ્ચર્ય કરતાં ય આશંકાની વાદળી દેડી રહી. એણે એક એક શબ્દ ઉપર ભાર દઈ, ધીમે ધીમે ને ચીપીચીપીને કહેવા માંડ્યું : ‘પ...ણ…બા...પુ...છ, નીતાબહેન ગયે અઠવાડિયે મને કહેતાં હતાં કે કાશ્મીર તો મોટર-બંગલાવાળા મોટા પૈસાદાર લોકોનાં છોકરાંઓ જ જાય. આપણ સ્થિતિ બહુ સાધારણ છે એટલે બાપુજીને આ ટૂરની વાત કહીને દુ:ખી કરવાના નહિ.’ ‘મોટીબહેન તો કહે, બેટા, હું મોકલનારો કેવો...’ હસમુખલાલ અટકી ગયા. સરિતાની આંખોમાં દોડતી આશંકાની વાદળી એમની ઉપર વરસી પડી ને એમણે કહ્યું: ‘સારું જોઈશું.’ અત્યાર સુધી સ્પષ્ટ નજરે પડતા ધ્રુવતારક ઉપરથી એમની પાંપણો સહેજ હલી ગઈ હતી. નજર સહેજ ફંટાઈ ત્યારે એ ધ્રુવતારકની ચારે બાજુએ વીંટળાઈ ગયેલું ગાઢું, કાળું, ધુમ્મસભર્યું વાતાવરણું એમને દેખાયું. છતાં ય, ધુમ્મસમય વાતાવરણને ચીરી, થોડાં આંખમીંચામણ કરી એ પાછા પેલા ધ્રુવતારકને જોવામાં લીન થઈ ગયા ને... પેલી વાત ઉપર આવીને ઊભા હતા. ધારો કે હું શારદાને આ વાત કહી રહ્યો છું. ‘જો.. શારદા (એ જાણતા હતા કે આ વાત કરતાં અવાજનો રણકો ને એનું ગાંભીર્ય પૂરાં સાચવવાનાં હતાં.) ‘જો...શારદા (જરા નજીક આવ) સાંભળ. (શારદા નજીક આવતી જ નહોતી. એટલે હસમુખલાલ જાતે શારદાની નજદીક સરકી ગયા ને છેક કાન પાસે બે હોઠ લાવી ફફડાવવા લાગ્યા.) વાત પૂરી થાય એ પહેલાં તો શારદાએ મોટો અણીદાર ચીચો પથ્થર લઈ એમના માથા ઉપર ફેંક્યો, ‘કોણ તમારો કાકો આપવાનો છે. આ પેલી કે’વત છે ને કે...આ ઉમરે તમને આવા તુક્કા ક્યાંથી સૂઝે છે. એના કરતાં નીતાની પેલી વાતનું કાંઈક... પાકું કરતા હો તો...’ શારદાને એ કેમ કરીને સમજાવે કે જો બહુ શેખી કરે છે, પણ આ હું ‘હા’ પાડું એટલી જ વાર છે. આ ઉઘાડી હથેળી જોઈ લે. એની મુઠ્ઠી જ વાળી દેવાની છે. (શું સમજી?) ને આ એક મુઠ્ઠીમાં સમાય એટલા નથી (સમજી કે?), બે મુઠ્ઠીમાંય કદાચ નહિ સમાય... એ નહિ માને. શારદાનું ગજું નહિ. દીકરીઓ મારી ડાહી ને સમજુ છે. ને નીતાની સમજ. એને પરણનાર જીવનભર સુખી થઈ જવાનો. બોલે બોલે એ ડહાપણનાં મોતી પાથરે છે. સંતાનસુખ તો મારા નસીબમાં લખ્યું જ છે, એને કોઈ મિથ્યા કરનાર નથી. ચંચળબાને દીકરાની ખોટ સાલ્યા કરે છે, પણ મારી સ્વાતિ ને સરિતા દીકરાથી ક્યાં કમ છે. મારી નીતાની તો વાત જ જુદી...એને બધું કહી શકાય મારી ને શારદાની વચ્ચે પડી ગયેલા બોલચાલના ને વ્યવહારના અવળા આંટા એને સવળા કરતાં આવડે... એ સમજશે...આ મુઠ્ઠી બંધ કરી, જીવનભર ન્યાલ થઈ જવાની વાત સમજતાં એને વાર નહિ લાગે. આજે સાંજે હોસ્ટેલ પાછી જતી હશે ત્યારે રેલ્વે—ક્રોસિંગ ઓળંગતાં વેંત જરા ધીરે રહીને મમરો મૂકી જોઈશ... ‘બેટા... નીતા..’ કહી સહેજ ખૂંખારો કે ખાંસી ખાઈ અટકી જવું. પૂછશે : ‘શું કહેતા હતા, બાપુજી? બેએકવાર એને પૂછવા દેવું. ને દરમિયાન બીડી ચેતવવી. તું તો શાણી ને સમજુ છે, બેટા. એટલે તને આ વાત કહેવાય. તારી માને મેં કહી નથી. એને કહેવાનો કોઈ અર્થ નથી...’ (થોભો, અજય મારો બેટો કહેતો હતો કે એ કોઈ ગરીબ ને સંસ્કારી છોકરી સાથે પરણશે. તો.. પછી નીતાને લઇને જ એક વાર દૂધેશ્વર જઈએ તો ખોટું શું? ને કહીએ કે જો—આ તારા વડીલની મોટી દીકરી છે તારી બધી ફિલસૂફીને આંટે એવી શાણી ને સમજુ... પણ થોભો...એ વાણિયો છે એટલું હું જાણું છું. એનું મૂળ શું છે, એની પ્રકૃતિ શી છે, એ છોકરડો વાતો મોટી મોટી કરે એટલે દીકરી આપી દેવાનો તુક્કો સૂઝ્યો લાગે છે. આજે વિચારોની ગાડી આમ પાટા કેમ બદલ્યા કરે છે? ) ‘એટલે નીતા, તને કહું એ જરા શાંતિથી સાંભળજે.’ અને આટલું કહેતામાં મારો અવાજ ઢીલાશ ન પકડે અને ભીનો ભીનો ના થાય એ બને જ નહિ—પૂછશે—’પણ શું છે, બાપુજી? આજે આમ ગળગળા જેવા કેમ થઈ ગયા? ‘મને જાણે ડૂમો ભરાયો છે. હવે નીતા સાથે મૂંગા મૂંગા થોડું ચાલ્યા કરો—હડપ દઈને વાત કરી નાખવાથી કોઈના ગળે ના ઊતરે એ તો દેખીતી વાત છે. એટલે... ‘નીતા—બેટા, વાત જાણે એમ છે કે આ હું જ્યાં જાઉં છું ત્યાં એક...’ ‘બૅન્કની વાત કરો છો, બાપુજી?’ ‘ના, ના, આ હું ફરવા જાઉં છું—અહીં તહીં જરા ટહેલવા ને પગ છૂટો કરવા જાઉં છું ત્યાંની વાત—ત્યાં મારે એક જુવાનડા સાથે ‘દોસ્તી થઈ ગઈ છે. ફિલસૂફી ભણ્યો છે મારો વા’લો ને પૈસો તો એના બાપ પાસે એટલો અટળક છે...’ ‘સમજી ગઈ, બાપુજી, પણ મારો તો હમણાં વિચાર જ નથી.’ !!!! (કાસમાચું કપાઈ ગયું). ‘તું નથી સમજી બેટા, નથી સમજી તું-મારી વાત તો પૂરી સાંભળ,’ ‘તો એ છોકરે મને-આપણને...’ ‘કેમ અટકી ગયા, બાપુજી? જે હોય તે કહી દો.’ ‘આપણને પચીસ હજાર રૂપિયા આપવા માગે છે.’ ‘કન્યા-વિક્રય કરશો તમે?’ ‘ના–ના–નારે, અરે રામ, તું સમજતી નથી.’ ‘પણ ત્યારે માંડીને વાત કહોને, એ પચીસ હજાર આપણને કેમ આપવા માગે છે?’ કહી દો. નીતાને માંડીને વાત કહી દો. (કહી) હવે નીતા મૂંગી થઈ મારી વહાલી. ને બોલી ત્યારે કહે, ‘બાપુજી, ખોટું ન લગાડશો. આપણાથી એ પૈસા ના લેવાય. એ ગમે એવો આગ્રહ કરે તો ય આપણાથી ના લેવાય. હું તમારી જગ્યાએ હોઉં તો એ જ ક્ષણે એને ઘસીને ચોક્ખી ના પાડી દઉં.’ ‘લે, એ પૈસા આપવા તૈયાર હોય તો પછી ના પાડવાનું કંઈ કારણ?’ ‘કશા સ્વાર્થ વગર એ છોકરો તમને પૈસા આપે નહિ. ને ધારો કે આપે તોય આમ વગર કમાણીના પૈસા લેવાય કેવી રીતે?’ ‘મેં તને બધી માંડીને વાત કહી છે. એનો કોઈ સ્વાર્થ નથી. આપણા જેવા મધ્યમ વર્ગનું જીવન-દળદર ફીટે એ જ એનો ને આપણે સ્વાર્થ.’ ‘તો તમે જાણો, મારું મન માનતું નથી. મને આમાં ના સંડોવશો. દેવ જેવો રૂપાળો ને ફૂટડો ને ગુણવાન હોય તો ય...’ ‘અરે—હોતું હશે. મેં તારા વિષે કશી જ વાત એને કરી નથી.’ ‘તો એ પૈસા આપવા કેમ તૈયાર થયો?’ ‘તું તો નીતા, બહુ ચોળીને ચીકણું કરે છે. બસ...એ જુવાનડાને તો એટલું જ ઘેલું લાગ્યું છે કે જો એકાદ મધ્યમવર્ગના કુટુંબનું દળદર ફીટતું હોય તો...’ ‘તો પચીસ હજાર આપણને આપી દે એમ? બાપુજી, આમાં મારી સલાહ ના માંગશો. મારી સમજશક્તિની બહારની વાત છે’. ચા...લો, શાણી ને સમજુએ પણ ધબડકો કર્યો. હીંચકા ઉપરથી ઊભા થઈ જઈ, હસમુખલાલે કેડ પાછળ બે હાથ વીંટી, આંગળાં ભીડી, વરંડામાં આંટા લગાવવા માંડ્યા... ‘બધાં ભેગાં મળી મારી વાતને તણખલાની જેમ તોલવા માગે છે- -‘તો વાત કરવી નહિ-કોઈને ય કરવી નહિ. પત્યું. સલાહસૂચનનો લોભ જતો કરવો. ને કોઈને મનાવવા માટે આટલો ઉધમાત શીદને કરવો જોઈએ? જીવનની આવી મોટી ક્ષણનો નિર્ણય તો આમ હિંમતભેર હથેળી ઉઘાડી રાખી, સહેજ લંબાવી દઈને હડપ કરતાં મુઠ્ઠી વાળી દઈને જ કરવાનો હોય. ‘હસમુખલાલ, તમારા જીવનની મોટામાં મોટી ક્ષણ તમારે એકલાએ જ જીરવવાની છે. એ વાત સમજી લેજો.’ આ ક્ષણે જો મુઠ્ઠી બરાબર બંધ કરતાં આવડી ગઈ તો માનો જગ જીત્યા-

*

‘હુમ્-જગ જીત્યા’ કહેતાં હસમુખલાલે જમીન ઉપરથી એક કાંકરો લઈ હવામાં ઉછાળ્યો ને બે હાથની હથેળીની હોડી કરી ઝીલી લીધો. ને એ પળે છેક માથાના તાળવા ઉપર બ્રહ્મરંધ્રથી માંડી છેક પગની પાની સુધી આનંદની એક સેર પ્રસરી ગઈ. મનોમન બે હાથ ધરતી પર ટેકવી, આખાયે શરીરને અદ્ધર ઊંચકી એ જાણે ચાલવા લાગ્યા. ને બબડી પડ્યા, “ને પછી તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળાય-” દાંત થોડા ભીંસી દીધા. એમને લાગ્યું કે અત્યારે કદાચિત્ એકાદ દાંત એમને પીડા આપતો હોત તો એક ઝાટકે એને ખેંચીને મોઢાની બહાર એ ફેંકી શકે એમ હતા. એમની ચાલવાની રીતમાં એક સૂક્ષ્મ ફેરફાર થયો હતો. ઢીલા પગે ને કંઇક અસ્વસ્થતાથી ડગ ભરતા હસમુખલાલ હવે પગલાં ગણતા હોય, ગણી શકતા હોય એમ ડગ માંડવા લાગ્યા હતા. વરંડામાંથી પાછલે રસ્તે બીજી વાર દિશાએ જવા ગયા ત્યારે પણ મોટા-ઘેરા ઢોલ ઉપર પડતા ‘ઢમ, ઢમ’ અવાજના તાલે જ ચાલતા ગયા. સ્નાન કરવા જતા હતા ત્યારે હૉસ્ટેલમાંથી આવી ગયેલી નીતાએ સહેજ ટકોર કરીઃ ‘આજે બાપુજી તમે કાંઈ બહુ પ્રસન્ન દેખાઓ છો?’ ખભે લટકાવેલી જનોઈથી, હાથ ન પહોંચે એવા બરડાના એક કેન્દ્ર ઉપર શરૂ થયેલી ચળને, પ્રસન્નતાથી પ્રજ્વલિત કરતાં હસમુખલાલે કહ્યું : “રવિવાર છે ને, બેટા. જરા આરામ ને સંતોષ છે. વાંચવાનું ચાલે છે ને દીકરી?” કહી ગરમ પાણીના લોટા શરીરના અંગોપાંગ ઉપર રેડવા લાગ્યા. સ્નાન કરી રહ્યા પછી બન્ને કૂખ થોડી થોડી ફાટે એટલું જમ્યા ને પચીસ હજારનો સુરમો આંજ્યો હોય એવી સંતોષભરી મુદ્રા સાથે એ ડાબે પડખે થયા. આવી ક્ષણે મોત આવે તો...એવું કાંઈક વિચારવા જતા હતા ત્યાં ચંચળબા આવ્યાં. હાથમાં છાપું હતું. “હસમુખભઇલા, જાગ છ્ કે ઊંઘી ગયો?” ‘જાગું છું બા-શું છે?” “આ વાંચને જરા-” “શું છે પણ બા, કહો તો ખરાં.” “તું આ વાંચ તો ખરો…” “ઓહો, તમારી ચાર ધામની જાત્રા-આ ઉનાળે તમારી જાત્રા પાકી. મારો બોલ એ સંકલ્પ સમજજો, બા.” “ભગવાનનું કરવું હશે તો આપણે બધાં ય સાથે ઊપડીશું. મારી ઉમ્મરે ય હવે માળા ફેરવવા જેવી થતી જાય છે ને, બા?” ચંચળબાના વૃદ્ધ કરચલીયાળા ગોરા ચહેરા ઉપર થોડું આનંદનું લોહી ધસી આવ્યું ને પાંપણો હરખથી ભીની થઈ ગઈ. એમની બે શ્વેત-ગંભીર હડપચીઓ ઉપર-નીચે નીચે-ઉપર જોસભેર હાલવા માંડી. –અને આખો દિવસ હસમુખલાંલ એક નવી રમત રમતા રહ્યા-હથેળી ઉઘાડવાની, પહોળી કરવાની ને સહેજ લંબાવી લઈ, ઝટ મુઠ્ઠી વાળી દેવાની.....

* * *