રચનાવલી/૭૪

Revision as of 20:05, 24 April 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭૪. અછૂત (મુલ્કરાજ આનંદ)



૭૪. અછૂત (મુલ્કરાજ આનંદ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


ભારતીય અંગ્રેજી લેખકોમાં મુલ્કરાજ આનન્દનું નામ અત્યંત જાણીતું છે. પદ્મભૂષણ પામેલા આ લેખકને સાહિત્ય અકાદમી દિલ્હીનો ઍવાર્ડ અને ઇન્ટરનેશનલ પીસ પ્રાઈઝ પણ મળેલાં છે. એમની અનેક નવલકથાઓ અને અનેક ટૂંકીવાર્તાઓના સંગ્રહોમાં એમની ‘અછૂત' નવલકથાની આસપાસની વાત પણ રસપ્રદ છે. ડબ્લીન વસવાટ દરમ્યાન મુલ્કરાજનો વિચાર મૂળે તો ‘બકખા’ નામની ટૂંકીવાર્તા લખવાનો હતો. પણ પછી એમાં જીવનચરિત્રાત્મક વિગતો ઉમેરતાં અને નાયકના મનની વાતોને બહેલાવતા એમણે લગભગ ૨૫૦ પાનની ‘અછૂત’ નવલકથા લખી. નવલકથાનો નાયક અછૂત હોવાને કારણે એમને થયું કે નવલકથા ગાંધીજીને વંચાવવી જોઈએ. એમણે પત્ર લખ્યો અને ગાંધીજીએ સમય પણ આપ્યો. ૧૯૨૭ના એપ્રિલમાં ગુજરાતના બળબળતા ઉનાળામાં લેખક અમદાવાદ આવ્યા. અને સાબરમતી આશ્રમ પહોંચ્યા. ગાંધીજીને નવલકથા વાંચી સંભળાવી. ગાંધીજીએ સો પાનાં ઓછાં કરવાની - સલાહ આપી. નાયક પશ્ચિમની ઢબે વધુ વિચારતો હતો એ તો કાઢી નાખ્યું પણ સાથે સાથે અલંકારથી ભરેલાં બિનજરૂરી પાનાઓને પણ રદ કર્યાં. લેખક કહે છે કે ‘ક્લાકાર હોવાનો જરા સુદ્ધાં વહેમ ન રાખનાર મહાત્માની રાહબરી હેઠળ હું મારા સભાન સાહિત્યિક પ્રયત્નોની ભુતાવળમાંથી બહાર આવી શક્યો.’ આથી લેખકને હાથે નવલકથામાં વધુ સાદગી આવી. પરંતુ એ જ કારણે શરૂ શરૂમાં આ નવલકથાને છાપનાર કોઈ પ્રકાશક મળ્યો નહીં. કહેવાય છે કે ઓગણીસ ઓગણીસવાર ‘અસ્વીકાર્ય’ લખાઈને નવલકથાની હસ્તપ્રત પાછી ફરી. પણ આજે આ જ નવલકથાનો ત્રીસેક ભાષામાં અનુવાદ થયો છે અને મોડે મોડે રંજના હરીશે પણ ગુજરાતી ભાષામાં અનુવાદ સુલભ કરી આપ્યો છે. ભાષાભવન – ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજીનું અધ્યાપન કરતાં રંજના હરીશે પૂરતી સમજ અને સંવેદનથી આ કાર્ય પાર પાડ્યું છે. ‘અછૂત’ નવલકથા બકખા નામના ભંગીના જીવનનો એક દિવસ અને એક દિવસ દરમ્યાન બનેલા પ્રસંગો તેમજ એના પ્રતિભાવોને વર્ણવે છે. એટલે કે બકખાના એક દિવસની આપવીતી છે. પણ આ એક દિવસની આપવીતી એ જમાનામાં અસ્પૃશ્યતાને મુદ્દે મનુષ્યજીવનની ખાનાખરાબી અને મનુષ્યની મનુષ્ય પ્રત્યેની હીનવૃત્તિનો પરિચય કરાવવામાં સફળ નીવડી છે. ગુલામ કરતાં પણ બદતર અવસ્થામાં મનુષ્યને મૂકતી હિન્દુપ્રથાનું આ કેવું કલંક હતું એનો અહીં જીવન્ત ચિતાર છે. અહીં કથાનો નાયક નીચ વર્ણમાં પણ નીચ ગણાતી ભંગી કોમનો છે, પણ એકબાજુ જો ચાલી આવેલી હિન્દુપ્રથા પ્રમાણે એનામાં શરણે થઈ જવાની અને પોતાને તુચ્છમાં તુચ્છ ગણવાની વૃત્તિ છે, તો બીજી બાજુ આ બધું સહેતાં સહેતાં સ્વમાનને ઓળખવાની અને મનુષ્ય તરીકેના અધિકારને સમજવા માટેની સંવેદના છે. વડવાઓથી ઘર કરી ગયેલો તાબે થઈ જીવવાનો સ્વભાવ અને નવી પરિસ્થિતિમાં સ્વમાન જાગતાં ખંડ કરવાનો ભભૂકતો રોષ આ બેથી જાણે કે આખી નવલકથા આગળ વધે છે. બકખાના પાત્ર દ્વારા લેખકે તત્કાલીન સમાજ, સમાજની રૂઢિઓ, અંગ્રેજી સરકાર તેમજ ગાંધીજીની પ્રવૃત્તિઓ અને એને બહાને ગાંધીવિચારને રજૂ કરવાનો અવસર લીધો છે. કથા અછૂતોની વસ્તી અને લશ્કરી છાવણીની આસપાસ ગૂંથાયેલી છે. બકખો બાપની ગાળો સાથે સવારે ઊઠીને સંડાસ સાફ કરવાની પ્રવૃત્તિમાં લાગે છે ત્યાંથી માંડીને બાપે પોતાને ઘર બહાર કાઢી મૂક્યા પછી ગાંધીજીની સભામાં અકસ્માતે બકખો હાજરી આપી આવે છે ત્યાં સુધીમાં એ બદલાયેલો તો જોવાય છે, પણ આપણે પણ એક દિવસના નાના ફલક પર જાણે કે સમાજના કોઈ મોટા ખંડની મોઢામોઢ થતા હોઈએ એવો અનુભવ કરીએ છીએ. મેલું ઉપાડી જનારનો ઉપકાર માનવાને બદલે એમને મેલા ગણવાનો અપરાધ તો સમાજે કર્યો છે પણ પેલું મેલુ ઉપાડનારાઓમાં અસ્પૃશ્યકર્મનું પાલન અને એને તોડવાથી થતો અપરાધ – એનું ભાન ઊભું કરી અમને સાવ નિર્બળ અને હીન બનાવ્યા છે એ એથી વધુ મોટો અપરાધ છે. એક પાત્ર કહે છે : ‘અમે મળ છીએ કેમકે અમે એમનો મળ ઉપાડીએ છીએ.’ મનુષ્યનું મનુષ્ય દ્વારા આથી વધું કયું મોટું અપમાન હોઈ શકે? નાયક બકખાની કથા એ સમાજ દ્વારા થતાં એનાં અપમાનોની કથા છે. બકખો માંડ મિઠાઈ ખરીદે પણ પછી રસ્તે કોઈ હિન્દુ એને અડકી જતાં ગિન્નાઈને બકખાને તમાચો ચોડે, બકખો માગણ તરીકે રોટલો માગવા જાય અને એંઠો રોટલો તિરસ્કારથી એના તરફ ફેંકાય, અજાણતા મન્દિરમાં બકખો ડોકિયું કરવા જાય અને હડધૂત થાય, પુજારી એની બહેનને અડપલું કરે અને પછી ‘મને અભડાવ્યો' એવી બૂમ સાથે બહાર આવે અને તોય લોકો એને જ દોષી સમજે, પોતાના ઘવાયેલા દીકરાને સમયસર લઈ આવ્યા પછી સરપાવ આપવો તો બાજુએ રહ્યો પણ એની મા ‘દીકરાને અભડાવ્યો’ એવી બખ્ખા ભણી રાડ નાખે આવા અપમાનજનક પ્રસંગોની સાથે દયાળુ હકીમ આવે કે બક્ખાને પ્રેમથી હૉકી સ્ટીક આપતો સજ્જન આવે – તેથી ચિત્ર ઘેરું બનતું અટકે છે. ઈ. એમ. ફૉસ્ટરે અસ્પૃશ્યતા અને એથી ઊભા થતા ત્રણ પ્રકારના ઉકેલ આ નવલકથામાં જોયા છે. પહેલો ઉકેલ પાદરી બખ્ખાને ક્રાઈસના ઉપદેશ દ્વારા આકર્ષવા પ્રયત્ન કરે છે, એમાં છે. બીજો ઉકેલ ગાંધીજીએ બ્રાહ્મણને પણ આશ્રમમાં સંડાસ સાફ કરવાનું કામ સોંપ્યું એમાં છે, તો ત્રીજો ઉકેલ ફ્લશ સિસ્ટમમાં છે. ‘આખા ભારતમાં ફ્લશની ટાંકીઓ લગડાવો, ગટર સાથે તેને જોડો અને બસ અસ્પૃશ્યતાની આ નિંદનીય બાબતનો ઉકેલ નક્કી. આજની ભારતીય સમાજ અસ્પૃશ્યતાના મુદ્દાને તો પ્રમાણમાં ઉકેલી શક્યો છે પણ એને અંગેની હિન્દુગ્રંથિને હજી નેસ્તનાબૂદ નથી કરી શક્યો, ત્યારે આ પ્રકારની ઉદ્દેશપૂર્ણ નવલકથા જરૂરી કામગીરી કરી શકે તેમ છે.